લોકસભાની ચૂંટણી 2019 : મત નહીં આપો તો દંડ ભરવો પડશે? - ફૅક્ટ ચેક

    • લેેખક, સુપ્રીત અનેજા
    • પદ, ફૅક્ટ ચેક ટીમ, દિલ્હી

સોશિયલ મીડિયા પર એક ન્યૂઝપેપરનું કટિંગ વાઇરલ થઈ રહ્યું છે. તેનું શીર્ષક છે- "મત આપવા નહીં જાઓ તો બૅન્કના ખાતામાંથી 350 રૂપિયા કપાઈ જશે."

આ આર્ટિકલની પહેલી લાઇનમાં લખેલું છે કે 'આ વખતે લોકસભા ચૂંટણીમાં મત ન આપવો મોંઘો પડશે.'

ચૂંટણી પંચના પ્રવક્તાનો હવાલો આપીને આ સમાચારમાં લખવામાં આવ્યું છે કે 'આ વખતે જે મતદાતા મત નહીં આપે, તેમના બૅન્કના ખાતામાંથી 350 રૂપિયા કાપી લેવામાં આવશે અને જે મતદાતાના ખાતામાં 350 રૂપિયા નહીં હોય, તેમના પૈસા મોબાઇલ રિચાર્જ વખતે કપાઈ જશે.'

આ વર્ષે 11 એપ્રિલથી માંડીને 19 મે વચ્ચે કુલ સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે

પહેલા તબક્કાના મતદાનમાં હવે વધારે સમય બાકી રહ્યો નથી. તેવામાં સોશિયલ મીડિયાના મોટાભાગના પ્લેટફોર્મ પર ન્યૂઝપેપરનું કટિંગ ખૂબ શૅર થઈ રહ્યું છે.

સો કરતાં વધારે વાંચકોએ બીબીસીની ફૅક્ટ ચેક ટીમને ન્યૂઝપેપરનું આ કટિંગ મોકલ્યું છે અને તેની સત્યતા જાણવાની ઇચ્છા ધરાવી છે.

'સમાચાર'નું ફેક્ટ ચેક

અમને જાણવા મળ્યું કે આ કટિંગ દિલ્હીથી પ્રકાશિત થતાં ન્યૂઝપેપર નવભારત ટાઇમ્સની છે.

ન્યૂઝપેપરે હોળીના અવસર પર આ 'ભ્રામક ખબર'ને પ્રકાશિત કરી હતી.

નવભારત ટાઇમ્સની વેબસાઇટ પર પણ આ સમાચાર 21 માર્ચના રોજ પ્રકાશિત થયા હતા.

વેબસાઇટ પર આ સમાચારની ઉપર જ લખાયેલું છે કે, 'આ સમાચારમાં કોઈ સત્યતા નથી. આ એક મજાક છે.'

આ વાઇરલ સમાચારમાં લખ્યું છે, 'કોઈ મતદાતા આ આદેશ વિરુદ્ધ કોર્ટમાં ન જાય. તેને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચે પહેલેથી જ કોર્ટ પાસેથી મંજૂરી લઈ લીધી છે. તેની વિરુદ્ધ હવે અરજી દાખલ થઈ શકતી નથી.'

 ચૂંટણી પંચે મતદાતાઓને દંડ આપવા માટે કોર્ટ પાસેથી કોઈ મંજૂરી લીધી નથી અને ન તો આ પ્રકારની કોઈ અરજી કરી છે.

આ બધું ન્યૂઝપેપર દ્વારા કરવામાં આવેલો મજાક છે.

ન્યૂઝપેપરે હોળીના દિવસે જ ઘણા અન્ય ભ્રામક સમાચાર પણ છાપ્યા હતા.

તેમાંથી બેના શીર્ષક હતા, 'પાકિસ્તાને હાફિઝ સઇદને ભારતને હવાલે કર્યા, હવે દાઉદનો વારો' અને 'નીરવ, માલ્યાએ ધોયા હતા કુંભમાં પાપ'.

જોકે, અખબારે આ સમાચારો સાથે લખ્યું હતું કે 'બુરા ના માનો હોલી હૈ.' જોકે, સોશિયલ મીડિયા પર જે કટિંગ વાઇરલ થયાં, એમાથી આ વાક્ય હટાવી દેવાયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો