You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભા ચૂંટણી 2019 : રાહુલ-પ્રિયંકાનાં પ્રવચન : મુદ્દાઓનો ખડકલો, પણ વાર્તા ક્યાં?
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં જનસંકલ્પ રેલીના માધ્યમથી કૉંગ્રેસે ચૂંટણીપ્રચારનો સત્તાવાર આરંભ કર્યો. જોકે, તે 20-20 કરતાં ટેસ્ટ મૅચ જેવો વધારે હતો. તેમાં વિગત બહુ, પણ ઝમકનો અભાવ જણાયો.
આમ જુઓ તો શું ન હતું રાહુલ ગાંધીના ભાષણમાં?
નરેન્દ્ર મોદીના પંદર લાખના જુમલાનો હિસાબ, રફાલ કૌભાંડ થકી હવાઈદળના ખાતામાંથી રૂ. 30 હજાર કરોડની ચોરીનો આરોપ, અગાઉની એનડીએ સરકારના વખતમાં વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલને સાંકળતી મસુદ અઝહરની મુક્તિની વાત હતી.
તથા ગબ્બરસિંઘ ટૅક્સ (GST)ની મુશ્કેલી, ખેડૂતોની દેવામાફી, બેરોજગારી, સરકારનો ઉદ્યોગપતિઓ માટેનો પક્ષપાત, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોએ ન્યાય માગવા લોકો પાસે આવવું પડે એવી ચિંતાજનક સ્થિતિ, જસ્ટિસ લોયાના કથિત અપમૃત્યુ કેસનો ઉલ્લેખ, બંધારણીય સંસ્થાઓનો ખાત્મો.
પરંતુ આટલા બધા મુદ્દા એક જ પ્રવચનમાં એક સાથે થઈ જાય, ત્યારે કોઈ એક મુદ્દો તીવ્રતાથી ઉપસતો નથી.
ખાસ કરીને એવા સંજોગોમાં, જ્યારે ભાજપ પાસે રાષ્ટ્રીય સુરક્ષા અને ગઠબંધનની કથિત અસ્થિરતા જેવા મજબૂત મુદ્દા હોય અને તેને પૂરેપૂરા નિચોવી નાખવામાં તે કશી કસર રાખતો ન હોય.
એવું પણ ન હતું કે આ બધા મુદ્દાને સમાવી લેતું અને તેની સામે પોતાની વાત મૂકતું એક વ્યાપક પોત રાહુલ ગાંધીએ રજૂ કર્યું હોય.
ચૂંટણીસભાઓમાં નેતાઓની એક તરકીબ સામેના પક્ષ પર આકરા પ્રહાર કરીને, તેમની આબરૂનો-વિશ્વસનીયતાનો કચરો કરી નાખવાની હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલનું ભાષણ ટચ ઍન્ડ ગો જેવું
રાહુલ ગાંધીના પ્રવચનમાં સમાવાયેલા ઘણા મુદ્દા એવી ક્ષમતા ધરાવતા હતા, પરંતુ તેમની રજૂઆત ટચ ઍન્ડ ગો જેવી, અડીને નીકળી જવા જેવી રહી.
એક-એક મુદ્દે સ્વતંત્ર રીતે સરકારને ઘેરી શકાય, એ મુદ્દે સરકારની નીતિથી અથવા સરકારની નિષ્ફળતાથી સામાન્ય લોકો પર કેવી વિપરીત અસર પડી, તે દર્શાવી શકાય એમ હતું. પણ એવું બન્યું નહીં.
વિપક્ષમાં પણ મુખ્યત્વે કૉંગ્રેસની આ મોટી મર્યાદા રહી છે. નાગરિક સમાજના અગ્રણીઓ-સ્વૈચ્છિક સંગઠનો સરકારની નિષ્ફળતાઓની અને તેનાં જૂઠાણાંની જમીની સમજ ધરાવતા હોય છે.
તે પોતે પક્ષીય રાજકારણથી ભલે દૂર રહે, પણ કૉંગ્રેસ જેવા વિપક્ષો આવાં સંગઠનો કે વ્યક્તિઓ પાસેથી તૈયાર માહિતી અને મુદ્દા મેળવીને પોતાનાં હથિયાર સજાવી ન શકે?
પરંતુ એવું ભાગ્યે જ બને છે. ઘણી વાર સરકારની વાસ્તવિક ટીકાના મુદ્દા અને આંકડા તૈયાર હોય, તો પણ તેનો ઉપયોગ કરવાનું કૉંગ્રેસને સૂઝતું નથી.
ઊલટું, નાગરિક સંગઠનો ચોક્કસ મુદ્દા પૂરતી સામેથી મદદ આપવાનો પ્રસ્તાવ મૂકે, ત્યારે પણ કૉંગ્રેસી નેતાઓને પક્ષીય સંસ્કૃતિનાં બંધનો નડી જાય છે.
રાહુલ ગાંધી એ બાબતમાં વધુ મોકળાશ ધરાવતા હોવાનું કહેવાય છે, પરંતુ સામેથી સક્રિય થવાની અને બધાની વાત સાંભળ્યા પછી તેના આધારે નક્કર પગલાં લેવાની બાબતમાં તેમણે પણ હજુ પોતાની નિષ્ઠા પુરવાર કરવાની બાકી છે.
આ જ મુદ્દો જરા જુદી રીતે અથવા વિસ્તૃત સ્વરૂપે કૉંગ્રેસની બીજી સમસ્યા ચીંધે છે : વર્તમાન સરકાર જે જે મુદ્દે નકામી કે નઠારી પુરવાર થઈ છે, એ મુદ્દે કૉંગ્રેસનું પોતાનું દર્શન શું છે?
રાહુલ ગાંધીના આજના ભાષણમાં લઘુતમ આવકની ગેરન્ટી, ખાતામાં રૂપિયા સીધેસીધા જમા થવાની વાત અને જીએસટીની જગ્યાએ સરળ ટેક્સ—આવા ચૂંટણીલક્ષી વાયદાથી વધીને કશું જાણવા મળતું નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
કૉંગ્રેસનું ચિત્ર કેટલું સ્પષ્ટ?
વર્તમાન સરકાર રાષ્ટ્રીય સુરક્ષાને રાજકીય મુદ્દો બનાવીને ચૂંટણી લડી રહી હોય, ત્યારે કંઈ નહીં તો તેની સામે શાબ્દિક મુકાબલામાં ટકી રહેવા માટે પણ રાહુલ ગાંધીએ ત્રાસવાદના મુદ્દે કૉંગ્રેસનું દર્શન સ્પષ્ટ કરવું પડે.
મસુદ અઝહરને એનડીએ સરકારે છોડ્યો હતો ને તેમાં અજિત દોભાલની ભૂમિકા હતી, એવું કહેવાથી કશો દહાડો વળવાનો નથી. કારણ કે એ મુદ્દે વિરોધી બૂમરાણ મચાવવામાં ભાજપનાં પ્રચારયંત્રોને પહોંચવાનું તેમના માટે કઠણ છે.
વાત જસ્ટિસ લોયાના કેસની તપાસની હોય કે પછી સમાજમાં વ્યવસ્થિત રીતે ફેલાવાઈ રહેલી અસહિષ્ણુતાની-ધિક્કારની. આ મુદ્દે કૉંગ્રેસે અત્યાર સુધી શું કર્યું અને ભવિષ્યમાં તે શું કરવા ધારે છે, એનું કોઈ નક્કર આલેખન કે દર્શન રાહુલ ગાંધી તેમના આજના ભાષણમાં આપી શક્યા નથી.
ગાંધીજીના આશ્રમમાં પ્રાર્થના કરીને બે વિચારધારાની લડાઈની વાત તો તેમણે કરી, પણ તેમની પ્રેમની વિચારધારા કઈ ચિડીયાનું નામ છે? અને તે કેવી રીતે કામ કરવાની છે?
ભાજપ કરતાં કૉંગ્રેસના શાસનમાં અસહિષ્ણુતાનું પ્રમાણ ઓછું અને તેને રાજ્યાશ્રય પણ ઓછો, એવું જોવા મળ્યું છે.
છતાં, કૉંગ્રેસની પોતાની કહેવાય એવી કોઈ વિચારધારા છેલ્લાં થોડાં વર્ષમાં જોવા મળી નથી.
બે આંકડામાં બેઠકો આવી ગયા પછી કૉંગ્રેસ પાસે એકડે એકથી નવસર્જન કરવાની તક હતી. 'આનાથી વધારે નુકસાન શું જવાનું?' એમ વિચારીને લોકોને અળખામણા લાગે, છતાં લાંબા ગાળાના દેશહિતમાં મહત્ત્વના હોય એવા મુદ્દા લઈને કૉંગ્રેસે લોકો પાસે જવાની જરૂર હતી.
તેમની ગાળો ખાઈને પણ પ્રેમની અને ઉદારતાની વિચારધારાનો સંદેશો પહોંચાડવાની જરૂર હતી. તેને બદલે, મધ્ય પ્રદેશ- રાજસ્થાન જેવાં રાજ્યોમાં સત્તા મળ્યા પછી સાધુઓને સત્તા આપવાના કે બનાવટી ગૌપ્રેમ દેખાડવા મુદ્દે તે ભાજપનું અનુકરણ કરી રહી છે.
પોપટિયા સૂત્રોચ્ચાર
રાહુલ ગાંધીને બે વિચારધારાના સંઘર્ષની ખરી ચિંતા હોય તો ચૂંટણીમાં હાર-જીતનાં સમીકરણ છોડીને પ્રેમની-ઉદારતાની વિચારધારાનો ફેલાવો કરે, લોકોને તેનું મહત્ત્વ સમજાવે.
ધિક્કારની-ભયની વિચારધારાનો માત્ર વિરોધ કરવો અને તેનો કશો વિકલ્પ પૂરો ન પાડવો, એ ઉકેલ ન હોઈ શકે અને તેને વિચારધારાની લડાઈ પણ ન કહેવાય.
કૉંગ્રેસના માળખામાં સત્તાસ્થાને બેઠા પછી પ્રિયંકા ગાંધીએ તેમનું પહેલું મહત્ત્વનું પ્રવચન આપ્યું, તેમાં પણ લોકજાગૃતિની વાત કરી અને જાગૃતિને દેશપ્રેમનો જ પ્રકાર ગણાવી.
'શહીદો અમર રહો' કે 'જય જવાન, જય કિસાન'ના પોપટિયા સૂત્રોચ્ચારો કરવા એ જાગૃતિ નથી.
ધિક્કારની વિચારધારા વગરનો દેશપ્રેમ કેવી રીતે ફેલાવાય? તેનો ફેલાવો કરતી વિચારધારા કેવી હોય? સરકારની ટીકા કર્યા પછી પોતાનું વૈકલ્પિક દર્શન દેશ સમક્ષ શી રીતે મૂકી શકાય?
આ બધું પ્રિયંકાએ તેમના ભાઈને અને તેમના પક્ષના કાર્યકરોને સમજાવવાની જરૂર છે. જો એ જાણતાં હોય કે પોતે જાણીને પછી સમજાવવા જેટલી તૈયારી રાખતાં હોય તો.
રાહુલ ગાંધીના આજના ભાષણથી ટ્વિટ કરવા પૂરતી લાઈનો મળી રહેશે, પ્રસાર માધ્યમોને મથાળાં મળી રહેશે, પણ નાગરિકોને મજબૂત વિકલ્પનો અહેસાસ થાય, એવું ખાસ જણાતું નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો