શું તણાવ ગુજરાત પોલીસમાં આત્મહત્યાનું કારણ બની રહ્યો છે?

    • લેેખક, સમિના શેખ
    • પદ, બીબીસી ગુજરાતી

એવું કહેવાય છે કે પોલીસની નોકરી ખૂબ જ જવાબદારીવાળી હોય છે અને તેમની ડ્યૂટીનો કોઈ સમય નથી હોતો. મતલબ કે એક પોલીસકર્મી 24 કલાક સૈનિકની ભૂમિકામાં જ હોય છે.

સ્વાભાવિક છે કે આ પ્રકારની નોકરી હોવાને કારણે પોલીસકર્મીઓ પર તણાવ અને ઉદાસીનતા જેવી બાબતો અસર કરતી હોય છે. હાલમાં જ વડોદરા શહેરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંજય જાડેજાએ આત્મહત્યા કરી હતી.

આત્મહત્યા પહેલાં તેમણે એક સ્યુસાઇડ નોટ લખી હતી જેમા ઉલ્લેખ કર્યો હતો કે તેમનાથી પીએસઆઈની નોકરી નહીં થાય.

આ આત્મહત્યા પાછળ કામનું ભારણ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારે બીબીસીએ એ જાણવા પ્રયાસ કર્યો કે પોલીસની નોકરી કેટલી તણાવયુક્ત હોય છે.

પોલીસ અને મનોચિકિત્સક બન્નેનું માનવું છે કે પોલીસની નોકરી સતત તણાવયુક્ત હોય છે.

પીએસઆઈ સંજય જાડેજા પરિવારથી દૂર વડોદરામાં ફરજ બજાવતા હતા. તેમણે આત્મહત્યા કરી તેના બે દિવસ પહેલાં જ તેમની નિયુક્તિ ક્રાઇમ બ્રાન્ચમાં ઍન્ટી-ચેઇન સ્નેચિંગ સ્કવોડમાં થઈ હતી.

'99 ટકા રજા નથી મળતી'

આ ઘટના પરથી એ સવાલ થાય છે કે આવા હોદ્દા પર જવાબદારી કેટલી હોય છે અને કામનું ભારણ કેટલું હોય છે?

આ સવાલનો જવાબ આપતા રાજકોટમાં ટ્રાફિક પોલીસ વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ જબ્બર કહે છે, "પોલીસ ફોર્સમાં કામના કલાકો નક્કી નથી હોતા. સાથે જ કેટલું કામ કરવું પડે એ જે તે સ્થળે લાગેલી ફરજ પર આધાર રાખે છે."

પોલીસ અધિકારીના કામ વિશે જણાવતા તેમણે કહ્યું, "ફરજનો સમય નક્કી નથી હોતો. ફરજ પોલીસ સ્ટેશનમાં પણ નિભાવવી પડે અને ફિલ્ડમાં પણ."

તમે આ વાંચ્યું કે નહીં?

"ક્યારેક પેટ્રોલિંગમાં પણ જવાનું થાય અને કોઈ વખત ટેબલ વર્ક પણ કરવાનું હોય છે."

તેમણે કહ્યું, “આટલા કામની વચ્ચે રજાઓ ભાગ્યે જ મળે છે. એવું કહી શકો કે 99 ટકા તો મળતી જ નથી.''

''જાહેર રજાઓ અને શનિ-રવિની રજાઓ પણ મોટાભાગે કાપી લેવામાં આવે છે. આ બધાની વચ્ચે પરિવારને પૂરતો સમય પણ આપી શકાતો નથી.”

'પાવર કે પૈસા માટે નથી આ નોકરી'

આ સંદર્ભે અમદાવાદના રામોલ ખાતે ફરજ બજાવતા નરેશકુમાર બી. સોલંકીએ બીબીસીને જણાવ્યું, "પોલીસની દિનચર્યા ક્યારેય નક્કી નથી હોતી અને તે 24 કલાક ફરજ પર જ હોય છે."

સોલંકી આગળ ઉમેરતા જણાવે છે કે જો શોખ હોય તો જ પોલીસની નોકરી થઈ શકે. પાવર કે પૈસા માટે આવતા હોય એ લોકો આ કામ ના કરી શકે.

પરિવાર માટેના સમય વિષે તેમણે કહ્યું, "જો સરકારી રજાઓ અને શનિ-રવિ પણ કપાઈ જાય, તો પરિવારને સમય આપી શકાતો નથી."

અન્ય એક પોલીસ કૉન્સ્ટેબલ ઉમેદભાઈ ગઢવીએ બીબીસીને જણાવ્યું, "સામાન્ય રીતે પેપર પર 8 કલાકની ડ્યૂટી હોય છે, પરંતુ 12 કે 13 કલાક તો થઈ જ જાય."

પોતાની દિનચર્યા જણાવતા ગઢવી કહે છે, "સવારે 6 વાગ્યે પરેડ કરવાથી લઈને રાત્રે પેટ્રોલિંગ સુધી ફરજ પર રહેવાનું હોય છે."

"પરિવાર માટે તો સમય રહેતો જ નથી. મારી પત્નીને મળવા માટે બહારગામ જવું પડે. મારી દિલથી વિનંતી છે કે પોલીસની નોકરી ખૂબ જ સંવેદનશીલ હોય છે, માટે અમને પરિવારથી દૂર ન કરવામાં આવે."

પરિવાર સાથે કોઈ સામાન્ય બાબત પર ઝગડો થઈ જવો, અંદરોઅંદર મતભેદ રહેવા પણ એમની ફરજના કલાકો અને ચિંતાયુક્ત વાતાવરણમાં ઉમેરો કરતા હોવાનું તેમનું કહેવું છે.

શું કહે છે મનોચિકિત્સક?

ગુજરાત પોલીસ ઉપરાંત બીબીસીએ સાઇકૉલૉજિસ્ટ પ્રશાંત ભીમાણી સાથે પણ વાતચીત કરી.

તેમણે કહ્યું, "પોલીસ અધિકારીઓ હંમેશાં એક નકારાત્મક વાતાવરણમાં કામ કરતા હોય છે. તેથી તેમની અંદર પણ નકારાત્મકતા આવી જતી હોય છે. આ કારણે તેઓ ક્યારેક લોકો, પરિવાર કે મિત્રો પર ગુસ્સે થઈ જતા હોય છે."

તેઓ ઉમેરે છે, "સૌથી વધારે હાનિકારક બાબત એ છે કે જ્યારે આ ગુસ્સો કોઈના પર ના નીકળે અને હતાશામાં પરિણામે."

"આ બાબતની અસર ચિંતા, તણાવ અને છેવટે આત્મહત્યા સુધીના પગલાંને નોતરે છે. એટલું જ નહીં આવા કિસ્સામાં પોતાના પર ગુસ્સો નીકળવો જોખમકારક છે."

"આત્મઘાતી હુમલો કે આત્મહત્યા એ હતાશાની પરાકાષ્ઠા છે, સૌથી છેવટે માણસ આ પગલું ભરે."

"હવે માણસ જયારે સખત ગુસ્સાભર્યા વાતાવરણમાં હોય, ત્યારે તાત્કાલિક શાંત તો ના જ થઈ શકે. એટલા માટે જ તેમના પરિવારોમાં લડાઈઓ થવી સ્વાભાવિક છે."

"ક્યારેક પરિવારને સમય ના આપી શકવાને લીધે પણ એ તણાવ અનુભવતા હોય છે. વાલીપણાની ફરજો યોગ્ય રીતે પૂર્ણ ના કરી શકવાને કારણે પણ તેમનામાં હતાશા આવી જતી હોય છે. છેવટે જયારે સરકાર હકારાત્મક વલણ ના આપી શકે ત્યારે મનુષ્ય બધી આશાઓ છોડી દે છે.”

શું છે ઉપાયો?

ભીમાણી જણાવે છે, "જો અધિકારીઓને સાંભળવામાં આવે, કાઉન્સેલિંગ કરવામાં આવે તો તેમને હતાશામાંથી ઉગારી શકાય છે.''

''છેલ્લા ઘણાં સમયથી કામના ભારણને લીધે આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે એ જોતા એક વિનંતી કરી શકું કે પોલીસે 'સ્ટ્રેસ મૅનેજમૅન્ટ'ના કાર્યક્રમો કરવા જોઈએ.”

"તંદુરસ્તીની સાથે-સાથે માનસિક આરોગ્ય પર પણ જો ભાર મૂકવામાં આવે, તો જ સંપૂર્ણપણે તબિયત સાચવી શકાય."

વર્ષ 2013માં એમ.એસ. યુનિવર્સિટીમાં કરાયેલા એક રિસર્ચ મુજબ પોલીસમાં તણાવનું પ્રમાણ કેટલું અને કેવું છે એ નક્કી કરવું મુશ્કેલ છે.

પોલીસ અધિકારીઓના તણાવનું વર્ગીકરણ કરતા રિસર્ચ લખવામાં આવ્યું છે કે વ્યવસાયિક તણાવ અને સંસ્થાકીય તણાવના બે મુખ્ય ઘટકો છે.

આ તણાવ ખરાબ તબિયત, શારીરિક અને માનસિક અસ્વસ્થતા તથા વ્યસનમાં સહેલાઈથી પરિણામી શકે છે.

આ બધી બાબતોની વચ્ચે ગુજરાતની આર્મ્ડ પોલીસ ફોર્સ કે જેઓ રજાઓના મામલે સુખી છે, એવું ગુજરાતના એડિશનલ ડી.જી.પી. શમશેરસિંઘ સાથે વાતચીત કરતા જાણવા મળે છે.

તેઓ જણાવે છે, "પોલીસ ઑફિસર્સના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમે છેલ્લા બે મહિનાથી ફેરફારો લાવ્યા છીએ."

"જેમ કે, પારિવારિક કારણોસર કરવામાં આવતી રજાની અરજી રદ્દ ના કરવામાં આવે. એક ઑફિસ ઑર્ડર કરવામાં આવ્યો છે કે અધિકારીની સીએલ (કૅઝ્યુઅલ લીવ) મોટાભાગે રદ્દ ના કરવામાં આવે."

"આ સાથે જ રજાઓની અરજીઓમાં 2થી 3 ગણો વધારો થયો છે. તેમની ફરજ પર કોઈ અન્યને ફરજ પર મૂકવા અને જો રજા રદ્દ કરવાના કોઈ કારણો હોય, તો એ હૅડ ક્વાર્ટરને લેખિતમાં જણાવવા જેવા ફેરફારોનો સમાવેશ થાય છે.

શમશેરસિંઘ આગળ ઉમેરે છે, "આર્મ્ડ પોલીસ જવાન હથિયારો સાથે રહે છે. તેઓ હંમેશા તણાવમુક્ત રહેવા જોઈએ. સાથે જ તેમને મળતી રજાઓ અને પરિવાર સાથે મળતો સમય જવાનોને હતાશામાંથી બચાવે છે."

"રજા એ વ્યક્તિના સ્વાસ્થ્ય સંભાળ માટે અગત્યનું પરિબળ છે. સાથે જ પરિવાર સાથે વાતચીત થતી રહે, તેમના સંપર્કમાં રહે તો નોકરીનું ભારણ પણ ઘણા ખરા અંશે નાબૂદ થઈ શકે છે."

આ મામલે ડીજીપી શિવાનંદ ઝાનો સતત અલગ-અલગ પ્રકારે સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં વાત થઈ શકી નહોતી.

જ્યારે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ મામલે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો