INDvAUS : ભારતની ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 35 રને હાર, 237 રનમાં ઑલઆઉટ

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાય રહેલી વનડે સિરીઝની પાંચમી મૅચમાં ભારત 35 રને હારી ગયું છે.

ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ દાવ લીધો હતો જેમાં તેમણે 50 ઑવરમાં 272 રન બનાવ્યા હતા. આ પડકાર સામે ભારત 237 રનમાં ઑલ આઉટ થઈ ગયું છે.

આ મૅચમાં રોહિત શર્માએ સૌથી વધુ 56 રન અને ભુવનેશ્વર કુમારે 46 અને કુમાર જાદવે 44 રન બનાવ્યા હતા.

ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી 20 રન બનાવી આઉટ થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે આ સિરીઝમાં ઑસ્ટ્રેલિયા ત્રણ અને ભારત બે મેચ જીત્યું છે.

જમ્મુ-કાશ્મીર નજીક પાકિસ્તાની જેટ દેખાયાં

ગત રાતે જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં LOCથી 10 કિલોમિટર દૂર પાકિસ્તાનના બે જેટ (વિમાન) ભારતીય વાયુ સંરક્ષણના રડારમાં જોવા મળ્યાં હતાં.

આ વિસ્તારમાં મોડી રાત્રે જેટનો અવાજ સંભળાયો હોવાની ખાતરી ન્યૂઝ એજન્સી ANIએ સરકારી સૂત્રોના હવાલાથી આપી છે.

આ ઘટનાને પગલે ભારતીય વાયુ સંરક્ષણ તથા રડાર સિસ્ટમને હાઇ એલર્ટ પર રાખી દેવામાં આવ્યા છે.

પ્રિયંકા ગાંધીએ કરી રાવણ સાથે મુલાકાત

પૂર્વીય ઉત્તરપ્રદેશનાં પ્રભારી કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ મેરઠ પહોંચીને ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ રાવણ સાથે મુલાકાત કરી હતી.

પ્રિયંકા ગાંધીએ જ્યારે ચંદ્રશેખરની મુલાકાત લીધી ત્યારે પશ્ચિમ યૂપીના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમાચાર સંસ્થા એએનઆઈએ આ અંગે ટ્ટીટ કરીને માહિતી આપી હતી.

ચંદ્રશેખર રાવણ સાથે મુલાકાત કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ મુલાકાતને રાજકારણ સાથે જોડીને ન જોવી જોઈએ.

ચંદ્રશેખર યુવાન છે અને સંઘર્ષ કરી રહ્યા છે. આ સરકાર એ નવયુવાનને કચડવા માગે છે. યુવાઓને રોજગારી આપી નથી. હવે અવાજ ઊઠી રહ્યો છે તો તેને દબાવવો ન જોઈએ.

ઉલ્લેખનીય છે કે ચંદ્રશેખર આઝાદ રાવણની ગત વર્ષે રાસુકા કાનૂન લગાવી ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ સરકારે સમય પહેલા એમને મુક્ત કર્યા હતા.

હાર્દિક પટેલની ઉમેદવારીને લઈને કાનૂની ગૂંચ આ રીતે યથાવત

લોકસભાની 2019ની ચૂંટણી લડવાની હાર્દિક પટેલે જાહેરાત કરી દીધી છે અને ગઈકાલે સત્તાવાર રીતે કૉંગ્રેસ સાથે જોડાઈ ગયા છે પરંતુ તેમની ઉમેદવારીની કાયદાકીય ગૂંચ લંબાઈ છે.

વિસનગરના ધારાસભ્યની ઑફિસમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલને સજા થયેલી છે. લોકસભાની ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી સજાના હુકમ પર સ્ટે માગ્યો હતો. આ અરજીને જસ્ટિસ આર.પી. ઢોલરિયાએ નોટ બીફોર મી કરી છે.

હવે આ અરજી પર અન્ય જજ 15 માર્ચે સુનાવણી કરશે.

ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઑફિસમાં તોડફોડ મામલે વિસનગરની અદાલતે હાર્દિક પટેલ, લાલજી પડેલ અને એ. કે. પટેલને દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં ત્રણેને 2-2 વર્ષની સજા અને 50-50 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

BREXIT : બ્રિટિશ વડાં પ્રધાન થેરેસા મેનો બીજો મોટો પરાજય

બ્રિટિશ સાંસદોએ બ્રેક્સિટ મુદ્દે વડાં પ્રધાન થેરેસા મેના સંશોધિત મુસદ્દાને મોટા અંતરથી ફગાવી દીધો છે.

બ્રિટિશ સાંસદોએ મેના યુરોપિયન સંઘમાંથી બહાર જવાની સમજૂતીના મુસદ્દાને ફગાવી દીધો હોય એવી આ બીજી ઘટના છે.

બ્રિટિશ સાંસદોએ આ વખતે 242ની સામે 391 મતોથી મેના મુસદ્દાને ફગાવી દીધો. આ વખતે મુસદ્દાને ફગાવવાનું અંતર જાન્યુઆરી કરતા પણ વધુ છે.

આ પહેલાં સોમવાર મોડી રાતે મેએ યુરોપિયન સંઘના નેતાઓ સાથે વાતચીત કરી રહેલાં મેએ સાંસદોને અપીલ કરી હતી કે 'બ્રેક્સિટના સંશોધિત મુસદ્દા'નું સમર્થન કરે કાં તો ફરી 'બ્રેક્સિટને ફગાવી દે.'

હવે શું થશે?

બ્રેક્સિટ સમજૂતીને ફગાવી દીધા બાદ વડા પ્રધાને થેરેસા મેએ કહ્યું છે કે સાંસદો હવે એ વાતે મતદાન કરશે કે યૂકેએ 29 માર્ચે વગર કોઈ સમજૂતીએ યુરોપિયન સંઘમાંથી બહાર નીકળવું જોઈએ કે નહીં.

જો સાંસદો વગર કોઈ સમજૂતીએ યુરોપિયન સંઘમાંથી બહાર નીકળવા તૈયાર નથી થતાં તો બ્રેક્સિટને ટાળી દેવું જોઈએ કે કેમ?

તેમણે કહ્યું કે ટૉરી સાંસદોને બ્રેક્સિટ મામલે કોઈ સમજૂતી ના કરવા અંગે પોતાની મરજી અનુસાર મતદાન કરવાની છૂટ રહેશે.

વડાં પ્રધાને એવું પણ કહ્યું કે જો બુધવારે સંસદ સમજૂતી વગર બ્રેક્સિટને મંજૂરી આપે છે તો યૂકેને ઈયૂમાંથી બહાર જવા માટે જરૂરી આર્ટિકલ 50 પર મતદાન થશે.

મેની મુશ્કેલી

થેરેસા મેની સરકારને સમર્થન આપી રહેલા ટૉરી સાંસદોએ ડેમૉક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીના સાંસદોને બ્રેક્સિટ મુસદ્દાને સમર્થન આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

તેમનું કહેવું હતું કે યુકે કાયમ માટે યુરોપિયન સંઘનો ભાગ ના રહે એ માટે વડા પ્રધાન જે કાયદાકીય જરૂરિયાતોની વાત કરી રહ્યાં હતાં તે પૂરતી નહોતી.

ટૉરી સાંસદ જૅકબ રિસ મૉગના નેતૃત્વમાં યુરોપિયન રિસર્ચ ગ્રૂપે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું, "અમારા અને અન્ય કાયદાકીય આકલન અનુસાર અમે આજે સરકારના મુસદ્દાને સ્વીકારવા સમર્થન નથી આપતા."

1922ની કમિટી ઑફ બૅકબૅન્ચ ટૉરી એમપીઝના ઉપાધ્યક્ષ ચાર્લ્સ બૅકરનું કહેવું હતું કે બાદમાં થનારા મતદાનમાં જો સરકારની હાર થાય તો ફરીથી ચૂંટણી યોજવી પડી શકે એમ છે.

તેમણે કહ્યું, "સંસદમાં હાલમાં જે સ્થિતિ છે એ કાયમી નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો