મૅનેજમૅન્ટ ગુરુઓને પસંદ પડી ગયા આ હિન્દુસ્તાની 'જુગાડ'

ભારતીય જુગાડ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ક્રિશ્ચિયન કોચ
    • પદ, બીબીસી ટ્રાવેલ

બોલીવૂડમાં 'દિલ્હી કી ઠંડી' વિશે ગીત લખાયું છે. પણ સાચી વાત એ છે કે દિલ્હીમાં ઉનાળાની ઋતુ બહુ આકરી હોય છે.

ઉનાળામાં દિલ્હીનું તાપમાન ઘણીવાર 47થી 48 ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે.

બ્રિટિશ નાગરિક ડીન નૅલ્સન હાલમાં જ દિલ્હીમાં રહેવા આવ્યા છે. તેમણે દિલ્હીના નિઝામુદ્દીન વેસ્ટમાં મકાન લીધું છે.

તેઓ ઘરમાં એસી લગાવવા માટે વિચારી રહ્યા હતા અને એ માટે 'ધ હિન્દુ' અખબારના પાનાં ફેરવીને દુકાન શોધી રહ્યા હતા.

ત્યાં તેમની નજર સ્નોબીજ નામના મશીનની જાહેર ખબર પડી. આ મશીન બરફથી મકાન ઠંડુ કરી આપતું હતું.

ગામડાના લોકોને મદદ કરવા માટે આ મશીન એક નિવૃત પત્રકારે બનાવ્યું હતું.

નૅલ્સન આ મશીન વિશે જાણીને નવાઈ પામી ગયા. સામાન્ય એસીથી તે બહુ જ સસ્તું મશીન હતું.

તમે આ વાંચ્યું કે નહીં

ડીન નૅલ્સને તેને લગાવવાનું નક્કી કર્યું. તેમણે સ્નોબીજ મશીન માટે ઑર્ડર આપી દીધો.

મશીન લગાડવા માટે ઇલેક્ટ્રિશિયનની જરૂર પડે તેમ હતી.

સ્નોબીજ મશીન નૅલ્સનના ઘરે પહોંચ્યું ત્ચારે તેને જોઈને તેમને વધારે નવાઈ લાગી. મશીન કોઈ વાદળી રંગના ડસ્ટબીન જેવું લાગતું હતું.

તેનો આગળનો ભાગ સ્કેટબોર્ડ જેવો લાગતો હતો. નૅલ્સન કહે છે કે આ મશીન જોઈને તેમને તરત જ જુગાડ શબ્દ યાદ આવી ગયો હતો.

આ એકદમ ભારતીય અને દેશી શબ્દ છે, જેનો અર્થ થાય છે કોઈ પણ મુશ્કેલીનો માર્ગ શોધી કાઢવો.

line

હિન્દુસ્તાની મિજાજ

લોકોની ભીડ

ઇમેજ સ્રોત, BARCROFT MEDIA/GETTY IMAGES

તમે ભારતનાં ગામડામાં જાવ તો ઠેકઠેકાણે જુગાડના નમૂના મળી જશે.

ખખડી ગયેલા ટ્રકનો ઉપયોગ કરીને આખા ગામને વીજળી મળતી હોય તેવું જોવા મળી જશે.

હેંગરનો ઉપયોગ ટીવીના એન્ટેના માટે થયો હોય.

એવી જ રીતે ત્રણ પૈંડાની ગાડી જોવા મળશે, જેમાં ભારે અવાજ કરતી વોટર પંપની મોટર મૂકી હોય અને બીજા સાધનો જોડીને ચલાવાતી હોય છે.

ટૂંકમાં જુગાડ હિન્દુસ્તાનનો મિજાજ છે. કોઈપણ મુશ્કેલી હોય તેનો ઉકેલ શોધવાનો ઉત્સાહ.

તેના કારણે જ મુંબઈના ડબ્બાવાળા ડબ્બાઓ ભરેલી ઠેલણગાડી લઈને મુંબઈની સડકો પર રોજેરોજ ફરી વળે છે.

ડબ્બાવાળા સમયસર દરેકનું ટિફિન તેની ઑફિસે જ પહોંચાડી દે છે.

તેઓ એટલી અચૂક રીતે કામ કરે છે કે એક કરોડ સાઠ લાખમાંથી એક જ વાર ડબ્બો ખોટી જગ્યાએ પહોંચાડવામાં ભૂલ પડે.

તેમની ચોક્સાઇ જોઈને વિશ્વની મોટી કુરિયર કંપની ફેડેક્સે પણ તેમની અચૂક ડિલિવરીનું રહસ્ય જાણવા કોશિશ કરી હતી.

line

કૉર્પોરેટને ગમી ગયો જુગાડ

ડબ્બાવાળા

ઇમેજ સ્રોત, PAUL QUAYLE/ALAMY

આજકાલ કૉર્પોરેટ દુનિયામાં પણ જુગાડ શબ્દ લોકપ્રિય બનવા લાગ્યો છે.

મૅનેજમૅન્ટ ગુરુઓ પશ્ચિમના દેશોના મૅનેજરોને સલાહ આપે છે કે તમારે પણ જુગાડ શીખી લેવો જોઈએ.

મુશ્કેલ સમયમાં ઓછા સાધનોથી કામ ચલાવવાનું શીખી લો.

ભારતના યુવાનો પણ હવે પોતાના દેશના જુગાડ પર ગૌરવ કરતા થયા છે.

તેથી જ ટ્વીટર પર #jugaadnation એવા હેશટેગ સાથે યુવાનો પોતાના દેશની આ ખૂબીને વખાણે છે.

આ હેશટેગ હેઠળ ભારતમાં પ્રચલિત લગભગ બધા જ જુગાડની તસવીરો શેર થઈ રહી છે.

જેમ કે લેપટોપની સ્ક્રીનનો ઉપયોગ અરીસાની જેમ કરીને શેવિંગ કરવું.

લોખંડ પર બારબેક્યૂ બનાવી લેવું વગેરે જેવી તસવીરો વાઇરલ થઈ રહી છે.

ચેન્નઈમાં રહેતા ઉદ્યોગસાહસિક કન્નન લક્ષ્મીનારાયણન કહે છે કે તકલીફ હોય ત્યારે તેનો તરત ઉકેલ શોધી કાઢવો એ ભારતીયોની પરંપરા રહી છે.

ગામડાંમાં વારંવાર વીજકાપ આવતો હોય છે. તેથી ગામોમાં ઘણા લોકો જરૂર પડે ત્યારે ટ્રેક્ટર કે કાર ચલાવીને વીજળી મેળવી લે છે.

line

મશીન બન્યું વરદાન

ગણેશ મૂર્તી

ઇમેજ સ્રોત, VASILISA KOMAROVA/ALAMY

લક્ષ્મીનારાયણનની કંપની વોર્ટેક્સ એન્જિનિયરિંગ પ્રા. લિ.એ ગ્રામાટેલર નામનું એટીએમ મશીન બનાવ્યું છે.

આ મશીન માત્ર 70 વૉટના બલ્બ માટે જોઈએ તેટલી ઓછી વીજળીથી ચાલે છે.

તે બહુ ઓછા ખર્ચે તૈયાર થાય છે. તેનો ઉપયોગ અભણ લોકો પણ કરી શકે છે, કેમ કે તેમાં ફિંગરપ્રિન્ટ સ્કેનરથી ઓળખ થાય છે.

વીજળી જતી રહે ત્યારે ગ્રામાટેલર બેટરીથી ચાલી શકે છે.

અન્ય કોઈ એટીએમ મશીન કરતાં ચોથા ભાગની કિંમતમાં ગ્રામાટેલર તૈયાર થઈ જાય છે.

ગ્રામીણ વિસ્તારમાં આ મશીન વરદાન સાબિત થયું છે, કેમ કે પહેલાં એટીએમ માટે ગામથી બહુ દૂર જવું પડતું હતું.

વિશ્વ બૅન્ક કહે છે તે પ્રમાણે ભારતમાં 27 કરોડો લોકો ગરીબી રેખાથી નીચે જીવતા હોય ત્યારે જુગાડ બહુ ઉપયોગી થાય છે.

ઘણી બધી જરૂરિયાતો નાનાં અને સાદાં મશીનોથી પૂરી કરી લેવાય છે.

તેમાં ભારતીયોની સર્જનાત્મકતા પણ દેખાઈ આવે છે.

ભારતના જુગાડ વિશે ડીન નૅલ્સને 'જુગાડ યાત્રાઃ એક્સપ્લોરિંગ ધ ઇન્ડિયન આર્ટ ઑફ પ્રૉબ્લેમ સૉલ્વિંગ' એવું પુસ્તક લખી નાખ્યું છે.

નૅલ્સન કહે છે, 'તમારી સામે મુશ્કેલ સ્થિતિ હોય ત્યારે ભારતીયોની રસ્તો કાઢવાની કલાને કામ લગાડો તે જ જુગાડ છે. સમસ્યાઓનો એવો ઉકેલ જે દુનિયામાં બીજે ક્યાંય જોવા મળે નહીં.'

line

મંગળયાનના ખર્ચમાં કેવી રીતે થયો ઘટાડો?

સેટેલાઈટ

ઇમેજ સ્રોત, ISRO

ભારત સરકારે પણ હાલમાં જુગાડનો ઉપયોગ બહુ મોટા પાયે કર્યો છે.

નવેમ્બર 2013માં ભારતે મંગળયાન લૉન્ચ કર્યું હતું.

દસ મહિના પછી મંગળનું ચક્કર લગાવનારું તે એશિયાનું સૌપ્રથમ અંતરિક્ષ યાન બની ગયું હતું.

બહુ ઓછા ખર્ચે આ મિશન તૈયાર થયું હતું અને આજે સ્પેસ રેસમાં તેનો જ દાખલો આપવામાં આવે છે.

ભારતનું મંગળયાન મિશન માત્ર 7.5 કરોડ ડૉલરમાં થઈ ગયું હતું.

તેની સામે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પાછળ આજ સુધીમાં 160 અબજ ડૉલરનો ખર્ચ થયો છે.

મંગળયાન આટલા સસ્તામાં તૈયાર થઈ ગયું, કેમ કે ભારતના અંતરિક્ષ વિજ્ઞાનીઓએ જરૂર પડી ત્યાં જુગાડ લગાવ્યો હતો.

જૂના અંતરિક્ષ યાનના પૂર્જાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તેના ટેસ્ટિંગને પણ મર્યાદિત રાખીને ખર્ચ બચાવી લેવાયો હતો.

મંગળયાન પર કામ કરનારા વૈજ્ઞાનિકોની તસવીર જોશો તો ખ્યાલ આવશે કે તેમના માથે પ્લાસ્ટિકની કેપ લાગેલી હતી.

નહાતી વખતે માથું ભીનું ના થાય તે માટેની સાદી કેપ હતી, જેનાથી કામ ચલાવાયું હતું.

બાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે ભારતે જેટલા પૈસામાં મંગળયાન મોકલ્યું, તેનાથી વધારે ખર્ચ તો સ્પેસ મિશન પર બનેલી હોલીવૂડની ફિલ્મ ગ્રેવિટી બનાવવામાં થયો હતો.

નૅલ્સન કહે છે, 'મંગળયાનનું બજેટ જોઈને બીજા દેશના વૈજ્ઞાનિકોએ હાથ ઊંચા કરી દીધા હોત કે આટલાથી કામ ના થાય. પરંતુ ભારતીય વૈજ્ઞાનીકો એટલી સહેલાઈથી હાર માની ના લે.'

line

બીજા દેશોમાં પણ લોકપ્રિય જુગાડ

પર્વત પર બનેલા મકાન

ઇમેજ સ્રોત, CHRIS HOWES/WILD PLACES PHOTOGRAPHY/ALAMY

હવે તો 'જુગાડ ટેક્નિક'નો ઉપયોગ ભારતની કૉર્પોરેટ દુનિયામાં પણ થવા લાગ્યો છે.

જેમ કે તાતા ગ્રુપે 'સ્વચ્છ' નામનું વૉટર પ્યોરિફાયર બનાવ્યું છે, જે બહુ જ સસ્તું છે.

તેમાં વીજળીની પણ જરૂર પડતી નથી. પીવાનું સ્વચ્છ પાણી ના મળતું હોય તે લોકો માટે બહુ કામનું છે.

તાતાએ 2009માં લાખેણી કાર તરીકે નેનો લૉન્ચ કરી હતી, જે ત્યારે દુનિયાની 'સૌથી સસ્તી કાર' હતી.

તેમાં બહુ જોરદાર ફિચર્સ નહોતાં પણ ઘણા ભારતીયો માટે કારનું સપનું પૂરું કરી શકે તેવી કાર બની હતી.

જુગાડ પર બીજું એક પુસ્તક આવ્યું છે - 'જુગાડ ઇન્નોવેશનઃ થિંક ફ્રૂગળ, બી ફ્લેક્સિબલ, જનરેટ બ્રેકથ્રૂ ગ્રોથ'.

આ પુસ્તકના લેખક જગદીશ પ્રભુ કહે છે કે પશ્ચિમના દેશોમાં જે લોકો સ્ટાર્ટ-અપ શરૂ કરવા માગતા હોય, તેઓ ભારતના જુગાડનો ફાયદો ઉઠાવી શકે છે.

જયદીપ કહે છે, 'જુગાડની મદદથી તમે બહુ નાની સ્ટાર્ટ-અપ કંપનીમાં બહુ ઓછા ખર્ચે એ કામ થતું જુઓ છો, જે કામ કરવા માટે મોટી કંપનીઓ જંગી ખર્ચ કરતી હોય છે.' તેનું ઉદાહરણ આપતા તેઓ રાસ્પબેરી પાઈનું નામ આપે છે.

માત્ર ક્રેડિટ કાર્ડની સાઇઝનું આ કમ્પ્યૂટર છે. તેની મદદથી યુવાનો કોડિંગ કરવાનું શીખી શકે છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેની શોધ કરવામાં આવી છે.

આજે યુનિવર્સિટીમાં મળતી ટેક્નિકલ મદદથી વિદ્યાર્થીઓનું જૂથ ઘણી વસ્તુઓની શોધ કરે છે.

એક જમાનામાં માત્ર સરકાર કે મોટી કંપનીઓ જ આવી શોધ કરી શકતી હતી.

જોકે, માત્ર ભારત જ નહીં, ઘણા દેશોમાં જુગાડની કળા પ્રચલિત છે. બ્રાઝીલમાં તેને ગેમ્પિયાર્રા કહે છે. ચીનમાં તેને જિઝુ ચુઆંગચિન કહે છે.

જોકે, નૅલ્સન કહે છે કે ભારતીયોના જુગાડની વાત જ અનોખી હોય છે.

તેઓ કહે છે કે આજે ગણપતિનું જે સ્વરૂપ છે, તે પણ જુગાડનું જ પ્રતીક છે.

શિવજીએ ગણેશનું માથું કાપી નાખ્યું, પછી તેની જગ્યાએ હાથીનું માથું લગાવી દીધું, કેમ કે તે વખતે મનુષ્યનું મસ્તક મળે તેમ નહોતું.

આજે જુગાડ પ્રચલિત છે, તેના મૂળિયાં 1950ના દાયકામાં નીકળે છે.

નહેરુ સરકાર હતી ત્યારે પશ્ચિમના દેશોએ ભારતને મશીનરી અને પૂર્જાઓ આપવાનો ઇનકાર કર્યો હતો.

તેના કારણે દેશી રીતે તેનો તોડ કાઢવામાં આવ્યો હતો. તે વખતની મુશ્કેલ સ્થિતિમાં ભારતીયોએ પોતાની નવી ઓળખ ઊભી કરી.

નૅલ્સન કહે છે, 'ભારતીયો સંશોધક છે. તેઓ દરેક મુશ્કેલીનો ઉકેલ શોધી કાઢે છે.'

line

સુરક્ષા સાથે સમાધાન

બજાર

ઇમેજ સ્રોત, HEMIS/ALAMY

જોકે, કેટલાક ભારતીયો એવા પણ છે, જે જુગાડને અયોગ્ય માને છે. તેઓ કહે છે કે તેમાં બહુ નિમ્નસ્તરનું કામ થાય છે.

નિયમો તોડીને કામ ચલાવી લેવાય છે. જયદીપ પ્રભુ કહે છે કે તેમનું પુસ્તક બજારમાં આવ્યું ત્યારે ઘણા લોકોએ વિરોધ કર્યો હતો.

વિરોધ કરનારાનું કહેવું હતું કે જે વસ્તુઓ નકામી છે, તેનાં વખાણ કરતું પુસ્તક કેવી રીતે લખી શકાય.

દિલ્હીમાં ઑડ-ઇવનની ફૉર્મ્યુલા લાગુ કરવામાં આવી ત્યારે ઘણા દિલ્હીવાસીઓએ નકલી નંબર પ્લેટ લગાવીને કામ ચલાવી લીધું હતું.

એ જ રીતે ઘણા લોકો વાત કરવા માટે મિસ્ડ કૉલ મારી દે છે. આ પણ જુગાડના ખરાબ નમૂના છે.

ઘણી વાર જુગાડના ચક્કરમાં સ્વાસ્થ્ય અને સલામતીની પણ ઉપેક્ષા કરવામાં આવે છે.

તાતા નેનો પણ તેનું જ ઉદાહરણ હતું. ક્રેશ ટેસ્ટમાં નેનો નાપાસ થઈ હતી.

નૅલ્સન કહે છે કે ઘણી વાર જુગાડના ચક્કરમાં ભારતીયો સારી વસ્તુઓની જગ્યાએ ખરાબ વસ્તુઓથી કામ ચલાવી લે છે.

જો આપણે દુનિયાને આપણી પ્રતિભા દેખાડવી હશે તો ખરાબ જુગાડથી બચવું પડશે.આ કામમાં ટેક્નૉલૉજી આપણી મદદ કરી શકે છે.

જયદીપ પ્રભુ કહે છે કે પીએમ નરેન્દ્ર મોદીનું ભારતને ડિજિટલ પાવરહાઉસ બનાવવાનું સપનું એ જ દિશામાં લીધેલું પગલું છે.

ભારત આજે મોબાઇલનું બીજું સૌથી મોટું બજાર બની ગયું છે. મોબાઇલ ટેક્નૉલૉજીનો વધારે સારો ઉપયોગ કરીને ભારત નવી ઊંચાઈ હાંસલ કરી શકે છે.

રહી વાત ડીન નૅલ્સનના સ્નોબ્રીજ મશીનની, તો તે મશીન પણ કામનું હતું.

જોકે, તેમાં રોજ 20 કિલો બરફ મૂકવો પડતો હતો, જેનો ખર્ચ 60 રૂપિયા આવતો હતો. તેથી એ સોદો સસ્તો પડ્યો નહોતો.

નૅલ્સન કહે છે કે મશીન ભલે કામમાં ના આવ્યું પણ તેની પાછળનો મિજાજ બહુ કામનો છે.

ભારતીયો દરેક પડકારનો તોડ કાઢવા માટે ઉત્સાહિત રહે છે તેનો આ નમૂનો છે.

હવે ભારતીયોએ જ નક્કી કરવાનું છે કે આવા જુગાડ પર હસવું કે તેનું ગૌરવ કરવું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો