You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં પ્રિયંકા ગાંધીએ આપેલું પહેલું રાજકીય ભાષણ કેવું રહ્યું?
- લેેખક, અદિતિ ફડનીસ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
વર્ષ 2003માં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર વખતે કહ્યું હતું, "મોસમનો મિજાજ બદલાઈ રહ્યો છે..."
સત્તાપરિવર્તનના સંદર્ભમાં તેમણે કરેલી આ વાતને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગણગણાટ સાથે વધાવી લીધી હતી.
એ સમયે રાજસ્થાનની સાથે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીઓ યોજાઈ હતી. ભાજપે આ ત્રણેય રાજ્યોની ચૂંટણી જીતી હતી.
અમદાવાદમાં આયોજિત જનસંકલ્પ રેલીમાં પણ હવાનું એવું જ વલણ જોવા મળ્યું.
કૉંગ્રેસના મહાસચિવ તરીકે પ્રિયંકાએ પ્રથમ જાહેરસભાને સંબોધિત કરી, ત્યારે પણ હવામાં એવા જ અણસાર જોવા મળતા હતા.
રાહુલ ગાંધીથી અલગ
લગભગ છથી સાત મિનિટના ભાષણમાં પ્રિયંકા ગાંધીએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પસંદગીના એવા રફાલ, મોટા ઉદ્યોગપતિઓ, મોદી સરકાર દ્વારા ઉદ્યોગગૃહોને આપવામાં આવતી રાહતોનો ઉલ્લેખ ન કર્યો.
જોકે, તેમણે મોદીનું નામ લીધા વગર જ સરકારે નહીં પાળેલાં વચનોની યાદ અપાવી. પ્રિયંકાએ જનતાને સવાલ પૂછ્યો: "વિચારીને નિર્ણય કરજો. લોકો તમારી સામે મોટીમોટી વાતો કરે છે, પણ જે નોકરીઓનું વચન આપ્યું હતું, તે ક્યાં? શું તમારા ખાતામાં રૂ. 15-15 લાખ આવી ગયા? મહિલાઓની સલામતીનું શું?"
પ્રિયંકા ગાંધીએ ઓછી આવક ધરાવતા લોકો માટે યુનિવર્સલ બૅઝિક ઇન્કમના કૉંગ્રેસના વાયદાની પણ યાદ અપાવી. તેમણે કહ્યું, એ યોજના 'ન્યાય' (ન્યૂનતમ આય યોજનાનું ટૂંકાક્ષર) તરીકે ઓળખાવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિશે વધુ વાંચો
રૉબર્ટ વાડ્રાની વાત નહીં
આ સિવાય પણ કેટલીક બાબતો મહત્ત્વપૂર્ણ રહી. પ્રિયંકા ગાંધીએ તેમના પતિ રૉબર્ટ વાડ્રા વિશે એક પણ શબ્દ ન કહ્યો.
મની લૉન્ડ્રિંગ (કાળુંનાણું કાયદેસરનું કરવાની પ્રક્રિયા)ના કેસમાં ઍન્ફૉર્સમૅન્ટ ડાયરેક્ટ્રેટ દ્વારા કેવી રીતે તેમની કનડગત કરવામાં આવી, તેનો પણ ઉલ્લેખ ન કર્યો.
રૉબર્ટ વાડ્રા અનેક વખત કહી ચૂક્યા છે કે તેઓ રાજકારણમાં જોડાવા માગે છે અને આ માટેનો અનેક વખત ઉત્સાહ પણ વ્યક્ત કરી ચૂક્યા છે. જોકે, કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સમયે તેઓ ગુજરાતમાં ન હતા.
આ બાબત સંદેશ આપે છે કે કૉંગ્રેસીઓમાં અકળ ચિંતા પ્રવર્તી રહી છે.
કૉંગ્રેસીઓએ માત્ર ગાંધી પરિવાર જ નહીં, પરંતુ ગાંધીઓ જેમની સાથે લગ્ન કરે, તેમનો પણ બચાવ કરવાનો રહેશે.
જે લોકો રેલીમાં હાજર હતા, તેમને લાગ્યું કે પ્રિયંકા ગાંધી હેતુપૂર્વક સંયમિત રીતે વર્તી રહ્યાં હતાં, જેથી કરીને તેમના ભાઈ માટેનો ઉત્સાહ પોતે ન મેળવી લે.
પ્રિયંકાનું ભાષણ પ્રમાણસર અને અમુક રીતે સંતુલિત હતું : કોઈ અતિરેક નહીં, કોઈ ડ્રામા નહીં. આ એક વિચારણાપૂર્વકનું પગલું હતું.
ગાંધી પરિવાર અને રાજકારણ
ખુદને પ્રથમ જાહેરસભા માટે કેવી રીતે રજૂ કરવા, તે માટે પ્રિયંકા ગાંધીએ પૂરેપૂરી તૈયારી કરી હતી.
અગાઉ પ્રિયંકા ગાંધીએ તેમના સમર્થકોને હંમેશાં જ કહ્યું હતું કે તેઓ રાજકારણમાં આવવાં નથી માગતાં કારણ કે, કૉંગ્રેસીઓ તેમના પરિવારને તોડવાનો પ્રયાસ કરશે - ભાઈ સામે બહેનને, પતિ સામે પત્નીને ઊભા કરી દેશે.
યૂપીએ (યુનાઇટે પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકારના અંતિમ સમયમાં સોનિયા ગાંધી અને તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ જેવા બે પાકટ વ્યક્તિઓની વચ્ચે આવી જ સ્થિતિ ઊભી થઈ હતી.
ડૉ. સિંઘના સમર્થકોના કહેવા પ્રમાણે, ભારતના વડા પ્રધાન હોવા છતાંય ક્યારેક તેઓ અસહાય અનુભવતા હતા.
ક્યારેક લોકો PMO (વડા પ્રધાન કાર્યાલય)માં આવતા અને 'મેડમ સાથે વાત થઈ ગઈ છે' એમ કહીને વટભેર કોઈ ચોક્કસ કામ કરી દેવાનું કહેતા હતા.
રાજકારણમાં શૂન્યાવકાશ ન ચાલી શકે - એવી જ રીતે રાજકારણમાં સત્તાના બે સમાંતર કેન્દ્ર પણ ન ચાલી શકે.
મંગળવારના તેમના ભાષણ અને હાવભાવથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ ખુદની તરફ ધ્યાન ખેંચાય એવું નથી ઇચ્છતાં.
કૉંગ્રેસનો પ્રચારનો તખ્તો
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા પાર્ટીની મૅનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ પી. ચિદમ્બરમના ભાષણ પરથી સ્પષ્ટ થઈ ગયું કે કૉંગ્રેસના પ્રચાર અભિયાનનો તખ્તો ઘડાઈ ગયો છે.
રસપ્રદ બાબત એ રહી કે માત્ર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જ રફાલનો મુદ્દો ઉઠાવ્યો.
તેમના સિવાય તમામ વક્તાઓએ નોકરીની તકોનો અભાવ, નાનાં અને મધ્યમ ઉદ્યોગગૃહો ઠપ થવા, અર્થતંત્ર અને કૃષિ સંકટ તથા નોટબંધીની નકારાત્મક અસરો વિશે વાત કરી.
કૉંગ્રેસે તેનો મૅનિફેસ્ટો 'ક્રાઉન્ડ સૉર્સ' થઈ રહ્યો છે. ચિદમ્બરમનું કહેવું છે કે સૂચનોને એકઠાં કરીને તેનાં આધારે મૅનિફેસ્ટો ઘડવામાં આવશે.
કૉંગ્રેસનું નેતૃત્વ લેવા માટે એક જ પરિવારના સભ્યો શા માટે આગળ આવે છે, તે અંગે ખુલાસો કરવાનો કે માફી માગવાનો કોઈ પ્રયાસ કૉંગ્રેસના નેતૃત્વે ન કર્યો.
એ વાતમાં લગીરેય શંકા નથી રહી કે ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન ઓછી આવકવાળા તથા વંચિતોને ધ્યાનમાં રાખવામાં આવશે.
ભારતના રાજકારણમાં તેનો આગવો અર્થ અને સંદર્ભ છે. આને પગલે લોકરંજક જાહેરાતોની સ્પર્ધા જામવાની શક્યતા છે.
પ્રિયંકા, રાયબરેલી અને અમેઠી
પ્રિયંકા ગાંધી જે રીતે પ્રજા સાથે સંવાદ કરી રહ્યાં હતાં, તે જોતાં એવું ન લાગ્યું કે તેઓ ચૂંટણી લડશે - ઊલ્ટું, સોનિયા ગાંધી રાયબરેલીથી અને રાહુલ ગાંધીથી ચૂંટણી લડે બાદમાં સોનિયા પોતાની બેઠક દીકરી માટે ખાલી કરી દે.
આ તો હજુ શરૂઆત છે, જેમજેમ ચૂંટણી પ્રચાર અભિયાન આગળ વધશે તેમતેમ પ્રિયંકા ગાંધીનું અસલી વ્યક્તિત્વ જોવા મળશે. શું તેમના આગમનથી કૉંગ્રેસને લાભ થશે? આ અંગે કંઈ પણ કહેવું અઘરું છે.
સૌથી યુવા ગાંધીએ ઝંપલાવી દીધું છે અને એવું લાગે છે કે તેઓ ટકી રહેશે.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો