લોકસભા ચૂંટણી 2019 : બહુમતી સાથે સત્તામાં રહેલો ભાજપ કૉંગ્રેસના ધારાસભ્યોને કેમ મંત્રી બનાવી રહ્યો છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

લોકસભાની ચૂંટણીની જાહેરાત નથી થઈ, તે પહેલાં જ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે કૉંગ્રેસમાંથી આવેલાં ત્રણ ધારાસભ્યને પ્રધાનપદ આપ્યું છે.

આ બધું આગામી લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો ઉપર વિજય મેળવવા તથા જ્ઞાતિ આધારિત સમીકરણો બેસાડવા માટે થઈ રહ્યું છે.

બીજી બાજુ, પાટીદાર નેતા હાર્દિક પટેલ આગામી દિવસોમાં પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચાની વચ્ચે નારાજ ઓબીસી (અન્ય પછાત વર્ગ)ના નેતા અલ્પેશ ઠાકોરને મનાવી લેવામાં હાલમાં કૉંગ્રેસને સફળતા મળી છે.

આ પહેલાં ભાજપે કોળી નેતા કુંવરજીભાઈ બાવળિયા અને ઉત્તર ગુજરાતના પાટીદાર નેતા જીવાભાઈ પટેલ અને આશા પટેલને પાર્ટીમાં લીધાં હતાં.

ત્યારે શું આ રીતે ધારાસભ્યોને તોડવાથી લાભ થઈ શકે?

લોકસભામાં લાભ થશે?

જાણીતા સેફોલૉજિસ્ટ અને તાલીમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. એમ. આઈ. ખાને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું:

"કૉંગ્રેસના ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ એક પ્રકારનું ભાજપનું ડિપ્રેશન (હતાશા) દેખાઈ રહ્યું છે."

"દેશનાં અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ છે, પણ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પ્રાદેશિક પક્ષનું કોઈ વર્ચસ્વ નથી."

"આ સંજોગોમાં ગુજરાતની 26માંથી જેટલી વધુ બેઠકો મેળવી શકાય એ જરૂરી છે."

"કૉંગ્રેસમાંથી ધારાસભ્યોને લાવવાથી કદાચ એક કે બે સીટ પર ભાજપને ફાયદો થઈ શકે, પરંતુ તમામ સીટ પર ફાયદો નહીં થાય."

"કારણ કે સાત વિધાનસભાની સીટથી એક લોકસભાની સીટ બનતી હોય, એક ધારાસભ્યને તોડવાથી આખી લોકસભા બેઠક ઉપર વ્યાપક અસર પડતી નથી."

ખાન માને છે કે હાર્દિક પટેલને સમાવવાના કૉંગ્રેસના નિર્ણય પછી ભાજપ ઓબીસીની વૉટબૅન્કને પોતાની તરફ કરવા પ્રયાસ હાથ ધર્યા છે, પણ ખાસ સફળતા નહીં મળે.

આપને આ પણ વાચવું ગમશે

પટેલો અને ઓબીસીનું સંતુલન

રાજકીય વિશ્લેષક પ્રો. ઘનશ્યામ શાહ બીબીસી સાથે વાત કરતા કહ્યું:

"ભાજપનું 26 સીટ જીતવાનું લક્ષ્ય પૂરું પાડવા માટે આ પ્રયાસ થઈ રહ્યો છે."

"કૉંગ્રેસે પોતાની આઈડિયોલૉજીને વફાદાર લોકો ઊભા કરવા પડશે."

"બીજી રીતે જોવા જઈયે તો લોકસભાની 2014ની ચૂંટણી જેવો જુવાળ જોવા મળતો નથી અને ભાજપને ત્યારબાદ આવેલી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોઈ મોટો લાભ થયો નથી."

"સૌરાષ્ટ્રમાં પટેલો નારાજ છે, તેમને ખુશ કરવા માટે મોદીએ ખુદ આવીને કડવા અને લેઉઆ પટેલોના મંદિરનાં ઉદ્ઘાટન કર્યાં છે."

"આ સિવાય આહીર, કોળી અને ઠાકોરના જાતિવાર સમીકરણો ગોઠવીને 26 સીટ મેળવવાં પ્રયાસ કરી રહ્યો છે."

"પાણીની સમસ્યા પણ ઓછી થઈ નથી, જેનાં માઠાં પરિણામ આજે પણ સરકાર ભોગવી રહી છે."

"અહીંથી જે નુકસાન થાય તે બીજાં રાજ્યોમાંથી ભરપાઈ કરવું મુશ્કેલ છે, એટલે સરકી રહેલી પટેલ વૉટબૅન્કની ભરપાઈ માટે કૉંગ્રેસના વધુ મજબૂત ઓબીસી નેતાઓને પોતાની સાથે લઈ રહ્યા છે."

જોડતોડ અને જાજમ

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું:

"અમારા ધારાસભ્યોને તોડવાનું કામ છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યું છે. એમને લાલચ અને ધમકી આપવામાં આવે છે."

"ભાજપને લોકસભાની ચૂંટણીમાં હાર દેખાય છે એટલે કૉંગ્રેસના ધારાસભ્યોને તોડી રહ્યો છે."

"અમારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ધારાસભ્યોને પૈસા અથવા હોદ્દાની ઑફર કરી છે."

"જાતિવાર મજબૂત નેતાઓમાંથી કેટલાકને તોડી રહ્યા છે અને 2017ની ચૂંટણીમાં પણ તમે જોયું હશે કે કૉંગ્રેસ છોડીને ગયેલા નેતાઓ ઊંધા માથે પછડાયા છે."

"ભાજપ કૉંગ્રેસના નેતાઓને તોડવાનો પ્રયાસ કરે છે પણ તેનો કોઈ મોટો ફાયદો નહીં થાય."

બીજી બાજુ, ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે કોઈ તડજોડનું રાજકારણ કરતા નથી."

"કૉંગ્રેસના ધારાસભ્યો કૉંગ્રેસની નીતિરીતિ અને જૂથવાદને કારણે નારાજ થઈને ભાજપ તરફ આવે છે."

"અમે 26 સીટ જીતવા માટે કૉંગ્રેસ માટે લાલ જાજમ પાથરતા નથી. અમારી વિચારધારાથી આકર્ષાય છે એટલે આવે છે."

"કૉંગ્રેસને પોતાને આત્મમંથન કરવાની જરૂર છે કે એમનામાંથી લોકો પક્ષ છોડીને કેમ આવી રહ્યા છે. અમારી રાષ્ટ્રીય પાર્ટી છે. લોકો આવે તો અમે આવકારીએ છીએ."

કૉંગ્રેસના ગઢના કાંગરા ખર્યાં

ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર ભાજપ સાથે જોડાય છે, તેવી ચર્ચા ચાલી રહી હતી, ત્યારે કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વે તેમને મનાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

શનિવારે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કરી દીધું કે તેમની વાટાઘાટો થઈ હતી, પરંતુ હવે તેઓ કૉંગ્રેસમાં જ રહેશે.

બીજી બાજુ, ભાજપે બે પેઢીથી કૉંગ્રેસના વફાદાર રહેલા અને ચાર વખત કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા જૂનાગઢના આહીર નેતા જવાહર ચાવડાને પાર્ટીમાં સમાવી લીધા અને તેમને કૅબિનેટ મંત્રીપદ પણ આપવામાં આવ્યું.

પ્રધાન તરીકે શપથ લીધા બાદ જવાહર ચાવડાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું:

"હું પૈસા કે લાલચ માટે ભાજપમાં આવ્યો નથી. અમારા મતવિસ્તારમાં ઘણાં એવાં ગામો છે જ્યાં હજુ સુધી વિકાસ થયો નથી."

"આથી હું વિકાસની રાજનીતિ જોઈને ભાજપમાં આવ્યો છું. સામાજિક કાર્યક્રમો હોય કે અમારા સમાજના કાર્યક્રમો હોય- અમે કાયમ દાનપૂણ્ય કરીએ છીએ."

"એટલે મારી સામે લાગેલા આર્થિક પ્રલોભનના આક્ષેપો ખોટા છે."

તેમજ ગઈ ચૂંટણીથી પાર્ટીથી નારાજ અને સાત વખતથી ચૂંટણી જીતતા વડોદરાના યોગેશ પટેલને મંત્રી બનાવ્યા છે.

ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીએ શનિવાર બપોરે 12.39 કલાકે રાજભવનમાં યોજાયેલા સમારોહમાં કૅબિનેટમંત્રી તરીકે જવાહર પેથલજી ચાવડા અને રાજયકક્ષાના મંત્રી તરીકે યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજાને (હકુભા) હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

જાડેજા ગત વિધાનસભા ચૂંટણી પૂર્વે કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને ચૂંટણી જીત્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો