You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અલ્પેશ ઠાકોરે કહ્યું, "મને સત્તાની લાલચ હતી, મંત્રી બનવું હતું પરંતુ હવે કૉંગ્રેસ નહીં છોડું"
ઠાકોર સમાજના આગેવાન અને રાધનપુરથી કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે. સાથે તેમણે જાહેરાત કરી હતી કે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે.
આજે બપોરે પત્રકારો સાથે વાત કરતાં અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવવાની વાતને રદિયો આપ્યો હતો.
અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદમાં કહ્યું કે છેલ્લા ઘણા સમયથી કૉંગ્રેસ સાથેની મારી નારાજગીની ચર્ચા હતી. જેની હું ના પાડતો નથી.
તેમણે કહ્યું, "સત્તા તમામને સારી લાગે છે, મારે પણ જોઈએ અને મારા લોકો માટે જોઈએ, કોને મંત્રી બનવાનું સારું ના લાગે, તમામને લાગે, મને પણ લાગે છે. મને પણ મંત્રી બનવું સારું લાગે છે."
"હું એવા વર્ગનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું ત્યાં તમામ ક્ષેત્રમાં તેનો વિકાસ જરૂરી છે. જેના માટે એક એવી સરકારની જરૂર છે. જે તમામ લોકોનો વિકાસ કરે."
"હું ઈમાનદારીથી કહું છું કે મારે મંત્રી બનવું હતું, મને હતું કે હું મારા ગરીબ લોકો માટે કામ કરી શકીશ."
"હું બે દિવસથી જમ્યો નથી. મારી પત્ની મારું ઘર સંભાળે છે, હું મારું ઘર નથી સંભાળી રહ્યો. મારો પરિવાર રાજનીતિમાં નહીં આવે."
"મને સત્તાની લાલચ નથી. જો મારે એવી સત્તા જોઈતી હોત, તો હું છ મહિના પહેલાં મંત્રી બની ગયો હોત."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જ્યારે મેં મંત્રી બનવાનું વિચાર્યું, મને થયું કે હું સરકાર સાથે જોડાઈ જાઉં."
"હા, હું અત્યાર સુધી મૂંઝવણમાં હતો. મને મારા ગરીબ લોકોને કારણે મૂંઝવણ હતી. હું તેમનું વિચારીને ઘણી વાર એકલો રડ્યો પણ હતો. હું ઇમાનદારીથી કહું છું કે મેં મંત્રી બનવાનું વિચાર્યું છે. આ મુદ્દે મેં વાત પણ કરી હતી."
"જ્યારે મેં ગરીબ લોકોને પૂછયું તો તેમણે કહ્યું કે તમારી પાસે કંઈ ન હતું તો પણ અમે તમને સાથ આપ્યો. અમને પણ ખબર છે કે તમે સત્તામાં નથી, જ્યારે સત્તામાં આવશો ત્યારે અમને માગ્યા વિના બધું મળશે."
છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં ચર્ચા ચાલી રહી હતી કે અલ્પેશ ઠાકોર કૉંગ્રેસથી નારાજ છે અને ભાજપમાં જોડાવાના છે.
જોકે, તેમણે પ્રેસ કૉન્ફરન્સ કરીને કૉંગ્રેસનો જ સાથ આપવાની વાત કરી હતી.
શુક્રવારે અલ્પેશ ઠાકોર દિલ્હી ગયા હતા અને તેમણે કૉંગ્રેસના હાઇકમાન્ડ સાથે વાત કરી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
ઠાકોર રાજકારણનાં મંડાણ
પાટીદાર અનામત આંદોલન સામે ઓબીસીમાંથી પાટીદારોને અનામત આપવાના વિરોધ સાથે અલ્પેશની ખરેખર રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી.
ઠાકોર સમાજની આર્થિક સ્થિતિ સુધારવા માટે તથા સમાજમાં પ્રવર્તમાન સામિજક તથા આર્થિક દૂષણોને નાબૂદ કરવાના તથા સમાજમાં એકતા સ્થાપિત કરવાના હેતુથી 2011માં અલ્પેશ ઠાકોરે 'ઠાકોર સેના'ની સ્થાપના કરી હતી. તેનું વડું મથક અમદાવાદમાં છે.
ગુજરાતના રાજકારણમાં ઠાકોર પૉલિટિક્સનો ઉદય અચાનક નથી થયો, એનાં મૂળિયાં 36 વર્ષ પહેલાં નંખાવાનાં શરૂ થઈ ગયાં હતાં.
રાજકીય વિશ્લેષક ડૉ. બિનોદ અગ્રવાલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "1981માં પહેલીવાર વિદ્યાર્થીઓ દ્વારા અનામત આંદોલન થયું હતું. જેને તત્કાલીન મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીએ દબાવી દીધું હતું."
"એ આંદોલન બાદ સોલંકીએ પટેલો પરની નિર્ભરતાને ઘટાડવા માટે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમને સાથે લઈને KHAM સમીકરણ ઊભું કર્યું.
"આમ તો ઠાકોર સમુદાયનો સમાવેશ અન્ય પછાત જ્ઞાતિઓ (ઓબીસી)માં થાય છે, પરંતુ એ ગણતરીમાં ઠાકોરને ક્ષત્રિયો ગણી લેવાયા હતા. ઠાકોરો ગુજરાતના નવ જિલ્લામાં નિર્ણાયક હતા."
KHAM સમીકરણની મદદથી 1985ની કોંગ્રેસને 182માંથી 149 બેઠક પર વિજય મળ્યો હતો, ગુજરાત વિધાનસભામાં આ એક રેકર્ડ છે, જે હજુ સુધી કોઈ પક્ષ તોડી નથી શક્યો.
અગ્રવાલ કહે છે, "સોલંકીથી નારાજ પાટીદારોને સાથે લઈને 1990માં જનતા દળ સાથે મળીને ભાજપે ગુજરાતમાં યુતિ સરકાર બનાવી. 1995 અને 1998માં પણ ભાજપ વિજેતા થયો.
"2006માં નરેન્દ્ર મોદીએ પહેલીવાર અમદાવાદના મેયર તરીકે ઠાકોર નેતાની નિમણૂક કરી. અનેક જિલ્લા તથા તાલુકા પંચાયતોમાં ઠાકોર નેતાઓની નિમણૂકો કરી, જેના કારણે કોંગ્રેસની પરંપરાગત વોટબૅન્કમાં મોટું ગાબડું પડ્યું.
"આ સાથે ગુજરાતમાં ફરી એક વખત 'ઠાકોર પૉલિટિક્સ'નો ઉદ્દભવ થયો. 2007 અને 2012ની વિધાનસભા તથા 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને તેનો લાભ થયો."
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ઓબીસી સમાજમાંથી આવે છે, અને તેમની ઓળખનો ગત લોકસભાની ચૂંટણીમાં મોટાપાયે પ્રચાર કરવામાં આવ્યો હતો.
અલ્પેશનો રાજકારણમાં ઉદય
25મી ઑગસ્ટ 2015ના દિવસે અમદાવાદના જીએમડીસી (ગુજરાત મીનર ડેવલપમૅન્ટ કૉર્પોરેશન) ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે પાટીદાર આંદોલનનું રણશિંગુ ફૂંક્યું.
શરૂઆતમાં પાટીદારોની માગ હતી કે તેમને ઓબીસીના નેજા હેઠળ અનામત આપવામાં આવે.
જો પાટીદારોને ઓબીસી અનામત મળે તો ઠાકોરોના હિત ઉપર જોખમ ઊભું થાય તેમ હતું. એટલે ઠાકોર સેના સક્રિય બની.
ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ઠાકોર સેનાએ દારૂના વેચાણ પર જનતા રેડ શરૂ કરી. જેમાં ઠાકોર મહિલાઓ અને યુવા જોડાયાં.
કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને રાધનપુરની બેઠક પરથી ટિકિટ આપી અને કોંગ્રેસને આજુબાજુની ઠાકોર બહુમતીવાળી બેઠકો પર લાભ થયો.
આ દરમિયાન જ દલિતોએ પણ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં તેમની માગો સાથે આંદોલન કર્યું. ગુજરાતના રાજકીય પરિદૃશ્યમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર તથા જિગ્નેશ મેવાણી સ્વરૂપે ત્રણ નેતા ઊભર્યાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો