'હું પ્રેક્ષકોને સવાલ કરું છું કે શું તમે આવા દિવસો જોવા માટે દીકરીને જન્મ આપો છો?'

ઇમેજ સ્રોત, JAY MERCHANT
16મી ડિસેમ્બર 2012ની રાત્રે દક્ષિણ દિલ્હીમાં એક ચાલતી બસમાં 23 વર્ષની વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ જેને દેશ 'નિર્ભયા' તરીકે ઓળખતો થયો તે વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
ગુજરાતની વિદ્યાર્થિની ઝીલ પટેલ આ વિશે કહે છે -
“નિર્ભયા કાંડને છ વર્ષ થઈ ગયાં છતાં કંઈ બદલાયું નથી. હું સ્વતંત્રતા અનુભવું છું પણ સાથે એક ડર પ્રસરી ગયો છે.”
"નિર્ભયા સાથે જે કંઈ થયું તેનું દુ:ખ સૌને છે પરંતુ જે અનુભવે તેને જ સમજાય કે સમાજમાં હજુ પણ કંઈ બદલાયું નથી."
"જ્યારે આ ઘટના બની ત્યારે હું સ્કૂલમાં હતી તેથી મને તેના વિશે ખાસ જાણકારી નહોતી, પરંતુ હું કૉલેજમાં આવી ત્યારબાદ મેં આ ઘટનાનો વિરોધ કરવાનું નક્કી કર્યું.”
ઝીલ વડોદરાની એક કૉલેજમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગના અભ્યાસક્રમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે, તેમણે નિર્ભયા કાંડ પર તૈયાર થયેલા શેરી નાટક 'તો મોમબત્તીયાં બુઝા દો'માં કામ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આ ઘટનાને આજે 6 વર્ષ પૂર્ણ થશે. ગુજરાતમાં પણ આ ઘટના બાદ અનેક વિરોધ પ્રદર્શનો થયાં હતાં.
જેમાં, કૉલેજના વિદ્યાર્થીઓમાં તેમજ સમાજમાં જાગૃતિ માટે એક શેરી નાટકના માધ્યમથી વડોદરાની વિદ્યાર્થિનીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ઝીલ પટેલ છેલ્લાં 3 વર્ષથી આ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલાં છે.
આ કરુણાંતિકાના છઠ્ઠા વર્ષે ગુજરાતની એક વિદ્યાર્થિની પોતાનો અનુભવ વર્ણવે છે.


મારો વિરોધ

ઇમેજ સ્રોત, ZEEL PATEL
જ્યારે નિર્ભયા કેસ થયો ત્યારે હું સ્કૂલમાં ભણતી હતી. એ વખતે અમને ખાસ ખબર જ નહોતી કે હકીકતે શું થયું છે.
સ્કૂલમાં પણ આ વિષયની ખાસ ચર્ચા થતી નહીં.
જ્યારે મેં કૉલેજમાં ઍડમિશન લીધું. હું કૉલેજેમાં પ્રવેશી ત્યારે મને આ શેરી નાટકની જાણ થઈ.
મેં એક મહિલા તરીકે પુરુષના અયોગ્ય વર્તનનો અનુભવ કરેલો છે તેથી આ પ્રકારની સ્થિતિ સમજવી મારા માટે સરળ હતી.
અમારા શિક્ષકના માઘ્યમથી મને નાટકમાં કામ કરવા માટે કહેવાયું ત્યારે હું તૈયાર થઈ ગઈ.
મારો જાત અનુભવ હતો કે સમાજમાં ભલે વિદ્યાર્થિનીઓ કે મહિલાઓની સુરક્ષાની ચર્ચા થાય પરંતુ સ્થિતિમાં કોઈ પરિવર્તન થયું નથી.
હું જ્યારે પણ આ નાટક ભજવું છું ત્યારે પ્રેક્ષકોની આંખ સામે જોઈને એક સવાલ કરું છું કે શું તમે આવા દિવસો જોવા માટે દીકરીને જન્મ આપો છો?


'સમાજને જોવાની મારી દૃષ્ટિ બદલાઈ'

ઇમેજ સ્રોત, Getty Images
આપણા સમાજમાં મહિલાઓને 'દેવી'નો દરજ્જો મળે છે પરંતુ જો કોઈ મહિલાનો બળાત્કાર થાય તો તે કોઈ પણ પ્રકારના વાંક ગુના વગર દેવીનો દરજ્જો ગુમાવે છે.
આ ઘટના બાદ મને એવું અનુભવાયું છે કે આપણે જે મહિલાને દેવી તરીકે પૂજીએ છીએ તેની સાથે જો બળાત્કાર થાય તો તેને કોઈ સાથ નથી આપતું.
નિર્ભયા કેસ બાદ સમાજને જોવાની મારી દૃષ્ટિ બદલાઈ છે.
આ ઘટનાની મારા પર વ્યક્તિગત અસર એ થઈ છે કે હું મનમાં સતત એક ડર સાથે ફરું છું.
મને સમાજનો વિકૃત ચહેરો જોઈને ઘૃણા થાય છે.
આપણે ગૌરીવ્રત ઊજવીએ છીએ, મહિલાઓના સન્માનની વાતો કરીએ છીએ પરંતુ હકીકતે ચિત્ર અલગ જ છે.
આ લડાઈ મારી પણ છે અને તમામ મહિલાઓની છે છતાં કોઈ પરિવર્તન હજુ આવ્યું નથી. સમાજ બદલાયો નથી.
જોકે, આ બધાની વચ્ચે પણ અમે વિરોધ બંધ નથી કર્યો. મને આશા છે કે એક દિવસ આ મુદ્દે ભારતને સારો દેશ બનાવી શકાશે.


'તો મોમબત્તીયાં બુઝા દો'

ઇમેજ સ્રોત, Getty Images
આ શેરી-નાટક નિર્ભયા કાંડ બાદ તૈયાર કરાયું હતું. આ નાટક તૈયાર કરવાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો હતો.
આ નાટક તૈયાર કરનાર નાટ્યકાર જય મર્ચન્ટના મતે નિર્ભયા કેસ બાદ જે વિરોધ થયો તે શેરીઓમાં અને રસ્તાઓ પરનો વિરોધ હતો તેથી શેરી નાટકની પસંદગી કરી હતી.
તેમણે કહ્યું, " નિર્ભયા કેસની વરસી આવી ગયા પછી મને થયું કે આવી ઘટનાઓ બાદ દેશમાં લોકો મીણબત્તીઓ લઈને નિકળે છે પરંતુ હકીકતે પછી કંઈ થતું નથી."
"અમે જાણીએ છીએ કે એક નાટકથી કંઈ પરિવર્તન ન આવે પરંતુ જેટલા વિદ્યાર્થીઓ જોડાશે તેટલા સુધી અમે મૅસેજ પહોંચાડીશું."
મર્ચન્ટે કહ્યું કે અમારો એટલો જ મૅસેજ હતો કે જો સમાજ કોઈને ન્યાય ન અપાવી શકે, જો લોકોની માનસિકતા નથી બદલાતી તો મીણબત્તીઓ સળગાવાની જરૂર નથી તેને ઠારી દો અને ખાલી દેખાડો કરવા પૂરતો વિરોધ ન કરો.


નિર્ભયા કેસ

ઇમેજ સ્રોત, Getty Images
2012ની 16મી ડિસેમ્બરે દિલ્હીમાં એક ચાલતી બસમાં 23 વર્ષની વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.
દક્ષિણ દિલ્હીમાં બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી વિદ્યાર્થિનીને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી.
ભારતમાં અનેક દિવસોની સારવાર અપાયા બાદ વિદ્યાર્થિનીને સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
અહીં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાને કારણે દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયાં હતાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
(બીબીસી ગુજરાતીના જય મિશ્રા સાથે થયેલી વાતચીતના આધારે)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














