મ્યાનમારના આ 'બૌદ્ધ ભિક્ષુ' કેમ ગણાય છે મુસ્લિમોના ઘોર વિરોધી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સ્વામીનાથન નટરાજન
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
તે મસ્જિદને દુશ્મનનો અડ્ડો ગણાવે છે અને મુસ્લિમોને 'પાગલ કુત્તા' કહે છે.
તે આક્ષેપ મૂકે છે કે મુસ્લિમો 'બર્માની સ્ત્રીઓનું અપહરણ કરીને તેમના પર બળાત્કાર કરે છે' અને તેઓ 'બહુ ઝડપથી બાળકો પેદા કર્યાં કરે છે'.
વર્ષોથી મ્યાનમારના સત્તાધીશોએ વિશ્વના આ સૌથી વધુ વિવાદાસ્પદ બૌદ્ધ સાધુ અશિન વિરાથુને સંરક્ષણ અને આશરો આપ્યો છે.
તેના કારણે જ તે આવો ઝેરીલો પ્રચાર કરતા ફરી શકે છે.
જોકે, વિરાથુએ નોબલ પારિતોષિક વિજેતા આંગ સાન સૂ કી પર આકરા પ્રહારો શરૂ કર્યા તે પછી દેશના સત્તાધીશોને લાગ્યું કે તેમણે હવે હદ વટાવી છે.
તેમની સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરાયો છે અને ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પ્રારંભિક જીવન

ઇમેજ સ્રોત, Getty Images
2001માં મુસ્લિમ વેપારીઓનો બહિષ્કાર કરવાની જાહેરાત કરીને વિરાથુ સમાચારોમાં પહેલી વાર ચમક્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2003માં તેમની ધરપકડ થઈ અને 25 વર્ષની કેદની સજા થઈ હતી.
જોકે, સામૂહિક માફીના કારણે તેમને 2010માં જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા. જેલવાસથી પણ એમની ઉગ્રતા ઓછી ન થઈ.
દેશની મુસ્લિમ લઘુમતી સામે તેમની વાણી પહેલાંની જેમ જ આગ ઓકતી રહી.
પોતાનાં ભાષણોમાં તેઓ બૌદ્ધકથાઓ કહે છે અને તેમાં ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાને વણી લે છે.
પત્રકારપરિષદ કરતી વખતે તે ધીમા અને શાંત સ્વરમાં વાત કરે છે, પરંતુ જાહેર ભાષણમાં તેઓ ઉગ્ર હાવભાવ સાથે આવેશપૂર્ણ વાણી વાપરે છે.
દેશમાં આમ પણ ઇસ્લામોફોબિયા (ઇસ્લામની સામે રોષ) પ્રગટેલો છે, ત્યારે તેમનાં ભાષણો આગમાં ઘી હોમવાનું કામ કામ કરે છે.
મુસ્લિમ પુરુષોને બૌદ્ધ સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની મનાઈ કરતો કાયદો ઘડવા માટે તેમણે ઝુંબેશ ચલાવી હતી.
તેઓ કહે છે, "તમે નાગને સમજી ના શકો, કેમ કે તે દેખાવમાં નાનો હોય છે. મુસ્લિમો એવા જ છે."

પ્રતિબંધ

ઇમેજ સ્રોત, Getty Images
મુસ્લિમોની વધી રહેલી વસતિના કારણે દેશની બૌદ્ધ સંસ્કૃતિનો નાશ પામશે તેવો પ્રચાર કરવા માટે તેણે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.
જોકે, ફેસબુકે જાન્યુઆરી 2018માં તેમના પર પ્રતિબંધ લાદી દીધો હતો.
દેશની મુસ્લિમ લઘુમતી રોહિંગ્યા મુસ્લિમ સામે તેની ઝેરીલી પોસ્ટને ધ્યાનમાં લઈને ફેસબુકે તેમનું નામ બ્લેકલિસ્ટમાં નાખી દીધું હતું.
વિરાથૂએ કહેલું કે પોતે સોશિયલ મીડિયાના બીજા માધ્યમનો ઉપયોગ કરશે.
તેમણે કહ્યું હતું, "ફેસબુકે મને બંધ કરી દીધો, ત્યારે મેં યૂટ્યૂબનો આશરો લીધો હતો. જોકે, યૂટ્યૂબનો ફેલાવો બહુ નથી, તેથી હું ટ્વિટરનો ઉપયોગ કરીને મારું રાષ્ટ્રવાદી કાર્ય આગળ વધારીશ."
તેઓ રશિયન સોશિયલ મીડિયા અને નેટવર્કિંગ સાઇટ VK મારફતે પણ પોતાના વીડિયો શૅર કરે છે.
જોકે, માત્ર ફેસબુકે તેમના પર પ્રતિબંધ લાદ્યો હતો તેવું નથી.
તે જ વર્ષે એપ્રિલમાં બૌદ્ધ બહુમતી ધરાવતા પડોશી દેશ થાઈલૅન્ડમાં પણ તેમને ભાષણ આપવાની મનાઈ ફરમાવી દેવાઈ હતી.

ગેરસમજણ

ઇમેજ સ્રોત, Getty Images
આ બૌદ્ધ સાધુ જેટલા વધુ લોકપ્રિય થયા તેટલી જ મ્યાનમારના મુસ્લિમોની મુશ્કેલી વધી હતી.
મ્યાનમારમાં મુસ્લિમોની વસતિ પાંચ ટકા જેટલી છે.
જુલાઈ 2013માં ટાઇમ મૅગેઝિને તેમની તસવીર પોતાના કવર પર ચમકાવીને "બૌદ્ધ ત્રાસવાદનો ચહેરો" એવું મથાળું માર્યું હતું.
"મને ખોટી રીતે સમજીને મારા પર પ્રહારો કરવામાં આવે છે. મને લાગે છે કે કોઈ એવું જૂથ છે જે મને બદનામ કરવા માટે મીડિયાને પૈસા આપે છે. ઑનલાઇન મીડિયા તો મુસ્લિમોના નિયંત્રણમાં જ છે," એમ તેણે 2013માં બીબીસીને જણાવ્યું હતું.
2015માં તૈયાર થયેલી એક દસ્તાવેજી ફિલ્મમાં તેમને 'બૌદ્ધ બિન લાદેન' તરીકે ઓળખાવાયા હતા.
તેમનું આ ઉપનામ પશ્ચિમના અખબારીજગતે તરત સ્વીકારી લીધું હતું. જોકે, તે આવી સરખામણીને નકારી કાઢે છે.
તે કહે છે કે પોતે હિંસાનો વિરોધ કરે છે.
વિરાથુ કહે કે હું તો કોઈને ખરાબ રીતે જવાબ આપવામાં પણ માનતો નથી.

સંયુક્ત રાષ્ટ્રસંઘનો વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
51 વર્ષીય આ બૌદ્ધ સાધુ મોટા ભાગે જાતે જ ઊભા કરેલા વિવાદોને કારણે સતત ચર્ચામાં રહે છે.
2015માં સંયુક્ત રાષ્ટ્રસંઘે મ્યાનમારની મુસ્લિમ લઘુમતીની હાલતની તપાસ કરવા માટે વિશેષ પ્રતિનિધિ મોકલ્યા હતા.
પ્રતિનિધિ તરીકે આવેલા દક્ષિણ કોરિયાના આ મહિલા રાજદ્વારી યાંગી લીનું તેમણે 'કૂતરી' અને 'વેશ્યા' એવા શબ્દોથી અપમાન કર્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રસંઘે ગયા વર્ષે બહાર પાડેલા અહેવાલમાં જણાવાયું હતું કે રખાઇન પ્રાંતમાં થયેલા હત્યાકાંડ બદલ મ્યાનમારની સેનાના ટોચના અધિકારીઓની પણ તપાસ થવી જોઈએ.
આ અહેવાલ પછી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઇસીસી)એ પ્રાથમિક તપાસનો આરંભ કર્યો છે.
મ્યાનમારની સરકારે સંયુક્ત રાષ્ટ્રસંઘનો આ અહેવાલ નકારી કાઢ્યો હતો.
અહેવાલ સામે આ સાધુએ આકરા પ્રહારો કર્યા હતા.
"જે દિવસે આઈસીસી અહીં આવશે... તે દિવસે વિરાથૂના હાથમાં બંદૂક હશે," એમ ગયા ઑક્ટોબરમાં એક જાહેર સભામાં તેમણે પોતાના ટેકેદારોને જણાવ્યું હતું.
એવો આક્ષેપ થાય છે કે તેમના ટેકેદારોએ રખાઇન પ્રાંતમાં 2012માં મુસ્લિમ વિરુદ્ધ રમખાણો કર્યાં હતાં.
2012થી શરૂ થયેલાં રમખાણોને કારણે 700,000 જેટલા લોકોએ પડોશી દેશ બાંગ્લાદેશમાં આશરો લીધો હતો.
2017માં ગાર્ડિયન અખબારને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું: "આંગ સાન સૂ કી બંગાળીઓને મદદ કરવા માગશે, પણ હું તેમને અટકાવીશ."
મ્યાનમારના રાષ્ટ્રવાદીઓ રોહિંગ્યા મુસ્લિમોને મોટા ભાગે બંગાળીઓ તરીકે ઓળખે છે.
આવો શબ્દ વાપરીને તેઓ તેમને વિદેશીઓ ગણાવવા માગે છે.
શાસક પક્ષ નેશનલ લિગ ફૉર ડેમૉક્રસી મુસ્લિમ ઍજન્ડા ચલાવતી હોવાનો તેમનો આક્ષેપ છે.

બૌદ્ધ ધર્મ

ઇમેજ સ્રોત, Getty Images
મ્યાનમારનો સત્તાવાર કોઈ રાષ્ટ્રધર્મ નથી, પણ સમાજ પર બૌદ્ધ ધર્મનો વ્યાપક પ્રભાવ છે. દેશની 90 ટકા વસતિ બૌદ્ધ ધર્મને અનુસરે છે.
સદીઓથી બૌદ્ધવિહારોને રાજ્યાશ્રય આપવામાં આવતો હતો.
બ્રિટિશરાજ આવ્યું તે પછી 19મી સદી રાજ્યાશ્રય બંધ થયો હતો. બર્માની ફળદ્રુપ ભૂમિ પર ઠેર ઠેર ભવ્ય બૌદ્ધમંદિરો જોવા મળે છે.
ઇરાવદી અને બીજી નદીથી ફળદ્રુપ બનેલી આવી વિશાળ જમીનો બૌદ્ધવિહારોની માલિકીની હોય છે.
દેશમાં લાંબો સમય સુધી લશ્કરનું એકહથ્થું શાસન રહ્યું છે. લશ્કરમાં 4,00,000 જેટલા જવાનોની ભરતી થયેલી છે.
બૌદ્ધ સાધુઓની સંખ્યા તેનાથી પણ વધારે અંદાજે 500,000 જેટલી છે.
બૌદ્ધ સાધુઓનો સામાજિક દરજ્જો ઊંચો ગણાય છે અને સમાજમાં તેમને માનસન્માન મળે છે.

મા બા થા

ઇમેજ સ્રોત, Getty Images
વિરાથુ પ્રારંભમાં 969 એવા નામે ઓળખાતા સંગઠન સાથે જોડાયેલો હતા.
આ સંગઠનના સમર્થકોના જણાવ્યા અનુસાર પ્રથમ આંકડો નવ એટલે બૌદ્ધના વિશેષ નવ ગુણો, છનો અર્થ થાય છે બૌદ્ધ ધર્મના મહત્ત્વના છ ઉપદેશો અને છેલ્લો નવ એટલે બૌદ્ધ સાધુઓના સંઘના નવ ગુણો.
જોકે, 969 સંગઠન વધારે તો મુસ્લિમો સામેના તેના વિરોધને કારણે જાણીતું થયું હતું.
સંગઠનને સરકારનું પણ સમર્થન હતું અને 2013માં તે વખતના મ્યાનમારના પ્રમુખ થેઇન સેને તેને જાહેરમાં ટેકો આપ્યો હતો.
તેમણે સંગઠનની ઝુંબેશને આવકારીને તેના સર્વોચ્ચ નેતા વિરાથુને 'બુદ્ધપુત્ર' ગણાવ્યા હતા.
બાદમાં વિરાથુ બીજી એક સંસ્થા 'મા બા થા'ના પણ વડા તરીકે નીમાયા હતા.
મા બા થા એટલે બર્મા દેશપ્રેમી સંગઠન, જેની સ્થાપના 2014માં થઈ હતી.
સંગઠનનો વ્યાપ બહુ ઝડપથી ફેલાયો હતો અને બાદમાં 2017માં તેના પર પ્રતિબંધ મુકાયો હતો.
જોકે, પ્રતિબંધ પછી પણ વિરાથુની કામગીરી ચાલુ રહી.
મ્યાનમારની જૂની રાજાશાહીની રાજધાની મંડલેમાં આવેલા 'મા સોએ યેઇન' વિહારમાં રહીને વિરાથુ કામ કરતા રહ્યા.
પોતાના આ હેડક્વાર્ટરમાં તેમણે તસવીરોનું કાયમી પ્રદર્શન ગોઠવીને રાખ્યું છે.
આ તસવીરો મુસ્લિમોની હિંસાનો ભોગ બનેલા લોકોની છે એમ તેમનું કહેવું છે.
કેસરી ઝભ્ભામાં સજ્જ વિરાથુએ બીબીસીને 2013માં એક લાંબી મુલાકાત આપી હતી, તેમાં તેમણે પોતાની પ્રવૃત્તિનો જરાય અફસોસ વ્યક્ત કર્યો નહોતો.
તેમણે કહ્યું હતું, "મુસ્લિમો નબળા હોય ત્યારે જ સારી રીતે વર્તતા હોય છે. તેઓ તાકાતવાન થાય ત્યારે તેઓ વરુ કે શિયાળ જેવા થઈ જાય છે. તેઓ ટોળામાં નીકળી પડે છે અને બીજા પ્રાણીઓનો શિકાર કરે છે."
"પોતાના સિવાય (મુસ્લિમો) બીજા કોઈને માણસ ગણતા જ નથી. તે લોકો ખ્રિસ્તીઓ અને હિંદુઓ પર પણ હુમલા કરે છે."
"તે લોકો બધા પર હુમલા કરતા રહે છે. તમને વિશ્વાસ ન આવતો હોય તમારી અણુ ટૅક્નૉલૉજી આપો તાલિબાનોને."
બીબીસી સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે હું તમને ખાતરી આપું છું કે તમારા દેશનું નામોનિશાન નહીં રહે."

વ્યાપક પ્રભાવ

ઇમેજ સ્રોત, Getty Images
વિરાથુ સતત વિમાનપ્રવાસ કરતા રહે છે અને શ્રીલંકાના બોડુ બાલા સેના (બીબીએસ) તરીકે જાણીતા જૂથ સાથે પણ તેમણે કડી સ્થાપિત કરી છે.
શ્રીલંકાના આ જૂથની આગેવાની લંકાના થેરાવાદ બૌદ્ધ પંથ પાળતા બૌદ્ધ સાધુઓ પાસે છે.
બીબીએસ પણ મુસ્લિમો સામે હિંસક ઝુંબેશ ચલાવવા માટે જાણીતું બન્યું છે.
"આજે બૌદ્ધ ધર્મ ખતરામાં છે. ખતરાની ઘંટડી વાગી છે ત્યારે આપણે સૌએ એકબીજાના હાથ પકડીને મજબૂત બનવાનું છે," એમ તેમણે 2014માં કોલોમ્બોની એક સભામાં કહ્યું હતું.
જોકે વિરાથુની વધતી જતી લોકપ્રિયતા મ્યાનમારના પરંપરાગત રીતે ચાલતા બૌદ્ધમઠોના વડાઓને પસંદ પડી નથી. સરકારનું સમર્થન ધરાવતી સંઘ કાઉન્સિલે તેના પર 2017માં એક વર્ષ માટે બૌદ્ધમઠોમાં પ્રવચન આપવા પર પ્રતિબંધ લાદ્યો હતો.
તેમણે દેશના સૌથી લોકપ્રિય નેતા પર પ્રહારો કરવાનું શરૂ કર્યું ત્યારથી વિરાથુની મુશ્કેલીની શરૂઆત થઈ.

સૂ કી પર પ્રહારો

ઇમેજ સ્રોત, Getty Images
"તે કોઈ ફેશનવાળી હોય તેવાં વસ્ત્રો પહેરે છે. મેકઅપ કરે અને અદાથી ચાલે છે."
"ઊંચી એડીનાં જૂતાં પહેરે છે અને વિદેશીઓ સામે પોતાનું બેઠકસ્થાન હલાવે છે," એવી આકરી ટીકા તેમણે સૂ કી વિશે ગયા એપ્રિલમાં કરી ત્યારે સભામાં લોકોએ કિલકારીઓ પાડી હતી.
મે મહિનામાં આપેલા એક ભાષણમાં વિરાથુએ સરકારનાં એક સભ્ય પર 'વિદેશીઓ સાથે સહશયન'નો આરોપ મૂક્યો હતો.
સૂ કીએ બ્રિટિશ શિક્ષણશાસ્ત્રી માઇકલ એરિસ સાથે લગ્ન કર્યાં હતાં. સૂ કી લશ્કરી શાસકોની નજર કેદમાં હતાં ત્યારે 1999માં કૅન્સરના કારણે એરિસનું અવસાન થયું હતું.
"વિરાથુ લોકપ્રિય સાધુ છે અને તેમનો અનુયાયી વર્ગ વિશાળ છે. તે મુસ્લિમો પર પ્રહારો કરે ત્યારે અનુયાયીઓ રાજી થાય છે."
"પણ તે આંગ સાન સૂ કી પર પ્રહારો કરે છે ત્યારે તેની લોકપ્રિયતા ઘટે છે," એમ મ્યાત થૂ કહે છે.
તેઓ યાન્ગોન સ્કૂલ ઑફ પોલિટિકલ સાયન્સ નામની થિન્ક ટૅન્કના સહસ્થાપક છે.

આપને આ પણ વાંચવું ગમશે

ઑક્સફર્ડમાં ભણેલા આંગ સાન સૂ કી 'સન્નારી' તરીકે જાણીતાં છે.
બિનસત્તાવાર રીતે તેઓ જ દેશનાં વડાં મનાય છે. તેમનો સત્તાવાર હોદ્દો માત્ર સ્ટેટ કાઉન્સેલરનો જ છે.
પ્રમુખ તરીકે તેમના નજીકના સાથી વિન મિઈન્ત છે. સૂ કી બંધારણ પ્રમાણે રાષ્ટ્રનાં વડાં બની શકે તેમ નથી, કેમ કે તેમનાં બે સંતાન વિદેશી નાગરિક છે.
સત્તા પર આવેલી નાગરિક સરકાર હવે બંધારણની આવી કલમ નાબૂદ કરવા માગે છે, જેથી આંગ સાન સૂ કી સર્વોચ્ચ હોદ્દો ધારણ કરી શકે.
જોકે, વિરાથુ બંધારણમાં આવો ફેરફાર કરવાના વિરોધમાં છે.
મ્યાત થૂ ઉમેરે છે, "લોકોને આંગ સાન સૂ કી માટે બહુ આદર છે. વિરાથુને સમર્થન આપનારા ઘણા ઉદ્દામવાદી બૌદ્ધ સાધુઓ માટે પણ હવે સૂ કી પરના તેમના પ્રહારોને કારણે સમર્થન આપવું મુશ્કેલ થઈ રહ્યું છે."
"વિરાથુએ માત્ર બંધારણમાં ફેરફારનો વિરોધ કર્યો હોત તો સત્તાધીશો માટે તેમની સામે કામ લેવું મુશ્કેલ બન્યું હોત."
"પરંતુ તેણે સૂ કી સામે અંગત પ્રહારો કરવાનું શરૂ કર્યું છે, જે પ્રજાને બહુ પસંદ પડ્યું નથી," એમ મ્યાત થૂ માને છે.
"તેમણે પોતાની સામે કાર્યવાહી કરવાનું કામ સરકાર માટે સહેલું બનાવી દીધું છે."
જોકે, વિરાથુ હજીય આકરા પાણીએ છે.
"તેઓ મારી ધરપકડ કરવા માગતા હોય તો કરી શકે છે," એમ તેણે વેબપોર્ટલ Irrawaddy.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.














