બીબીસી સ્પેશિયલ : 'Super 30'ના આનંદ કુમાર ખરેખર હીરો છે કે વિલન

ઇમેજ સ્રોત, ANAND KUMAR
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા, પટનાથી

બિહારમાં સુપર-30ના પ્રમુખ આનંદ કુમાર કોચિંગ ક્ષેત્રમાં એક જાણીતું નામ છે
તેમના પરથી બોલીવૂડની ફિલ્મ પણ બની ચૂકી છે
હવે ભારત સરકારે તેમને પદ્મશ્રી આપવાની જાહેરાત કરી છે
વાંચો ઑગસ્ટ 2018માં લખાયેલો આનંદ કુમાર પરનો આ વિશેષ અહેવાલ

"આ બિહાર છે. અહીં કોણ કેવું છે અને કેટલું પ્રતિભાશાળી છે તે વ્યક્તિના કામના આધારે નહીં, પરંતુ તેની જાતિના આધારે નક્કી થાય અને લોકો તેને પ્રામાણિક માને છે."
"ખાસ કરીને જો વ્યક્તિ સવર્ણ ન હોય અને તેની પ્રતિભાની ચર્ચા થઈ રહી હોય તો બિહારમાં સવર્ણોના કાન ઊભા થઈ જાય છે. લોકો તરત જ એની કાબેલિયત પર સવાલ કરવા લાગે છે."
જ્યારે હું સુપર 30ના સંસ્થાપક આનંદ કુમારના ગામ દેવધા જવા માટે નીકળ્યો તો પટના યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક શિવજતન ઠાકુરની આ વાત મને ખટકી.
દેવધા પટનાથી લગભગ 25 કિલોમિટર દૂર છે. આ ગામને લોકો જેટલું દેવધા તરીકે ઓળખે છે તેથી વધારે આનંદના ગામ તરીકે ઓળખે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગામમાં પહોંચતા જ મને એક ઘર દેખાયું.
ઘરની બહાર એક નિવૃત્ત શિક્ષક મોહન પ્રકાશ (બદલેલું નામ) બેઠા હતા. એમને મેં પૂછ્યું, "શું આ આનંદ કુમારનું ગામ છે?"
તો એમણે મને સામે ગુસ્સામાં જવાબ આપ્યો, "આ ગામમાં બીજા લોકો પણ રહે છે. આનંદ તો અહીં રહેતો પણ નથી. ગામનું નામ દેવધા છે. ફક્ત આનંદનું ગામ ન કહો."

તમે આ વાંચ્યું કે નહીં?

જ્ઞાતિનું ગણિત અને સફળતા

ઇમેજ સ્રોત, ANAND KUMAR
મેં કહ્યું, તમે તો નારાજ થઈ ગયા? તો એમણે કહ્યું "બધું ઊલટુંસીધું કરી નાખ્યું છે."
"પહેલાં ગામમાં અમારા લોકોની ઇજ્જત હતી, પ્રતિષ્ઠા હતી. કેટલો સુમેળ હતો. હવે તો કહારોનું મન આનંદે એવું તો ફેરવી નાખ્યું છે કે પૂછો જ નહીં."
"એના પિતા સજ્જન હતા. તે ખૂબ ઇજ્જત આપતા હતા." જોકે, એમની વાત સાથે એમના ઘરની બે મહિલાઓ અસહમતી દાખવતી જોવા મળી.
આનંદનાં લગ્ન એમની જાતિની છોકરી જોડે થયાં છે એ વાતનો મોહન પ્રકાશને ખેદ છે.
તેઓ કહે છે "ભૂમિહારની દીકરી જોડે લગ્ન કર્યાં તો શું થઈ ગયું? "છોકરી પણ કહાર જ બની ગઈ. મુસલમાન સાથે લગ્ન કરીને તમે મુસલમાન જ બનો છો ને કે હિંદુ બનો છો?"
"અમને ખબર છે કે મોટા ઘરની છોકરીને પરણ્યો છે. આજકાલના છોકરાઓ મા-બાપનાં કહ્યામાં જ ક્યાં છે, તમે તમારાં મા-બાપનું કીધું કરો છો?"
"જ્યાં મરજી હોય ત્યાં પરણી જાવ પણ તમે છો એ જ રહેશો."

રામાનુજન અને સુપર 30

ઇમેજ સ્રોત, Anand Kumar
દેવધામાં ભૂમિહાર અને કહાર બહુમતીમાં છે.
ગામના જ એક દલિત યુવાન દેવ પાસવાન (બદલેલું નામ) મળ્યા. તેઓ આનંદ કુમારના રામાનુજન ક્લાસમાં ભણી ચૂક્યા છે.
આનંદ પટનામાં સુપર 30 સિવાય એક રામાનુજન ક્લાસ પણ ચલાવે છે. ત્યાં ફી લઈને ભણાવવામાં આવે છે.
આનંદનું કહેવું છે કે આની આવકમાંથી તેઓ જ સુપર 30 ચલાવે છે. મેં દેવ પાસવાનને પૂછ્યું, "આનંદને લઈને મોહન પ્રકાશ આટલા ગુસ્સામાં કેમ છે?"
એમણે કહ્યું, "ભાઈ આનંદ સરને લઈને ગામના ભૂમિહાર ગુસ્સામાં જ હોય છે. એમને લાગે છે કે એક કહારનો દીકરો આટલો આગળ કેમ આવી ગયો?"

ગામનો એક પણ વિદ્યાર્થી સુપર 30માં નહીં

જોકે, દેવ પાસવાનને અફસોસ છે કે એમના ગામના એક પણ બાળકનું આજ સુધી સુપર 30માં ઍડમિશન નથી થયું.
દેવની વાતમાં સહમતી દાખવતા એક મહિલાએ કહ્યું, "ચલો અમે તો ભૂમિહાર છીએ એટલે કદાચ ન થયું હોય, પણ પોતાની જાતિના બાળકને પણ ઍડમિશન ન આપ્યું."
જોકે, ગામનો એક પણ વિદ્યાર્થી સુપર 30ની પ્રવેશ પરીક્ષામાં પાસ જ નથી થયો તો ઍડમિશન કેવી રીતે થાય એવા તર્કથી દેવ સંતુષ્ટ લાગે છે.
દેવધામાં બિનસવર્ણમાં આનંદ કોઈ હીરોથી કમ નથી. કેટલાક લોકો તો આનંદની વાત કરીને ભાવુક પણ થઈ ગયા.
એમને પણ એ વાતનો અફસોસ છે કે એમના ગામનો એક પણ વિદ્યાર્થી સુપર 30માં નથી ભણ્યો.
આનંદ કુમારનું કહેવું છે કે તેઓ પોતાના ગામને નામે પ્રવેશપરીક્ષા વગર કોઈ પણને સુપર 30માં ઍડમિશન ન આપી શકે.

સફળતા અને અંતર

ઉત્તમ સેનગુપ્તા પટનામાં 1991માં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના સ્થાનિક સંપાદક હતા.
એમને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે એમને પટના સાયન્સ કૉલેજના ગણિત વિભાગના વડા દેવીપ્રસાદ વર્માનો ફોન આવ્યો હતો.
ઉત્તમ સેનગુપ્તા કહે છે, "દેવીપ્રસાદ વર્માએ મને કહ્યું કે વશિષ્ઠ નારાયણસિંહ મારા પ્રથમ જિનિયસ વિદ્યાર્થી હતા અને હવે મને આનંદ પણ એવો જ લાગે છે. આની તમે મદદ કરો."
ઉત્તમ સેનગુપ્તાએ એક દિવસ આનંદ કુમારને ઑફિસ બોલાવ્યા. એમણે આનંદ સાથે વાત કરી તો લાગ્યું કે છોકરામાં દમ છે. ત્યારે આનંદ બીએન કૉલેજમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા હતા.
સેનગુપ્તાએ એમને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પૂર્તિ 'કરિયર ટાઇમ્સ'માં ગણિતની ક્વીઝ ચલાવવાની જવાબદારી આપી. એ ક્વીઝ બે વર્ષ ચાલી.
આનંદ જ ક્વિઝનું પરિણામ કાઢતા અને સાચો જવાબ આપતા.
સેનગુપ્તા કહે છે કે "ગણિતની એ ક્વિઝ બિહારમાં ખૂબ હિટ થઈ. એ સમયે જ આનંદે ગણિત ભણાવવાની શરૂઆત કરી દીધી હતી."
સુપર 30ની સાથે એક બીજી વ્યક્તિનું નામ પણ આવે છે અને એ છે અભયાનંદ. અભયાનંદ એ વખતે બિહારના ડીઆઈજી હતા.
ઉત્તમ સેનગુપ્તાનાં પત્ની અભયાનંદના સહપાઠી હતાં એટલે અભયાનંદને ઉત્તમ સેનગુપ્તા પણ ઓળખતા.
અભયાનંદને પોતાની દીકરી અને દીકરા માટે એક સારા ગણિત શિક્ષકની તલાશ હતી અને ઉત્તમ સેનગુપ્તાએ આનંદ કુમારનું નામ સૂચવ્યું.

આર્થિક સ્થિતિના કારણે કૅમ્બ્રિજમાં ન જઈ શકાયું

ઇમેજ સ્રોત, TRAILERGRAB/YOUTUBE
આ રીતે એમની દીકરી અને દીકરાને ગણિત શીખવવાને લઈને અભયાનંદ અને આનંદ કુમારની પહેલી મુલાકાત થઈ.
આનંદ કુમારનું પણ કહેવું છે કે "એમની દીકરી અને દીકરાને ગણિત એમણે પોતાના અને એમના ઘરે ભણાવ્યું." અભયાનંદની દીકરી અને દીકરાની પસંદગી આઈઆઈટી માટે થઈ.
જોકે, અભયાનંદ એ વાતનો સ્વીકાર નથી કરતા કે એમની દીકરી અને દીકરાને આનંદ કુમારે ભણાવ્યાં છે.
ઉત્તમ સેનગુપ્તા કહે છે કે "1993માં આનંદને કૅમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી પ્રવેશ માટે પત્ર મળ્યો. એને 6 લાખ રૂપિયાની તાત્કાલિક જરૂર હતી. મેં એ વખતના મુખ્ય મંત્રી લાલુ પ્રસાદ યાદવ સાથે વાત કરી અને કહ્યું કે બિહારનો હોશિયાર છોકરો છે, ખૂબ નામ કરશે, તમે મદદ કરો." લાલુજીએ કહ્યું કે તમે કહો છો તો મદદ ચોક્કસ કરીશ. મારી પાસે મોકલો.
મેં આનંદને કહ્યું, "જાવ લાલુજીને મળી લો. તેઓ મળવા ગયા તો એમને શિક્ષણમંત્રી પાસે મોકલી દેવામાં આવ્યા. શિક્ષણમંત્રીએ એમના પીએને આનંદને 5000 રૂપિયા આપવાનું કહ્યું."
સેનગુપ્તા કહે છે, "આનંદ મારી પાસે ગુસ્સામાં આવ્યો અને કહ્યું કે સર હવે મને કદી કોઈ મંત્રી પાસે જવાનું ન કહેતા."
"તે ખૂબ અપમાનિત થયાનો અનુભવ કરી રહ્યો હતો. કૅમ્બ્રિજ ન જઈ શકાયું અને એ પછી એણે ગણિત પર મૌલિક કામ ચાલુ રાખ્યું."

આનંદ પર શંકા કેમ?

ઇમેજ સ્રોત, SUPER30.ORG
બિહારમાં આનંદ કુમાર પર લોકો ખૂબ શંકા કરે છે. આ શંકા આખરે કેમ છે?
પ્રોફેસર શિવજતન ઠાકુરનું કહેવું છે કે "આ શક સવર્ણોમાં વધારે છે અને તે દુરાગ્રહને લીધે છે."
જોકે, પટના વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક નવલકિશોર ચૌધરી કહે છે કે "જો આનંદને જાતિને લઈને નિશાનો બનાવવામાં આવી રહ્યા હોય તો તે તદ્દન ખોટું છે, પરંતુ એમની પાસે પારદર્શકતાની માગ કરવામાં આવી રહી છે, અને આમાં જાતિને વચ્ચે લાવવી ઠીક નથી."
પ્રાધ્યાપક ચૌધરી કહે છે કે "સત્ય સવર્ણ કે અવર્ણ નથી હોતું અને સત્યની માગ દરેક પાસે કરવી જોઈએ."
આનંદને કૅમ્બ્રિજથી કહેણ હતું એ વાત પર મોટા ભાગના લોકો ભરોસો નથી કરતા.
આનંદનું મૌલિક કામ કોઈ વિદેશી જર્નલમાં પ્રકાશિત થયું છે એ વાત પર લોકો ભરોસો નથી કરતા.

ઇમેજ સ્રોત, ANAND KUMAR
આ તમામ શંકાઓ જ્યારે મેં આનંદ સામે રજૂ કરી તો એમણે કૅમ્બ્રિજનો પત્ર અને વિદેશી જર્નલમાં પ્રકાશિત એમના કામની પ્રત બીબીસીને આપી દીધી.
આનંદે બીબીસીને કૅમ્બ્રિજનો એ પત્ર આપ્યો જે વર્ષ 1993માં લખાયેલો છે. જ્યારે બિજુ મૈથ્યૂના પુસ્તક "સુપર 30 ચેન્જિંગ ધ વર્લ્ડ 30 સ્ટુડન્ટ એટ અ ટાઇમ"માં આપેલી મુલાકાતમાં એમણે કહ્યું હતું કે એમણે 1994માં કૅમ્બ્રિજ માટે અરજી કરી હતી.
આખરે કૅમ્બ્રિજના પત્ર પર છપાયેલી તારીખથી અલગ તારીખ એમણે શું કામ બતાવી હતી?
આનંદનું કહેવું છે કે "આ ચોપડીમાં ખોટા મુદ્રણનો મામલો છે."
ઉત્તમ સેનગુપ્તા કહે છે કે "ખરેખર તો આને શક કરવાનું ન કહેવાય, ટાર્ગેટ કરવામાં આવે છે એમ કહેવાય."
સેનગુપ્તા કહે છે, "લોકો એ વાત પચાવી નથી શકતા કે અતિવંચિત વર્ગનો આ છોકરો આટલું કેવી રીતે કરી શકે છે."
સેનગુપ્તા કહે છે, "આનંદની કોઈ ઝીણવટભરી તપાસ ન થઈ હોય એવું નથી. હું નથી માનતો કે તે છેલ્લાં 20 વર્ષથી લોકોને મૂરખ બનાવે છે."
"ન્યૂયોર્ક ટાઇમ્સે અને જાપાની મીડિયાએ આના પર એક મહિનો કામ કર્યું છે."

આંતરજ્ઞાતીય વિવાહ

ઇમેજ સ્રોત, ANAND KUMAR
ઉત્તમ સેનગુપ્તા કહે છે કે "આનંદને ટાર્ગેટ કરવામાં આવે છે, કેમ કે એનાં પત્ની ઊંચી જ્ઞાતિનાં છે."
તેઓ કહે છે, "જ્યારે એનાં લગ્ન થયાં ત્યારે ખૂબ હંગામો થયો હતો. મેં ઘણી વાર એને સલાહ આપી કે બિહાર છોડી દે, કેમ કે અહીં એ સુરક્ષિત નથી."
"એની પર હુમલાઓ પણ થયા. બૉડીગાર્ડ પણ રાખવો પડ્યો."
આનંદ કુમારે એમનાં પત્નીને પણ ગણિત શીખવાડ્યું છે.
ઋતુ રશ્મિ અને આનંદનાં લગ્ન 2008માં થયાં હતાં.
ઋતુનું કહેવું છે, "જેઓ આનંદ પાસેથી ગણિત શીખ્યા છે, તેઓ જ જાણ છે કે આનંદ કેવા શાનદાર શિક્ષક છે."

આપને આ પણ વાંચવું ગમશે

ઋતુની પસંદગી પણ 2003માં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં આઈટી માટે થઈ હતી.
ઋતુ કહે છે, "જે લોકો આનંદ પર શક કરે છે, એમનો તર્ક એ નથી સમજી શકતા, પણ તેઓ એટલું ચોક્કસ જાણે છે કે આનંદની પ્રતિભાથી પ્રભાવિત થઈને એમણે આંતરજ્ઞાતીય લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો."
ઋતુ રશ્મિને મેં પૂછ્યું કે "તેઓ આનંદને એક શાનદાર પતિ માને છે કે શાનદાર શિક્ષક?" તો તેઓ હસીને કહે છે "શાનદાર શિક્ષક".
ઋતુ રશ્મિ કહે છે કે "અભયાનંદે એમનાં લગ્નમાં ખૂબ મદદ કરી હતી."
જોકે, ઋતુ એમના દીકરા, પતિ અને દિયરના જીવને રહેલા જોખમથી ડરે છે.
એમણે કહ્યું, "અનેક વાર મેં પ્રયાસ કર્યો કે અમે લોકો બિહાર છોડી દઈએ. "
"બાળકો થયાં પછી તો અમે વધારે ડરીને રહીએ છીએ પણ તેઓ બિહાર છોડવા માટે તૈયાર જ નથી થતા."

ભેદભાવ

ઇમેજ સ્રોત, ANAND KUMAR
"બિહારમાંથી જાતિવાદ તો મટશે જ નહીં અને ફક્ત અમારી કોશિશથી જાતિ ખતમ નહીં થઈ જાય. મને લગ્ન અગાઉ એવો અંદાજ નહોતો કે જાતિગત ભેદભાવ આ હદે હશે"
ઋતુ કહે છે, "લગ્નની અગાઉ મને કોઈ જાતિગત ભેદભાવનો સામનો નહોતો કરવો પડ્યો એટલે એનો અંદાજ નહોતો."
"જ્યાં સુધી માણસ પોતે ન ભોગવે ત્યાં સુધી એને એનો ખ્યાલ નથી આવતો. લગ્ન થયાં પછી ખબર પડી કે જાતિગત ભેદભાવો કેટલા મજબૂત છે. જાતિવાદ ખૂબ ઊંડો છે અને એનાથી બહુ બીક લાગે છે."
ઋતુ કહે છે, "છેલ્લાં 10 વર્ષમાં આનંદની તમામ મહેનતને હડપી લેવાની કોશિશ થતી રહી અને અમે એની સામે લડતા રહ્યા."

સવર્ણોનો પૂર્વગ્રહ?

ઇમેજ સ્રોત, ANAND KUMAR
ઉત્તમ સેનગુપ્તા કહે છે કે "જો આનંદ પ્રતિ સવર્ણોના પૂર્વગ્રહને સમજવો હોય તો એક ઉદાહરણ મારફતે સમજી શકાય."
તેઓ કહે છે, "વશિષ્ઠ નારાયણસિંહની પ્રતિભાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે, કારણ કે તેમની પ્રતિભાને વ્યક્ત કરવાની તકો મળી છે. તેઓ સારા પરિવારમાંથી આવતા હતા અને સવર્ણ છે."
"માનસિક સ્થિતિ બગડવાને કારણે તેઓ સમાજને બહુ નથી આપી શક્યા. આજે પણ તેઓ પોતાની માનસિક સમસ્યા સામે લડી રહ્યા છે."
સેનગુપ્તા કહે છે, "વશિષ્ઠ નારાયણસિંહ વિશે બિહારમાં બહુ સન્માન સાથે વાત કરવામાં આવે છે પણ આનંદ લોકો માટે શંકાસ્પદ રહે છે."
"પ્રતિભા હોવા છતાં ગરીબીને કારણે ભણી નહોતા શકતાં એવાં બિહારનાં કેટલાંક બાળકોને આનંદે આઈઆઈટી સુધી પહોંચાડ્યા."
"છતાં આવું કેમ? કારણ કે આનંદ પૈસા કમાય છે, તેમણે એકાધિકારને પડકાર આપ્યો છે. આનું કારણ છે કે આનંદ સવર્ણ નથી."
આનંદ કુમાર અને તેમની સુપર 30 પર ફિલ્મ નિર્દેશક વિકાસ બહલે બનાવી છે.
આ ફિલ્મમાં અભિનેતા ઋતિક રોશન આનંદ કુમારની ભૂમિકામાં છે.
બિહારના અમુક કોચિંગ સેન્ટર, મીડિયા અને બિહારના પૂર્વ ડીજીપી અભયાનંદના આનંદ કુમાર તથા સુપર 30 પર ઘણા આરોપ છે.

અભયાનંદ અને આનંદ કુમારમાં મતભેદ કેમ?

ઇમેજ સ્રોત, ANANDKUMAR
આનંદ કુમારનું કહેવું છે કે જ્યારે રામાનુજન ક્લાસિસમાં આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ ત્યારે પટનાના અન્ય કોચિંગ સેન્ટરોના સંચાલકોએ તેમના પર હુમલો કરાવ્યો.
આનંદ કુમાર એ પણ સ્વીકાર કરે છે કે અભયાનંદે તેમને સુરક્ષા પણ અપાવી હતી.
અભયાનંદનું કહેવું છે કે તેમને ગણિતમાં અને ભણાવવામાં રુચિ હતી એટલે આનંદ સાથે મળતા હતા.
અભયાનંદનું કહેવું છે કે 2002માં સુપર 30ની પહેલી બેચ આવી અને ત્યારથી તેઓ નિયમિતરૂપે ત્યાં જવા લાગ્યા.
અભયાનંદ જણાવે છે, "ત્યારબાદ કન્ફ્યુઝન વધવા લાગ્યું. મેં સુપર 30 માટે 2002થી 2009 સુધી કામ કર્યું અને પછી અલગ થઈ ગયા."
"તેઓ કહે છે કે પારદર્શકતા ઓછી થતી ગઈ અને મને સમય પણ નહોતો મળતો."
"2007માં મને લાગ્યું કે રામાનુજન અને સુપર 30માં ગોટાળા વધવા લાગ્યા, કારણ કે બંને એક જ જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા હતા.

વિવાદ

ઇમેજ સ્રોત, ANAND KUMAR
અભયાનંદને પૂછો કે આ સુપર 30નો આઇડિયા કોનો હતો? તેમનો કે આનંદ કુમારનો?
તેના જવાબમાં તેમણે કહ્યું, "હું આ વિશે કંઈ કહેવા નથી માગતો. હું એક સંદર્ભનો ઉલ્લેખ કરવા માગું છું. આ વ્યક્તિ 1994થી ભણાવે છે અને ત્યારે સુપર 30 નહોતું."
"મેં 2002થી ઔપચારિક રીતે વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું અને 2002માં જ સુપર 30ની પહેલી બચ તૈયાર થઈ. હું કોઈ વ્યક્તિ વિશે વાત કરવા નથી માગતો."
"મને દુઃખ છે કે સુપર 30 એક મોટો આઇડિયા હતો, જેને ખાનગી સંપત્તિ બનાવી દેવામાં આવ્યો."
બિહારના પત્રકારોનું કહેવું છે કે આનંદ કુમાર સુપર 30માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની સૂચિ નથી આપતા.
આ પત્રકારોની માગણી છે કે જ્યારે આનંદ સુપર 30ની બેચનું ચયન કરે છે તો તેનું લિસ્ટ આપે અને જ્યારે આઈઆઈટીનું રિઝલ્ટ આવે છે ત્યારે લિસ્ટ આપે.
આનંદ આ વિશે કહે છે કે જ્યારે સુપર 30 શરૂ થયું ત્યારે અભયાનંદ વિદ્યાર્થીઓને ભણાવવા આવતા. તેઓ ફિઝિક્સના ક્લાસ લેતા પણ મોટા ભાગે મોટિવેશન ક્લાસ લેતા.
બીએન કૉલેજમાં ગણિત વિભાગના બાલગંગાઘર પ્રસાદ પણ આવતા. સુપર 30નાં રિઝલ્ટ સારાં આવવાં લાગ્યાં. મીડિયામાં ખ્યાતિ વધી. જાપાન અને અમેરિકાના પત્રકાર આવવા લાગ્યા.
અચાનક અભયાનંદે અખબારોને કહ્યું કે તે આનંદ અને સુપર 30થી અલગ થઈ રહ્યા છે. તેઓ અમારા પિતાતુલ્ય છે, કારણ કે તેમણે ઘણી મદદ કરી છે.
આનંદ આગળ કહે છે, "એક વાર અમારી પર હુમલો થયો ત્યારે અભયાનંદે અમારી મદદ કરી હતી."
"અચાનક 2008માં અભયાનંદે નારાજગી બતાવી હતી. અમે કંઈ ન કહ્યું પણ તેમના અનેક ઇન્ટરવ્યૂમાં લાગ્યું કે તેઓ કહી રહ્યા છે કે સુપર 30 તેમણે ઊભું કર્યું છે. પણ પછી બધું સ્પષ્ટ થઈ ગયું."

'સમય જ ન્યાય કરશે''

ઇમેજ સ્રોત, SUPER30.ORG
આનંદ કહે છે કે "જે લોકો હારી જાય છે તે ફરિયાદ કરે છે અને મેં ક્યારેય હાર નથી માની એટલે કોઈની ફરિયાદ કરવાનો અર્થ નથી."
આનંદ કહે છે, "હું દરેક આરોપનો જવાબ આપું કે વિદ્યાર્થીઓને ભણાવું? કોઈ ગરીબનું બાળક કે જેની કોઈ આગવી ઓળખ ન હોય તે આગળ આવે તો તેને હેરાન કરવામાં આવે."
"લોકો વિરોધ કરી રહ્યા હતા પરંતુ ફિલ્મ બનવા લાગી ત્યારે તેમણે કહ્યું કે અમને ફિલ્મમાં લો."
"મારા લોકો પર ફેસબુક પર લખવાનો આરોપ લગાવીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા, હું તો પણ ચૂપ રહ્યો. સમય જ ન્યાય કરશે."

આપને આ પણ વાંચવું ગમશે

આનંદ કહે છે, "ઘણી વખત આરોપ કરવામાં આવે છે કે સુપર 30માં અપર કાસ્ટના વિદ્યાર્થી હોતા નથી. એ લોકો ખોટું બોલી રહ્યા છે."
"મેં તો આંતરજ્ઞાતીય વિવાહ કરીને જાતિવ્યવસ્થા તોડી છે. મારા ભાઈએ પણ આવું કર્યું છે."
જ્યારે તેમને પૂછ્યું કે તેઓ લિસ્ટ કેમ બહાર નથી પાડતા?
તેઓ કહે છે, "હું દર વર્ષે લિસ્ટ જાહેર કરું છું. આ વખતે ફિલ્મને લઈને ઘણું પ્રેશર હતું એટલે ઘણાં કામ રહી ગયાં છે."
"પટનામાં કોચિંગવાળા વિદ્યાર્થીઓ સાથે વાટાઘાટ કરે છે એટલે ગોપનીય રાખવું પડે છે."

સુપર 30માં આવતા વિદ્યાર્થીઓ શું કહે છે?

અભિષેક આઈઆઈટી દિલ્હીમાં અભ્યાસ કરી રહ્યા છે.
2014-15માં તેઓ સુપર 30 બૅચમાં હતા. આ વિવાદ પર તેઓ કહે છે કે "સુપર 30ને લઈને લોકો બહુ વાતો કરે છે જેમાં સત્ય ઓછું અને ધારણા વધારે છે."
"લોકોને ખબર હોવી જોઈએ કે સુપર 30માં બિહારના 30 બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવે છે. એમાં 30માંથી 25 કે 27 કે 30નું પણ આઈઆઈટીમાં ચયન થાય છે. મોટી વાત એ છે કે એક વ્યક્તિ પોતાના ખર્ચે આ બધાની સાર-સંભાળ લઈ રહ્યા છે."
હન્ઝાલા શફી સુપર 30 2012-13ની બેચમાં હતા. તેઓ કહે છે કે "અમારી બેચમાંથી 28 વિદ્યાર્થીઓને આઈઆઈટીમાં પ્રવેશ મળ્યો હતો."
સફી અને અભિષેક બંને કહે છે કે તેમને આનંદ કુમારની ગણિત ભણાવવાની સ્ટાઈલ પસંદ છે. અભિષેક કહે છે કે "હું તેમને સર્વશ્રેષ્ઠ શિક્ષક તો નહીં કહું પણ અમારી જરૂર પ્રમાણે તેઓ શ્રેષ્ઠ છે.
બંને કહે છે કે આનંદ કુમાર વ્યસ્તતાને કારણે વિદ્યાર્થીઓને બહુ સમય નથી આપી શકતા.
પંકજ કપાડિયા 2005-2006ની બેચમાં હતા અને આનંદ કુમાર અને અભયાનંદ બંને પાસે અભ્યાસ કરી ચૂક્યા છે.
તેઓ કહે છે કે સુપર 30ની સૌથી મોટી સફળતા એ છે કે તે 30 પ્રતિભાવાન વિદ્યાર્થીઓને એક પ્લૅટફૉર્મ પર લાવી દે છે. અત્યારે પંકજ પટનામાં પોતાના કોચિંગ ક્લાસિસ ચલાવે છે.
બીએન કૉલેજમાં આનંદ કુમારના શિક્ષક રહેલા બાલગંગાધર પ્રસાદ કહે છે કે આનંદમાં જિજ્ઞાસા હતી અને તેઓ બહુ મહેનતુ હતા અને વિષય પર મૌલિક વિચારો ધરાવતા.
આનંદ કુમારના નજીકના મિત્ર અંજની તિવારી કહે છે, "આનંદનો સંઘર્ષ એક અતિસાધારણ વ્યક્તિના અસાધારણ સંઘર્ષની કહાણી છે. તે પ્રેમમાં તબલાં વગાડતાં શીખ્યા. તેમણે માના પાપડ વેચ્યા. આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં."
"અને આજે આખી દુનિયા તેમને ઓળખે છે. દરેક વ્યક્તિનો સંઘર્ષ પવિત્ર હોય છે પણ આનંદનો સંઘર્ષ પવિત્ર સાથે હિંમતવાળો પણ છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












