બાળકીની હત્યાથી શોકગ્રસ્ત ટપ્પલ ગામ : અલીગઢથી ગ્રાઉન્ડ રિપોર્ટ

- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા, ટપ્પલ, અલીગઢ
દિલ્હીથી માંડ 100 કિલોમિટર દૂર અલીગઢ જિલ્લાના ટપ્પલ તાલુકાના લોકોમાં રોષ છે.
અહીંનો લોકોને આશ્ચર્ય છે કે કોઈ વ્યક્તિ એક અઢી વર્ષની બાળકીને કઈ રીતે કિડનૅપ કરી શકે, તેના શરીરને ટુકડે ટુકડા કરી શકે, તેના પર ઍસિડ નાખીને તેની હત્યા કરી શકે અને એ પણ કથિત જૂજ હજાર રૂપિયા માટે.
પાયલ(નામ બદલ્યું છે) 30 મેથી ગુમ હતી. સંબંધીઓ વચ્ચે ઘેરાયેલી તેની માએ જણાવ્યું, "એ સવારે ઘરની બહાર રમતી હતી અને થોડી જ વારમાં અમને ખબર પડી કે એ ગાયબ છે."
તેમણે માથે ઓઢ્યું હતું, તેઓ આંગણામાં બેઠાં હતાં અને તેમના ચહેરા પર કોઈ જ ભાવ નહોતો. ચહેરા પર સુકાયેલાં આંસુનાં નિશાન હતાં.
પરિવાર, મિત્રો, સંબંધીઓએ ટપ્પલની આસપાસનાં ગામોમાં દરેક જગ્યાએ પાયલને શોધી પણ કોઈ જ ભાળ મળી નહીં.
પોલીસે ફરિયાદ નોંધી પણ શોધખોળ અટકી નહીં.
ટપ્પલના દરેક પરિવારને ખબર હતી કે એક પરિવારની અઢી વર્ષની નાનકડી નટખટ દીકરી ગાયબ છે.

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કૂતરાં શબ ખેંચી રહ્યાં હતાં

30 મેએ દીકરી ગુમ થઈ હતી. 2 જૂનના દિવસે છાયા(નામ બદલ્યું છે) લોકોના ઘરોમાંથી કચરો માથે ઉઠાવીને જઈ રહી હતી ત્યારે તેણે જોયું કે ત્રણ કૂતરાં રસ્તાની કોરે કચરાના ઢગલામાંથી બાળકના શબને ખેંચીને લઈ જઈ રહ્યા છે.
આ કચરાનો ઢગલો પાયલના ઘરથી માંડ 200 મીટર દૂર છે.
ટપ્પલના વાલ્મિકી નગરમાં રહેતાં છાયાએ પોતાના ઘરમાં મારી સાથે વાત કરતાં કહ્યું, "મેં જોરથી બૂમ પાડી કે આ કોઈ બાળકનું શરીર છે અને થોડી વારમાં ત્યાં લોકો એકઠા થઈ ગયા."
જેમણે-જેમણે નાની પાયલને આ હાલતમાં જોઈ તેઓ રડી પડ્યા.
પાયલનાં એક આન્ટીએ જણાવ્યું, "તેના શબની દુર્દશા કરી નાંખવામાં આવી હતી અને તેના પર ઍસિડ નાંખવામાં આવ્યું હતું. હું તો તેની તરફ જોઈ પણ શકતી નહોતી."
"તેને ઓળખવી શક્ય નહોતી, તેણે પીળા કલરની ચડ્ડી પહેરી હતી. અમે તેનાથી ઓળખ છતી થઈ."

બળાત્કારની પુષ્ટિ નહીં

પાયલનાં આન્ટી અને દાદીને સંબંધીઓ અને સ્થાનિક મહિલાઓએ ઘેરીને ઊભાં હતાં અને તેઓ તેમને આશ્વાસન આપી રહ્યાં હતાં.
નીચે જમીન પર, દીવાલને ટેકે બેઠેલાં પાયલના દાદીની હાલત ખરાબ હતી, રોતાં રોતાં જ તેઓ તૂટક-તૂટક વાત કરી રહ્યાં હતાં.
"એ બહુ તોફાની હતી, બહુ જ ધીરેથી બોલતી. પણ બહુ જ બોલતી. કહેતી કે બાબા મને ચા આપો, બાબા મને બિસ્કિટ આપો. એ પાંચ વર્ષના તપનું ફળ હતી."
વર્ષા(નામ બદલવામાં આવ્યું છે) અને મુકેશ (નામ બદલવામાં આવ્યું છે)ની દીકરી પાયલ ઘણી માનતાઓ અને ડૉક્ટરોના ઇલાજ પછી જન્મી હતી.
પાયલના જન્મ પછી થોડા જ મહિનામાં વર્ષા પાયલના ભાઈને જન્મ આપે એ પહેલાં ગર્ભમાં જ તેનું મૃત્યુ થયું હતું.
ઘરની બહાર એક ટૅન્ટ નીચે બેઠેલા લોકો બહુ નારાજ હતા. એક વ્યક્તિએ કહ્યું, એક અઢી વર્ષની છોકરી સાથે કોઈ આવું કઈ રીતે કરી શકે.
પાયલના દાદાએ દોષિતોને ફાંસી આપવાની માગ કરી છે. ટપ્પલમાં અમે જેટલા લોકો સાથે વાત કરી તે બધા જ આઘાતમાં હતા.
દીકરીનું નામ સોશિયલ મીડિયા પર હૅશ ટૅગ દ્વારા જાહેર કરીને વિવાદમાં આવેલી અલીગઢ પોલીસનું કહેવું છે કે હજી સુધી બાળકી સાથે બળાત્કાર થયાની પુષ્ટિ થઈ નથી.

કરજની વાત

અલીગઢ પોલીસના વરિષ્ઠ અધિકારી મણિલાલ પાટીદારે કહ્યું કે એવું લાગે છે કે પૈસા પાછા આપવા બાબતે કોઈ વિવાદ હતો, પણ હજી તપાસ ચાલી રહી છે.
પોલીસે જાહિદ અને અસલમ એમ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે, તેમને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અનુસાર દંડ કરવાની તૈયારી છે.
મણિલાલ પાટીદારે કહ્યું, "આ એવી ઘટના છે, જેમાં લોકોનાં મનમાં તેમનાં બાળકો અંગે ચિંતા ઊભી થઈ ગઈ છે. અમે આ કાયદા અંતર્ગત દસ્તાવેજો તૈયાર કરવાના શરૂ કરી દીધા છે અને તેને મંજૂરી માટે વહીવટી તંત્રમાં મોકલવામાં આવશે."
પકડાયેલી બંને વ્યક્તિ પાયલના ઘરથી નજીક રહે છે. પાયલનું શબ જે કચરાના ઢગલામાં મળ્યું તે એમના ઘરની બિલકુલ સામે છે.
અમે જાહિદના ઘરે પહોંચ્યા તો ઘર ખાલી પડ્યું હતું, દરવાજે તાળાં મારેલાં હતાં. જાહિદના ઘરમાં કપડાં જમીન પર વિખેરાયેલાં હતાં, રસોડામાં લોટ ઢોળાયેલો હતો. અસલમનું ઘર પણ બંધ હતું.
પાડોશીઓએ કહ્યું કે જાહિદની ઉંમર 28-29 વર્ષ છે અને તેનાં બે-ત્રણ બાળકો છે, જ્યારે અસલમની ઉંમર 40 વર્ષ કહેવામાં આવે છે અને તેનાં ચાર બાળકો છે.



વિસ્તારમાં તણાવ

જાટની બહુમતી ધરાવતા આ ગામમાં મુસલમાનોની સંખ્યા ઓછી છે.
જાહિદની બાજુમાં જ રહેતાં રહીસ ખાન ટપ્પલ ગામની બહાર કામ કરે છે અને ઈદ માટે ઘરે આવ્યા હતા.
તેઓ કહે છે, "હિંદુ હોય કે મુસલમાન, કોઈ પણ બાળક સાથે આવી ઘટના ન થવી જોઈએ."
કેટલાક લોકોમાં બદલો લેવાની વૃત્તિનો ડર છે. કદાચ એટલે જ આ વિસ્તારમાં પોલીસનો ભારે જમાવડો છે.
આ ઘટનાની તપાસ થઈ રહી છે, પરંતુ દાવો કરવામા આવી રહ્યો છે કે ઘટનાનું કારણ પાયલના દાદાએ જાહિદને આપેલા ઉધાર રૂપિયા છે.

આરોપીએ ધમકી આપી હતી

પરિવારની એક નજીકની વ્યક્તિએ જણાવ્યું,"લગભગ પાચં વર્ષ પહેલાં, પાયલના દાદાએ જાહિદને 50,000 રૂપિયા આપ્યા હતા પરંતુ તેણે બધા પૈસા પાછા ન આપ્યા."
પાયલના પરિવારમાં તેના દાદા સિવાય કોઈને આ પૈસાની લેવડ-દેવડ વિશે ખ્યાલ નહોતો.
"પૈસા પાછા માગ્યા ત્યારે થોડાં દિવસ પહેલાં જાહિદે ધમકી આપી હતી. પરિવારને જાહિદના ઘર સામેથી બાળકીનું શબ મળ્યું તો તે ત્યાંથી ભાગવા લાગ્યો."
ઘરની બહાર ટૅન્ટ નીચે ગરમીમાં બેઠેલા પાયલના દાદા હવે એ ઉધારીનું નામ લેતા જ ચિડાઈ જાય છે.

આપને આ પણ વાચવું ગમશે

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














