શરદ પવારને કોણે બનાવ્યા 'સૌથી ભ્રષ્ટ' નેતા?: ફૅક્ટ-ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવાર સાથે જોડાયેલો એક ભ્રામક સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે વિકિપીડિયાના અનુસાર શરદ પવાર દેશના 'સૌથી ભ્રષ્ટ નેતા' છે.

દક્ષિણપંથી વલણ ધરાવતાં ફેસબુક ગ્રૂપ્સમાં અને શૅરચેટ પર આ સ્ક્રીનશૉટને સેંકડો વખત શૅર કરવામાં આવી રહ્યો છે.

આ વાઇરલ સ્ક્રીનશૉટમાં એનસીપી નેતા શરદ પવારના વિકિપીડિયા પૅજનું વિવરણ જોવા મળે છે.

તેમાં લખ્યું છે, "શરદ ગોવિંદરાવ પવાર ભારતીય રાજકારણમાં સૌથી ભ્રષ્ટ નેતા છે. તેમણે કૉંગ્રેસ પાર્ટીથી અલગ થયા બાદ વર્ષ 1999માં એનસીપીનું ગઠન કર્યું હતું."

વિકિપીડિયા એક એવું ઇન્ટરનેટ પ્લૅટફૉર્મ છે કે જ્યાં ચર્ચિત લોકો, પ્રસિદ્ધ સ્થળો, દેશો અને મોટા મુદ્દાઓ સાથે જોડાયેલા બ્લૉગ ઉપલબ્ધ છે.

પરંતુ વિકિપીડિયા પર ફેસબુક અને ટ્વિટરની જેમ અકાઉન્ટ બનાવી શકાય છે અને જે લોકોનું અકાઉન્ટ વિકિપીડિયા પર છે તેઓ આ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને ઉપલબ્ધ માહિતીને એડિટ કરી શકે છે.

ઇન્ટરનેટ આર્કાઇવ જોઈને અમે માહિતી મેળવી કે 26 માર્ચના રોજ શરદ પવારના વિકિપીડિયા પૅજ પર આ વાત લખેલી જોવા મળી રહી હતી કે તેઓ સૌથી ભ્રષ્ટ નેતા છે.

જોકે, તેમના પૅજને હવે દુરસ્ત કરી લેવામાં આવ્યું છે.

પરંતુ આ ક્યારે થયું અને શરદ પવારના વિકિપીડિયા પૅજમાં કેટલા ફેરફાર કરવામાં આવ્યા? તેની પણ અમે તપાસ કરી.

તમે આ વાંચ્યું કે નહીં?

ક્યારે શું થયું?

26 માર્ચના રોજ વહેલી સવારે 'OSZP' નામના વિકિપીડિયા યૂઝરે શરદ પવારના ઇન્ટ્રોમાં જોડ્યું કે તેઓ સૌથી લોકપ્રિય નેતા છે.

પરંતુ 'Larry Hocket' નામના કોઈ અન્ય યૂઝરે થોડા જ કલાકોમાં તેને શરદ પવારના વિકિપીડિયા પૅજ પરથી હટાવી દીધું.

પછી આશરે 8 કલાકે 'Vivek140798' નામના યૂઝરે લખ્યું કે શરદ પવાર સૌથી હુનરમંદ નેતાઓમાંથી એક છે, જેને થોડી વાર પછી હટાવી દેવામાં આવ્યું.

પરંતુ થોડીવાર પછી આ જ યૂઝરે શરદ પવારના પૅજ તેમની સાથે જોડાયેલા વિવાદનો સંદર્ભ સ્પષ્ટ કરી દીધો. હાલ શરદ પવારનું પૅજ જેવું હતું તેવું જ જોઈ શકાય છે.

વિકિપીડિયાના એડિટ આર્કાઇવ પૅજથી જાણવા મળે છે કે 26 માર્ચના રોજ આ બે પ્રયાસ કરવામાં આવ્યા હતા અને વિકિપીડિયા પર એનસીપી નેતાની સારી ઇમેજ બતાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પરંતુ આશરે 10 કલાકે તેમની પાર્ટીનું નામ કોઈ યૂઝરે 'નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી'થી બદલીને 'નેશનલિસ્ટ કરપ્ટ પાર્ટી' કરી નાખ્યું.

તેનાં એક કલાક બાદ તેમના વિવરણમાં 'સૌથી ભ્રષ્ટ' નેતા પણ જોડી દેવાયું. આ એ જ જગ્યાએ જોડવામાં આવ્યું જ્યાં પહેલાં 'OSZP' નામના યૂઝરે શરદ પવાર માટે સૌથી લોકપ્રિય નેતા લખ્યું હતું.

આ કેવી રીતે થયું?

ઇન્ટરનેટ વાપરતા લોકો માટે વિકિપીડિયા સૂચના પ્રાપ્ત કરવાનું સૌથી સહેલું માધ્યમ છે.

ગૂગલ પર લોકો કે જગ્યાઓ વિશે સર્ચ કરવા પર અધિકાંશ પરિણામ વિકિપીડિયાના પૅજ પરથી હોય છે.

પરંતુ વિકિપીડિયામાં સામાન્ય યૂઝર્સ દ્વારા કરવામાં આવતી એડિટિંગથી ખોટી માહિતી ફેલાવવાનો ખતરો ખૂબ વધી જાય છે.

હાલ તો શરદ પવારના પેજ પર વિકિપીડિયાએ થોડાં સમય માટે એડિટિંગ બ્લોક કરી દીધું છે અને હવે તેમાં માત્ર વિકિપીડિયાના જવાબદાર યૂઝર્સ જ ફેરફાર કરી શકશે.

આ અંગે નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકે બીબીસી સાથે વાત કરી.

તેમણે કહ્યું, "અમે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમે ઇચ્છીએ છીએ કે પોલીસ તેની તપાસ કરે કે કોણે શરદ પવારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે."

એનસીપી પ્રમુખ શરદ પવાર હાલ જ 2019ની લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

પહેલો મામલો નથી

બીબીસીએ થોડા સમય પહેલા 'ઇંદિરા ગાંધીના હિંદુ નરસંહાર 1996નું સત્ય' નામે એક રિપોર્ટ જાહેર કર્યો હતો.

આ રિપોર્ટ કરતી વખતે અમને જાણકારી મળી હતી કે કેટલાક લોકોએ ભારતનાં પૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધી વિરુદ્ધ દુષ્પ્રચાર કરવા માટે વિકિપીડિયા પૅજ સાથે છેડછાડ કરી હતી.

'1966ના ગોહત્યા વિરોધી આંદોલન' નામે વિકિપીડિયા પૅજ પર લખી નાખ્યું હતું કે 'ગોહત્યા વિરોધી આંદોલનમાં ત્રણથી સાત લાખ લોકોએ ભાગ લીધો હતો. જ્યારે આ લોકોએ સંસદનો ઘેરાવ કર્યો તો પોલીસે તેમના પર ફાયરિંગ કરી દીધું અને 375-5,000 લોકોનાં મૃત્યુ થયાં, અને આશરે દસ હજાર લોકો ઘાયલ થયા.'

હકીકતમાં આ પૅજ પર છેડછાડ થઈ એ પહેલાં લખ્યું હતું, "1966ની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 7 હતી."

બીબીસીના રિપોર્ટમાં વરિષ્ઠ પત્રકારો અને ઇતિહાસકારોએ આ ઘટનામાં દસથી ઓછા લોકોનાં મૃત્યુ થયાં હોવાની પુષ્ટિ કરી હતી.

(જો તમને કોઈ સંદિગ્ધ સમાચાર, તસવીરો, વીડિયો કે દાવા મળે તો તેની વિગતો બીબીસી ન્યૂઝને +91 9811520111 ઉપર અથવા તો અહીં મોકલો તથા તેની સત્યતા ચકાસો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો