You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇરાકમાં હોડી ડૂબવાથી લગભગ 100 લોકોનાં મૃત્યુ
ઇરાકના મોસુલ શહેરમાં ટિગરિસ નદીમાં એક હોડી ડૂબવાથી લગભગ 100 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો સામેલ છે.
હોડીમાં 200થી વધુ લોકો સવાર હતા અને ભાગ્યે જ કોઈને તરતા આવડતું હતું. તમામ લોકો ફરવા માટે એક ટૂરિસ્ટ આઇલૅન્ડ પર જઈ રહ્યા હતા.
આ ઘટનામાં 55 લોકોને બચાવી લેવાયા છે. મૃતકોમાં ઓછાંમાં ઓછાં 19 બાળકો અને 61 મહિલાઓ સામેલ છે..
અધિકારીઓએ આ પ્રવાસીઓને પહેલાંથી જ વધેલા જળસ્તર અંગે ચેતવણી આપી હતી.
મોસુલ બંધના દરવાજા ખોલી દેવાયા હોવાની વાતની પણ તેમને પહેલાંથી જ જાણ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર ઘટનાની જે તસવીરો પોસ્ટ થઈ રહી છે, તેમાં તરી રહેલાં વાસણો અને લોકો જોવા મળી રહ્યાં છે.
ચીનના કેમિકલ બ્લાસ્ટમાં મૃત્યુઆંક 47 સુધી પહોંચ્યો
પૂર્વ ચીનમાં થયેલા કેમિકલ પ્લાન્ટના બ્લાસ્ટમાં 47 લોકોનાં મૃત્યુ થયાં છે તેમજ 90 લોકો ઘાયલ થયા છે.
ચીનની સ્થાનિક ન્યૂઝ એજન્સી ઝિન્હાના અહેવાલ મુજબ ખાતરનું ઉત્પાદન કરતી ફૅક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના બની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીનના ભૂકંપ વિભાગના મતે આ બ્લાસ્ટ વખતે 2.2 મૅગ્નિટ્યૂડના આંચકા અનુભવાયા હતા.
આ ઘટનાને દેશની સૌથી ભયાનક ઔદ્યોગિક અકસ્માતોમાંની ઘટના માનવામાં આવે છે.
ગુરુવારે સ્થાનિક સમય મુજબ બપોરે 2.50 વાગ્યે યેનચેંગમાં આવેલા તિયાન્જિયી કેમિકલના પ્લાન્ટમાં આ બ્લાસ્ટ થયો.
સ્થાનિક અહેવાલો મુજબ આ બ્લાસ્ટ એટલો વ્યાપક અને શક્તિશાળી હતો કે પ્લાન્ટની બાજુમાં આવેલી ફૅક્ટરીની બીજી ઇમારતો પણ ધ્રૂજી ઊઠી હતી.
ઘટનાસ્થળથી ત્રણ કિલોમિટર દૂર આવેલી હેંગ્લિડા કેમિકલ ફૅક્ટરીના કર્મચારીઓના જણાવ્યા અનુસાર બ્લાસ્ટના કારણે ફૅક્ટરીની છત પડી ગઈ હતી, તેમજ તેનાં બારી-બારણાં દૂર સુધી ઊડ્યાં હતાં.
અડવાણીની જગ્યાએ અમિત શાહ, રાહુલ ગાંધી સામે સ્મૃતિ ઈરાની
ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠકથી ફરી ચૂંટણી લડશે અને ગાંધીનગર બેઠક પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહને ઉમેદવાર બનાવાયા છે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર બેઠક પરથી અત્યારસુધી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાંસદ હતા.
પત્રકાર પરિષદ યોજીને 184 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. બેઠકોના ઘટનાક્રમ બાદ આ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
જેમાં ગત લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી સામે હારી ગયેલાં સ્મૃતિ ઈરાનીને ફરીથી અમેઠીની ટિકિટ આપવામાં આવી છે.
ગઈ લોકસભાની ચૂંટણીમાં એટલે કે 2014માં નરેન્દ્ર મોદી વારાણસી તથા વડોદરા એમ બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા.
બન્ને બેઠકો પરથી વિજય થતાં તેમને વડોદરા બેઠક છોડી હતી અને વડોદરામાં ફરીથી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનાં ઉમેદવાર રંજન ભટ્ટ જીત્યાં હતાં.
ડોનાલ્ડ ટ્રમ્પે ગોલન હાઇટ્સને ઇઝરાયેલી વિસ્તાર તરીકે માન્યતા આપી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે અમેરિકા ગોલન હાઇટ્સને ઇઝરાયેલી વિસ્તારના રૂપે માન્યતા આપી દે.
1967માં સીરિયા સાથે યુદ્ધ દરમિયાન ઇઝરાયેલે ગોલન હાઇટ્સને પોતાના કબજામાં લઈ લીધી હતી. એ વખતની બન્ને દેશો વચ્ચે સંબંધિત વિસ્તારને લઈને વિવાદ ચાલતો હતો.
ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે આ વિસ્તાર ઇઝરાયલ અને સ્થાનિક સ્થિરતા માટે અત્યંત મહત્ત્વનો છે.
ઇઝરાયેલે 1981માં આ વિસ્તાર પર પોતાનો દાવો કરતા ગોલન હાઇટ્સ પર પોતાનો કાયદો અને વહીવટી તંત્ર લાગુ કરી દીધાં હતાં.
જોકે, વિશ્વના કેટલાંય રાષ્ટ્રોએ તેને માન્યતા નહોતી આપી.
બીજી બાજુ, સીરિયા આ વિસ્તારને પરત મેળવવા સતત પ્રયાસ કરી રહ્યું છે.
આ દરમિયાન ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહુએ ગોલ હાઇટ્સને ઇઝરાયેલી વિસ્તારના રૂપે માન્યતા આપવા બદલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો છે.
બ્રિટનના બર્મિંઘમમાં પાંચ મસ્જિદોને નિશાન બનાવાઈ
બ્રિટનના બર્મિંઘમ શહેરમાં ગત રાતે પાંચ મસ્જિદો પર હિંસક હુમલો કરવાની ઘટના સામે આવી છે.
પ્રારંભિક રિપોર્ટ અનુસાર આ હુમલા બુધવાર મોડી રાતથી લઈને ગુરુવારની સવાર વચ્ચે કરાયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર મસ્જિદની બહારની બારીઓ પર એક મજબૂત હથોડાથી હુમલો કરવામાં આવ્યો હતો.
બર્ચફિલ્ડ રોડ પર આવેલી મસ્જિદ પર આ હુમલો મોડી રાતે લગભગ અઢી વાગ્યે કરવામાં આવ્યો હતો.
આ હુમલાની સૂચના મળવાની 45 મિનિટ બાદ જ આવો જ વધુ એક હુમલો આર્ડિંગટનમાં કરાયો હોવાનું પણ જાણવા મળ્યું.
આ ઉપરાંત ઍસ્ટન અને પૅરી બારમાં પણ આવા જ પ્રકારના હુમલા કરાયા હોવાની પોલીસને સૂચના મળી હતી.
ગૃહ સચિવે આ હુમલાને ગંભીર અને ચિંતાજનક ગણાવ્યા છે.
વૅસ્ટ મિડલૅન્ડ્સ પોલીસના જણાવ્યા અનુસાર હુમલાઓનો ઉદ્દેશ જાણી નથી શકાયો પણ અધિકારીઓ આ પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો