મનોહર પર્રિકરના નાના ભાઈ કરિયાણાની દુકાન ચલાવે છે?- ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

ભારતના પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરના અવસાન બાદ સોશિયલ મીડિયા પર સેંકડો વખત એક તસવીર શૅર કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવે છે એ તસવીર મનોહર પર્રિકરના ભાઈની છે.

દાવો કરવામાં આવ્યો છે કે તેઓ ગોવામાં એક સામાન્ય કરિયાણાની દુકાન ચલાવે છે.

પરંતુ ફેસબુક પર શૅરચૅટ જેવાં અનેક ગ્રૂપ છે, જેમાં આ તસવીર સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ માત્ર એક ખોટો પ્રચાર છે. તસવીરમાં દેખાતી વ્યક્તિ મનોહર પર્રિકરના ભાઈ નથી.

કેટલાંક લોકોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ભાઈ ગણાવીને એક ચાવાળાની તસવીર પણ શૅર કરી છે.

જેના વિશે બાદમાં જાણવા મળ્યું કે તેની સાથે યોગી આદિત્યનાથનો કોઈ સંબંધ નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

ચાર વખત ગોવાના મુખ્યમંત્રી રહી ચૂકેલા મનોહર પર્રિકરનું 63 વર્ષની વયે 17 માર્ચના રોજ નિધન થયું હતું. પર્રિકર છેલ્લા એક વર્ષથી કૅન્સરથી પીડાતા હતા.

કહેવાય છે કે ગોવાના વહીવટી કાર્યોમાં પર્રિકરની હંમેશાં છાપ રહેશે. તેમની સાધારણ જીવનશૈલીના પક્ષ અને વિપક્ષ બન્નેએ વખાણ કર્યા છે.

સોશિયલ મીડિયા પર એવાં ઘણાં વીડિયો જોઈ શકાય છે, જેમાં તેમને કોઈ લાઇનમાં રાહ જોઈને ઊભેલા જોઈ શકાય છે.

હાલ જે તસવીર વાઇરલ થઈ રહી છે, તેમાં એક યુવાન આગળ ઊભો છે અને તેમની પાછળ

કરિયાણાની દુકાનમાં બેઠેલાં વ્યક્તિ વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ મનોહર પર્રિકરના ભાઈ છે.

દક્ષિણપંથી વિચારધારા ધરાવતા ઘણાં ફેસબુક ગ્રૂપમાં આ તસવીર શૅર કરતાં કૉંગ્રેસી નેતાઓના પરિવાર અને ભાજપના નેતાઓના પરિવારના લોકોની જીવનશૈલીની સરખામણી કરવામાં આવી છે.

ઘણા લોકોએ તસવીર સાથે કરેલા દાવા પર પ્રશ્નો ઊઠાવ્યા છે.

તેમાંથી એક યૂઝરે લખ્યું છે, "પર્રિકર બંધુઓનો કરોડોનો વેપાર છે. 2014માં તેમના પરિવાર પાસે સાડા ત્રણ કરોડ રૂપિયા હતા. તસવીરમાં કોઈ મનોહર પર્રિકરનો ભાઈ નથી. આ લોકોને મુરખ બનાવવાની રીત છે."

દાવાની તપાસ

અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ દાવો સાચો છે.

વાઇરલ તસવીરમાં જે વ્યક્તિ કરિયાણાની દુકાનમાં બેઠેલા દેખાય છે તેઓ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નાના ભાઈ સુરેશ પર્રિકર છે.

બીબીસીએ વાઇરલ તસવીરની ખાતરી કરવા માટે સુરેશ પર્રિકરના દીકરા અખિલ પર્રિકર સાથે વાત કરી.

તેમણે જણાવ્યું કે 61 વર્ષના સુરેશ પર્રિકર ઉત્તર ગોવામાં માપોસા માર્કેટમાં 'ગોપાલ કૃષ્ણ પ્રભુ પર્રિકર' નામની કરિયાણાની દુકાન ચલાવે છે.

અખિલે જણાવ્યું કે પહેલા આ દુકાન તેમના દાદા એટલે કે મનોહર પર્રિકરના પિતા સંભાળતા હતા.

(જો તમને કોઈ સંદિગ્ધ સમાચાર, તસવીરો, વીડિયો કે દાવા મળે તો તેની વિગતો બીબીસી ન્યૂઝને +91 9811520111 ઉપર અથવા તો અહીં મોકલો તથા તેની સત્યતા ચકાસો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો