WORLD SLEEP DAY : આ એક એવું રહસ્ય છે જે જાણવાથી તમે ગાઢ ઊંઘમાં સરી પડશો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રસેલ ફોસ્ટર
- પદ, ઍકેડમી ઑફ મેડિકલ સાયન્સ
ઊંઘ અને જાગ્રતાવસ્થાનું ચક્ર એ માનવીય વર્તનનો આધારસ્તંભ છે. આપણા જીવનનો ત્રીજો ભાગ આપણે ઊંઘવામાં કાઢીએ છીએ, કેમ કે ઊંઘ વિનાનું જીવન શક્ય નથી.
આપણે ગાઢ નિદ્રામાં સરી જઈએ ત્યારે મગજ માહિતીનું પૃથક્કરણ કરવાનું અને સ્મરણોને સંઘરી લેવાનું કામ કરે છે.
આપણું શરીર ઝેરી પદાર્થોનો નિકાલ કરીને પોતાને સ્વસ્થ કરે છે, જેથી જાગ્યા પછી ફરી ચેતનવંતા બની જઈએ.
ટૂંકા ગાળા માટે ઉજાગરો કરવો પડે તેની પણ અસર આપણાં સ્વાસ્થ્ય પર થાય છે.
એક રાતનો ઉજાગરો થાય તેની અસર તાત્કાલિકરૂપે આપણામાંથી મોટા ભાગના લોકોને થવા લાગે છે.
ત્રણ રાતના ઉજાગરા પછી આપણે બહુ ઓછી ક્ષમતાએ કામ કરી શકવાની સ્થિતિમાં હોઈએ છીએ.
એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર 17-19 કલાક સતત જાગતા રહ્યા પછી સજાગતા પર એટલી જ અસર થાય છે, જેટલી ખૂબ દારૂ પીધા પછી થતી હોય છે.
સમય વીતવા સાથે આ અસરો ખરાબ થતી જાય છે. સૌથી લાંબો સમય જાગવાનો નોંધાયેલો સમય 11 દિવસનો છે અને તે પછી સજાગતાના બહુ ગંભીર પ્રશ્નો ઊભા થયેલા જણાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનાથી વર્તનમાં ફેર પડવા લાગ્યો હતો, ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી દેખાવા લાગી હતી અને ટૂંકા ગાળાનો સ્મૃતિ લોપ તથા ભ્રમણા થવાના લક્ષણો દેખાવા લાગ્યા હતા.
સારી ઊંઘ લેવી કેટલી જરૂરી છે તે વિજ્ઞાન બહુ પહેલેથી સમજાવતું આવ્યું છે, પરંતુ ઊંઘ પર પ્રકાશની કેવી અસર થાય છે તે બાબતની મોટા ભાગે અવગણના થઈ છે.

શરીરની ઘડિયાળનું ચક્ર

ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશનું મહત્ત્વ એટલા માટે છે કે તે શરીરના 24 કલાકના ચક્રને, સિરકાર્ડિયન રિધમને અસર કરે છે. આંખમાં રહેલા પ્રકાશના વિશેષ સેન્સરથી આ ચક્રની શરૂઆત થાય છે.
આપણી આસપાસની સૃષ્ટિમાં પ્રકાશ છે કે અંધકાર છવાયો છે તે આપણી આંખો પારખે છે અને તે પ્રમાણે શરીરના ચક્રને નિયંત્રિત કરે છે.
શરીરનો દિવસ અને બાહ્ય દિવસ સમાંતર ચાલે તે માટે આવું થાય છે.
આંખ દ્વારા પ્રકાશ અને અંધકારના આ ચક્રને પારખવાની શક્તિ એટલી અસરકારક હોય છે કે જો આંખને ગંભીર નુકસાન થયું હોય તો તેનાથી આ ચક્રને અસર થાય છે.
આંખ પ્રકાશ અને અંધકારને પામી ના શકે ત્યારે શરીરનું ચક્ર ખોરવાઈ જાય છે અને તેનાથી ઊંઘની સમસ્યા શરૂ થાય છે.
પ્રકાશ જોવા ના મળે તો પણ શરીરનું ચક્ર વિચલિત થવા લાગે છે. અંધકારમાં સતત રહીએ તો શરીરનું ચક્ર રોજ 24 કલાકના ચક્રમાં એક એક કલાક ઉમેરતું જાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશની શું અસર થઈ શકે છે તેનું સૌથી જાણીતું ઉદાહરણ જેટ-લેગ છે.
વિમાનમાં નવા સ્થળે પહોંચીએ ત્યારે ત્યાંના પ્રકાશની સ્થિતિ પ્રમાણે આપણું શરીર ચક્ર નવેસરથી ગોઠવે છે અને સુવા માટેનો નવો સમય નક્કી કરે છે.
1800ની સદીમાં મોટા ભાગના લોકો ખુલ્લામાં જ કામ કરતાં હતા અને તેના કારણે દિવસ અને રાતના ફરકને સીધો અનુભવતા હતા.
આજે આપણે બાહ્ય વાતાવરણથી અળગા રહીએ છીએ અને બંધ કમરામાં પુરાઈને કામ કરીએ છીએ.
તેના કારણે શરીરને ચક્ર નિયંત્રણ માટેના ચિહ્નો મળતા નથી. યૂકેમાં આજે ખેતી અને માછીમારીનું કામ કરનારા લોકોની સંખ્યા માત્ર 1% રહી ગઈ છે.
આપણે પ્રકાશથી વધુ ને વધુ વંચિત રહેનારી પ્રજાતિ બની ગયા છીએ. તેના કારણે આપણી ઊંઘની ગુણવત્તા પર અસર પડી રહી છે અને આરોગ્ય પર પણ.
વ્યક્તિ પ્રમાણે તેના પ્રમાણમાં ફેર હોઈ શકે છે, પણ આપણે વધુ સમય ખુલ્લા પ્રકાશમાં રહેવાની જરૂર છે, કેમ કે ઘર અને ઓફિસની અંદર આપણને પૂરતો ઉજાસ મળતો નથી.
તેની એક આડઅસર થઈ છે સિઝનલ અફૅક્ટિવ ડિસોર્ડર (SAD). આ એક પ્રકારનું ડિપ્રેશન છે, જેની અસર 2થી 8% ટકા યૂરોપિયનને થઈ રહી છે, કેમ કે તેમને પૂરતો સૂર્યપ્રકાશ મળતો નથી.
કુદરતી પ્રકાશ ન મળવાના કારણે બીજી પણ ઘણી તકલીફો થઈ શકે છે.
નાઇટશિફ્ટમાં કામકાજ

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા લોકોને કુદરતી ઉજાસ પૂરતા પ્રમાણમાં નથી મળી રહેતો, ત્યારે નાઇટશિફ્ટમાં કામ કરતા કામદારો માટે આ સમસ્યા વધુ વિકરાળ છે.
શરીરે પોતાને સૂવા માટે તૈયાર કર્યું હોય ત્યારે જ આ લોકોએ કામ કરવું પડે છે. તેના કારણે સજાગતા અને કાર્યક્ષમતા ઓછી થઈ ગઈ હોય છે.
દિવસ દરમિયાન ઊંઘ પૂરી કરી લેવા માટે તેઓ પ્રયત્નો કરશે, પણ તેમાં ઓછો સમય ઊંઘ મળે છે અને એટલી ગાઢ પણ હોતી નથી.
સરવાળે તેઓ ઉંઘરેટિયા હોય ત્યારે કામ કરવું પડે છે અને સજાગ થવાનું હોય ત્યારે ઊંઘી જાય છે. તેના કારણે શરીરના સ્વાસ્થ્ય પર થતી અસરો હવે જ પૂર્ણ રીતે સમજાઈ રહી છે.
ટૂંકા ગાળામાં તેના કારણે અસામાન્ય ભાવનાત્મક પ્રતિસાદ આવે છે અને માહિતીને સમજવામાં એટલી સજાગતા દેખાતી નથી.
લાંબા ગાળે નાઇટશિફ્ટની આરોગ્ય પરની અસરો પણ દેખાવા લાગે છે. તેના કારણે આયુષ્યમાં છ વર્ષ સુધીનો ઘટાડો થઈ શકે છે.
રાતપાળી કરનારા કામદારોમાંથી 97% જેટલા લોકો વર્ષો સુધી આ રીતે કામ કર્યા પછી પણ પૂરી રીતે ટેવાઇ શકતા નથી.
તેઓ પોતાની શારીરિક સ્થિતિમાં બહુ પરિવર્તન કરી શકતા નથી, કેમ કે ઓફિસ કે કારખાનામાં લાઇટ હોય છે તે ઝાંખી હોય છે. ઢળતી સાંજે કે વાદળા હોય તેના કરતાં પણ ઓછો પ્રકાશ હોય છે. ઓફિસ કરતાં દિવસનું કુદરતી અજવાળું 250 ગણું વધારે હોય છે.
રાતપાળી કરીને કામદાર ઘરે જવા નીકળે ત્યારે સૂર્ય ઊગી ગયો હોવાથી તેમને આ અજવાળાની અસર થાય છે. તેમને અંદરથી એવા સિગ્નલ મળે છે કે હવે જાગવાનો અને કામ કરવાનો સમય થઈ ગયો છે.
હાર્વર્ડમાં થયેલા એક અભ્યાસ અનુસાર કામના સ્થળે ખૂબ તેજ પ્રકાશ કરવામાં આવ્યો અને દિવસે સુવાના સમયે ગાઢ અંધકાર કરી દેવામાં આવ્યો ત્યારે તેની અસર થઈ હતી.
જોકે વ્યવહારમાં દરેક માટે આવું કરવું શક્ય નથી.

કુદરતી પ્રકાશની ચુસ્તી

ઇમેજ સ્રોત, Getty Images
નર્સિંગ હોમમાં રહેનારાને પણ ઘણી વાર પૂરતો સૂર્યપ્રકાશ મળતો નથી.
ઘરની અંદર પણ ઓછો પ્રકાશ હોઈ શકે છે, જેને કારણે બહારનો ઉજાસ અનુભવી શકાતો નથી. તેના કારણે સારી ઊંઘ આવતી નથી.
એક ડચ સ્ટડીમાં નર્સિંગ હોમમાં મુખ્ય વિભાગમાં તેજ પ્રકાશ કરવામાં આવ્યો હતો, જ્યારે સુવાના રૂમમાં એકદમ અંધારું કરી દેવાયું હતું.
તેના કારણે દિવસ દરમિયાન ઝોકા ખાવાનું ઓછું થયું હતું અને રાત્રે વ્યવસ્થિત ઊંઘ આવતી થઈ હતી. તેના કારણે માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો દેખાયો હતો.

ઉજાગરા કરનારા વિદ્યાર્થીઓ

ઇમેજ સ્રોત, Getty Images
પૂરતા પ્રકાશનો મામલો માત્ર દિવસના કુદરતી ઉજાસ પૂરતો મર્યાદિત નથી. પ્રકાશ કયા સમયે કેટલો મળે છે તે પણ અગત્યનું છે.
આછા પ્રકાશના કારણે આપણા શરીરની ઘડિયાળ ધીમી પડે છે અને બીજા દિવસે આપણે મોડા ઊઠીએ છીએ. સવારની લાઇટના કારણે ઘડિયાળ ઝડપી બને છે અને આપણને જલદી જગાડી દે છે.
આપણે ખુલ્લામાં રહીને કામ કરવા ટેવાયેલા હતા ત્યારે આ સમસ્યા નહોતી. આપણને સવાર અને સાંજ બન્નેનો અનુભવ થતો હતો અને સંતુલન થતું હતું.
પરંતુ આજે આપણે સૂર્યોદય જોઈએ છીએ અથવા તો સૂર્યાસ્ત. ખાસ કરીને વિદ્યાર્થીઓની બાબતમાં આ વાત સાચી છે. તેઓ મોડેથી ઊઠે છે એટલે સૂર્યોદય જોતા નથી અને પછી સાંજનો સમય વધારે બહાર હોય છે ત્યારે સૂર્યાસ્ત જોઈ શકે છે.
ઢળતી સાંજ તેમના શરીરની ઘડિયાળને અસર કરી શકે છે. તેઓ મોડા સુએ છે અને મોડા ઊઠે છે. તેની સાથે પુખ્તાવસ્થા કારણે થઈ રહેલા ફેરફારો જોડાય છે. પ્રારંભિક પુખ્તાવસ્થામાં શરીરની ઘડિયાળ લગભગ બે કલાક મોડી પડે છે.
ધ્રૂમપાન, શરાબપાન અને અસુરક્ષિત સેક્સને કારણે થનારા આરોગ્યના નુકસાન વિશે ઘણી ચર્ચા થાય છે, પણ ઊંઘનું મહત્ત્વ અને તેના પર પ્રકાશની અસર વિશે ભાગ્યે જ કોઈ જાણકારી હોય છે.
આ દિશામાં વધારે સંશોધન થાય અને જાગૃતિ આવે તે જરૂરી છે, જેથી વયસ્કો પૂરતા પ્રમાણમાં ઊંઘ અને સૂર્યપ્રકાશ મેળવવા માટેની પોતાની અગ્રતા નક્કી કરી શકે. સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ અને કાર્યાલયો કઈ રીતે પોતાનું કામકાજ ગોઠવે છે તેના પર પણ આવી જાણકારીની અસર થઈ શકે છે.
સુતા પહેલાં ઓછામાં ઓછો પ્રકાશ અને સવારે ઊઠ્યા પછી પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મેળવવાની રીત અપનાવીને આ દિશામાં પ્રથમ ડગલું ભરી શકાય છે. આવા ઉપાયોથી મોટા ભાગના લોકો પોતાની ઊંઘની સમસ્યા હળવી કરી શકે છે.

આ લેખ વિશે
આ વિશ્લેષ્ણાત્મક લેખ બીબીસીએ સંસ્થાની બહારના નિષ્ણાત પાસે તૈયાર કરાવ્યો છે.
રસેલ ફોસ્ટર ઍકેડમી ઑફ મેડિકલ સાયન્સ તથા રૉયલ સોસાયટીના સભ્ય છે. તેઓ સિરકાર્ડિયન ન્યૂરોસાયન્સના પ્રોફેસર પણ છે તથા ઑક્સફર્ડ યુનિવર્સિટીની ન્યૂફિલ્ડ લૅબૉરેટરી ઑફ ઑપ્થલમૉલૉજીના વડા પણ છે.
સંપાદન: એલીનોર લૉવરી
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












