વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવ જવાનું કેમ પસંદ કર્યું?

- લેેખક, નિતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, માલદીવથી
સાંજ થવાની છે અને દરિયાના આસમાની પાણીનાં મોજાં ઘુઘવી રહ્યાં છે.
અમે રાજધાની માલેના બોડ્થાકુરુફાન માગુ વિસ્તારમાં દરિયાકિનારે ઊભા છીએ અને એક ભારતીયની વાટ જોઈ રહ્યા છીએ.
નજીકની જેટી પર ડઝનેક સ્ટીમર મધદરિયે આવેલા એક ટાપુ પરથી લોકોને અહીં લાવે છે, ત્યાં લઈ જાય છે.
તો પેલે પાર માલદીવનું ઍરપૉર્ટ પણ આવેલું છે, જ્યાં છેલ્લા બે દિવસથી ભારતીય વાયુદળનાં વિમાનોનું આવનજાવન વધી ગયું છે.
આ દરમિયાન એક અવાજ સંભળાયો, "તમે જ ભારતમાંથી આવ્યા છો?"
ખુશબુ અલીનું મૂળ ભારતનું મુરાદાબાદ પણ ત્યાંથી તેઓ દિલ્હીના લક્ષ્મીનગરમાં જતા રહ્યા.
દિલ્હીથી રોજગારીની શોધ તેમને માલદીવ લઈ આવી.

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


તેમણે જણાવ્યું, "વ્યવસાયે હું એક મેકૅનિક છું. ત્યાં ઍરપૉર્ટ નજીક ફૉલ્ટ રિપૅર કરવા ગયો હતો."
ભૌગોલિક અને વસતીના હિસાબે જોઈએ તો માલદીવ એશિયાનો સૌથી નાનો દેશ છે.
આ દેશની કુલ વસતી લગભગ પાંચ લાખ જેટલી છે અને આવકનો મુખ્ય સ્ત્રોત પ્રવાસન છે. વર્ષે દસ લાખ કરતાં વધુ પ્રવાસીઓ અહીં આવે છે.
માલદીવમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા ત્રીસ હજારની આસપાસ છે. જોકે, કૂટનીતિની દૃષ્ટિએ માલદીવ ભારત માટે બહુ જ મહત્ત્વનો દેશ છે.

અલી જણાવે છે, "અહીં સૌ કહે છે કે ભારતીયોએ માલદીવની પહેલાંથી જ બહુ મદદ કરી છે. હજુ પણ કરે છે."
"જોકે, કામને લઈને થોડું વધુ સારું થઈ શક્યું હોત. બાર કલાકની ડ્યૂટી છે અહીં. એ સારું નથી. થોડા કલાકો ઘટવા જોઈએ. પગાર પણ ઓછો છે ભારતીયોનો, ટેકનિશિયનનો, લેબરનો. થોડો વધુ હોવો જોઈએ."
મેં એને પૂછ્યું, "શનિવારે વડા પ્રધાન મોદી આવી રહ્યા છે, ખબર છે?"
જવાબ મળ્યો, "કેમ ખબર ન હોય? હવે જોઈએ મુલાકાતમાંથી શું નીકળે છે?"


માલદીવ જ કેમ?

સતત બીજી વખત લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રથમ અધિકૃત વિદેશપ્રવાસ માટે માલદીવને પસંદ કર્યું છે
નરેન્દ્ર મોદીએ પોતાના બીજા શપથગ્રહણ સમારોહ માટે ગત વખતની જેમ દક્ષિણ એશિયન પ્રાદેશિક સહયોગ સંગઠન (સાર્ક)ને બદલે બિમસ્ટેક રાષ્ટ્રના નેતાઓને આમંત્રણ પાઠવ્યું હતું, જેમાં થાઇલૅન્ડ અને મ્યાંમાર જેવા દેશો પણ સામેલ છે.
જોકે, માલદીવનો આમાં સમાવેશ થતો નથી.
સ્પષ્ટ છે કે ભારતીય વિદેશનીતિને ઘડનારા લોકોનાં મનમાં એ વાત આવી જ હશે કે આ પગલું ક્યાંક માલદીવને ખટકે નહીં.
માલદીવ દક્ષિણ એશિયા અને અરબી સમુદ્રમાં સ્ટ્રેટેજિક લોકેશન પર છે, જે ભારત માટે હવે પહેલાંથી ક્યાંય વધુ મહત્ત્વ ધરાવે છે.
માલદીવમાં ભારતીય રાજદૂત સંજય સુધીર પણ આ વાત સાથે સહતમ થાય છે.

બીબીસી સાથે થયેલી ખાસ વાતચીતમાં તેમણે કહ્યું, "માલદીવ આપણી 'નૅબરહુડ ફર્સ્ટ પૉલિસીનો બહુ મોટો ભાગ છે. મધ્ય-પૂર્વમાંથી તેલ અને ગૅસની આપણે જેટલી આયાત કરીએ છીએ, એમાંથી બહુ મોટો ભાગ 'એ ડિગ્રી' એટલે કે માલદીવની નજીકમાંથી પસાર થાય છે."
"આ ઉપરાંત હિંદ મહાસાગરના આ વિસ્તારમાં શાંતિ-સ્થિરતા રહે એ પણ જરૂરી છે. વળી, ભારત માલદીવમાં એક વિશ્વસનીય ડેવલપમૅન્ટ પાર્ટનરની ભૂમિકા પણ ભજવે છે."
ભારતીય વિદેશસચિવ વિજય ગોખલેએ પણ એ વાત પર ભાર આપ્યો હતો કે 'વડા પ્રધાનના પ્રવાસ દરમિયાન વિકાસ અને સુરક્ષા સંબંધી કેટલીય મહત્ત્વની સમજૂતી થશે.'
વડા પ્રધાન માલદીવને પ્રથમ વિદેશ પ્રવાસ માટે પસંદ કર્યું એ પાછળ ચીન પણ એક મોટું કારણ હોવાનું જણાવાઈ રહ્યું છે.
ચીને છેલ્લા એક દાયકાથી હિંદ મહાસાગરમાં પોતાનો પ્રભાવ વધારવા માટેનું અભિયાન વેગવંતું બનાવ્યું છે.
આ કડીનો પ્રથમ ભાગ શ્રીલંકાને ગણાવાઈ રહ્યો છે અને બાદમાં માલદીવ પર ધ્યાન કેન્દ્રીત કરાઈ રહ્યું છે.
વેપાર, આર્થિક મદદ અને માળખાકીય સુવિધાઓ ચીન આ દેશોમાં ઝડપથી પગ ઘાલવામાં અમુક હદ સુધી સફળ પણ રહ્યું છે.

જોકે, આ બન્ને રાષ્ટ્રો ચીનની સરખામણીએ ભારત સાથે ભૌગોલિક અને સાંસ્કૃતિક તેમજ નાનામોટા વેપાર થકી વધું જોડાયેલાં છે.
તેમ છતાં માલદીવ પર ભારતનો પ્રભાવ છેલ્લાં કેટલાંક વર્ષોથી થોડો ઘટ્યો હતો.
વર્ષ 2013થી 2018 સુધી અહીં અબ્દુલ્લા યામીનની સરકાર હતી. તેણે લીધેલાં કેટલાંક પગલાં ભારતને માફક નહોતાં આવ્યાં.
તેઓ ચીનની નજીક હતા.
માલદીવમાં ભારતના પૂર્વ રાજદૂત ગુરજીતસિંહ પણ આ વાતને સ્વીકારે છે.
તેમણે કહ્યું, "જો તમામ સાર્ક રાષ્ટ્રોની વાત કરમાં આવે તો છેલ્લાં ગત વર્ષોમાં પાકિસ્તાન બાદ માલદીવ સાથે ભારતના સંબંધો ઘણા ખરાબ થઈ ગયા હતા. એટલે આ પ્રવાસ એકમદ યોગ્ય સમયે થઈ રહ્યો છે."


પરિવર્તનની અસર

માલદીવમાં વર્ષ 2018માં ચૂંટણી બાદ સત્તાપરિવર્તન થયું. રાષ્ટ્રપતિ સોલિહે ગત વર્ષે ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લીધી, જેમાં કેટલાય મહત્ત્વના વેપારી કરારો હાથ ધરાયા.
એ મુલાકાતના સમાપન પહેલાં ભારતને થયેલી રાહત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં કંઈક આવી રીતે સમજી શકાય,
"આપની આ યાત્રામાં આંતરિક વિશ્વાસ અને મિત્રતાની ઝલક જોવા મળે છે, જેના પર ભારત-માલદીવના સંબંધો આધાર રાખે છે."
આ દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી માલદીવની રાજધાની માલેને શણગારવામાં આવી રહી છે.
રસ્તાઓની સફાઈ અને ઇમારતોને ચમકાવવાનું અભિયાન પણ ચાલી રહ્યું છે.
ગત આઠ વર્ષોમાં કોઈ ભારતીય વડા પ્રધાનની આ પ્રથમ અધિકૃત મુલાકાત છે.
બન્ને દેશોના ઝંડા રસ્તા પર લગાવી દેવાયા છે અને માર્ગ પર સુરક્ષા પણ વધારી દેવાઈ છે.
માલેની એક પ્રખ્યાત હોટેલમાં અમારી મુલાકાત બંગાળથી નોકરી કરવા આવેલા અમિતકુમાર મંડલ સાથે થઈ, જે વડા પ્રધાન મોદીની મુલાકાતને લઈને ભારે ઉત્સાહિત જોવા મળે છે.
તેમણે કહ્યું, "બીજી સરકાર આવી એ બાદ સ્થિતિ બહુ સારી છે. કાલે અહીં નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે. આપણા માટે આ સારું જ છે. પહેલાં આપણા લોકો માટે ખાસ તકો નહોતી અહીં, એ હિસાબે આ સારું જ છે. પહેલાંથી બહુ સારું છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














