You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભા ચૂંટણી 2019: બિહારના મહાગઠબંધનની જાહેરાત, કોણ ક્યાંથી ચૂંટણી લડશે?
બિહારમાં અંતે મહાગઠબંધને પોતાની બેઠકોની જાહેરાત કરી દીધી છે.
શુક્રવારે પટનામાં મહાગઠબંધન તરફથી યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં રાષ્ટ્રીય જનતા દળ તરફથી રાષ્ટ્રીય સભા સાંસદ મનોજ જ્હા અને કૉંગ્રેસ તરફથી પ્રદેશ અધ્યક્ષ મદન મોહન જ્હાએ ભાગ લીધો હતો.
પહેલા કહેવાયું હતું કે વિપક્ષના નેતા તેજસ્વી યાદવ આવશે પરંતુ તેઓ હાજર ન રહ્યા.
મનોજ જ્હાએ કહ્યું કે તેજસ્વી યાદવ અને ગઠબંધનના અન્ય મોટા નેતાઓ પાછળથી પ્રેસ સાથે વાત કરશે.
આરજેડીના પ્રદેશ અધ્યક્ષ રામચંદ્રએ બેઠકોની જાહેરાત કરતાં કહ્યું કે આરજેડી 20, કૉંગ્રેસ 9, આરએલએસપી 5, હમ 3 અને વીઆઈપી 3 બેઠકો પરથી લડીશું.
આરએલએસપીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા છે, જેઓ હમણા સુધી ભાજપના નેતૃત્વવાળી એનડીએનો ભાગ હતા તેમજ કેન્દ્રિય મંત્રી હતા.
ગયા વર્ષે એનડીએ છોડીને તેમણે બિહારના મહાગઠબંધનમાં જોડાવાનો નિર્ણય લીધો.
એનડીએમાં 2014માં તેમને ત્રણ બેઠકો મળી હતી. પરંતુ આ વખતે મહાગઠબંધને તેમને પાંચ બેઠકો આપી છે. તેમને કઈ પાંચ બેઠકો મળી તેની પૂરતી માહિતી હજૂ મળી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
ઉપેન્દ્ર કુશવાહા કોઈરી સમાજમાંથી આવે છે. કોઈરી અને કુર્મી સમાજ લગભગ 8-9 ટકા છે. જેમને સામાન્ય રીતે એક સાથે ગણવામાં આવે છે.
હવે ઉપેન્દ્ર કુશવાહા મહાગઠબંધનમાં સામેલ થયા એટલે તેઓ પોતાના સમાજના કેટલા મત મેળવી શકે છે તે જોવાનું છે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર કુર્મી સમાજના છે.
હિન્દુસ્તાની આવામ મોર્ચા (હમ)ના પ્રમુખ પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી છે. જીતન રામ માંઝી 2014ની લોકસભા ચૂંટણી પછી મુખ્યમંત્રી બન્યા હતા.
ત્યારે નીતીશ કુમારે લોકસભામાં પોતાના પક્ષ જેડીયૂના ખરાબ પ્રદર્શન બદલ રાજીનામું આપી દીધું હતું. ત્યારે જીતન રામ જેડીયૂમાં હોવાથી તેમને મુખ્ય મંત્રી બનાવાયા હતા.
પાછળથી માંઝી અને નીતીશકુમારના સંબંધો બગડતાં તેમને પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવ્યા.
માંઝીએ ફરી પોતાનો નવો પક્ષ બનાવ્યો અને 2015માં વિધાન સભા ચૂંટણીમાં એનડીએનો ભાગ હતા, પરંતુ તેમનું પ્રદર્શન બહુ ખરાબ હતુ. બાદમાં તેઓ મહાગઠબંધનનો ભાગ બની ગયા.
વીઆઇપીના પ્રમુખ મુકેશ સહની છે જેઓ પોતાને 'સન ઓફ મલ્લાહ' તરીકે ઓળખાવાનું પસંદ કરે છે. મલ્લાહ અને નિષાદ સમાજમાં તેમનો પ્રભાવ છે પરંતુ તેમને મહાગઠબંધનમાં ત્રણ બેઠકો મળવી તે તેમની સફળતા માનવામાં આવે છે.
આરજેડી કોટાથી સીપીઆઇ(એમએલ)ને એક બેઠક આપવામાં આવી છે. પરંતુ એ સ્પષ્ટ નથી કે માલેને કઈ બેઠક આપવામાં આવી છે.
તેનાથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે સીપીઆઈ આ ગઠબંધનનો ભાગ નથી. તેથી હવે કન્હૈયા કુમારને ગઠબંધનમાંથી ટિકિટ મળશે નહીં.
સીપીઆઈના બિહાર પ્રદેશ સચિવ સત્યનારાણ સિંહે બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું કે સીપીઆઈનો ગઠબંધનમાં સમાવેશ નથી થયો પરંતુ કન્હૈયા કુમાર તેમના પક્ષમાંથી બેગુસરાઈ બેઠક પરથી લડશે.
કન્હૈયા કુમાર તરફથી હાલ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
11 એપ્રિલના રોજ થનારી ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે.
ગયાથી જીતન રામ માંઝી, નવાદાથી આરજેડીના વિભા દેવી, જમુઈથી આરએલએસપીના ભૂદેવ ચૌધરી, ઔરંગાબાદથી હમના ઉપેન્દ્ર પ્રસાદ ચૂંટણી લડશે.
આપને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો