You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભા ચૂંટણી 2019: મોદી સરકારના વાયદા પ્રમાણે દરેકને પાકું ઘર મળ્યું?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી રિયાલિટી ચેક
દાવો : ભાજપ સરકારે વાયદો કર્યો છે કે વર્ષ 2022 સુધી દેશના દરેક નાગરિક પાસે રહેવા માટે ઘર હશે. તેમાંથી અત્યાર સુધી દેશના ગ્રામીણ વિસ્તારમાં 1 કરોડ ઘર બન્યાં છે, જ્યારે વર્ષ 2022 સુધી શહેરી વિસ્તારમાં 1 કરોડ ઘર બની જશે.
નિષ્કર્ષ : દેશના નાગરિકોની ઘરની સમસ્યા દૂર કરવા માટે ઘરનાઘણા પ્લાન નક્કી થઈ ગયા છે અને તેમને મંજૂરી પણ મળી ગઈ છે પરંતુ સરકારના દાવા અનુસાર અત્યાર સુધી કોઈ ઘરના નિર્માણનું કામ પૂર્ણ થયું નથી.
ભાજપ સરકાર જૂની સરકારો કરતાં ઝડપથી ઘરનું નિર્માણ કરાવી રહી છે.
વર્ષ 2015માં વડા પ્રધાન મોદીએ એવા લોકો માટે સ્કીમ લૉન્ચ કરી હતી કે જેમની પાસે ઘર નથી. ફેબ્રુઆરી 2018માં તેમણે કહ્યું હતું, "દરેક ભારતીયને ઘર આપવાનું લક્ષ્ય 2022 સુધી અમે સાધી લઈશું."
છેલ્લા ઔપચારિક આંકડા પ્રમાણે ભારતમાં 120 કરોડ જનતામાંથી 17.7 લાખ લોકો એવા હતા કે જેમની પાસે ઘર નહોતું. આ આંકડો વર્ષ 2011ની વસતી ગણતરી દરમિયાન જાહેર થયો હતો.
તાજેતરના આંકડા હજુ સુધી જાહેર થયા નથી. પણ જે લોકો ગરીબોને ઘર માટે મદદ કરે છે, તેઓ માને છે કે જે આંકડા જાહેર થયા છે તે સાચા નથી.
સૌથી વધારે વસતી ધરાવતા મુંબઈ શહેરમાં કામ કરતા એક સ્થાનિક એનજીઓનું કહેવું છે કે સરકારે સત્તાવાર આંકડો જાહેર કર્યો છે કે 57,416 લોકો પાસે ઘર નથી. પણ ખરેખર આ આંકડો સરકારી આંકડા કરતાં ચારથી પાંચ ગણો વધારે છે.
દરેક વ્યક્તિ પાસે ઘર છે કે નહીં એ વાતની પુષ્ટિ કરવા માટે કેટલાં ઘરનાં નિર્માણની ખરેખર જરુર છે એ જાણવું મુશ્કેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સ્કીમ માત્ર એ પરિવારોની જ મદદ માટે નથી કે જેમની પાસે રહેવા માટે છત જ નથી. આ સ્કીમ એવા પરિવારો માટે પણ છે કે જેમની પાસે ઘર છે પરંતુ તેમાં સામાન્ય સુવિધાઓ નથી.
યોજના અંતર્ગત ઓછી આવક ધરાવતા પરિવારોને એક ઘર માટે 1,30,000 રૂપિયા જેટલી સબસિડી આપવામાં આવે છે.
યોજનાનો ઉદ્દેશ છે દેશના પરિવારો માટે એવા ઘર બનાવવા કે જેમાં ટૉઇલેટ, વીજળી અને રસોઈ માટે ગૅસ કનેક્શન જેવી સામાન્ય સુવિધાઓ હોય.
તમે આ વાંચ્યું કે નહીં?
અત્યાર સુધી કેટલાં ઘરોનું નિર્માણ થયું?
જુલાઈ 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે શહેરી વિસ્તારમાં 1 કરોડ ઘર બનાવવાનું લક્ષ્ય છે અને તેમાંથી 54 લાખ ઘરોનાં નિર્માણને મંજૂરી આપી દેવામાં આવી છે.
સરકારી આંકડા જણાવે છે કે ડિસેમ્બર 2018 સુધીમાં 65 લાખ ઘરનાં નિર્માણને મંજૂરી મળી છે.
જોકે, તે પણ 2004થી 2014 સુધીની જૂની સરકારોની યોજનાઓની જેમ એમાં માત્ર મંજૂરી જ મળી છે. ગત ડિસેમ્બર સુધીમાં માત્ર 12 લાખ ઘર એવાં હતાં કે જેનું નિર્માણકાર્ય ખરેખર પૂર્ણ થયું છે.
અહીં એ વાત પણ ઉલ્લેખનીય છે કે માત્ર કાગળ પર એક ઘરને મંજૂરી મળવામાં એક વર્ષ કરતાં વધારે સમય લાગી જાય છે. આ સિવાય ઘરના નિર્માણ અને ઘરને રહેવા લાયક બનાવવામાં તો વર્ષો લાગે છે.
Crisil નામની કંપનીએ વર્ષ 2018માં અંદાજ લગાવ્યો હતો કે 2022 સુધી શહેરી વિસ્તારમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા સરકારે કુલ 1,50,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જરુર છે.
જોકે, રિપોર્ટના આધારે સરકારે અત્યાર સુધી તેમાંથી માત્ર 22% રકમ જ વાપરી છે.
વિશેષજ્ઞો માને છે કે ઓછી આવક ધરાવતા લોકો માટે ઘર બનાવવાના રસ્તામાં ઘણા અવરોધો છે, જેમ કે :
- નવી ટૅકનૉલૉજીનો ઉપયોગ થતો નથી
- શહેરી વિસ્તારમાં જમીનની અછત
- જમીનના ઊંચા ભાવ
- મિલકતની માલિકીની સમસ્યાઓ
સેન્ટર ફૉર અર્બન ઍન્ડ રુરલ ઍક્સિલન્સનાં ડાયરેક્ટર ડૉ. રેણુ ખોસલા માને છે કે સૌથી મોટી સમસ્યા જમીનની છે.
તેઓ કહે છે, "શહેરી વિસ્તારમાં જમીન બચી નથી, એટલે તમારે શહેરની બહાર જ ઘરનું નિર્માણ કરાવવું પડે છે."
"લોકો એવી જગ્યાઓએ રહેવા માગતાં નથી. કેમ કે ત્યાં પરિવહન તેમજ નોકરીની સમસ્યાઓ હોય છે."
ગ્રામીણ વિસ્તારમાં સ્થિતિ સારી
ગ્રામીણ વિસ્તારમાં ઘર બનાવવાની યોજના અંતર્ગત વર્ષ 2016થી 2019 દરમિયાન 1 કરોડ ઘરનાં નિર્માણનું લક્ષ્ય હતું.
ગત વર્ષે જુલાઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો પણ કર્યો હતો કે ગ્રામીણ વિસ્તારમાં 1 કરોડ ઘર પરિવારોને સોંપી પણ દેવામાં આવ્યાં છે.
પણ વડા પ્રધાનનો આ દાવો સત્તાવાર આંકડાના આધારે તો સાચો નથી.
યોજના વર્ષ 2015માં લૉન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદથી ગ્રામીણ વિસ્તારમાં 71,82,758 ઘરનું નિર્માણ થયું છે. એટલે કે વડા પ્રધાનનું લક્ષ્ય હજી પૂર્ણ થયું નથી.
જોકે, ગ્રામીણ આવાસ યોજના મામલે 2009થી 2014ની કૉંગ્રેસ સરકારની સરખામણીએ વર્તમાન સરકારના કામોમાં સુધારો આવ્યો છે.
વર્ષ 2014નો એક ઑડિટ રિપોર્ટ જણાવે છે કે કૉંગ્રેસ સરકાર સત્તામાં હતી ત્યારે પાંચ વર્ષ સુધી ગૃહ નિર્માણનો વાર્ષિક સરેરાશ આંકડો 16.5 લાખનો હતો.
જ્યારે વર્ષ 2016થી 2018ની ભાજપ સરકાર દરમિયાન આ આંકડો 18.6 લાખ પર પહોંચ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો