લોકસભા ચૂંટણી 2019: 100 'સ્માર્ટ સિટી' નિર્માણનો BJP સરકારનો વાયદો પૂરો થયો?

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી રિયાલિટી ચેક

દાવો : વર્ષ 2015માં ભારત સરકારે દાવો કર્યો હતો કે તેઓ પાંચ વર્ષના સમયગાળામાં 100 સ્માર્ટ સિટીનું નિર્માણ કરશે.

નિષ્કર્ષ : એકસાથે બધાં શહેરોની પસંદગી ન થતાં પ્રોજેક્ટમાં મોડું થયું છે અને ફાળવાયેલી રકમમાંથી અત્યાર સુધી માત્ર નાનો એવો ભાગ વાપરવામાં આવ્યો છે.

11 એપ્રિલથી લોકસભા ચૂંટણીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે બીબીસી રિયાલિટી ચેક મુખ્ય રાજકીય પાર્ટીઓ દ્વારા કરેલા દાવાઓનું પરીક્ષણ કરી રહ્યું છે.

ભાજપ સરકારે વર્ષ 2014માં ચૂંટણી પ્રચાર દરમિયાન સ્માર્ટ સિટીમાં રોકાણ કરવાની યોજનાની વાત કરી હતી અને વર્ષ 2015 દરમિયાન આ યોજનાને લૉન્ચ પણ કરી દેવામાં આવી હતી.

વિપક્ષે આ યોજનાને માર્કેટિંગનો ભાગ ગણાવી હતી અને કહ્યું હતું કે તેનાં કોઈ પરિણામ જોવાં મળ્યાં નથી.

ભારતની શહેરી વસતી ઝડપથી વધી રહી છે અને આગામી એક દાયકામાં શહેરની વસતી 60 કરોડ પર પહોંચી શકે છે.

પરંતુ શહેરી વિસ્તારનું બાંધકામ ખૂબ નબળું છે અને લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ મળી રહી નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

સ્માર્ટ સિટી શું છે?

સરકારે એ વાતની સ્પષ્ટતા કરી છે કે સ્માર્ટ સિટીને એક લાઇનની વ્યાખ્યામાં સમજાવી શકાય તેમ નથી.

પરંતુ સરકારે દાવો કર્યો હતો કે શહેરી જનજીવન સુધારવા માટે તેઓ રકમ ફાળવશે. આ યોજના અંતર્ગત 100 શહેરોની પસંદગી કરવાની હતી કે જેમાં નવીન ટૅકનૉલૉજીનો ઉપયોગ કરી વિકાસ કરવાનો હતો.

આ શહેરોમાં માત્ર ઊંચી-ઊંચી ઇમારતો જ નહીં હોય, પણ પાણી બચાવવાં, કચરાના નિકાલ, ટ્રાફિક જેવી સમસ્યાઓનું પણ ટૅકનૉલૉજીની મદદથી નિવારણ શક્ય બનશે.

સરકારે સ્માર્ટ સિટી મિશન માટે દેશમાંથી 100 શહેરોની પસંદગી કરવાની હતી, જેમાંથી છેલ્લી બેચની પસંદગી વર્ષ 2018માં થઈ હતી.

શહેરોની પસંદગીમાં થયેલા વિલંબને કારણે પ્રોજેક્ટ પૂર્ણ થવામાં પણ મોડું થઈ ગયું છે, અને હવે આ પ્રોજેક્ટ વર્ષ 2023 સુધી પૂર્ણ થઈ શકે છે.

પ્રોગ્રામ અંતર્ગત દરેક સ્માર્ટ શહેરને વાર્ષિક ફૅડરલ સપોર્ટ આપવાનો રહેશે, જેમાં રાજ્ય અને સ્થાનિક મંડળનો ફાળો રહેશે.

શું પ્રોજેક્ટ પર કામ ચાલુ થઈ ગયું છે?

જાન્યુઆરી 2019માં માહિતી મળી હતી કે 39% પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે અથવા તો કામ પૂર્ણ થઈ ગયું છે. નિવેદનમાં વધારે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

સત્તાવાર આંકડા જણાવે છે કે કદાચ પ્રોગ્રામ માટે ફાળવવામાં આવેલી રકમમાં ઘટાળો નોંધાયો છે.

વર્ષ 2015થી 2019 દરમિયાન કુલ 16,600 કરોડ રુપિયા સ્માર્ટ સિટી મિશન માટે ફાળવવામાં આવ્યા હતા.

પરંતુ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સરકારે માહિતી આપી કે આ રકમમાંથી માત્ર 3,560 કરોડ રુપિયાનો વપરાશ થયો છે. આ આંકડો કુલ રકમનો માત્ર 21% છે.

આ રકમનો વપરાશ કેવી રીતે થઈ રહ્યો છે તેના પર પણ અવાજ ઊઠી રહ્યો છે.

જે પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે, તેમાં 80% રકમ આખા શહેરના વિકાસ માટે નહીં પણ શહેરના કેટલાક વિસ્તારોના વિકાસ માટે વપરાશે.

હાઉસિંગ ઍન્ડ લૅન્ડ રાઇટ્સ નેટવર્ક નામના એક એનજીઓએ સ્માર્ટ સિટી મિશનને "સ્માર્ટ ઍન્ક્લેવ સ્કીમ નામ" આપી દીધું છે.

કેટલાક વિશ્લેષકો દલીલ કરી રહ્યા છે કે આ મિશન શહેરી વિસ્તારમાં જે સમસ્યાઓ છે તેના પર કેન્દ્રીત ન હોઈ નવા પ્રોજેક્ટ પર ધ્યાન આપી રહ્યું છે.

તેઓ કહે છે કે સાઇકલ શૅરિંગ સુવિધા આપીને અથવા તો પાર્કનું નિર્માણ કરવું એ સ્માર્ટ સિટી નથી. આ પ્રકારની વસ્તુઓ શહેરની પ્લાનિંગમાં એક ભાગ સમાન હોવા જોઈએ.

સંસદીય સમિતિનો રિપોર્ટ જણાવે છે, "કામ કરતી એજન્સીઓ વચ્ચે સમન્વય ન હોવાથી નાગરિકોને સ્માર્ટ સિટી મિશનની અસર જોવા મળતી નથી."

સરકાર કહે છે કે તેમણે સ્થાનિક તંત્રની ક્ષમતા વધારવા માટે ટ્રેનિંગ કૉર્સ ઑફર કર્યા છે. પરંતુ એ સ્પષ્ટતા જોવા મળી નથી કે તે કેટલા સફળ થયા છે.

ગતિમાં વધારો

ડિસેમ્બર મહિનામાં જણાવવામાં આવ્યું હતું, "ઑક્ટોબર 2017થી પ્રોજેક્ટના કામમાં 479%નો વધારો થયો છે."

આવાસ અને શહેરી મામલાના રાજ્યમંત્રી હરદીપ સિંહ પુરીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે 13 કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર આ પ્રોજેક્ટ હેઠળ કામ કરી રહ્યાં છે.

તેમનું કહેવું છે, "ડિસેમ્બર 2019 સુધી 100માંથી જો 50 પ્રોજેક્ટ પૂર્ણ થઈ જાય, તો આટલી ઝડપે પૂર્ણ થનારા દુનિયાના પ્રોજેક્ટની યાદીમાં તેનો સમાવેશ થશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો