You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિત શાહને ટિકિટ બાદ ગાંધીનગરની જનતા કોની સાથે?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી
ગાંધીનગર એવો મતવિસ્તાર છે, જે 1989થી એકતરફી લડતનો સાક્ષી રહ્યો છે. ત્યાં ભાજપના ઉમેદવારો મોટા અંતરથી લોકસભાની ચૂંટણીઓ જીતતા આવ્યા છે. આ મતવિસ્તારમાં ગાંધીનગર અને પશ્ચિમ અમદાવાદના શહેરી વિસ્તારોનો સમાવેશ થાય છે. અમિત શાહે પોતાની કારકિર્દીની શરૂઆત આ જ બેઠક પરથી કરી હતી. રાજકીય વિશ્લેષકો માને છે કે આ મતવિસ્તારમાં ભાજપનું પાલડું કૉંગ્રેસ કરતાં હંમેશા ભારે જ રહ્યું છે.
જો ગુજરાતને હિંદુત્વની લૅબોરેટરી માનવામાં આવતું હોય તો ગાંધીનગર મત વિસ્તાર એ એક પ્રયોગ પાત્ર છે, જે હિંદુત્વના દરેક પ્રયોગોના કેન્દ્રમાં રહ્યું છે.
પછી તે મતોના ધ્રુવીકરણનો મુદ્દો હોય કે મત મેળવવા માટે વિકાસને મુદ્દો બનાવવાની વાત હોય.
લોકસભાની ચૂંટણી માટે લાલકૃષ્ણ અડવાણીથી અમિત શાહનું પરિવર્તન 'જૂના હિંદુત્વ'માંથી 'નવા હિંદુત્વ'નું પરિવર્તન લાવશે એવું જાણકારોનું માનવું છે.
ગુજરાત આધારીત સંશોધન કરતા અભ્યાસી શરીક લાલીવાલા જણાવે છે કે લાલકૃષ્ણ અડવાણીના હાથમાંથી અમિત શાહનું હસ્તાંતરણ 'જૂના હિંદુત્વ'માંથી 'નવા હિંદુત્વ'નું પરિવર્તન સ્પષ્ટ રીતે દર્શાવે છે. તેઓ જણાવે છે, "હિંદુત્વની જૂની બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરતા અડવાણી હવે આઉટડેટેડ થઈ ગયા છે, જેમનું સ્થાન વધુ ઉગ્ર અને કટ્ટરવાદી હિંદુત્વની બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરતાં અમિત શાહ લેશે."
શરીક માને છે કે અડવાણી અને વાજપેયીના હિંદુત્વ કરતાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું હિંદુત્વ અલગ છે.
"શાહ-મોદીએ વિકાસનું આવરણ ચડાવીને હિંદુત્વ રજૂ કર્યુ છે, પણ હકીકતમાં તે વધુ ઉગ્ર અને જૂની બ્રાન્ડના હિંદુત્વ કરતાં અલગ છે."
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1998થી લાલકૃષ્ણ અડવાણીની જીત
આ મતવિસ્તાર વર્ષ 1989થી એકતરફી રહ્યો છે જેમાં ભાજપના ઉમેદવારોએ મોટા અંતરથી લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે.
આ એક VIP મતવિસ્તાર ગણાય છે કેમ કે તેના પરથી મોટા નેતાઓ જેવાં કે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને શંકરસિંહ વાઘેલા (જ્યારે તેઓ ભાજપમાં હતા) ચૂંટણી લડી ચૂક્યા છે.
વર્ષ 1998થી લાલકૃષ્ણ અડવાણી સતત આ વિસ્તારમાં જીત મેળવી રહ્યા હતા.
જોકે, આ મતવિસ્તારમાં મોટાભાગે પાટીદાર મતદારો છે અને તેમની સંખ્યા અઢી લાખ જેટલી છે.
વણિક સમાજના 1.40 લાખ મતદારો છે, તો ઠાકોર સમાજના 1.30 લાખ અને 1.88 લાખ દલિત મતદારો છે.
ભાજપનો દબદબો
ગાંધીનગર મતવિસ્તારમાં ઉત્તર ગાંધીનગર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી બેઠકોનો સમાવેશ થાય છે.
ઉત્તર ગાંધીનગર સિવાય બધી જ બેઠકો પર ભાજપનો દબદબો છે.
એવી આશંકા છે કે કૉંગ્રેસના નેતા ડૉ. સી.જે. ચાવડા અમિત શાહ વિરુદ્ધ ગાંધીનગર મતવિસ્તારમાં ચૂંટણી લડી શકે છે.
અમિત શાહે પોતાની કારકિર્દીની શરુઆત પણ આ જ મતવિસ્તારથી કરી હતી.
વર્ષ 2008ના સીમાંકન પહેલાં અમિત શાહે સરખેજ મતવિસ્તારમાં વિધાનસભા ચૂંટણી લડી હતી. અમિત શાહનું ઘર નારણપુરામાં પ્રગતિ ગાર્ડન નજીક આવેલું છે.
2008ના નવા સીમાંકન પછી સરખેજ મતવિસ્તાર ત્રણ ભાગ, નારણપુરા, ઘાટલોડિયા અને વેજલપુરમાં વહેંચાઈ ગયો હતો. અમિત શાહે નારણપુરાથી ચૂંટણી લડી હતી અને તેમાં તેમને જીત મળી હતી.
જોકે, તેઓ 2017માં ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા.
રાજકીય વિશ્લેષક હેમંત શાહનું માનવું છે કે એ વાતમાં કોઈ બેમત નથી કે ગાંધીનગર મતવિસ્તારમાં કૉંગ્રેસની સામે ભાજપનો દબદબો વધારે છે.
તેઓ કહે છે, "જો ભાજપ આ મતવિસ્તારમાં સારું પ્રદર્શન નહીં કરે તો તેનો મતલબ એવો થશે કે તે રાજ્યના બીજા વિસ્તારોમાં પણ સારું પ્રદર્શન કરી શકશે નહીં."
"આ મતવિસ્તાર સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓનો ગઢ રહ્યો છે. તેનાથી સમગ્ર રાજ્યના મતદારો સહેલાઈથી પ્રભાવિત થઈ શકે છે."
"ભાજપના મતદાતાઓને સમજવા માટે ગાંધીનગર મતવિસ્તારને સમજવો જરુરી છે જે ભાજપ માટે મતદાતાઓનો મુખ્ય આધાર છે."
શહેરી લોકોનો પ્રભાવ
આ મતવિસ્તારમાં પશ્ચિમ અમદાવાદ તેમજ ગાંધીનગર શહેરના શહેરી લોકોનો પ્રભાવ છે.
ઉદાહરણ તરીકે વેજલપુર, ઘાટલોડિયા અને નારણપુરા અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવે છે, જ્યાં મોટાભાગે શહેરી મધ્યવર્ગના લોકો વસે છે.
ગાંધીનગર મતવિસ્તારની અંદર આવતા સાણંદ અને ઉત્તરી ગાંધીનગર જેવા ગ્રામીણ વિસ્તાર પણ હવે 'સૅમી અર્બન વિસ્તાર'માં પરિવર્તિત થયા છે અને અહીં રહેતા મતદારો મુખ્યત્વે મધ્યવર્ગના છે.
સાણંદ અને ઘાટલોડિયા જેવા મતદાર ક્ષેત્રમાં મોટાભાગે ઉચ્ચ શ્રેણીના મધ્યવર્ગીય લોકો વસે છે.
ભાજપનું માનવું છે કે ગાંધીનગરમાં તેઓ એકદમ સુરક્ષિત છે.
ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા કહે છે કે ગાંધીનગર મતવિસ્તારમાં પ્રતિયોગિતા જેવું કંઈ છે જ નહીં.
તેમનું માનવું છે કે અમિત શાહ ચૂંટણીની વ્યૂહરચના સારી રીતે જાણે છે અને જ્યારે તેઓ ગાંધીનગરથી લડશે, ત્યારે કાર્યકર્તાઓ તેમજ નેતાઓની શક્તિ બમણી થઈ જશે.
પંડ્યાએ કહ્યું, "વિધાનસભાની બેઠક પર નજર કરીએ તો એ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કૉંગ્રેસે અહીં કેટલું ખરાબ પ્રદર્શન કર્યું છે."
ભાજપને ટોચનું સ્થાન અપાવતી વિધાનસભા બેઠકો
ગાંધીનગર મતવિસ્તારમાં સાત વિધાનસભા બેઠકો ઉત્તર ગાંધીનગર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબમરમતીનો સમાવેશ થાય છે.
ઉત્તર ગાંધીનગર :ગાંધીનગર લોકસભા સમાવિષ્ટ એક બેઠક ઉત્તર ગાંધીનગર કૉંગ્રેસ પાસે છે જેને ડૉ. સી. જે. ચાવડાએ 5500 મતના અંતરથી જીતી હતી.
આ બેઠક 2007માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી.
ગાંધીનગર જિલ્લાના કલોલનું ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે.
કલોલ : ભાજપનાં ઉમેદવાર સુમન પ્રવિણસિંહ ચાવડાએ આ બેઠક 49,000 મતના અંતરથી જીતી હતી. તેમની વિરુદ્ધ કૉંગ્રેસના પ્રધ્યુમનસિંહ પરમારે ચૂંટણી લડી હતી.
2007 સિવાય ભાજપે 1995થી ક્યારેય કલોલ વિધાનસભા બેઠક પર હાર મેળવી નથી. 2007માં પણ ભાજપે માત્ર 2000 મતના અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો.
તેના સિવાય હંમેશાં ચૂંટણી એક તરફી જ રહી છે અને કલોલમાં ભાજપે મતમાં ખૂબ મોટા અંતરથી જીત પ્રાપ્ત કરી છે.
સાબરમતી : 2001માં નગરપાલિકાની ચૂંટણી સિવાય 1995થી ભાજપે આ વિસ્તારમાં કોઈ ચૂંટણીમાં હાર મેળવી નથી.
વર્ષ 2017માં એવું માનવામાં આવી રહ્યું હતું કે ભાજપ વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન નહીં કરે, ત્યારે ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલને 1,13,503 મત મળ્યા હતા. તેમની સાથે કૉંગ્રેસના ઉમેદવારને માત્ર 44,693 મત જ મળ્યા હતા.
ઘાટલોડિયા : 2012ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આ બેઠક અસ્તિત્વમાં આવી. આ બેઠક ભાજપ માટે સુરક્ષિત માનવામાં આવે છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આ જ બેઠક પરથી વર્ષ 2012માં જીત્યાં હતાં. તો ભાજપના નેતા ભુપેન્દ્ર પટેલને પણ 2012માં આ બેઠક પરથી જીત મળી હતી.
નારણપુરા : આ બેઠક પણ 2008માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. અહીંથી પહેલી વખત વિધાનસભા ચૂંટણી વર્ષ 2012માં લડવામાં આવી હતી.
આ બેઠક પર અમિત શાહે કૉંગ્રેસના ઉમેદવાર નીતિન પટેલ વિરુદ્ધ 63,335 મતથી જીત મળી હતી.
સાણંદ : આ એક એવી બેઠક છે કે જેમાં હંમેશાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે 'કાંટે કી ટક્કર' જોવા મળે છે. જોકે, એ વાત અલગ છે કે આ બેઠક હમણાં ભાજપ પાસે છે.
કૉંગ્રેસના ઉમેદવાર કરમસિંહ કોળી પટેલે આ બેઠક પર વર્ષ 2012માં વિજય મેળવ્યો હતો.
વેજલપુર : આ એવો મતવિસ્તાર છે કે જ્યાં મોટાભાગનો વોટશૅર ભાજપ તરફી છે. 2008ના સીમાંકન બાદ અને વર્ષ 2012થી આ વિસ્તાર પર ભાજપનો દબદબો છે.
કૉંગ્રેસ કેટલી તૈયાર?
શરીફ લાલીવાલા જેવા સંશોધકોનું માનવામાં આવે તો કૉંગ્રેસે ગાંધીનગર મતવિસ્તાર પર જીત મેળવવા માટે સમય અને સ્રોત વેડફવા ન જોઈએ.
કેમ કે હાલની પરિસ્થિતિ જોતાં કૉંગ્રેસ માટે આ બેઠક પર વિજય મેળવવો ખૂબ અઘરો છે.
આ તરફ રાજકીય વિશ્લેષક હેમંત શાહનું માનવું છે કે જો આ બેઠક ભાજપ માટે સુરક્ષિત જ છે, તો અહીંથી શક્તિશાળી નેતા અમિત શાહ કેમ લડવા જઈ રહ્યા છે?
હેમંત શાહ જણાવે છે, "જો કૉંગ્રેસ ઉમેદવારની પસંદગીમાં કોઈ ભૂલ નથી કરતી અને જો લોકો સુધી પહોંચવા માટે યોગ્ય વ્યૂહરચના અપનાવે છે તો તેને જીત ચોક્કસ મળી શકે છે."
અન્ય રાજકીય વિશ્લેષકો પણ એવું માને છે કે આ મતવિસ્તારમાં મજબૂત પ્રતિયોગિતામાં ઉતરવા માટે કૉંગ્રેસ પાસે સારી તક છે પરંતુ કૉંગ્રેસના નેતાઓ તેમની વ્યૂહરચના સાથે તૈયાર નથી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા વરિષ્ઠ કૉંગ્રેસ નેતા મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું, "ગાંધીનગર મતવિસ્તાર માટે ઉમેદવારોની યાદી નક્કી કરવામાં મારી કોઈ ભૂમિકા નથી. પણ હું એ કહી શકું છું કે કૉંગ્રેસ તેના ઉમેદવાર જાતિ અને તે જાતિના વોટશૅરના આધારે ઉમેદવાર નક્કી કરે છે."
તેઓ ઉમેરે છે, "ગાંધીનગર માટે કેટલાક નામોની યાદી તૈયાર થઈ છે અને એવું લાગે છે કે ઠાકોર સમાજમાંથી પાર્ટી કોઈનું નામ પસંદ કરી શકે છે."
જોકે, કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે ગાંધીનગરમાં મજબૂત પ્રતિયોગિતા થશે અને અમે યોગ્ય ઉમેદવાર અંગે જલદી કોઈ નિર્ણય લઈશું.
ગાંધીનગર મતવિસ્તારના મતદાતા શું કહે છે?
સુરેશ જાધવ (52 વર્ષ): સુરેશ જાધવ સાણંદમાં ખાનગી નોકરી કરે છે. તેઓ ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારના મતદાતા છે.
બીબીસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે કૉંગ્રેસમાં એવા નેતાઓનો અભાવ છે કે જેઓ ગામના છેવાડા સુધી પહોંચી શકે અને એવી વ્યક્તિને મળી શકે કે જે તેમને ગામની વાસ્તવિક સમસ્યા અંગે સમજાવી શકે.
તેઓ કહે છે, "હું બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યો છું. મને મારી નોકરીમાંથી છૂટો કરી દેવાયો છે અને આ ઉંમરે હું બીજી નોકરી શોધી રહ્યો છું. જોકે, આવા મુદ્દાઓ ચૂંટણીમાં ઉઠાવાતા નથી. કેમ કે અહીં એવી કોઈ વ્યક્તિ નથી કે જે ભાજપની પૉલિસી અને વાયદાઓની સામે સવાલ ઊભા કરી શકે."
આસિફ પઠાણ (50 વર્ષ): આસિફ પઠાણ અમદાવાદના જુહાપુરા સ્થિત એક ખાનગી સ્કૂલમાં પ્રિન્સીપાલ છે. તેઓ કહે છે કે અમિત શાહના હોવાથી કે ન હોવાથી જુહાપુરાના લોકોને કોઈ ફેર પડતો નથી.
તેઓ કહે છે, "લાલકૃષ્ણ અડવાણી અમારા સાંસદ હતા પરંતુ તેમણે ક્યારેય અમારા વિસ્તારની મુલાકાત લીધી નથી. મને નથી લાગતું કે ઉમેદવાર બદલવાથી અમારા જીવનમાં કોઈ ફેરફાર થશે."
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ઘાટલોડિયાના એક મતદાતા રમેશ દેસાઈ કહે છે, "તમે શા માટે તમારા સાંસદને મળવા માગશો જ્યારે તમને કોઈ સમસ્યા જ નથી? મેં લાલકૃષ્ણ અડવાણીને ક્યારેય અહીં જોયા નથી, અને અમારે તેમને જોવાની જરુર પણ નથી કેમ કે ભાજપના લોકો અને અન્ય નેતાઓ અમારા માટે દિવસ રાત કામ કરી રહ્યા છે."
"મને આશા છે કે આ વખતે પણ ભાજપને ગાંધીનગર મતવિસ્તારમાં મોટી જીત મળશે."
ગાંધીનગર મતવિસ્તારનો ઇતિહાસ
ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયાના આધારે, 2014ની સામાન્ય ચૂંટણીમાં ગાંધીનગર મતવિસ્તારમાંથી 17,33,972 મતદાતાઓ હતા અને 65.15% મતદાતાઓએ ગત લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો