બ્લોગઃ તેનો બળાત્કાર 'નિર્ભયા' બાદ થયો હતો, અને વારંવાર થતો રહ્યો

ગેંગ રેપ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉલેજથી ઘરે ફરતાં સમયે ફરહા પર સામૂહિક બળાત્કાર કરી તેના પર એસિડ ફેંકાયું હતું
    • લેેખક, દિવ્યા આર્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ફરી એક વખત એક ડિસેમ્બર આવશે. પાંચ વર્ષ થવાના છે, જ્યારે ચાલતી બસ પર 'નિર્ભયા' સાથે સામૂહિક બળાત્કાર થયો હતો અને પછી શારીરિક હિંસા વિરૂદ્ધ કડક કાયદા બનાવવામાં આવ્યા હતા.

નિર્ભયાને પાંચ વર્ષ થયા તો ફરહાને એક વર્ષ. એક વર્ષ વીતી ગયું એ ઘટનાને જ્યારે બપોરે કૉલેજથી સાઇકલ પર ઘરે પરત ફરતા સમયે ફરહા પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

તે બળાત્કારીઓ એ જ નાના શહેરમાં તેના પાડોશમાં રહે છે. તે એસિડ લઇને આવ્યા હતા જેથી તે લોકો તેને ખેંચીને ખેતરમાં લઈ જઈ શકે અને ફરહા ડરથી ચીસો ન પાડે.

તમને આ વાંચવું પણ ગમશે :

પહેલા બળાત્કારીઓએ એક એક વખત પોતાનો વારો લીધો અને પછી શેરડીનો ઉપયોગ કર્યો. જ્યારે તકલીફ હદ પાર કરી ગઈ તો તેના મોઢામાંથી ચીસ નીકળી જ ગઈ. ત્યારે તેમણે એ એસિડ ફરહાનાં મોં પર ફેંકી દીધું.

તે બચી તો ગઈ પણ તે પોતાને 'નિર્ભયા' નથી બોલાવવા માગતી. તે ભયથી ભરપૂર છે.

line

કાયદો જે ક્યારેય લાગુ ન થયો

પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બળાત્કારીઓના પરિવારો અને પોલીસે ફરહા પર આંગળી ઉઠાવી અને વાતને જવા દેવા દબાણ બનાવ્યું હતું

તેને ન્યાય જોઇએ છે. પણ અત્યાર સુધીની તેની યાત્રા એવી રહી છે જાણે વારંવાર તેના પર બળાત્કાર થઈ રહ્યો હોય.

નિર્ભયાના સામૂહિક બળાત્કાર બાદ થયેલી ચર્ચાઓ અને સંસદના શારીરિક હિંસા વિરૂદ્ધ બનેલા કાયદાને કડક કરવાની કવાયત બાદ લાગ્યું કે હવે તો બદલાવ આવશે.

હવે શારીરિક હિંસાની ફરિયાદ પર પોલીસ અધિકારીઓએ ફરજિયાત FIR દાખલ કરવી પડે છે. એમ ન કરવા પર બે વર્ષની કેદ થઈ શકે છે.

પણ પોલીસે ન તો ફરહાની ફરિયાદ દાખલ કરી ન તો તેમને તેના માટે જેલની સજા થઈ.

પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બળાત્કાર બાદ પીડિતે વારંવાર બળાત્કાર જેવી પીડાથી પસાર થવું પડે છે

તે તો તેમની પાસે ગઈ હતી. અડધો દાઝી ગયેલો ચહેરો અને ગંદા કપડા જે તેણે તે સમયે પહેર્યા હતા તે જ કપડાં પહેરીને દરેક વાત તેણે બારીકી સાથે વારંવાર જણાવી હતી.

બળાત્કારીઓ કથિત ઊંચી જાતિના હતા. તેમના પરિવારો તેમજ પોલીસે ફરહા પર આંગળી ઉઠાવી અને વાતને જવા દેવા દબાણ બનાવ્યું.

તેને કારણ વગર શરમ અનુભવવી પડતી હતી. તેના માટે તે ફરી તે હિંસાથી પસાર થવા જેવું હતું. ફરહા એક માત્ર એ પીડિતા નથી જેણે આ પ્રકારના અનુભવનો સામનો કર્યો હોય.

હ્યુમન રાઇટ્સ વૉચ નામની NGOએ શારીરિક હિંસાનો શિકાર બનેલી 21 મહિલાઓના અનુભવ પર એક રિપોર્ટ જાહેર કરી એ બધી મુશ્કેલીઓની જાણકારી આપી છે કે જે ન્યાયના રસ્તામાં આવે છે.

line

મેડિકલ ટેસ્ટ વધુ એક પીડા

પીડિતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'ટૂ ફિંગર ટેસ્ટ'ના આધારે ડોક્ટરે કહ્યું હતું કે ફરહા સેક્સથી ટેવાયેલી હશે

રિપોર્ટ કહે છે, "મહિલાઓએ ઘણી વખત પોલીસ સ્ટેશનમાં શરમજનક પરિસ્થિતિનો પણ સામનો કરવો પડે છે. જો મહિલા આર્થિક કે સામાજિક રીતે કમજોર છે તો પોલીસ FIR નોંધવામાં પણ હા-ના કરે છે."

ફરહાએ હાર ન માની અને સ્થાનિક કોર્ટ પહોંચી ગઈ જ્યાં તેને પોલીસમાં FIR દાખલ કરવાની સલાહ આપવામાં આવી. પરંતુ તેના પર અમલ કરવામાં પણ પોલીસને પાંચ મહિના લાગી ગયા.

એસિડથી હુમલાનો મતલબ હતો કે ફરહા પોલીસની પાસે જતા પહેલાં જ હોસ્પિટલ ગઈ હતી અને એક ડૉક્ટરે અત્યાચારના પૂરાવા રેકોર્ડ કરવા માટે તેની તપાસ કરી.

પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બળાત્કારની ફરિયાદોનો આંકડો વર્ષ 2015માં 34,651 પર પહોંચી ગયો હતો જે સતત વધી રહ્યો છે

બળાત્કારીઓ અને શેરડી બાદ ડૉક્ટરની આંગળીઓ હતી જે તેના ગુપ્તાંગમાં ગઈ હતી.

ત્યારે તે ન સમજી શકી કે આ 'ટૂ ફિંગર ટેસ્ટ'ના આધારે જ ડૉક્ટરે કહ્યું હતું કે, 'તેની વજાઇનલ ઓપનિંગ એટલી ખૂલી છે કે તે સેક્સથી ટેવાયેલી હશે.'

એસિડથી ચહેરો દાઝેલો હતો પણ ડૉક્ટરની એ વાતથી તેની આત્મા સળગી ઉઠી હતી. તે બસ રડતી રહી.

'ટૂ ફિંગર ટેસ્ટ'ને 'ખૂબ અપમાનજનક' ગણાવવામાં આવ્યું છે કેમ કે તેમાં યોનીમાર્ગમાં બે આંગળીઓ નાંખીને તપાસ કરવામાં આવે છે.

વર્ષ 2014માં સ્વાસ્થ્ય અને પરિવાણ કલ્યાણ મંત્રાલયે દિશા-નિર્દેશ જાહેર કરી આ ટેસ્ટને બંધ કરાવી દીધા હતા.

સાથે જ શારીરિક હિંસાથી પીડિત મહિલાઓની મેડિકલ તપાસ કેવી હોવી જોઈએ, તેમની પરવાનગી કેવી રીતે લેવી જોઇએ અને તેના માટે તેમના પરિવારના સભ્યની હાજરી વગેરે વિશે યોગ્ય પ્રણાલી નક્કી કરાઈ હતી.

line

બળાત્કાર બાદ હિંસા યથાવત

મહિલાઓ વિરૂદ્ધ હિંસા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અત્યાર સુધી માત્ર નવ રાજ્યોએ સરકારના દિશા-નિર્દેશનો સ્વીકાર કર્યો છે

પણ સ્વાસ્થ્ય રાજ્ય સરકારોને આધીન છે. તેના કારણે 2014ના દિશા-નિર્દેશ માનવા માટે કાયદાકીય રીતે બાધ્ય નથી.

'હ્યૂમન રાઇટ્સ વૉચ'ના આધારે અત્યાર સુધી માત્ર નવ રાજ્યોએ આ દિશા-નિર્દેશનો સ્વીકાર કર્યો છે.

તેમનો રિપોર્ટ કહે છે, 'જે રાજ્યોએ દિશા- નિર્દેશનો સ્વીકાર કર્યો છે, ત્યાં પણ ડૉક્ટર તેમનું પાલન નથી કરતા. ઘણી રાજ્ય સરકારોએ પોતાના દિશા-નિર્દેશ બનાવીને રાખ્યા છે, જેમાંથી કેટલાંક ટૂ-ફિંગર ટેસ્ટ જેવા જૂના તપાસના કાયદાનું પાલન કરે છે.'

પહેલા હોસ્પિટલ અને પછી પોલીસ સ્ટેશન, પણ હિંસાનો અંત અહીં નથી આવતો. જ્યાં સુધી કોર્ટ પોલીસને કોઈ નિર્દેશ આપે, કાયદાકીય પ્રક્રિયા આગળ વધે છે, ફરહાના પરિવારે તેના કૉલેજ જવા પર રોક લગાવી દીધી.

તે ડરેલા હતા. ફરહાને ગભરામણ થવા લાગી, ખાવું-પીવું છોડી દીધું અને લાગવા લાગ્યું કે તે માનસિક રીતે અસ્થિર થઈ જશે.

line

ફંડ બન્યું પણ ખર્ચ ન થયો

પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2014ના દિશા-નિર્દેશ જણાવે છે કે મહિલાને માનસિક રૂપે મદદ મળવી જોઇએ

વર્ષ 2014ના દિશા-નિર્દેશ એ પણ જણાવે છે કે મહિલાને માનસિક રૂપે કેવી રીતે મદદ કરવી જોઇએ, તેમને તેમના મનની વાત ખુલીને કહેવા સમજાવવું જોઇએ.

આ સમગ્ર પ્રક્રિયામાં પરિવાર અને મિત્રોએ પણ જોડાવવું જોઇએ. પણ ફરહાનું જીવન એકદમ ઊંધું હતું.

પોલીસને રિપોર્ટ થનારી બળાત્કારની ફરિયાદોનો આંકડો વર્ષ 2012માં 24 હજાર 923 થી 39% વધીને વર્ષ 2015માં 34 હજાર 651 પર પહોંચી ગયો હતો. આ સંખ્યા હજી પણ વધી રહી છે.

વર્ષ 2013માં કેન્દ્ર સરકારે મહિલાઓ પર થતા શારીરિક શોષણ વિરૂદ્ધ પગલાં, તેમની સુરક્ષા અને પુનર્વાસ માટે 'નિર્ભયા ફંડ' બનાવ્યું. ચાર વર્ષમાં તેમાં ત્રણ હજાર કરોડ રૂપિયા પણ ઉમેરાયા.

'હ્યૂમન રાઇટ્સ વૉચ'ના આધારે આ ફંડની મોટા ભાગની રાશિનો ઉપયોગ જ નથી થયો. આ ફંડની મદદથી 'વન સ્ટૉપ સેન્ટર' યોજના પણ લાવવામાં આવી.

line

તકલીફનો કો અંત નથી

મહિલાઓ વિરૂદ્ધ હિંસા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેશમાં 'વન સ્ટૉપ સેન્ટર' યોજના હેઠળ 151 સેન્ટર બનાવાયા છે

આ એવાં સેન્ટર છે કે જેમાં એક જ છત નીચે પોલીસની મદદ, કાયદાકીય મદદ, સ્વાસ્થ્ય અને કાઉન્સિલિંગની સુવિધાઓ મહિલાઓને મળશે.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના આધારે દેશમાં અત્યાર સુધી આ પ્રકારના 151 સેન્ટર બનાવાયા છે. પણ તેમાંથી એક પણ સેન્ટર એ જગ્યાએ નથી જ્યાં ફરહા રહે છે.

તેની ફરિયાદ પર FIR દાખલ થયા બાદ પણ તેને કોઈ કાયદાકીય મદદ નથી મળી શકી. કેન્દ્ર સરકારે મહિલાઓ અને બાળકો વિરૂદ્ધ હિંસા મામલે સુનાવણી માટે 524 ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી છે.

પણ તે કેટલીક ઉપયોગી છે તેના પર કોઈ સર્વે નથી કરવામાં આવ્યો. ફરહાનો કેસ 'ફાસ્ટ કોર્ટ' સુધી તો નહીં, પણ સામાન્ય કોર્ટ સુધી પણ નથી પહોંચી શક્યો.

તેણે હાર નથી માની પણ તે પોતાને 'નિર્ભયા' પણ નથી માનતી. હોસ્પિટલ અને પોલીસ બાદ તેને ભય છે કે હવે કોર્ટમાં ફરી એક વખત તે તાર-તાર થઈ જશે.

(ફરહા બદલાયેલું નામ છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો