લોકસભા ચૂંટણી 2019: મોદી સરકારના કાર્યકાળમાં દેશમાં સુરક્ષા વધી?

    • લેેખક, સમીહા નેત્તીકરા
    • પદ, બીબીસી રિયાલિટી ચેક

2019 લોકસભાની ચૂંટણી શરુ થઈ ત્યારથી મુખ્ય રાજકીય પાર્ટીઓ વચ્ચે એ વાત પર વાકયુદ્ધ ચાલી રહ્યું છે કે દેશની સુરક્ષાના મુદ્દે કઈ સરકારે વધારે સારું કામ કર્યું છે.

2014 સુધી સત્તા પર રહેનારા કૉંગ્રેસ પક્ષનો આરોપ છે કે દેશમાં ઉગ્રવાદી ઘટનાઓમાં 260%નો વધારો નોંધાયો છે અને સરહદ પર ઘૂસણખોરીની ઘટનાઓ ભાજપના શાસનમાં ખૂબ વધી છે.

કૉંગ્રેસનો એવો પણ દાવો છે કે તેના શાસન દરમિયાન વર્તમાન સરકારની સરખામણીએ ચાર ગણા વધારે ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.

બીબીસી રિયાલિટી ચેક મુખ્ય પક્ષો દ્વારા કરાયેલા દાવા અને વાયદાઓની સત્યતા તપાસી રહ્યું છે.

  • ભારત પ્રશાસિત કાશ્મીરમાં બનેલી ઘટનાઓ
  • ઉત્તર-પૂર્વ વિસ્તારમાં બળવા
  • ડાબેરી વિચારધારા ધરાવતા વિવિધ વિસ્તારોમાં બળવા
  • દેશના બાકી વિસ્તારોમાં ઉગ્રવાદી હુમલા

કૉંગ્રેસ પક્ષે આપેલા આંકડા માત્ર ભારત પ્રશાસિત કાશ્મીરના હોય એવું લાગે છે. તેનો સંબંધ ભારતના બીજા વિસ્તારો સાથે દેખાતો નથી.

1980ના સમયગાળા પછી ભારત પ્રશાસિત કાશ્મીરમાં ઉગ્રવાદીઓ હુમલાઓની શરૂઆત થઈ હતી.

ઉલ્લેખનીય છે કે કાશ્મીર અંગે વિવાદ ચાલી રહ્યો છે અને ભારત અને પાકિસ્તાન બંનેનો કાશ્મીર પર દાવો છે. બંને દેશો કાશ્મીરના કેટલાક ભાગ પર કબજો ધરાવે છે.

ભારતના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા અને ત્યારબાદ ભારતે બાલાકોટ પર કરેલા હવાઈ હુમલા બાદ બંને દેશના સંબંધોમાં તણાવ પેદા થયો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઔપચારિક આંકડા જણાવે છે કે ભારત પ્રશાસિત કાશ્મીરમાં બનતી ઉગ્રવાદી ઘટનાઓમાં 2013 સુધી ઘટાડો નોંધાયો હતો અને છેલ્લાં થોડાં વર્ષોમાં તેમાં વધારો જોવા મળ્યો છે.

ભારતના ગૃહ મંત્રાલયના આધારે ભારત પ્રશાસિત કાશ્મીરમાં વર્ષ 2013માં ઉગ્રવાદ સંબંધિત 170 ઘટનાઓ ઘટી હતી.

જ્યારે વર્ષ 2018માં 614 ઘટનાઓ નોંધાઈ છે. 2014ની સરખામણીમાં આ આંકડો 260% વધારે છે.

આ આંકડો અને કૉંગ્રેસે ટ્વિટર પર જાહેર કરેલો આંકડો સમાન છે.

જોકે, ધ્યાનથી જોવામાં આવે તો કાશ્મીરમાં વર્તમાન ભાજપ સરકારમાં અને અગાઉની કૉંગ્રેસની સરકારમાં ઉગ્રવાદી ઘટનાઓ એકસમાન રીતે બની છે.

વર્ષ 2009થી 2013 વચ્ચે કાશ્મીરમાં કુલ 1,717 ઉગ્રવાદી ઘટનાઓ બની હતી જ્યારે વર્ષ 2014-18 દરમિયાન 1,708 ઉગ્રવાદી ઘટનાઓ બની છે.

કૉંગ્રેસ દાવો કરે છે કે તેમની સરકાર હતી ત્યારે ભારતીય સેનાના હાથે મોટી સંખ્યામાં ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા.

સાઉથ એશિયન ટેરરિઝમ પોર્ટલ એક બિન સરકારી સંસ્થા છે, જેણે સરકારી આંકડા અને મીડિયા રિપોર્ટની મદદથી એક આંકડો તૈયાર કર્યો છે.

એવું લાગે છે કે કૉંગ્રેસે આ આંકડાઓનો ઉપયોગ કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કૉંગ્રેસના શાસન દરમિયાન ચાર ગણા વધારે ઉગ્રવાદીઓનાં મૃત્યુ થયાં હતાં.

સરકારી આંકડા કે જેને ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે, તે પણ આ જ પ્રકારની પેટર્નનો ઉપયોગ કરે છે પણ તેમાં આંકડો નાનો જણાવવામાં આવ્યો છે.

જોકે, કૉંગ્રેસની 2 ટર્મ (2004 - 2013) ગણવામાં આવી રહી છે જ્યારે ભાજપ સરકારની માત્ર એક ટર્મ (2014 - 2018) ગણવામાં આવી રહી છે.

જો આંકડાઓની સરખામણી કરવામાં આવે તો ભાજપના કાર્યકાળ દરમિયાન વધારે ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.

ઘૂસણખોરીના પ્રયાસ

ભારત ઘૂસણખોરીના પ્રયાસો પર પણ નજર રાખે છે. તેમાં ઉગ્રવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકો ભારત પ્રશાસિત કાશ્મીરમાં ઘૂસીને હુમલો કરે છે.

કૉંગ્રેસનું કહેવું છે કે ભાજપ સરકાર દરમિયાન ઘૂસણખોરીની ઘટનાઓ પણ વઘી છે.

ઔપચારિક આંકડા જણાવે છે કે 2011થી 2014 સુધી દર વર્ષે લાઇન ઑફ કન્ટ્રોલ પર 250 વખત ઘૂસણખોરીના પ્રયાસ કરાયા હતા.

વર્ષ 2016થી ઘૂસણખોરીના પ્રયાસમાં વધારો થયો છે. જોકે, આવા ઘણા પ્રયાસો નિષ્ફળ પણ રહ્યા છે.

ભારતના બીજા વિસ્તારોની શું સ્થિતિ છે?

ઉત્તર-પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા દાયકાઓથી વંશીય અને ભાગલાવાદી સંઘર્ષ ચાલી રહ્યો છે.

કેટલાક લોકો સ્વાયત્ત શાસન માટે લડી રહ્યા છે તો કેટલાક લોકો સંપૂર્ણ સ્વતંત્રતા માગી રહ્યા છે.

જોકે, આંકડા અનુસાર, વર્ષ 2012થી ઘર્ષણની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. નાગરિકો અને સુરક્ષાકર્મીઓનાં મૃત્યુનો આંકડો પણ વર્ષ 2015થી ઘટ્યો છે.

ગૃહમંત્રાલયના આધારે, "1997થી ચાલી આવતી ઘર્ષણની ઘટનાઓમાંથી વર્ષ 2017માં સૌથી ઓછી ઘર્ષણની ઘટનાઓ નોંધાઈ હતી."

આ સિવાય પૂર્વ અને મધ્ય વિસ્તારના રાજ્યોમાં માઓવાદીઓ ઉગ્રવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.

તેઓ સામ્યવાદી સત્તા અને આદિજાતિ જૂથ તેમજ ગરીબ ગ્રામજનોના હકો માટે લડી રહ્યા છે.

ભાજપનું કહેવું છે કે ડાબેરી દ્વારા કરવામાં આવતા બળવાની ઘટનાઓમાં પણ ઘટાડો નોંધાયો છે.

ભાજપનો દાવો છે કે વર્ષ 2014-17 દરમિયાન 3,380 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.

આ આંકડાનો ઉલ્લેખ વડા પ્રધાન મોદીએ ગત વર્ષે આપેલા એક ઇન્ટરવ્યૂમાં પણ કર્યો હતો.

આંકડા અને સ્થાનિક મીડિયાના આધારે સાઉથ એશિયન ટેરરિઝમ પોર્ટલે આ આંકડો 4,000 હોવાનું જણાવ્યું છે.

સંસદમાં જાહેર થયેલા આંકડા જણાવે છે કે વર્ષ 2014થી નવેમ્બર 2018 સુધી 3,286 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.

વર્ષ 2014થી ડાબેરી વિચારધારા ધરાવતા લોકો દ્વારા જે હિંસક પ્રવૃત્તિઓને અંજામ અપાય છે તેમાં પણ ઘટાડો નોંધાયો છે.

ગૃહ મંત્રાલયનું કહેવું છે કે આ ટ્રૅન્ડ જ્યારે કૉંગ્રેસ સત્તામાં હતી ત્યારે વર્ષ 2011માં શરુ થયો હતો.

તો જ્યારે ભારત પ્રશાસિત કાશ્મીરમાં ઉગ્રવાદી ઘટનાઓમાં વધારો નોંધાયો છે ત્યારે ઉત્તર પૂર્વી વિસ્તારમાં થતા બળવા તેમજ ડાબેરી હિંસામાં ઘટાડો નોંધાયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો