નિર્ભયા ગેંગરેપ કેસ: સુપ્રીમ કોર્ટે ત્રણ દોષિતોની ફાંસીની સજા યથાવત્ રાખી

ઇમેજ સ્રોત, Delhipolice
સુપ્રીમ કોર્ટે દિલ્હી નિર્ભયા સામૂહિક બળાત્કાર કેસમાં ત્રણ દોષિતોની ફાંસીની સજા યથાવત્ રાખી છે.
સોમવારે ચીફ જસ્ટિસ દીપક શર્માની અધ્યક્ષતાવાળી બૅન્ચે આ મામલે સુનાવણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે મુકેશ, પવન ગુપ્તા અને વિનય શર્માની ફાંસીની સજા યથાવત્ રાખી હતી.
આ મામલામાં દોષિત ચાર શખ્સોમાંથી અક્ષયકુમાર સિંહે પુન:વિચારની અરજી કરી ન હતી.
જોકે, તેના વકીલે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે તે પણ અરજી દાખલ કરશે.
પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દોષિતો ચુકાદમાં કોઈ ભૂલ દર્શાવવામાં નિષ્ફળ ગયા છે.
કોર્ટે એમ પણ કહ્યું કે અરજી પર સુનાવણી દરમિયાન આરોપીઓને પોતાનો પક્ષ રાખવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. જેથી હવે આ મામલે પુનઃવિચાર કરવાની જરૂર નથી.
ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે આ મામલામાં દિલ્હી હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટે આપેલા ચુકાદાને યથાવત્ રાખતા ફાંસીની સજા યથાવત્ રાખી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

નિર્ભયાનાં માતાએ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ નિર્ભયાના માતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ફરીથી અમને સુપ્રીમ કોર્ટ તરફથી ન્યાય મળ્યો છે.
તેમણે કહ્યું, "હું ભારતની ન્યાય વ્યવસ્થાને ધન્યવાદ આપું છું. જોકે, મને એ વાતનું દુઃખ છે કે 2012 બાદથી અત્યારસુધી પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી."
"બળાત્કારની ઘટનાઓ હજી પણ બને છે. હું છોકરીઓના માતાપિતાને કહેવા માગુ છું કે જો તમારી દીકરી સાથે આવી ઘટના બને તો તેમને સપોર્ટ કરજો અને પોલીસ સમક્ષ કેસ નોંધાવજો."

શું હતો મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
2012ની 16મી ડિસેમ્બરે દિલ્હીમાં એક ચાલતી બસમાં 23 વર્ષની વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.
દક્ષિણ દિલ્હીમાં બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી વિદ્યાર્થિનીને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી.
ભારતમાં અનેક દિવસોની સારવાર અપાયા બાદ વિદ્યાર્થિનીને સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
અહીં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાને કારણે દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














