લોકસભા ચૂંટણી 2019: પુલવામા અને બાલાકોટ બાદ વિપક્ષની રાજનીતિ કેટલી બદલાઈ?

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી, સંવાદદાતા

આ વર્ષે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા ઉગ્રવાદી આત્મઘાતી હુમલા અને ત્યારબાદ પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહીના સમાચાર બાદ ભારતના રાજકારણનો માહોલ બદલાયો છે.

આ બદલાયેલા માહોલમાં વિપક્ષની રણનીતિ અને ગઠબંધનનાં સમીકરણ પણ બદલાઈ રહ્યાં છે.

લોકસભાની બેઠકો જોતાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને લોકદળના ગઠબંધને કૉંગ્રેસ પાર્ટી માટે બે બેઠકો છોડી છે- રાયબરેલી અને અમેઠી.

આ બંને બેઠકો પર ગુરુવારે કૉંગ્રેસે રાયબરેલી પર સોનિયા ગાંધી અને અમેઠી પર રાહુલ ગાંધીનાં નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ કહી ચૂક્યા છે કે આ બેઠકો છોડવાનો અર્થ એ છે કે કૉંગ્રેસ પણ ગઠબંધનમાં સામેલ છે. પરંતુ કૉંગ્રેસ પાર્ટી બધી બેઠકો પર ચૂંટણી લડવાની વાત કહી ચૂકી છે.

આ બધા વચ્ચે શું રાજકીય માહોલમાં ગઠબંધનનાં સમીકરણમાં કોઈ ફેરફાર થઈ શકે છે?

બહુજન સમાજ પાર્ટીના પ્રવક્તા સુધીન્દ્ર ભદૌરિયા કહે છે, "જ્યાં અમારી તાકાત છે ત્યાં જો કૉંગ્રેસ અમને બેઠકો આપે તો એના બદલામાં અમે કૉંગ્રેસને બેઠકો કેમ ન આપીએ? ચોક્કસ આપીશું."

ભદૌરિયાના કહેવાનો મતબલ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવાં રાજ્યો છે, જ્યાં બહુજન સમાજ પાર્ટી ઉમેદવારો ઊભા રાખે છે પરંતુ પાર્ટીને મોટી જીત મળતી નથી.

તેઓ કહે છે, "હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં અમને મધ્ય પ્રદેશમાં સાત ટકા મત મળ્યા છે, રાજસ્થાનમાં અમારા છ ઉમેદવારો જીત્યા છે. છત્તીસગઢમાં પણ સારી સ્થિતિ છે. અમારા આ જનમતનું ગઠબંધનમાં સન્માન કરવામાં આવે તો વાત આગળ વધી શકે છે. જો સન્માનજનક સમજૂતી કરે તો ગઠબંધન કેમ ન થાય?"

ભદૌરિયા એ વાતનો સ્વીકાર કરે છે કે પુલમામા હુમલા બાદ દેશનો રાજકીય માહોલ બદલાયો છે. પરંતુ તેનાથી યૂપીના ગઠબંધનમાં કોઈ અસર થશે એ વાત તેઓ માનવા તૈયાર નથી.

તેઓ કહે છે, "જો કોઈ આવવા માગતું હોય તો અખિલેશજી અને માયાવતીજી સાથે વાત કરી શકે છે, તમામનું સ્વાગત છે. વાત કરવાથી જ ઉકેલ આવશે"

કૉંગ્રેસનું વલણ

તો આ તરફ કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલા કહે છે, "સપા હોય કે બપસા, રાજનીતિક વિચારોમાં ભિન્નતા હોઈ શકે છે, પરંતુ દેશહિતના અનેક મુદ્દાઓ પર અમે સાથે છીએ. સપા, બસપાએ કૉંગ્રેસની રાહ જોયા વિના બધી બેઠકોનો નિર્ણય આપમેળે કરી લીધો છે, અમારી સાથે તો કોઈ વાત કરી નથી."

"આજે પણ સપા અને બસપા ખુલ્લા મનથી આવે તો કૉંગ્રેસ પાર્ટી ચોક્કસ વિચાર કરશે, કેમ કે અમે ઇચ્છીએ છીએ કે દરેક રાજકીય પક્ષોને એક મંચ પર લાવી દેશને મજબૂત કરીએ."

રણદીપ સુરજેવાલા કહે છે, "અમારી લડાઈ કોઈ વ્યક્તિ સામે નથી, ન નરેન્દ્ર મોદી સામે કે અન્ય સામે. અમારી લડાઈ વિનાશકારી, તિરસ્કૃત અને ભાગલાવાદી વિચારધારા સામે છે જેનું પ્રતિનિધિત્વ નરેન્દ્ર મોદી કરે છે."

સુરજેવાલા એ વાતનો સ્વીકાર કરે છે કે કેટલાક દિવસોમાં દેશનો રાજકીય માહોલ બદલાયો છે.

ભાજપ પર નિશાન સાધતા તેઓ કહે છે, "કમનસીબે દેશનો રાજકીય માહોલ સૈનિકોની શહાદત પાછળ છૂપાયેલા વડા પ્રધાનના રાજકારણથી પ્રભાવિત થઈ રહ્યો છે."

સુરજેવાલા કહે છે કે તેમની પાર્ટી દેશમાં બેરોજગારી, રોજીરોટી, ખેડૂતો-મજૂરો, નાના ઉદ્યોગકારો અને દુકાનદારોના મુદ્દાઓ ઉઠાવી આ રાજનીતિનો જવાબ આપશે.

તેઓ કહે છે, "આ દેશમાં પ્રજાતંત્ર, બંધારણીય નિયમ, આજીવિકા અને જીવન બચાવવા માટે અમારે બધાએ એક થઈને આ અહંકારી શાસક અને સરકારનો સામનો કરવાની જરૂર છે."

કૉંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીના પ્રવક્તા ભલે ગઠબંધનની શક્યતાના સંકેત આપી રહ્યા હોય, પરંતુ સમાજવાદી પાર્ટીનું સ્પષ્ટ કહેવું છે કે જે નક્કી થયું છે એ જ અંતિમ છે.

સમજદાર લોકો પર સૌને ભરોસો

પાર્ટીના વરિષ્ઠ નેતા અને અખિલેશ યાદવના સલાહકાર રાજેન્દ્ર ચૌધરી કહે છે, "પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ બે બેઠકો કૉંગ્રેસ માટે છોડી દીધી છે."

"એ આધારે અમે માનીએ છીએ કે કૉંગ્રેસ પણ ગઠબંધનમાં સામેલ છે. સપા, બસપા અને લોકદળનું ગઠબંધન જ ઉત્તર પ્રદેશમાં વિપક્ષની મુખ્યધારા છે અને મતદારો પણ અમારી સાથે છે, જેઓ સત્તાની વિરુદ્ધમાં છે અથવા સત્તાથી નારાજ છે."

યાદવ કહે છે, "ગઠબંધનમાં હવે કોઈ ફેરફારની શક્યતા નથી. તેમજ ગઠબંધનને લઈને કોઈ નવી વાતચીત પણ ચાલી રહી નથી."

પુલવામા હુમલો અને પાકિસ્તાનમાં થયેલી ભારતીય વાયુસેનાની કાર્યવાહીની ચૂંટણીમાં બહુ અસર થશે એ વાત રાજેન્દ્ર યાદવ સ્વીકારતા નથી.

તેઓ કહે છે, "લોકો સત્ય જાણે છે. વિપક્ષે શહીદોનાં બલિદાનની સરાહના કરી છે. કોઈ એક રાજકીય પક્ષ સેનાનાં શૌર્યનો જશ લેવાનો દાવો ન કરી શકે. લોકો સમજદાર છે અને ચૂંટણીમાં સેનાના નામનો ઉપયોગ થાય એ પણ સમજી શકે છે."

શું કૉંગ્રેસ મૂંઝવણમાં છે?

ઉત્તરપ્રદેશમાં જ્યારે ગઠબંધનની વાત શરૂ થઈ ત્યારે એવું મનાતું હતું કે કૉંગ્રેસ, સપા અને બસપા સાથે હશે. કૉંગ્રેસ માટે બે બેઠકો ખાલી રાખવામાં આવી છે પણ તેનો ગઠબંધનમાં સમાવેશ નથી કરાયો.

તેનું કારણ જણાવતા સુધીન્દ્ર ભદૌરિયા કહે છે, "કૉંગ્રેસ વર્તમાન સમયે અલગ દિશામાં છે. કૉંગ્રેસનો ઝોક પાર્ટીને મજબૂત કરવા તરફનો છે નહીં કે મોદીને હરાવવાનો. જોકે, આ સમય મોદીને હરાવવાનો છે નહીં કે પાર્ટીને મજબૂત કરવાનો."

જ્યારે આ સવાલ રણદીપ સુરજેવાલાને કરાયો તો તેમણે કહ્યું, "વિનમ્રતાનો બીજો અર્થ કૉંગ્રેસ છે, રાહુલ ગાંધી પડકાર ઝીલીને આગળ વધવામાં માને છે. અન્ય પક્ષો ગેરસમજમાં હોઈ શકે છે, અમારામાં કોઈ પ્રકારનો સંકોચ નથી."

તેઓ કહે છે, "અમે એ વાત માનવા તૈયાર નથી કે અમારા કારણે ગઠબંધન નથી થઈ રહ્યું. મહારાષ્ટ્રમાં અમારું ગઠબંધન થયું છે. કર્ણાટક, બિહાર અને કેરળમાં પણ અમારું ગઠબંધન થયું છે."

"યુપીમાં બે નાની પાર્ટી સાથે પણ અમારું ગઠબંધન થયું છે. કૉંગ્રેસ પાર્ટીએ ઉદાર હાથે લેણદેણના આધારે ગઠબંધન કર્યું છે. અમે અન્ય જગ્યાએ પણ શક્ય હોય ત્યાં ગઠબંધન માટે આગળ વધવા તૈયાર છીએ."

સુરજેવાલા કહે છે, "યુપીમાં સપા અને બસપા પોતાને મોટી પાર્ટીઓ ગણે છે. જો તેમની પાર્ટી મોટી હશે તો તેઓએ જ પહેલ કરવી પડશે."

"જો તેમના તરફથી પહેલ થશે તો અમે વાત કરવા માટૈ તૈયાર છીએ. પ્રિયંકા ગાંધી કૉંગ્રેસ પાર્ટીનાં મૂળિયાંને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે અને ઘણાં જૂથો કૉંગ્રેસ સાથે જોડાઈ રહ્યાં છે."

"તેમ છતાં જો કોઈ સન્માનજનક નિર્ણય હશે તો કૉંગ્રેસ પોતાના દરવાજા બંધ નહીં કરે."

યુપીમાં ભલે કૉંગ્રેસને હજુ મહાગઠબંધનમાં સ્થાન ન મળ્યું હોય પણ બિહારમાં કૉંગ્રેસ અને રાષ્ટ્રીય જનતાદળનું ગઠબંધન નક્કી માનવામાં આવે છે."

"જોકે, બંને પાર્ટીઓ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને હજુ સુધી સહમતી થઈ નથી. આ અંગે ચાર-દિવસમાં નિર્ણય આવી શકે છે."

બિહારમાં વિપક્ષ નેતા તેજસ્વી યાદવના રાજનીતિક સલાહકાર સંજય યાદવે કહે છે, "બિહારમાં વિપક્ષી ગઠબંધન મજબૂત છે અને લગભગ બધી જ બાબતો નક્કી થઈ ગઈ છે. આવનારા સમયમાં એ પણ નક્કી થઈ જશે કે કોણ ક્યાંથી ચૂંટણી લડશે."

સંજય યાદવ કહે છે, "ભારતીય જનતા પક્ષે પણ 2014ની ચૂંટણી ગઠબંધન કરીને લડી હતી અને તેઓ અત્યારે પણ નાની નાની પાર્ટીઓને પોતાની સાથે જોડી રહ્યા છે."

"જો દેશમાં ક્યાંય પણ વિપક્ષનું ગઠબંધન થશે, તો એ સારી બાબત કહેવાશે. જો યૂપીમાં મહાગઠબંધન વધુ મજબૂત થશે, તો એ ઘણી સારી બાબત ગણાશે."

પુલવામા હુમલા બાદ બદલાયેલા રાજનીતિક માહોલ પર સંજય યાદવ કહે છે, "પુલવામા હુમલા બાદ રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે બધા વિપક્ષીદળો સરકાર સાથે છે. જ્યારે પણ આવા હુમલાઓ થયા છે ત્યારે દેશ એક રહ્યો છે. પરંતુ આવા હુમલાઓની આડમાં કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ."

"વિપક્ષ આ મુદ્દે રાજનીતિ નથી કરી રહ્યું. લોકો બધું સમજે છે. બિહારમાં લોકો રાજકીય અને સામાજિક રીતે જાગૃત છે. તેઓ સારી જાણે છે કે ભારતીય સેના સુરક્ષા કરવામાં સક્ષમ છે અને દેશની આઝાદી પછીથી અત્યાર સુધી દેશના રક્ષા કરી રહી છે."

તો આ તરફ દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધનની વાત ચાલી રહી હતી.

જોકે, હવે કૉંગ્રેસે સ્પષ્ટ કરી દીધું છે કે આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન નહીં થાય.

આ અંગે પૂછતાં સુરજેવાલા કહે છે, "કૉંગ્રેસના દિલ્હી એકમે ગઠબંધન ન કરવાનો નિર્ણય લીધો છે અને કેન્દ્રીય નેતૃત્વે તેને આવકાર્યું છે."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું દિલ્હીમાં 'આપ' સાથે કોઈ ગઠબંધનની વાત ચાલી રહી છે તો તેઓએ કહ્યું કે આ મામલે કોઈ વાતચીત ચાલી રહી નથી.

'ગઠબંધન નહીં થાય તો ભાજપને ફાયદો થશે'

તો આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ કહે છે કે દિલ્હીમાં ગઠબંધનને લઈને અમારા તરફથી કહેવામાં આવ્યું છે પણ બંને પક્ષો વચ્ચે કોઈ ઔપચારિક વાતચીત ક્યારેય થઈ નથી.

તેઓ કહે છે, "એ સમજવું પડશે કે ગઠબંધન કેમ જરૂરી છે. હાલના સમયે દેશમાં એવી સરકાર ચાલી રહી છે જે દેશના બંધારણ, લોકતંત્ર અને સંઘીય માળખા માટે ખતરો બની ગઈ છે. ગોવા, અરુણાચલ, કર્ણાટક, દિલ્હી, બંગાળ- દરેક જગ્યાએ સરકાર સામે રાજ્યપાલના ડંડાનો ઉપયોગ થઈ રહ્યો છે."

"એવી સરકાર જે ગાયના નામે માણસની થતી કત્લેઆમ પર મૌન રહે છે, જેના મંત્રીઓ બળાત્કારીઓના સમર્થનમાં રેલી કરે છે, આ રોકવા માટે દરેક પક્ષોએ એક થવું જોઈએ."

સંજય સિંહ કહે છે, "મને નવાઈ લાગે છે કે કૉંગ્રેસને આ વાત કેમ સમજાતી નથી. યૂપી, બંગાળ અને દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડીને કૉંગ્રેસ ભાજપને ફાયદો કરાવવા સિવાય બીજું કશું નહીં કરી શકે."

દિલ્હીમાં કૉંગ્રેસના સ્થાનિક એકમને કારણે ગઠબંધન થઈ શક્યું નથી એ વાતનો સંજય સિંહ સ્વીકાર કરતા નથી. તેઓ કહે છે, "આ જ કૉંગ્રેસમાં આ જ શીલા દીક્ષિતને યૂપીમાં કૉંગ્રેસનો ચહેરો ઘોષિત કરવામાં આવ્યાં હતાં. પણ જ્યારે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન થયું તો કોઈએ તેમની સામે ફરીને જોયું નહીં."

સંજય સિંહ કહે છે કે દિલ્હીમાં ગઠબંધનને લઈને કૉંગ્રેસ સાથે ક્યારેય કોઈ ઔપચારિક વાત થઈ નથી અને જે પણ નિર્ણય લીધો એ કોંગ્રેસે એકતરફી લીધો. તેઓ કહે છે કે બેઠકોની વહેંચણી સુધી તો વાત પહોંચી જ નહોતી.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ કહે છે કે તેઓ કૉંગ્રેસ સાથે ગઠબંધન કરવા માગતા હતા અને કૉંગ્રેસ ગઠબંધન ન કરીને દિલ્હીમાં ભાજપને ફાયદો કરાવી રહી છે.

સંજય સિંહ પણ આ જ કહે છે કે ગઠબંધન ન કરવાનો નિર્ણય કૉંગ્રેસનો એકતરફી છે.

સંજય સિંહ પણ કહી રહ્યા છે કે પુલવામા હુમલા બાદ સેનાનો રાજકારણમાં ઉપયોગ થઈ રહ્યો છે.

તેઓ કહે છે, "આખા દેશમાં યુદ્ધોન્માદ પેદા કરીને તેનો રાજકીય લાભ લેવાની કોશિશ થઈ છે, પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ આ બધા મુદ્દાઓ પાછળ રહી જશે અને ફરી એક વાર બેરોજગારી, નોટબંધી, જીએસટી અને મહિલા સુરક્ષાના મુદ્દાઓ રાજકીય કેન્દ્રમાં આવી જશે."

પુલવામા હુમલો અને બાલાકોટ ઍરસ્ટ્રાઈક પછી ગઠબંધનને લઈને નવેસરથી આગળ વધવાની વાત ભલે ન થઈ હોય, પરંતુ રાજનીતિક વિશ્લેષકો માને છે કે વિપક્ષીદળોએ પોતાની રણનીતિ બદલવી પડશે.

વરિષ્ઠ પત્રકાર અને રાજનીતિક વિશ્લેષક જયશંકર ગુપ્ત કહે છે, જે માહોલ બનાવવાના પ્રયાસો થયા તેનો જવાબ આપવા માટે કૉંગ્રેસ અને અન્ય વિપક્ષીદળો પાસે કોઈ વાસ્તવિક નીતિ નથી.

જયશંકર ગુપ્ત કહે છે, "એ શક્ય છે કે બાલાકોટને લઈને જે દાવાઓ કરાયા છે તેનું સત્ય કેટલાક દિવસોમાં સામે આવે. જો આવું થશે તો કદાચ લોકોના અભિપ્રાય બદલાઈ શકે."

ગુપ્ત માને છે કે કૉંગ્રેસ પાર્ટી વિપક્ષનું એક મહાગઠબંધન બનાવવાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ નીવડી છે.

તેઓ કહે છે, "કૉંગ્રેસ કેટલીય જગ્યાએ એ નક્કી નથી કરી શકતી કે તેને નરેન્દ્ર મોદી અને ભાજપ સામે લડવું છે કે સ્થાનિક પાર્ટીઓ સાથે. જેમ કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ છે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી, યૂપીમાં અખિલેશ અને માયાવતી છે. આ અવઢવનો શિકાર થવાને કારણે કૉંગ્રેસ ગઠબંધનમાં સફળ થઈ શકતી નથી."

તેઓ કહે છે, "કૉંગ્રેસના માથે એ જવાબદારી પણ છે અને પડકાર પણ છે કે તેઓ ભાજપ સામે એક મજબૂત ગઠબંધન ઊભું કરે. બીજે નહીં ઠીક પણ યૂપી અને દિલ્હીમાં કૉંગ્રેસ ભાજપને મજબૂત ટક્કર આપે તેવું લાગતું નથી."

ગુપ્ત કહે છે કે ભાજપનો સામનો કરવા કૉંગ્રેસ રાજનીતિક ગઠબંધન કરી શકે છે.

તેઓ કહે છે, "જે રીતે અમેઠી અને રાયબરેલીની બેઠકો કૉંગ્રેસ માટે ખાલી રખાઈ એ જ રીતે જ્યાં સપા-બસપા મજબૂત છે ત્યાં કૉંગ્રેસ પણ બેઠકો છોડીને વિપક્ષની લડાઈને મજબૂત બનાવી શકે છે. પરંતુ જ્યાં પણ ત્રિપાંખિયો મુકાબલો થશે ત્યાં વિપક્ષના જ મતો વહેંચાશે.

ખાસ કરીને યૂપીમાં 2014ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ માત્ર બે બેઠકો જીતી શકી છે અને છ બેઠકો પર તેના ઉમેદવારો બીજા નંબરે રહ્યા છે."

"આ છ બેઠકોમાંથી માત્ર બે બેઠકો એવી હતી જ્યાં હારનું અંતર 50 હજારથી લઈને એક લાખ મત વચ્ચેનું હતું. અન્ય ચાર બેઠક પર આ અંતર અઢી લાખથી લઈને છ લાખ સુધીનું હતું. કૉંગ્રેસે વિચારવું પડશે કે શું તે આ અંતરને ઘટાડી શકશે."

ગુપ્ત કહે છે, "મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કૉંગ્રેસ અન્ય પક્ષોને કોઈ બેઠકો આપી નથી રહી તો અન્ય પક્ષો, જેઓ યુપીમાં મજબૂત છે તેઓ તેને જગ્યા કેવી રીતે આપી શકે?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો