‘સીનેમેં જલન, આંખોમેં તુફાન’ આવું છે ગુજરાત પોલીસનું આરોગ્ય

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મુંબઈ પોલીસના ટોચના પોલીસ અધિકારીઓમાં સામેલ હિમાંશુ રોયે કરેલી આત્મહત્યાએ ભલભલાને વિચારતા કરી દીધા છે. તેમાં પણ પોલીસ સેવામાં કામ કરતા લોકોના આરોગ્યનો વિષય હંમેશા ચર્ચાતો રહ્યો છે.

બાહોશ અધિકારીની છાપ ધરાવતા હિંમાશું રોયે આત્મહત્યા કરી એ પાછળનું કારણ શું હોઈ શકે? પોલીસની નોકરીમાં રહેલો તણાવ, જવાબદારી, લોકોમાં ઊભી થયેલી છાપ ઘણી વખત ઘાતક બને છે.

ગુજરાત પોલીસમાં પણ શારીરિક અને માનસિક આરોગ્યની સ્થિતિ ખાસ ઉત્સાહજનક નથી. એક સમયે દેશના સૌથી યુવાન પોલીસ દળોમાં નામના પામતી ગુજરાત પોલીસમાં હાલ 85 ટકા જેટલા પોલીસકર્મીઓ તણાવ અને હાઇપર ટેન્શનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.

ગુજરાત પોલીસ વેલ્ફેર હોસ્પિટલના વિઝિટિંગ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. ગોપાલ ભાટિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, ''પોલીસમાં નોકરી કરતાં માણસની અંદર એક એવો માણસ છૂપાયેલો હોય છે કે જેને જેમજેમ સફળતા અને હોદ્દો મળતો જાય તેમ તેમ એ અન્તર્મુખી થતો જાય છે. જે બીજી વ્યક્તિ સાથે સરળતાથી હળીમળી નથી શકતો.''

''તેમનું કામ પણ એવું હોય છે કે તે પરિવાર સાથે પણ તેની ચર્ચા નથી કરી શકતા. વળી, પોતાની સમસ્યાની ચર્ચા થાય તો પોતાની 'ઇમેજ'નું શું? એવો ભય પણ આવા અધિકારીઓને સતાવતો હોય છે.''

આવા પરિબળો પોલીસને સતત તણાવમાં રાખે છે.

શું તમે આ વાંચ્યું?

ડૉ. ભાટીયા કહે છે, ''ગુજરાત પોલીસમાં અમે કરેલા સર્વેમાં સામે આવ્યું છે કે પોલીસકર્મીઓ લગભગ 'અન્ડર સાયકોલોજિકલ સ્ટ્રેસ' વચ્ચે જીવતા હોય છે.''

''જેને કારણે તેમનામાં સતત બદલાતો મિજાજ, ચિંતા, ડાયાબિટીસ, નકારાત્મક વિચાર આવવા જેવી માનસિક સમસ્યાઓ જોવા મળે છે. જેને કારણે અનિદ્રાની સમસ્યા ઊભી થતી હોય છે.''

ડૉ. ભાટીયાના મતે તણાવના કારણે ઍસિડિટી, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, અપચો, અકારણ ગુસ્સો, કમર અને માથાનો દુઃખાવો જેવી સમસ્યાઓ રહે છે.

ઓફિસ અને ઘરને અપાતા સમયનું સમતુલન ના સાધી શકાતા 'ઍડજસ્ટમેન્ટ ડિસઑર્ડર'ની સમસ્યા પણ ઊભી થતી હોય છે.

પોલીસકર્મીઓનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે સમાંતરે તપાસ કરવામાં આવે છે.

31 માર્ચ 2018 સુધી રાજ્યના 85% પોલીસકર્મીઓની કરાયેલી સ્વાસ્થ્ય તપાસમાં 'હાઇપર ટૅન્શન'નું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું હતું.

ગુજરાત પોલીસ વેલ્ફેર હોસ્પિટલનાં ઇન્ચાર્જ ઑફિસર ડૉ. હિના ત્રિવેદીએ બીબીસીને જણાવ્યું, ''ગુજરાત પોલીસમાં 17.3% કર્મચારી હાઇપર ટૅન્શનથી પીડાય છે.

છ ટકા પોલીસકર્મીને ડાયાબિટીસ છે, તો દસ ટકા પોલીસકર્મીને બ્લડ પ્રેશરની સમસ્યા છે.''

''આ ઉપરાંત ગુજરાત પોલીસના ત્રણ ટકા કર્મચારી ડાયાબિટીસની 'બૉર્ડર લાઇન' પર છે.”

“ચાર ટકા પોલીસકર્મીઓને 'બોર્ડર લાઇન' બ્લડપ્રેશર છે. ભારે તણાવને કારણે દસ ટકાપોલીસકર્મીઓ વ્યસન તરફ વળી ગયા છે.”

“એટલું જ નહીં, નિયમિત રીતે અને યોગ્ય ભોજન ના લેવાને કારણે અઢી ટકા પોલીસકર્મીઓમાં ઍનિમિયાની સમસ્યા જોવા મળી છે.''

અમદાવાદ મેડિકલ ઍસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને ઍડવાઇઝર ડૉ. પ્રજ્ઞેશ વચ્છરાજાનીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, ''પોલીસમાં સ્વાસ્થ્યની સંબંધિત સમસ્યાઓ એમના વ્યવસાયને કારણે પહેલાથી જ નિર્ધારિત થઈ ગઈ છે.”

“'એડજસ્ટમેન્ટ ડિસઑર્ડર'ને કારણે કામમાં અને ઘરે, એમ બન્ને જગ્યાએ સમસ્યાઓ દેખાવા લાગી છે.”

“તણાવ અને અપૂરતી ઊંઘ શારીરિક સમસ્યાઓ સર્જે છે. જોકે, સારી બાબત એ છે કે 55.91% પોલીસકર્મીઓ તંદુરસ્ત છે.''

ડૉ. વચ્છરાજાનીની આ વાતને સમર્થન આપતા ડૉ. ભાટીયા કહે છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પોતાની માનસિક તકલીફ બધાની સામે જણાવતા નથી.

તેમની પાસે ઉપચાર માટે આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ખાનગી રીતે આવતા હોય છે.

તેઓ કહે છે, ''જ્યારે પણ કોઈ ઉચ્ચ અધિકારી તેમની સમસ્યાને લઈને આવે છે ત્યારે તેમનું વાહન કે અંગરક્ષકોને ક્લિનિકથી દૂર જ રાખે છે. પોતાનાથી જુનિયર અધિકારીઓ સામે ઉપચાર કરાવશે તો તેમની છાપને બટ્ટો લાગશે એવું તેમને લાગે છે.''

જોકે, બીજા રાજ્ય કરતાં ગુજરાત પોલીસમાં આત્મહત્યાનું પ્રમાણ ઓછું હોવાનું અને સરકાર પોલીસકર્મીના સ્વાસ્થ્ય મામલે ગંભીર હોવાનો રાજ્ય સરકાર દાવો કરે છે.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બીબીસીને કહ્યું, ''ગુજરાત પોલીસમાં છેલ્લા બે વર્ષમાં નોંધાયેલા આપઘાતના કિસ્સા પાછળ અંગત કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. બાકી, ગુજરાત પોલીસમાં કામના ભારણને કારણે આપઘાત કરાયો હોય એવા કિસ્સા નથી નોંધાયા.''

જાડેજા ઉમેરે છે, ''પોલીસકર્મીઓના સ્વાસ્થ્યને લઈને ગુજરાત સરકાર ગંભીર છે અને એટલે જ સ્વાસ્થ્ય તપાસ દરમિયાન હાઇપર ટેન્શન કે સ્ટ્રેસનું પ્રમાણ જણાતા જ એનો ઉપચાર કરવામાં આવે છે.''

આ ઉપરાંત જૂન મહિનાથી પોલીસ માટે સ્ટ્રેસ અને ટાઇમ મેનેજમેન્ટના કાર્યક્રમનું આયોજન કરાવાઈ રહ્યું છે. જે પોલીસની ઘણી સમસ્યાઓ દૂર કરશે એમ જાડેજાનું માનવું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો