ઓડિશાનાં પ્રમિલા બિસોઈની આંગણવાડી કૂકથી સાંસદ બનવા સુધીની કહાણી

ઇમેજ સ્રોત, Subrat Pati
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
2019ની લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીની સૌથી વધારે 78 મહિલા સાંસદો ચૂંટાઈ છે.
તેમાં રાહુલ ગાંધીને હરાવીને આશ્ચર્યમાં મૂકનાર સ્મૃતિ ઈરાની છે, તો સૌથી યુવા સાંસદ ચંદ્રાણી મુર્મૂ પણ છે.
પરંતુ ચર્ચા ઓડિશાનાં પ્રમિલા બિસોઈની પણ ઓછી નથી કે જેઓ આંગણવાડીમાં ભોજન બનાવવાનું કામ કરતાં હતાં, પછી તેમણે મોટાપાયે મહિલાઓને સ્વરોજગારમાં સહાયતા કરી.
તેઓ 17મી લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયાં હતાં.

ઇમેજ સ્રોત, Subrat Pati
સાડી, માથા પર ચાંદલો, સ્પષ્ટ દેખાતું સિંદૂર અને નાકમાં પારંપરિક દાણો પહેરેલાં 70 વર્ષીય મહિલા પ્રમિલા બિસોઈ બીજૂ જનતા દળ (બીજેડી)ની ટિકિટ પર ઓડિશાની અસ્કા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યાં છે.
તેમની જીતનું અંતર 2 લાખ મત કરતાં વધારે હતું.
સ્થાનિક લોકો તેમને પ્રેમથી 'પરી મા' કહે છે. સ્વયં સહાયતા સમૂહનાં એક સામાન્ય મહિલાથી સાંસદ સુધીનો તેમનો પ્રવાસ એક ફિલ્મી કહાણી જેવો છે.

ઇમેજ સ્રોત, Subrat Pati
માત્ર પાંચ વર્ષની વયે પ્રમિલાનાં લગ્ન થઈ ગયાં હતાં. એ માટે તેઓ આગળ શિક્ષણ મેળવી શક્યાં ન હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારબાદ પ્રમિલાએ ગામમાં જ આંગણવાડીમાં રસોઈનું કામ શરૂ કરી દીધું.
પછી તેમણે ગામમાં જ એક સ્વયં સહાયતા સમૂહની શરૂઆત કરી. તેમને જલદી સફળતા મળી અને તેઓ ઓડિશાનાં પહેલા સ્વયં સહાયતા સમૂહ 'મિશન શક્તિ'નાં પ્રતિનિધિ બની ગયાં.

ઇમેજ સ્રોત, Subrat Pati
બીજેડી સરકારે પ્રમિલા બિસોઈને પોતાની મહત્ત્વકાંક્ષી યોજના મિશન શક્તિનો ચહેરો બનાવ્યો છે. દાવો છે કે આ યોજનાથી 70 લાખ મહિલાઓને ફાયદો મળ્યો.
માર્ચમાં પ્રમિલા બિસોઈની ઉમેદવારીની જાહેરાત કરતા પ્રદેશના મુખ્ય મંત્રી નવીન પટનાયકે કહ્યું હતું, "આ મિશન શક્તિ સાથે જોડાયેલી લાખો મહિલાઓ માટે એક ભેટ છે."
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પ્રમિલાના પતિ ક્લાસ 4ના સરકારી કર્મચારી હતા.
તેમનાં મોટા દીકરા દિલીપ ચાની દુકાન ચલાવે છે અને નાના દીકરા રંજનની ગાડીઓની રિપેરીંગની દુકાન છે.
આ પરિવાર એક પતરાની છત ધરાવતા નાના એવા ઘરમાં રહે છે.

ઇમેજ સ્રોત, Subrat Pati
તેમના પાડોશી જગન્નાથ ગૌડા તેમને નાનપણથી ઓળખે છે. સ્થાનિક પત્રકાર સુબ્રત કુમારને તેઓ કહે છે, "તેમણે માત્ર ત્રીજા ધોરણ સુધી શિક્ષણ મેળવ્યું છે પણ તેમણે નજીકના ગામમાં રહેતી ગરીબ મહિલાઓનું જીવન બદલી નાખ્યું છે. તેઓ 15 વર્ષથી સક્રિય રીતે સમાજસેવા સાથે જોડાયેલાં છે. ગામમાં તેમનાં પ્રયાસથી એક ઇકો પાર્ક બન્યું છે."
તેમની નેતૃત્વ ક્ષમતા પર જગન્નાથ જણાવે છે કે ખૂબ ઓછું શિક્ષણ મેળવ્યાં છતાં પ્રમિલા સામયિક ઘટનાઓ પર તુરંત ગીત રચવાનું હૂનર ધરાવે છે અને મહિલાઓને પ્રેરિત કરવા માટે ગીત ગાય પણ છે.
જગન્નાથ કહે છે કે પ્રમિલા પાસે એક એકરથી ઓછી જમીન છે, જેમાં કામ કરવા તેઓ પોતે પણ ઘણી વાર જાય છે.

ઇમેજ સ્રોત, Subrat Pati
પ્રમિલા સાથે સ્વયં સહાયતા સમૂહમાં કામ કરી ચૂકેલાં શકુંતલાએ જણાવ્યું કે તેમનાં સમૂહની મહિલાઓ પ્રમિલાને મા સમાન માને છે.
દસ વર્ષ પહેલા પ્રમિલાનાં કહેવા પર જ શકુંતલા અને ગામની 14 મહિલાઓએ મળીને એક સ્વયં સહાયતા સમૂહની શરૂઆત કરી હતી.
સમૂહની મહિલાઓએ ચર્ચા કરીને મકાઈ, મગફળી અને શાકભાજીની ખેતી કરવાનું શરૂ કર્યું અને તેનાથી આવકમાં પણ વધારો થયો.
પ્રમિલા સારી રીતે હિંદી બોલી શકતાં નથી. પરંતુ અંગ્રેજી સમાચારપત્ર 'ધ હિંદુ' સાથે વાતચીતમાં તેમણે એ દલીલને ફગાવી દીધી કે રાષ્ટ્રીય રાજકારણમાં માત્ર હિંદી કે અંગ્રેજી બોલતા લોકો જ સફળ થઈ શકે છે.
તેમણે કહ્યું, "હું ગર્વથી સંસદમાં મારી માતૃભાષા ઉડિયામાં જ બોલીશ."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














