You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Ind Vs Pak : પાકિસ્તાનના પરાજય બાદ સાનિયા મિર્ઝા કેમ ટ્રોલ થયાં?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મુકાબલો હોય તો પ્રેક્ષકોનો રોમાંચ કંઈક અલગ જ સ્તરે હોય છે. વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની મૅચ હોય ત્યારે આ ઉત્સાહ અનેક ગણો વધી જાય છે.
ભારત હોય કે પાકિસ્તાન, સરહદની બન્ને તરફના લોકોમાં આ મૅચ માટે રોમાંચ જોવા મળે છે. રવિવારની ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ પહેલાં ચાહકોમાં રોમાંચ સાથે વરસાદના વિઘ્નની ચિંતા પણ હતી.
રવિવારે મૅચ દરમિયાન વરસાદ વરસ્યો પણ મૅચ રદ કરવાની જરૂર ન પડી, આ મૅચમાં ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું.
આ મૅચ અને તેને સંલગ્ન અનેક મુદ્દાઓ સોશિયલ મીડિયા પર ટ્રૅન્ડમાં રહ્યા હતા. મૅચ પછી પણ આ ઘટનાક્રમ યથાવત્ રહ્યો.
ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા.
મૅચ પછી એક પાકિસ્તાની દર્શકે ભાવુક થઈને આપેલા પ્રતિભાવનો વીડિયો વાઇરલ થઈ ગયો હતો.
જેને પાકિસ્તાની ફિલ્મ અભિનેત્રી માયરા ખાન સહિત લાખો લોકોએ વિવિધ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર શૅર કર્યો હતો.
આ વાઇરલ વીડિયોમાં એક વ્યક્તિ ફરિયાદ કરી રહી છે, "આ લોકો કાલે રાત્રે પિઝા ખાતા હતા, બર્ગર ખાતા હતા, એમને કહો દંગલ લડે. ફિટનેસ નામની પણ કોઈ વસ્તુ હોય કે નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે લોકો અહીં એમની પાસે આટલી અપેક્ષાઓ રાખીને બેઠા છીએ અને એમને બર્ગર અને પિઝાની પડી છે. નાના દેશમાં લોકોને નાની-નાની ખુશીઓ જોઈતી હોય છે."
પરંતુ આ વ્યક્તિ કયા સંદર્ભે પાકિસ્તાની ટીમ અંગે આ ફરિયાદ કરી રહી છે? તેણે પાકિસ્તાની ટીમની ફિટનેસ અંગે સવાલ કેમ ઉઠાવ્યા
મોહમ્મદ શફીક નામની વ્યક્તિએ મૅચના દિવસે સવારે એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં શોએબ મલિક તેમનાં પત્ની સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ સાથે એક રેસ્ટોરાંમાં બેઠા છે.
આ ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપની મહત્ત્વની મૅચની આગલી રાત્રે પાકિસ્તાની ક્રિકેટ ટીમના શોએબ મલિક અન્ય ખેલાડીઓ સાથે અડધી રાત્રે શીશા કૅફેમાં બેસીને બર્ગર અને મીઠાઈની મજા માણી રહ્યાં છે. તેથી તેમના ઑલ્ડ ટ્રેફૉર્ડના પ્રદર્શન અંગે કોઈ જ આશ્ચર્ય નથી. એ દરેક વ્યક્તિને શરમ આવવી જોઈએ.
ત્યાર બાદ એ વીડિયો વાઇરલ થયો અને દર્શકોએ પાકિસ્તાની ટીમની શિસ્ત અને ગંભીરતા અંગે સવાલ ઉઠાવ્યા હતા.
ત્યાર બાદ મહોમ્મદ ઉમર ખાન નામના યૂઝરે કૅફેની બહારથી એક વીડિયો રેકર્ડ કર્યો હતો. જેમાં તેમના મિત્રો અને તેઓ કહે છે કે, 'અમે અહીં કૅફેની શોએબ મલિક અને તેમના મિત્રો નીચે આવે તેની રાહ જોઈ રહ્યા છીએ અને તેમને પૂછીશું કે આટલી મહત્ત્વની મૅચની રાત્રે 3 વાગ્યે તેઓ અહીં શું કરે છે?'
વીડિયોમાં એવું પણ કહે છે કે 22 કરોડ લોકો તેમની મૅચ માટે રાહ જોઈને બેઠા છે અને આ લોકો અહીં બેસીને જલસા કરે છે.
આવા 'પ્રૉફેશનલ' ખેલાડી આપણા, શું એ 22 કરોડ લોકોનું દીલ તોડવા અહીં આવ્યા છે? અમારે આવી ટીમ નથી જોઈતી. અમારી ઇમરાન ખાન સાહેબને વિનંતી છે કે આ ટીમ બદલવામાં આવે.
આ ટ્વીટના જવાબમાં સાનિયા મિર્ઝાએ ટ્વીટ કર્યું હતું. તેણે કહ્યું કે 'અમને પૂછ્યા વિના, અમે ના પાડી અને અમારી સાથે બાળક હતું એ છતાં તમે અમારો વીડિયો રેકર્ડ કર્યો એ અમારી વ્યક્તિગત સ્વતંત્રતાનું અપમાન છે.'
સાનિયાએ ટ્વીટમાં લખ્યું, "તમને અમે દૂર જવાનું કહ્યું તો તમે આવું કામ કર્યું? અમે બહાર હતાં, પણ અમે ભોજન લેતાં હતાં અને ટીમ મૅચ હારે તો પણ તેને ભોજન લેવાની તો છૂટ હોય જ છે. મૂર્ખ લોકો. હવે પછી કોઈ સારા કારણ સાથે આવજો."
જો કે, એ પછી મહમ્મદ ઉમર ખાને પોતાનું આ ટ્વીટ ડિલીટ કરી નાંખ્યું હતું.
આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયામાં સાનિયા મિર્ઝા પર સવાલ ઊઠ્યા હતા.
નિરજા ગોગોઈ નામના યૂઝરે લખ્યું હતું કે સાનિયા, અમારા એજન્ટ તરીકે કામ કરવા માટે અને પાકિસ્તાનની ટીમને પ્રૅક્ટિસ ન કરવા દેવા માટે આભાર.
તો મહમ્મદ મસૂદ નામના યૂઝરે લખ્યું હતું કે ત્યાં તમે દેશના પૈસે તમારી ફરજ અદા કરવા માટે ગયાં છો, હનીમૂન ટૂર પર નથી ગયાં.
તો આઈએમ આકીદ નામના યૂઝરે લખ્યું હતું કે, ભાભીજી પતિના ખરાબ પ્રદર્શનથી ગુસ્સે થયાં છો કે પાકિસ્તાનની હારથી?
તો ફીબી બફી નામના યૂઝરે લખ્યું હતું કે, 1. તમે વર્લ્ડ કપ મૅચની આગળની રાત્રે બહાર ગયાં. 2. તમે બાળકને શીશા લાઉન્જમાં લઈ ગયાં. હું આશા રાખું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ શોએબ મલિકને ટીમમાંથી કાઢી નાંખે, જેથી તે ઇચ્છે તે જગ્યાએ ભોજન લઈ શકે અને તેનાથી કોઈને ફરક પણ ન પડે.
શોએબ મલિક ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ જતાં તેમને પણ સોશિયલ મીડિયા પર નિશાન બનાવાયા હતા.
બિલાલ નામના યૂઝરે એક જાહેરાતના વીડિયોનો આધાર લઈને લખ્યું હતું કે, શોએબ મલિક કમ સે કમ પાકિસ્તાની ટીમને ઍરપૉર્ટ સુધી તો લઈ જ જઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો