You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું 2019ની લોકસભા ચૂંટણી મંડલ-કમંડલ મહામુકાબલો પાર્ટ-2 થશે?
- લેેખક, રાજેશ પ્રિયદર્શી
- પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિંદી
25 સપ્ટેમ્બર 1990ના રોજ ગુજરાતના સોમનાથ મંદિરથી પૂજા કર્યા બાદ વિપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણી જે 'રામ રથ'ને લઈને દેશભરની યાત્રાએ નીકળ્યા હતા, તેના પર કાળી દાઢી ધરાવતી એક વ્યક્તિ પણ નજરે પડી રહી હતી.
તે વ્યક્તિ લગભગ 24 વર્ષ બાદ વર્ષ 2014માં ભારતના વડા પ્રધાન બને છે.
હાલમાં નરેન્દ્ર મોદી સત્તાના શિખર પર બેઠા છે, એટલા માટે તે રથની જવાબદારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સંતો-મહંતોને સોંપવામાં આવી છે.
આમ પણ અયોધ્યા આંદોલન વિશ્વ હિંદુ પરિષદ ચલાવે છે. માત્ર ઑગસ્ટ 1990થી 6 ડિસેમ્બર 1992 સુધી તેની કમાન અડવાણીએ સંભાળી હતી.
સપ્ટેમ્બર 1990માં અડવાણીની રથ યાત્રાના પ્રારંભના એક મહિના પહેલાં દેશમાં અન્ય એક મોટી ઘટના બની હતી. ઑગસ્ટ મહિનામાં ત્યારના વડા પ્રધાન વી. પી. સિંહે અન્ય પછાત વર્ગોને અનામત આપવાની મંડલ કમિશનની ભલામણોને લાગુ કરવાની જાહેરાત કરી હતી.
આ સાથે જ દસ વર્ષ સુધી ધૂળ ખાઈ રહેલા બી. પી. મંડલના રિપોર્ટે રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો.
વી. પી. સિંહની રાષ્ટ્રીય મોરચા સરકાર બે સહારા મારફતે ઊભી હતી, જેમાંથી એક હતો વામપંથી અને બીજો ભારતીય જનતા પક્ષ હતો. આ બન્ને બહારથી તેમને સમર્થન આપી રહ્યા હતા.
મંડલ આયોગની ભલામણોને લાગુ કરવાની વી. પી. સિંહની જાહેરાતથી ભાજપને આઘાત લાગ્યો પરંતુ ભાજપે રાજીવ ગાંધીની જેમ તાત્કાલિક પ્રતિક્રિયા ન આપી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપના નેતાઓ દેશની રાજનીતિમાં જ્ઞાતિની જટિલતાને ત્યારે પણ સમજતા અને અત્યારે પણ સમજે છે.
રાજીવ ગાંધીએ વી. પી. સિંહની તુલના ઝીણા સાથે કરી મંડલ પંચની ભલામણોનો વિરોધ કર્યો.
પરંતુ મંડલ પંચની ભલામણોની લાંબાગાળાની અસરને પહોંચી વળવા ભાજપે 'હિંદુ એકતા'નું સૂત્ર આપીને રામ મંદિર આંદોલન વધુ સક્રિય કર્યું.
વર્ષ 1990ના અંતિમ ચાર મહિનામાં મંડલ પંચનો વિરોધ અને મંદિર આંદોલનના કારણે સમગ્ર દેશનું રાજનૈતિક વાતાવરણ ખૂબ જ ગરમાયું.
પાંચ અઠવાડિયા સુધી 'બાબરોના વંશજો'ને ધમકાવતા અને દરરોજ અલગઅલગ જગ્યાએ છ જનસભાઓ કરતા-કરતા સાંપ્રદાયિક વાતાવરણમાં અડવાણીનો રથ બિહાર પહોંચ્યો.
અહીં આંઠ મહિના પહેલાં જ મુખ્ય મંત્રી બનેલા લાલુ પ્રસાદ યાદવે તેમને સિંચાઈ વિભાગના મસાનજોર ગેસ્ટ હાઉસમાં બંધક બનાવી લીધા.
જનતા દળના નેતા લાલુના આ પગલાની અસર એવી થઈ કે ભાજપે વી. પી. સિંહની સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધો.
ત્યારબાદ બહુમતી ગુમાવવાને કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું.
9 નવેમ્બર 1990ના રોજ વી. પી. સિંહે કહ્યું કે તેઓ સામાજિક ન્યાયના પક્ષમાં અને સાંપ્રદાયિકતા વિરુદ્ધની લડાઈમાં તેમની ગાદીનું બલિદાન આપી રહ્યા છે.
મુદ્દાની વાત તો એ છે કે ભાજપે મંડલ કમિશનની ભલામણોના વિરોધમાં વી. પી. સિંહ સરકારને આપેલું સમર્થન પરત લેવાનું તો દૂર રહ્યું, તેનો વિરોધ પણ નહોતો કર્યો.
પરંતુ તેમણે હંમેશાં જ્ઞાતિઓમાં વહેંચાયેલા સમુદાયોને હિંદુ ધર્મના નામ પર એક કરવાની રાજનીતિ કરી જે મુસલમાનોના ઉલ્લેખ વિના પૂરી નથી થતી.
આ સંઘર્ષને મીડિયાએ મંડલ વિરુદ્ધ કમંડલ નામ આપ્યું. ઘણાં વર્ષો સુધી દબાયેલો આ સંઘર્ષ વર્ષ 2019ની ચૂંટણીમાં ફરીથી બહાર આવી શકે છે.
મોદી ભલે રામ મંદિરના મુદ્દે આક્રમક નથી પરંતુ આગળ-આગળ જુઓ થાય છે શું. હાલમાં મંદિરના મુદ્દાને ગરમાવવાનું કાર્ય સંઘના અન્ય સિપાહીઓ કરી રહ્યા છે.
હાલમાં મોદી બીજી 'દવાઓ'ની અસર પારખશે અને જરૂરિયાત મુજબ અયોધ્યા અસ્ત્રનો ઉપયોગ કરશે.
જોકે, આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી માટે અયોધ્યાથી કોઈ ઓછો મુદ્દો નથી.
હિંદુત્વ વિરુદ્ધ સામાજિક ન્યાયના સંઘર્ષની સમાંતર અન્ય એક સંઘર્ષ જોવા મળશે અને તે હશે મોદી બચાવો વિરુદ્ધ મોદી હટાવો.
તમે આ વાંચ્યું કે નહીં?
અયોધ્યા આંદોલન વધુ સક્રિય થશે?
'હર હાથ કો કામ', 'કિસાનો કો સહી દામ', 'સબકા સાથ, સબકા વિકાસ', 'વિશ્વાસ હૈ, હો રહા વિકાસ હૈ'થી લઈને 'સચ્ચી નિયત, સહી વિકાસ'... જેવાં અનેક સૂત્રોમાંથી ભાજપનું જોરદાર સૂત્ર છે- 'મંદિર વહી બનાયેંગે'.
મતલબ કે હાલના યુવા દેશમાં આજે પણ એ જ મુદ્દાઓ છે જે 30 વર્ષ પહેલાં હતા. ભ્રષ્ટાચાર, બેરોજગારી અને ગરીબી અલ્પવિરામની જેમ આવ્યાં અને ગયાં. શિક્ષા, સ્વાસ્થ્ય અને પાણી જેવા મહત્ત્વના સવાલોએ ક્યારેય મુદ્દાઓનું સ્વરૂપ ધારણ ન કર્યું.
ધર્મની રાજનીતિ કરનાર ભાજપ અન્ય પક્ષોને જ્ઞાતિવાદી ગણાવે છે, પરંતુ તેની સામે અન્ય પક્ષો પોતાને સામાજિક ન્યાયના માનનારાઓ અને ભાજપને સાંપ્રદાયિક બતાવે છે.
એક વિચારધારા ગાંધી-આંબેડકર-જેપી લોહિયાથી પ્રેરણા લેવાની વાત કરે છે જ્યારે બીજી શિવાજી, રાણા પ્રતાપ મારફતે થઈ ભગવાન રામના શરણમાં લઈ જાય છે.
હિંદુવાદી વિચારધારનો આગ્રહ છે કે દરેક હિંદુ છે અને તેઓ સારા છે, તેમને એકઠા થવું જોઈએ, હિંદુ હોવા પર ગર્વ કરવો જોઈએ, ભવ્ય ભૂતકાળ તરફ વળવું જોઈએ, દરેક ગડબડના મૂળમાં વિદેશી અને ખાસ કરીને મુસલમાન છે.
બીજી તરફ તે લોકો છે જે સામાજિક ન્યાય, સમાંતર ભાગીદારી, અનામત, સામાજિક સશક્તિકરણ અને ધર્મનિરપેક્ષતાની વાતો કરે છે.
તેમના પર જ્ઞાતિવાદી, મુસલમાન તરફી અને હિંદુ વિરોધી હોવાનો આરોપ લાગે છે. ભ્રષ્ટાચાર અને વંશવાદના મામલાઓ પણ તેમના ટ્રેક રેકૉર્ડમાં જોડાયેલા છે.
બન્નેની સાચી-ખરાબ બાજુનો નિર્ણય સમય, ઇતિહાસ અને જનતાના હાથમાં છે પરંતુ આ એવી પરસ્પર વિરોધી વિચારધારાઓ છે જે ભારતીય સમાજના વણઉકેલાયેલા સવાલોને ભાવનાત્મક રીતે દોહવા સિવાય કંઈ નથી કરતી.
આ જ કારણ છે કે ભારત 30 વર્ષ બાદ મંડલ વિરુદ્ધ કમંડલનું ફરીથી એ જ દૃશ્ય જોવા મજબૂર છે.
મંદિર બનાવવાની વાતો કરનારા અને પછાતોને ન્યાય અપાવવાનાં સૂત્રો લગાવનારા બન્ને પક્ષોએ માત્ર સત્તાની રાજનીતિ કરી છે બીજું કંઈ નહીં.
2019ની ચૂંટણીમાં મંડલ-કમંડલ
ભાજપ અયોધ્યા સહિત ધાર્મિક પ્રતીકોને આગળ કરીને ભજન-કિર્તન-હવન-પૂજનના રસ્તે ચૂંટણી પ્રચાર કરી જનતાને એ બતાવવાની કોશિશ કરશે કે હિંદુ દેશમાં એ રામમંદિર બનાવવાનો તે જોરદાર પ્રયાસ કરી રહ્યો છે અને આ મહાન કાર્યમાં કયા કયા લોકો કેવાં કેવાં વિઘ્નો ઊભા કરી રહ્યા છે.
2019ની સામાન્ય ચૂંટણી આડે હજી ઘણો સમય છે અને ત્યારે શું થશે એ કહેવું મુશ્કેલ છે પરંતુ અયોધ્યામાં રામમંદિરનો મુદ્દો ભાજપનું સૌથી મોટું હથિયાર અને મજબૂરી પણ છે.
મજબૂરી એટલા માટે કેમ કે વિકાસ અને ભ્રષ્ટાચારના વિરોધના મુદ્દાઓની હવા નીકળી ચૂકી છે.
વિકાસનો જવાબ બેરોજગારીના આંકડાઓ અને ભ્રષ્ટાચાર રોકવાનો જવાબ નીરવ મોદી છે.
સરકાર સામે બીજી એક સમસ્યા એ છે કે સામાન્ય લોકોને નોટબંદી અને વેપારીવર્ગને જીએસટી જેવી તકલીફો આપ્યા બાદ અંતિમ છ મહિનામાં નજીવી રાહતોથી કદાચ મતદાતાઓનું મન નહીં બદલાય.
આ બધાથી મોટી વાત એ છે કે જ્ઞાતિઓના સમીકરણ સારી રીતે સમજવા અને પૂરી રીતે સાધવા છતાં ભાજપ હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ પર સૌથી વધારે ભરોસો કરે છે.
આનું ઉદાહરણ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે.
આ ચૂંટણીમાં બે-ચાર ટકા મત ધરાવનારી જ્ઞાતિ આધારિત અનેક પાર્ટીઓ સાથે જોડાણ કરવા છતાં પ્રચારના અંતિમ ચરણમાં "સ્મશાન-કબ્રસ્તાન, ઇદ-દિવાળી"નું પત્તુ રમવું જરુરી સમજવામાં આવ્યું હતું.
રામવિલાસ પાસવાન, ઉપેન્દ્ર કુશવાહા અને અનુપ્રિયા પટેલ જેવા જ્ઞાતિનાં પ્રતિનિધિ નેતાઓને આટલું મહત્ત્વ આપવા પાછળ ભાજપની સોશિયલ એન્જિનિયરિંગની નીતિ કામ કરે છે, પરંતુ સપા-બસપા-આરજેડીની જેમ તે એનું હુકમનું પત્તું નથી, એનું હુકમનું પત્તુ તો ઉગ્ર હિંદુત્વ જ છે.
આ જ કારણ છે કે બિહાર ચૂંટણીમાં પણ તમામ પ્રકારના જતન બાદ ચોથા તબક્કાના મતદાન અગાઉ અમિત શાહે "અમે હારીશું તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે" જેવા જુમલાનો સહારો લેવો પડ્યો હતો.
ભાજપે એસસી-એસટી ઍક્ટમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને સંસદ દ્વારા ફેરવીને, સવર્ણ સમર્થકોની નારજગી વહોરીને એ દર્શાવવાની કરી છે કે વિરોધપક્ષો કહે છે એમ એ વંચિતવર્ગનો વિરોધી પક્ષ નથી.
2018માં અને ખાસ કરીને છેલ્લા બે મહિનામાં જે ચર્ચાઓ ચાલી રહી છે તેનાથી એવું લાગે છે કે ભાજપ ઇચ્છે છે કે 2019ની ચૂંટણીમાં રામમંદિર, એનસીઆર, મુસલમાન અને પાકિસ્તાન જેવા અન્ય અનેક મુદ્દાઓ પર એવો માહોલ બને કે મતદાતાઓ પોતાનો ધર્મ યાદ રાખે અને જ્ઞાતિ વિસરી જાય.
પરંતુ જે રીતે શરદ યાદવ વાંરવાર કહે છે તેમ કમંડલનો તોડ ફકત મંડલ છે લાલુ યાદવ, માયાવતી, અખિલેશ, મમતા, ચંદ્રાબાબુ નાયડુ જેવા નેતાઓની સામાજિક ન્યાયની અપીલમાં કેટલો દમ હશે એ જોવાની વાત રહેશે.
આમ તો, 30 વર્ષોમાં કંઈ ખાસ નથી બદલાયું પણ છેલ્લાં સાડા ચાર વર્ષમાં એક વાત ચોક્કસ બદલાઈ છે.
આ સમયમાં કૉંગ્રેસ સમેત તમામ પક્ષો મુસલમાનોના હક અને હિતોની વાત કરવામાં કે સેક્યુલર રાજનીતિનું નામ લેવામાં ગભરાઈ રહી છે.
રાહુલ ગાંધી મંદિર જાય છે અને જનોઈ બતાવે છે, મમતા બ્રાહ્મણ સંમેલન યોજે છે.
2019ના મંડલ-કમંડલ પાર્ટ-2માં આ એક નવી વાત હશે કે મંડલવાળા સેક્યુલરિઝમનો નારો નહીં લગાવતા હોય. આને સારી વાત ગણવી કે ખરાબ તે આપની સમજ પર નિર્ભર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો