મુહર્રમના મહિનામાં શોક અને માતમનો ઇતિહાસ શું છે? કરબલાની કહાણી શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આરવી સ્મિથ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ઇસ્લામિક કૅલેન્ડર અનુસાર વર્ષનો પ્રથમ મહિનો મુહર્રમ તરીકે ઓળખવામાં આવે છે.
12મી શતાબ્દીમાં ગુલામ વંશના પહેલાં શાસક કુતુબુદ્દીન ઐબકના સમયથી જ દિલ્હીમાં આ પ્રસંગે તાજીયા (મુહર્રમનું સરઘસ) કાઢવામાં આવી રહ્યા છે.
ઐબક બાદ, જે પણ સુલતાને ભારતમાં રાજ કર્યું, તેમણે 'તાજીયાની પરંપરા'ને ચાલવા દીધી હતી.
પયગંબર-એ-ઇસ્લામ હઝરત મહમદના પૌત્ર હઝરત ઇમામ હુસૈન આ જ મુહર્રમના મહિનામાં કરબલાના યુદ્ધ (ઇ.સ. 680)માં પરિવાર અને મિત્રો સહિત શહીદ થયા હતા.
કરબલાનું યુદ્ધ હઝરત ઇમામ હુસૈન અને બાદશાહ યઝીદની સેના વચ્ચે લડાયું હતું.
મુહર્રમ દરમિયાન મુસલમાન હઝરત ઇમામ હુસૈનની એ જ શહાદતને યાદ કરે છે.
હઝરત ઇમામ હુસૈનનો મકબરો ઇરાકના કરબલા શહેરમાં એ જ જગ્યાએ બનાવાયો છે કે જ્યાં આ યુદ્ધ થયું હતું.
આ જગ્યા ઇરાકની રાજધાની બગદાદથી લગભગ 120 કિલોમિટર દૂર છે અને અત્યંત મહત્તવપૂર્ણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કરબલાનું યુદ્ધ

ઇમેજ સ્રોત, Artistan/Getty Images
મુહર્રમના મહિના દમિયાન દસમો દિવસ સૌથી ખાસ માનવામાં આવે છે. એ દિવસે જ ઇસ્લામની રક્ષા માટે હઝરત ઇમામ હુસૈને પોતાના પ્રાણ ત્યજ્યા હતા.
મુહર્રમના દસમા દિવસને અશુરાના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મુસલમાનો ઇમામબારામાં જઈને શોક મનાવે છે અને તાજીયા કાઢે છે.
ભારતનાં ઘણાં શહેરોમાં મુહર્રમમાં મુસલમાનો માતમ મનાવે છે પરંતુ લખનૌ આનું મુખ્ય કેન્દ્ર રહે છે. અહીંના નવાબોએ જ શહેરના પ્રસિદ્ધ ઇમામબારાઓનું નિર્માણ કરાવ્યું હતું.

લખનૌમાં મુહર્રમ

ઇમેજ સ્રોત, Getty Images
નવાબોની રિયાસતમાં જ શાયરોએ મુહર્રમ માટે મર (કોઈની શહીદીને યાદ કરતાં લખાયેલી કવિતા) લખી અને તેનું પઠન પણ કર્યું.
આ કળામાં સૌથી પ્રસિદ્ધ થયા મીર અનીસ, જેમણે કરબલાના યુદ્ધનું અદ્દભુત વર્ણન કર્યું.
મુહર્રમમાં જે મર ગવાય છે તેમાં એ રીતે વિસ્તારપૂર્વક ઇમામ હુસૈનના મોતનું વર્ણન કરવામાં આવે છે કે લોકોની આંખો ભીની થઈ જાય.
એ વખતે કાળા બુરખા પહેરેલી મહિલાઓ છાતી કૂટી-કૂટીને આક્રંદ કરતી હોય છે અને પુરુષો પોતાને લોહીલુહાણ કરી દેતા હોય છે.

'યા હુસૈન, અમે સાથે નહોતા'

ઇમેજ સ્રોત, Getty Images
એ વખતે તાજીયામાંથી એક જ અવાજ સંભળાય છે, "યા હુસૈન, હમ ન હુએ." આનો મતલબ થાય છે, "અમને દુ:ખ છે ઇમામ હુસૈન સાહેબ કે કરબલાના યુદ્ધમાં અમે તમારા માટે જીવ આપવા માટે હાજર નહોતા."
મુગલ શાસક સુન્ની હતા. જોકે, એ જહાંગીરનાં પત્ની નૂરજહાં જ હતાં જેમણે ઈરાન-ઇરાકની સીમા ઉપર શુસ્તર નામની જગ્યા ઉપર વસેલા કાઝી નુરુલ્લાહ શુસ્તરીને મુગલ દરબારમાં સામેલ થવાનું નોતરું મોકલ્યું હતું.
કાઝી શુસ્તરીએ મુગલ સામ્રાજ્ય દરમિયાન શિયા સંપ્રદાયનો પ્રચાર કર્યો હતો.
પરંતુ પછીથી જહાંગીરના આદેશથી કાઝી શુસ્તરીને મોતને ઘાટ ઉતારી દેવાયા. કાઝી ઉપર એવો આરોપ હતો કે તેઓએ શેખ સલીમ ચિશ્તીનું કથિત અપમાન કર્યું હતું.
મુગલ દરબારમાં શેખ સલીમ ચિશ્તીનો વિશેષ આદરભાવ હતો કેમ કે એવું માનવામાં આવતું હતું કે તેમની દુવાને પરિણામે બાદશાહ અકબરના ઘરે જહાંગીરનો જન્મ થયો હતો.
જહાંગીરની અદાલતમાં એક વધુ પ્રખ્યાત નામ મહાબત ખાનનું હતું, જેઓ એ વખતે દિલ્હીમાં (આજના સમયમાં સેન્ટ્રલ દિલ્હીમાં આઈટીઓની પાસે)રહેતા હતા.
આ જગ્યા દિલ્હીમાં મુહર્રમનો શોક મનાવવા માટેનું પ્રમુખ કેન્દ્ર રહી છે. અહીંયા તેમના નામનો એક રસ્તો પણ છે.
મુહર્રમ દરમિયાન ખવાતું મુખ્ય પકવાન ખીચડો અથવા હલીમ છે, જે ઘણી જાતના ધાન અને માંસના મિશ્રણથી બનાવવામાં આવે છે.
આની પાછળ એવી માન્યતા છે કે જ્યારે તમામ ભોજન સમાપ્ત થઈ ગયું ત્યારે કરબલાના શહીદો અંતિમ ભોજન તરીકે હલીમ જ જમ્યા હતા.

દિલ્હીનું 'મિની કરબલા'

ઇમેજ સ્રોત, Getty Images
મુહર્રમના મહિનામાં તમને લીલો ઝભ્ભો પહેરેલા યુવાનો જોવા મળશે. તેમની કમર ઉપર ઘંટડીઓ બાંધેલી હશે. આ યુવકો નવ રાત્રીઓ સુધી સ્થાનિક કબ્રસ્તાનમાં જાય છે અને દસમી રાતને 'યુદ્ધની રાત' ગણવામાં આવે છે.
મુસલમાનોએ દિલ્હીમાં એક 'મિની કરબલા' પણ બનાવ્યું છે જે જોરબાગમાં સ્થિત છે. જેને એક વાર સફદરજંગના મકબરા સુધી ફેલાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો.
જોકે, આ જગ્યાએ સ્થાનિક રહેવાસીઓના ઍસોસિયેશનનોએ એવો આરોપ મૂક્યો છે કે આને 18મી સદીમાં કુદસિયા બેગમ દ્વારા બનાવવામાં આવેલા ઐતિહાસિક શાહ-એ-મર્દા કબ્રસ્તાન ઉપર અતિક્રમણ બાદ બનાવવામાં આવ્યું હતું.

ભારતમાં મુહર્રમ

ઇમેજ સ્રોત, LeoPatrizi/Getty Images
દર વર્ષે દિલ્હીમાં મુહર્રમ વખતે નીકળતું સરઘસ ફિરોજશાહ કોટલાથી શરૂ થઈને મહાબત ખાનની હવેલી સુધી જાય છે.
એ જ મહાબત ખાન કે જેમણે અકબર, જહાંગીર અને શાહજહાંના સમયગાળામાં મુગલ દરબારને પોતાની સેવાઓ આપી અને જીવનના અંતિમ સમયમાં તેઓ શિયા બની ગયા.
મહાબત ખાનનું અસલ નામ ઝમાના બેગ હતું. જયારે પણ મુહર્રમ આવે છે, ત્યારે મોટાભાગનાં મુસલમાન તેમની યાદમાં જોરબાગ સ્થિત તેમની કબર સુધી જવાનું ચોક્કસ ઇચ્છે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













