ફૅક્ટ ચેક : શું અજિત ડોભાલ ઉગ્રવાદી મસૂદ અઝહરને મૂકવા કંદહાર ગયા હતા?

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

મંગળવારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં જનસંકલ્પ રેલીને સંબોધિત કરી હતી, જેમાં તેમણે મૌલાના મસૂદ અઝહરને છોડી મૂકવા મુદ્દે ભાજપની ઉપર નિશાન સાધ્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'પુલવામાનો માસ્ટરમાઇન્ડ મૌલાના મસૂદ અઝહરને કૉંગ્રેસની સરકારે પકડ્યો હતો અને તેને ભાજપે છોડી દીધો.'

ગાંધીએ ઉમેર્યું હતું કે 1999માં હાલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તેને ઍસ્કૉર્ટ કરીને કંદહાર લઈ ગયા હતા.

તેમનું આ ભાષણ સાંભળીને લોકોને સવાલ થયો હતો કે 1999માં કંદહાર વિમાન અપહરણકાંડ બાદ મૌલાના મસૂદ અઝહરને છોડવામાં અજિત ડોભાલની શું ભૂમિકા હતી?

તપાસમાં જાણવા મળ્યું કે 'અજિત ડોભાલ વિશેષ વિમાનમાં મસૂદ અઝહરને દિલ્હીથી કંદહાર લઈ ગયા'નો દાવો ખરો નથી.

એ સમયે ડોભાલ કંદહારમાં જ હતા અને અપહરણકર્તાઓની ચુંગલમાંથી મુસાફરોને સલામત રીતે છોડાવવા માટે વાટાઘાટો કરી રહ્યા હતા.

મસૂદ અઝહર 'જી'

આ પહેલાં સોમવારે નવી દિલ્હીમાં 'મેરા બૂથ, મેરા ગૌરવ' કાર્યક્રમમાં પણ આ પ્રકારની જ વાત કરી હતી. એ સભામાં તેમણે ઉગ્રવાદી મસૂદ અઝહરના નામ સાથે 'જી'નો ઉપયોગ કરતા આ ટિપ્પણી વાઇરલ થઈ હતી.

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે આ નિવેદનને સોશિયલ મીડિયા ઉપર શૅર કર્યું હતું, જે બાદમાં અનેક વખત સોશિયલ મીડિયા પર શૅર થયું હતું.

ત્યારબાદ કૉંગ્રેસે હાફિઝ સઇદના 'જી' નિવેદનને વાઇરલ કર્યું હતું.

કાશ્મીરથી કંદહાર

મસૂદ અઝહર પહેલી વખત 29 જાન્યુઆરી 1994ના રોજ બાંગ્લાદેશ વિમાનની ઉડાનથી ઢાકાથી દિલ્હી પહોંચ્યા હતા.

તેમની પાસે પોર્ટુગલનો પાસપોર્ટ હતો. ઇંદિરા ગાંધી ઍરપૉર્ટ પર હાજર ડ્યૂટી ઑફિસરે તેમને જોઈને કહ્યું, 'તમે પોર્ટુગીઝ તો લાગતા નથી.'

પરંતુ જ્યારે મસૂદે કહ્યું કે હું મૂળ ગુજરાતી છું, તો તેમણે તેમની તરફ જોયા વગર પાસપોર્ટ પર મહોર મારી દીધી હતી.

તેના થોડા દિવસોમાં જ મસૂદ અઝહર શ્રીનગરની ગલીઓમાં જોવા મળવા લાગ્યા હતા.

તેમની વિશેષતા હતી ભડકાઉ ભાષણ આપવાં અને કાશ્મીરમાં ભાગલાવાદી ગતિવિધિઓમાં સામેલ સમૂહો વચ્ચે ઊભા થતા મતભેદોમાં મધ્યસ્થી કરાવવી.

તેમનું વધારે એક કામ હતું, કાશ્મીરી યુવાનોને ઉગ્રવાદી ગતિવિધિઓ તરફ આકૃષ્ટ અને પ્રેરિત કરવા.

તેમની અનંતનાગમાં તે સમયે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેઓ અનંતનાગમાં સજ્જાદ અફઘાની સાથે બેસીને રિક્ષામાં ક્યાંક જઈ રહ્યા હતા.

સેનાના જવાનોએ તેમને રોક્યા, રિક્ષામાં સવાર બન્ને લોકો ઊતરીને ભાગવા લાગ્યા પરંતુ જવાનોએ તેમને ઝડપી પાડ્યા.

જેલમાં મસૂદ અઝહર ઘણી વખત એવી વાતો કરતા કે ભારત સરકાર તેમને વધારે દિવસ સુધી પોતાની જેલમાં રાખી શકશે નહીં.

મસૂદની ધરપકડ થયા બાદ 10 મહિનાની અંદર ઉગ્રવાદીઓએ દિલ્હીમાં કેટલાક વિદેશીઓનું અપહરણ કરી તેમને છોડવાના બદલે મસૂદ અઝહરને છોડવાની માગ કરી હતી.

આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો, કેમ કે ઉત્તર પ્રદેશ અને દિલ્હી પોલીસ સહારનપુરથી બંધકોને મુક્ત કરવામાં સફળ થઈ ગઈ.

વજન વધારે હોવાના કારણે સુરંગમાં ફસાયા

એક વર્ષ બાદ હરકત-ઉલ-અંસારે ફરી કેટલાક વિદેશીઓનું અપહરણ કરી મસૂદ અઝહરને છોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો.

1999માં જમ્મુની કોટ ભલવાલ જેલથી તેમને કાઢવા માટે સુરંગ ખોદવામાં આવી, પરંતુ મસૂદ અઝહર પોતાના વધારે વજનના કારણે તેમાં ફસાઈ ગયા અને ઝડપાઈ ગયા.

થોડા મહિના બાદ ડિસેમ્બર 1999માં ઉગ્રવાદીઓ એક ભારતીય વિમાનનું અપહરણ કરી તેને કંદહાર લઈ ગયા.

વિમાનમાં થીયાત્રીઓને છોડાવવા માટે ભારત સરકાર ત્રણ ઉગ્રવાદીઓને છોડવા રાજી થઈ ગઈ હતી, જેમાં મસૂદ અઝહર પણ એક હતા.

એ સમયે ભારતીય ગુપ્તચર એજન્સી રૉના પ્રમુખ અમરજીત સિંહ દુલતને ખાસ ફારુખ અબ્દુલ્લાને મનાવવા શ્રીનગર મોકલવામાં આવ્યા હતા.

તેઓ અબ્દુલ્લા મુશ્તાક અહેમદ જરગર અને મસૂદ અઝહરને છોડવા માટે કોઈ પણ પરિસ્થિતિમાં તૈયાર ન હતા. દુલતે તેમને મનાવવા માટે ભારે મહેનત કરવી પડી હતી.

રૉના ગલ્ફસ્ટ્રીમ વિમાનથી દિલ્હી લવાયા

જરગરને શ્રીનગર જેલ અને મસૂદ અઝહરને જમ્મુની કોટ ભલવાલ જેલથી શ્રીનગર લાવવામાં આવ્યા.

દુલતે બન્નેને રૉના એક નાના ગલ્ફસ્ટ્રીમ જહાજમાં બેસાડ્યા.

દુલત જણાવે છે, "બન્નેની આંખો પર પાટા બાંધેલા હતા. હું જહાજમાં પહોંચ્યો ત્યાં સુધીમાં બન્નેને જહાજના પાછળના ભાગમાં બેસાડી દેવાયા હતા."

"જહાજની વચ્ચે પડદો લાગેલો હતો. પડદાની એક તરફ હું બેઠો હતો અને બીજી તરફ જરગર અને મસૂદ અઝહર."

તેમણે જણાવ્યું "ટેક ઑફની થોડી સેકંડ પહેલાં સૂચના મળી કે અમારે જેમ બને તેમ જલદી દિલ્હી પહોંચવું પડશે. કેમ કે વિદેશ મંત્રી જસવંત સિંહ ઍરપૉર્ટ પર જ કંદહાર જવા માટે અમારી રાહ જોઈ રહ્યા હતા."

"દિલ્હીમાં ઊતરતા જ એ બન્નેને જસવંત સિંહના વિમાનમાં લઈ જવામાં આવ્યા અને ત્રીજા ઉગ્રવાદી ઓમર શેખ પહેલાંથી જ ત્યાં હાજર હતા."

જસવંત સિંહના કંદહાર જવાનું કારણ

સવાલ ઊઠ્યો કે આ કેદીઓ સાથે ભારત તરફથી કંદહાર કોણ-કોણ જશે.

કંદહારમાં હાજર વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક કાત્જુ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના અજિત ડોભાલ અને રૉના સી. ડી. સહાય, બધાએ એક સ્વરમાં કહ્યું કે કંદહાર એક એવી વ્યક્તિને મોકલવામાં આવે કે જે જરુરિયાત મુજબ મોટા નિર્ણય લઈ શકે. કેમ કે તે વ્યવહારિક નથી કે દરેક નિર્ણય માટે દિલ્હી તરફ જોવામાં આવે.

જ્યારે જસવંત સિંહના વિમાને કંદહાર ઍરપૉર્ટ પર લૅન્ડિંગ કર્યું તો લાંબા સમય સુધી તાલિબાનની એક પણ વ્યક્તિ તેમને મળવા ન પહોંચી.

જસવંત સિંહ વિમાનમાં જ બેસીને તેમની રાહ જોઈ રહ્યા હતા.

જસવંત સિંહ પોતાની આત્મકથા 'અ કૉલ ટુ ઑનર- ઇન સર્વિસ ઑફ ઇમર્જિંગ ઇન્ડિયા'માં લખે છે, "લાંબા સમય બાદ વૉકી ટૉકીનો અવાજ સંભળાયો."

"ચિંતામા વિવેક કાત્જૂએ મારી પાસે આવીને મને પૂછ્યું, સર નક્કી કરો કે બંધકોને છોડતા પહેલાં આપણે આ ઉગ્રવાદીઓને છોડીએ કે નહીં. મારી પાસે તેમને માનવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો."

તેઓ કહે છે, "જેમ આ ત્રણેય નીચે ઊતર્યા, મેં જોયું કે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેઓ ઊતર્યા અને તુરંત જ અમારા વિમાનની સીડીઓ હટાવી લેવામાં આવી જેથી અમે નીચે ન ઊતરી શકીએ."

"નીચે હાજર લોકો ખુશી મનાવી રહ્યા હતા. ISI વાળા આ ત્રણેય ઉગ્રવાદીઓના સંબંધીઓને પાકિસ્તાનથી કંદહાર લાવ્યા હતા, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે અમે અસલી લોકોને જ છોડ્યા છે."

"જ્યારે તેમને વિશ્વાસ આવ્યો કે આ લોકો અસલી છે, ત્યારે અમારા વિમાનની સીડીઓ ફરી લગાવવામાં આવી. ત્યાં સુધી અંધારુ થઈ ગયું હતું અને ઠંડી પણ વધવાં લાગી હતી."

'દૂરબીન' ભેટમાંઆપ્યું

આશરે 5 કલાકે અજિત ડોભાલ અપહરણ કરવામાં આવેલા વિમાનમાં સવાર યાત્રિકોને મળવા ગયા.

જ્યારે તેઓ વિમાનમાંથી ઊતરવા લાગ્યા તો બે અપહરણકર્તા બર્ગ અને સેંડીએ તેમને એક નાનું દૂરબીન ભેટમાં આપ્યું.

ડોભાલ લખે છે, "તેમણે મને જણાવ્યું કે તેઓ આ જ દૂરબીનથી બહારની ગતિવિધિઓ પર નજર રાખીને બેઠા હતા."

"જ્યારે હું કંદહારથી દિલ્હી આવવા માટે રવાના થયો તો મેં એ દૂરબીન વિદેશ મંત્રી જસવંત સિંહને બતાવ્યું. તેમણે કહ્યું કે આ આપણને કંદહારના ખરાબ અનુભવની યાદ અપાવશે. મેં તેમને આ દૂરબીન એક યાદગીરી તરીકે આપી દીધું."

દુર્ગંધ અને ચિકનના ટુકડા

અપહરણ કરાયેલા યાત્રિકોની સાથે વિદેશ મંત્રી જસવંત સિંહ અને ભારતીય અધિકારીઓની ટીમ તો એ જ દિવસે પરત ફરી ગઈ, પરંતુ ભારતના ઇસ્લામાબાદ હાઈ કમિશનમાં કામ કરતા એ. આર. ઘનશ્યામને ભારતીય વિમાનમાં ઈંધણ ભરાવવાં તેમજ તેને પરત દિલ્હી પરત લાવવાની વ્યવસ્થા કરવા કંદહારમાં જ છોડી દેવાયા હતા.

ઍર ઇન્ડિયાની 14 સભ્યોની ક્રૂ ટીમ પણ કંદહારમાં જ રહી ગઈ.

ત્યારબાદ એ. આર. ઘનશ્યામે પોતાના રિપોર્ટમાં લખ્યું, "જ્યારે હું તે વિમાનમાં ગયો તો ત્યાં સહન ન થાય તેવી દુર્ગંધ ફેલાયેલી હતી. કૉકપિટ પેનલ સુધી પણ ચિકનનાં હાડકાં અને સંતરાંની છાલ પડેલી હતી. ટૉઇલેટ ખૂબ જ ખરાબ થઈ ગયાં હતાં અને જરા પણ ઉપયોગ કરવાને લાયક ન હતા."

લાલ સૂટકેસનું રહસ્ય

રાત્રે આશરે 9 કલાકે કમાન્ડર કૅપ્ટન સૂરી ઘનશ્યામની પાસે આવીને બોલ્યા કે તાલિબાન IC 814ને ઊડવા દેવા માગતું નથી અને તેઓ તેમાં ઈંધણ ભરાવવા માટે આનાકાની કરી રહ્યા છે.

તેમની શરત છે કે તેઓ વિમાનને ત્યારે જ ઊડવા દેશે જ્યારે અમે તેમને વિમાનના હોલ્ડમાંથી એક લાલ રંગનું બેગ કાઢીને આપીશું કે જે અપહરણકર્તાઓનું છે.

11 વાગ્યા સુધી કૅપ્ટન સૂરી વિમાનની અંદર જ હતા.

ઘનશ્યામે પોતાના રિપોર્ટમાં લખ્યું, "મેં જોયું કે એક લાલ રંગની પજેરો વિમાનના હોલ્ડની એકદમ સામે ઊભી હતી અને તેની લાઇટ ચાલુ હતી. કૅપ્ટન રાવે એન્જિન ચાલુ કરેલું હતું અને કેટલાક મજૂર હજી પણ વિમાનની અંદર કામ કરી રહ્યા હતા."

"કૅપ્ટન રાવે મને જણાવ્યું કે મજૂરોએ વિમાનના હોલ્ડમાં રાખેલી એક લાલ સૂટકેસ કાઢીને પજેરોમાં બેઠેલા લોકોને બતાવી. મારું અનુમાન છે કે સૂટકેસની ઓળખ માટે એક અથવા તો વધારે હાઇજેકર કારની અંદર બેઠેલા હતા."

"ત્યારબાદ કૅપ્ટન સુરીને એક મજૂરે જણાવ્યું કે અંતે તેમને એ લાલ સૂટકેસ મળી ગઈ, જેમાં 5 ગ્રેનેડ રાખેલા હતા. અંતે કૅપ્ટન રાવ પરત આવ્યા અને અમે બધા રાત્રે ઍરપૉર્ટના લાઉંજમાં જ રોકાયા."

પૅકેટની અંદર બદામ, કિશમિશ અને નેઇલ કટર

આગામી દિવસે વિમાનમાં ઈંધણ ભરી દેવામાં આવ્યું અને અફઘાનના સમયાનુસાર સવારે 9.43 કલાકે ભારતીય વિમાને દિલ્હી માટે ઉડાન ભરી.

ત્યારબાદ તાલિબાનના એક પણ અધિકારી કંદહારના ઍરપૉર્ટ પર ન આવ્યા.

કંટ્રોલ ટાવરના એક અધિકારીએ ઘનશ્યામને પૅકેટ આપ્યું.

જ્યારે તેમણે તેને ખોલ્યું તો તેની અંદર બદામ, કિશમિશ, એક નાનો કાંસકો અને એક નાનું નેઇલ કટર હતું.

તાલિબાનના નાગરિક ઉડ્ડયન મંત્રીએ તેમને એ ભેટ તરીકે મોકલ્યું હતું, કેમ કે તેમને ખબર હતી કે ઘનશ્યામને કંદહાર ઍરપૉર્ટ પર રહેવા દરમિયાન એક વખત પણ શહેરમાં જવાનો મોકો મળ્યો ન હતો.

ઘનશ્યામે 12 કલાકે સંયુક્ત રાષ્ટ્રના એક વિમાનથી ઉડાન ભરી અને તેઓ 3 કલાકે ઇસ્લામાબાદ પહોંચ્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો