ક્યા રાજ્યમાંથી સૌથી વધુ મહિલાઓ મેહરમ વિના હજ કરવા જશે?

મુસ્લિમ મહિલાનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેન્દ્ર સરકારના નિર્ણયથી ઘણી મુસ્લિમ મહિલાઓ ખુશ છે.
    • લેેખક, શ્રીકાંત બાગલે
    • પદ, બીબીસી સંવાદદાતા

મુસ્લિમ મહિલાઓ કોઈ સાથી વિના હવે હજ યાત્રા કરી શકશે. 45થી વધુ વર્ષની વયની મહિલાઓને કેન્દ્રના લઘુમતી મંત્રાલયે આ માટે મંજૂરી આપી દીધી છે.

આ નિર્ણય બાદ 29 રાજ્યોમાંથી 1308 મુસ્લિમ મહિલાઓએ મેહરમ વિના હજ માટે અરજી કરી છે.

આ વર્ષે 1308 મહિલાઓ મેહરમ વિના હજ પર જશે. મેહરમ એટલે મહિલાના પિતા, ભાઈ કે પુત્ર (જેની સાથે મહિલા લગ્ન નથી કરી શકતી)

1308 પૈકીની 16 મહિલાઓ મહારાષ્ટ્રની છે. મેહરમ વિના હજ પર જનારાં નાગપુરનાં ચાર મહિલાઓએ સાથે બીબીસીએ વાત કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

line

શરીયત શું કહે છે?

મક્કામાં આવેલું મુસ્લિમોનું શ્રદ્ધા કેન્દ્ર.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મક્કામાં આવેલું મુસ્લિમોનું શ્રદ્ધા કેન્દ્ર.

શરીયતમાં જણાવ્યા અનુસાર, કોઈ પણ મુસ્લિમ મહિલા 78 કિલોમીટરથી વધુની યાત્રા એકલી કરી શકતી નથી.

આથી વધુની કોઈ મુસાફરી ખેડવી હોય તો તેની સાથે મેહરમ હોવો જરૂરી છે.

line

અમાનુલ્લા સમિતિની ભલામણ

મુસ્લિમ મહિલાનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્ર સરકારે હજ યાત્રા વિશે નવી નીતિ બનાવવા માટે એક સમિતિની રચના કરી છે.

છ સભ્યોની આ સમિતિના અધ્યક્ષ ભૂતપૂર્વ સનદી અધિકારી અફઝલ અમાનુલ્લા છે.

અમાનુલ્લા હજ સમિતિએ 2018થી 2022 માટે એક મુસદ્દો તૈયાર કર્યો છે.

એ મુસદ્દામાં કેટલીક ભલામણ કરવામાં આવી છે. એ મુજબ, 45થી વધુ વર્ષની મહિલાને મેહરમ વિના હજ યાત્રાની છૂટ આપવી જોઈએ.

કેન્દ્ર સરકારે અમાનુલ્લા સમિતિની આ ભલામણનો સ્વીકાર કર્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં આ નિર્ણયની જાહેરાત કરી હતી.

હવે વયસ્ક મુસ્લિમ મહિલાઓ ચાર-ચારનાં જૂથમાં મેહરમ વિના હજ માટે જઈ શકશે.

અમાનુલ્લા સમિતિએ હજ માટે આપવામાં આવતી સબસિડી બંધ કરવાની ભલામણ પણ કરી હતી.

મોદી સરકારે એ ભલામણનો પણ સ્વીકાર કર્યો છે.

line

"સરકારનો બહેતર નિર્ણય"

નાગપુરનાં ન્યાજબી યુસુફ

ઇમેજ સ્રોત, ARIF AGWAN

ઇમેજ કૅપ્શન, પહેલીવાર હજ યાત્રાએ જનારાં નાગપુરનાં ન્યાજબી યુસુફ.

નાગપુરથી ચારના જૂથમાં હજ પર જનારી મહિલાઓમાં ન્યાજબી યુસુફનો સમાવેશ થાય છે.

નાગપુરના સિરસી ગામનાં રહેવાસી ન્યાજબી યુસુફ 68 વર્ષનાં છે અને પહેલીવાર હજ કરવા જઈ રહ્યાં છે.

ન્યાજબી યુસુફે કહ્યું હતું, "હજ યાત્રાએ જવાની તક મળી એટલે હું બહુ ખુશ છું. હજ કરવાની મારી ઇચ્છા હતી, જે હવે સાકાર થવાની છે.

"હું મેહરમ વિના અન્ય ત્રણ મહિલાઓ સાથે જઈ રહી છું, પણ અમને કોઈ ડર લાગતો નથી."

ન્યાજબી યુસુફના દીકરા આરિફ અગવને કહ્યું હતું, "મારાં અમ્મીને હજ પર જવાની ઇચ્છા લાંબા સમયથી હતી.

"મારા અબ્બાનું 1995માં અવસાન થયું હતું એટલે અમ્મી હજ પર જઈ શક્યાં ન હતાં, પણ હવે જઈ શકશે. સરકારે બહેતર નિર્ણય કર્યો છે."

line

કેરળમાંથી સૌથી વધુ અરજી

ઈબાદત કરી રહેલી મુસ્લિમ મહિલાઓ.

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાંથી લગભગ 1.70 લાખ મુસ્લિમો દર વર્ષે હજ કરવા જતા હોય છે.

સાઉદી અરેબિયાએ વધુ 5,000 યાત્રીઓને મંજૂરી આપી છે એટલે આ વર્ષે પોણા બે લાખ મુસ્લિમો હજ કરવા જઈ શકશે.

આ વર્ષે મહારાષ્ટ્રમાંથી હજ માટે 43,804 અરજીઓ આવી છે. તેમાં 16 મહિલાઓ મેહરમ વિના હજ પર જવાની અરજી કરી છે.

મેહરમ વિના હજ પર જવા માટે સૌથી વધુ એટલે કે 1.24 લાખ અરજી કેરળમાંથી આવી છે.

ઉત્તર પ્રદેશમાંથી આવી 32, કર્ણાટકમાંથી 28, તમિલનાડુમાંથી 24 અને રાજસ્થાનમાંથી 12 અરજી આવી છે.

મેહરમ વિના હજ યાત્રા માટે સૌથી ઓછી અરજી મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી આવી છે. આ બન્ને રાજ્યોમાંથી માત્ર ચાર અરજીઓ આવી છે.

કેન્દ્રશાસિત પુદુચેરીમાંથી આઠ મહિલાઓએ મેહરમ વિના હજ પર જવા માટે અરજી કરી છે.

line

મુસ્લિમ સંગઠનોનો વિરોધ

ઈબાદત કરી રહેલાં મુસ્લીમ સ્ત્રીઓ અને પુરુષો.

ઇમેજ સ્રોત, Getty Images

ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તિહાદ-ઉલ મુસ્લિમીન પક્ષના હૈદરાબાદના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય સાઉદીનાં હજ વહીવટીતંત્રનો છે અને તેનું શ્રેય લેવાના પ્રયાસ મોદી સરકાર કરી રહી છે.

તેમ છતાં મુસ્લિમ સંગઠન અમાનુલ્લા સમિતિની ભલામણોનો વિરોધ કરી રહ્યું છે.

રઝા એકેડમીના સચિવ હઝરત રઝા નૂરીએ કહ્યું હતું, "સરકારે મેહરમ વિના મહિલાઓ હજની મંજૂરી આપી છે, પણ એ પરંપરાની વિરુદ્ધ છે તેથી સરકારે એ નિર્ણય કરવો જોઈતો ન હતો."

"પહેલાં તલાક અથવા તલાક-એ-બિદ્દત અને હવે હજ યાત્રા.

"કેન્દ્ર સરકાર શરિયતમાં દખલ કરી રહી છે.

અમે આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છીએ અને મુસ્લિમ સમાજમાં આ બાબતે જાગૃતિ લાવી રહ્યા છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો