લોકસભા 2019 : સેનાપતિ વિનાના લશ્કર જેવું 'મહાગઠબંધન' ભાજપ સામે કેટલું ટકશે?

    • લેેખક, રાજેશ પ્રિયદર્શી
    • પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિંદી

રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી હોતા તેની ઝલક શનિવારે ફરી એક વાર કોલકાતામાં દેખાઈ.

તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)નાં નેતા મમતા બેનર્જીના આમંત્રણ પર એકત્ર થયેલા વિપક્ષી દળોના નેતાઓએ એક સૂરમાં કહ્યું કે તેઓ 'મોદીથી દેશને બચાવવા માટે એકજૂથ' થયા છે પરંતુ ધ્યાનથી જોતાં ખબર પડે છે કે આ ગઠબંધન નહીં, કંઈક બીજું જ છે.

આ ગઠબંધન એટલે નથી કેમ કે મોટાભાગના રાજ્યોમાં આ પક્ષો ભેગા થઈને ચૂંટણી લડી રહ્યા છે. તેને નામ આપવામાં આવી રહ્યું છે મહાગઠબંધનનું.

ખરેખર આ એ ક્ષેત્રીય દળોનો સમૂહ છે જે 2019માં ભાજપને બહુમત ન મળે એ હાલતમાં સહિયારી સરકાર બનાવવાની તૈયારીમાં છે.

એટલે જો કોઈ ગઠબંધન થશે તો એ ચૂંટણીનાં પરિણામો આવી ગયા બાદ થશે.

'જેની જેટલી શક્તિ, સત્તામાં તેની એટલી ભાગીદારી'ના હિસાબે 2019નાં પરિણામો આવ્યાં પછી ભાજપ વિરોધી સરકાર બનાવવાનો પ્રયત્ન થશે તો એ સ્થિતિમાં એકત્ર થઈને લડવા માટે બેઠકોની વહેંચણીનું સમાધાન કેવી રીતે થઈ શકશે, કોઈ પણ પાર્ટી ઓછી બેઠકો પર ચૂંટણી લડવા માટે તૈયાર નથી.

ભારતે ઘણા બધા વિચિત્ર ગઠબંધન જોયાં છે પરંતુ આ એક હાઇબ્રીડ એલાયન્સ છે જેનો કોઈ નેતા તો દૂર, સંયોજક પણ નથી.

તમામ એ આશાએ ચૂંટણી લડી રહ્યા છે કે તેઓ કિંગ અથવા કિંગમેકર બનશે. અસલી રાજકારણ તો હજુ શરૂ પણ થયું નથી.

મંચ પર એક-બીજાનો હાથ પકડીને ઊભેલા ભાજપ વિરોધી નેતા એકતાની તસવીર રજૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તેમની પરસ્પર ટક્કર, મન-ભેદ અને રાજકીય હોડની કથાઓ કોઈથી છૂપી નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

જો ભાજપ વિરુદ્ધ કોઈ સાચી એકતા હોત તો દરેક સંસદીય બેઠક પર ભાજપ વિરુદ્ધ એક સહિયારો ઉમેદવાર ઉતારવાનો સાહસિક નિર્ણય લેવાયો હોત.

જ્યાં આ અભૂતપૂર્વ કહેવામાં આવતી એકતાનું પ્રદર્શન થયું, ત્યાંથી જ જોવાનું શરૂ કરો.

આ કેવી 'મોદી વિરોધી એકતા' છે જેમાં ડાબેરીઓ સામેલ નથી, બંગાળમાં દાયકાઓ સુધી કૉમ્યુનિસ્ટોનું રાજ રહ્યું, પરંતુ તેમના માટે એ નક્કી કરવું સંભવ નથી થઈ રહ્યું કે તેમનો મોટો રાજકીય દુશ્મન તૃણમૂલ છે કે ભાજપ.

આ જ કારણ છે કે ડાબેરીઓ 'યૂનાઇટેડ ઇન્ડિયા'માં સામેલ ન થયા.

42 સંસદીય બેઠકો વાળા પશ્ચિમ બંગાળમાં જ્યાં ભાજપ સતત પોતાના પગ પસારવાના પ્રયત્નમાં લાગેલો છે, લગભગ નક્કી છે કે મુકાબલો સીધો નહીં, પણ ચોતરફી થશે.

લગભગ એટલે કે કૉંગ્રેસ અને ડાબેરી પાર્ટીઓ અથવા ટીએમસી અને કૉંગ્રેસ વચ્ચે કોઈ તાલમેલ થઈ જાય પરંતુ એવી કોઈ હિલચાલ દેખાઈ રહી નથી.

આ જ રીતે કેરળમાં કૉંગ્રેસ અને ડાબેરી પક્ષોની વચ્ચે સમાધાનની કોઈ શક્યતા નથી.

બંને વચ્ચે કાયમથી સીધી ટક્કર થતી આવી છે અને હવે ભાજપ ત્યાં પગ પેસારો કરવા પ્રયાસ કરી રહ્યો છે.

મમતા બેનર્જીના આ આયોજનને લોકો વડા પ્રધાન પદની તેમની સંભવિત દાવેદારી સાથે જોડીને જોઈ રહ્યા છે.

હાથમાં હાથ મિલાવીને પડાવવામાં આવેલા ફોટાઓમાં બે ચહેરા ના દેખાયા, માયાવતી અને રાહુલ ગાંધી.

કારણ કે બંને ભાજપ વિરોધી ગઠબંધનની સરકાર બને તો એ સ્થિતિમાં વડા પ્રધાન પદની આશા સેવીને બેઠા છે.

કૉંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીએ પોતાના પ્રતિનિધિઓને મોકલ્યા તો હતા પણ મુખ્ય નેતાઓની ગેર-હાજરીના રાજકીય અર્થો છે.

કર્ણાટકમાં એચ. ડી. કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં પણ વિપક્ષી દળોએ ગજબની એકતા બતાવી હતી, માયાવતી અને સોનિયાએ કેવી રીતે એકબીજાની સાથે ફોટો પડાવ્યો હતો.

પરંતુ, ઉત્તર પ્રદેશમાં બેઠકોની વહેંચણીની બાબતમાં એ એકતા અલોપ થઈ ગઈ. કૉંગ્રેસ સપા-બસપાના ગઠબંધનની બહાર છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ યૂનાઈટેડ ઇન્ડિયાના મંચ પર હાજર હતા.

બે જ દિવસ પહેલાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે કોઈ પ્રકારના ગઠબંધનની સંભાવના સમાપ્ત થઈ ગઈ હતી, જયારે બંને પાર્ટીઓએ એની સ્પષ્ટ ના કહી દીધી.

આવું જ પંજાબ અને હરિયાણામાં પણ થશે જ્યાં કૉંગ્રેસ અને આપ સાથે આવી શકે એમ હતાં પરંતુ નહીં આવે.

આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં કુલ 42 સંસદીય બેઠકો છે.

તેલંગણાના વિધાનસભા ચૂંટણી કૉંગ્રેસ અને તેલુગુ દેશમ(ટીડીપી) મળીને લડ્યા હતા પરંતુ ખરાબ રીતે હાર્યા હતા.

લોકસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીનું કોઈ સમાધાન આ બંને રાજ્યોમાં થતું દેખાતું નથી.

મમતા બેનર્જીના મંચ પર ટીડીપીના નેતા ચંદ્રબાબૂ નાયડૂ તો હતા પરંતુ વિપક્ષી એકતાના એજન્ડાની સાથે મમતા સાથે ઘણી વાર મુલાકાત કરી ચૂકેલા તેલંગણા રાષ્ટ્ર સમિતિ(ટીઆરએસ)ના નેતા ચંદ્રશેખર રાવ આ આયોજનથી દૂર જ રહ્યા.

વિપક્ષી એકતાની વાત હવા-હવાઈ છે. તેને તમે 20 સંસદીય બેઠકો વાળા રાજ્ય ઓડિશાથી પણ સમજી શકો છો જ્યાં કૉંગ્રેસ અને બીજૂ જનતા દળ(બીજેડી) અલગ-અલગ ચૂંટણી લડશે.

ભાજપે રાજ્યમાં ઘણી તાકાત વાપરી છે. જો ખરેખર ભાજપને અટકાવવાની દાનત હોત તો કૉંગ્રેસ-બીજેડીની વચ્ચે તાલમેલ થઈ શકે એમ હતું પરંતુ એવું થઈ રહ્યું નથી.

ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનના હાલ

આમ તો એનડીએની હાલત જોવા જેવી છે. ટીડીપીએ સ્પેશિયલ સ્ટેટસના નામે ગઠબંધન છોડ્યું, હવે જેને વિપક્ષી ગઠબંધન કહેવામાં આવી રહ્યું છે એનો ભાગ બની ગઈ છે.

નાગરિકતાના કાયદા પર મચેલા હોબાળા પછી અસમ ગણ પરિષદ(એજીપી)એ ભાજપનો સાથ છોડી દીધો છે.

ગઠબંધનના ભાગીદાર જનતા દળ યૂનાઇટેડ(જેડીયૂ)એ કાયદા વિરુદ્ધ વોટ આપવા ઉપરાંત હવે પાર્ટી પોતાના પ્રતિનિધિઓને ભાજપ વિરોધી પ્રદર્શનોમાં ભાગ લેવા મોકલી રહી છે.

શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત દરરોજ મોદી અને અમિત શાહની વિરુદ્ધ વિપક્ષ સાથે પણ કડવી ભાષા બોલે છે.

આ જ રીતે ઉત્તર પ્રદેશની નાની પાર્ટીઓએ પણ ભાજપ સાથે પોતાની નારાજગી છૂપાવવાની છોડી દીધી છે અને ખુલીને પોતાની ઉપેક્ષાની વાત કહી રહ્યા છે.

તો સરવાળે, અસલ વાત એ જ છે કે રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતા, રાજકીય ફાયદા અથવા જોખમ જ અસલી વસ્તુ છે જેની ઉપર દરેક નેતાની નજર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો