200 લોકોની હત્યામાં સામેલને કેમ મળી રહી છે જેલથી આઝાદી?

ઇન્ડોનેશિયામાં 2002ના બાલી બૉમ્બ વિસ્ફોટના માસ્ટરમાઇન્ડ અબુ બકર બાસયિરને જેલમાંથી મુક્ત કરવાની જાહેરાત થઈ છે.

'આઇવી લીગ ઑફ એક્સ્ટ્રીમિઝ્મ'ના સંસ્થાપક અબુ બકર બાસયિર પર જેલમાંથી લોકોને સંદેશ આપવાના આરોપ છે તથા 2014માં તેણે ઇસ્લામિક સ્ટેટ જૂથને ટેકો જાહેર કર્યો હતો.

ઇન્ડોનેશિયાના પ્રૉસિક્યૂટર્સને અબુ બકર બાસયિરને આતંકના આરોપો હેઠળ જેલમાં પહોંચાડવામાં એક દાયકો લાગ્યો હતો.

પણ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના વિવાદાસ્પદ નિર્ણય બાદ, 80 વર્ષીય અબુ બકર બાસયિરને માનવતાને આધારે આ અઠવાડિએ જેલમાંથી બહાર આવી રહ્યાં છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ચરમપંથીઓની શાળા

સુન્ની મુસ્લિમ મોલવી અબુ બકર બાસયિર ઘણાં સમયથી ઇન્ડોનેશિયામાં શરિયા (ઇસ્લામિક) કાનૂન લાગુ કરવાનું આહ્વાન કરી રહ્યા હતા.

બાસયિર સૌથી પહેલાં અલ-મુકમિન ઇસ્લામિક બોર્ડિંગ સ્કૂલ ચલાવવા બાબતે તેઓ ચર્ચામાં આવ્યા હતા, આ ઇસ્લામિક સ્કૂલની સ્થાપના તેમણે 1972માં કરી હતી.

ઇન્ડોનેશિયાના અધિકારીઓ તથા બીજી સંસ્થાઓનું કહેવું છે કે આ મદરસામાં ચરમપંથનો પાઠ ભણાવાઈ રહ્યો હતો અને વિદ્યાર્થીઓને નફરતનો સંદેશ આપવામાં આવતો હતો.

બાલીમાં 2002માં કરવામાં આવેલા બૉમ્બ બ્લાસ્ટમાં સામેલ રહેલા ઘણાં લોકો બાસયિરના સ્કૂલ સાથે જોડાયેલા હતાં.

બાલી બૉમ્બ બ્લાસ્ટમાં 200થી વધારે લોકોના મોત થયા હતાં.

'ઇસ્લામિક ખિલાફત સ્થાપિત કરવાનું લક્ષ્ય'

1982માં બંધારણને ઉથલાવીને શરિયા કાયદા લાગુ કરવાનુ આહ્વાન કરવા બદલ બાસયિરને જેલની સજા આપવામાં આવી હતી પરંતુ તે 1985માં જેલમાંથી નાસીને મલેશિયા જતા રહ્યા હતા.

15 વર્ષ પછી ઇન્ડોનેશિયા પરત આવી તેમણે ઇન્ડોનેશિયા મુજાહિદીન કાઉન્સિલ( ઍમઍમઆઈ) સ્થાપનામાં મદદ કરી હતી.

બાસયિર પર ઇન્ડોનેશિયામાં વર્ષ 2000માં ક્રિસમસની પૂર્વસંધ્યાએ ચર્ચોમાં શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટમાં સામેલ હોવાનો આરોપ પણ હતો, આ બૉમ્બ બ્લાસ્ટમાં 18 લોકોના મોત થયા હતા.

12 ઑક્ટોબર 2002માં બાલીમાં ટ્રક બૉમ્બ ધડાકામાં 202 લોકોના મોત થયા હતા જેમાં 38 ઑસ્ટ્રેલિયન તથા 38 ઇન્ડોનેશિયન નાગરિકો હતા.

બાસયિર પર ચરમપંથી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા સંગઠન જેમ્માહ ઇસ્લામિયા (જેઆઈ)નું નેતૃત્વ કરવાનો પણ આક્ષેપ રહ્યો છે.

આ જૂથનું લક્ષ્ય દક્ષિણ પૂર્વ ઍશિયામાં ઇસ્લામિક ખિલાફત સ્થાપિત કરવાનું હતું.

આતંકના આરોપ

ઇન્ડોનેશિયન પ્રૉસિક્યૂટર્સે અબુ બકર બાસયિરને આતંકના આક્ષેપો હેઠળ જેલ મોકલવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમાં ઘણાં વર્ષો નીકળી ગયા.

2000થી 2010ની વચ્ચે તેમને ઘણી વખત જેલ મોકલાયા પરંતુ 2002 અને 2003ના બૉમ્બ બ્લાસ્ટમાં સાક્ષીના અભાવે તેઓ જેલમાંથી છુટી ગયા હતા.

2008માં અબુ બકરે જેમ્માહ અનશારુત તૌહિદ નામના જૂથની સ્થાપના કરી હતી અને 2010માં તેના મુખ્યાલય પર અધિકારીઓએ દરોડા પાડ્યા હતા.

આપને આ પણ વાંચવું ગમશે

આ જૂથના અચેહના ચરમપંથી ટ્રેનિંગ કેમ્પ સાથે સંકળાયેલા હોવાના આરોપ પણ થયા હતાં.

અધિકારીઓનું કહેવું છે કે ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવા માંગતા આ જૂથનું લક્ષ્ય એક મિલિશિયા (નાગરિક સેના) બનાવવાનું હતું જે સરકારના ઉચ્ચ સંસ્થાનો પર હુમલો કરી શકે.

બાસયિર પર આ કૅમ્પને ફંડ પુરૂ પાડવા તથા તેની સ્થાપના કરવામાં સક્રિય ભૂમિકા ભજવવાના આક્ષેપ સાબિત થયા હતા અને તેને 2010માં જેલ મોકલવામાં આવ્યા હતા.

આઈએસને ટેકો

અબુ બકરે તેમના પર કરવામાં આવેલા આક્ષેપોને ફગાવી દીધા છે.

તેમનું કહેવું છે કે અમેરિકા તેમને જેલ મોકલવા માટે ષડયંત્ર રચી રહ્યું છે.

પરંતુ તેમણે જેલમાં રહીને જીહાદીઓને ટેકો આપતા વક્તવ્યો પણ આપ્યા છે.

2014માં જ્યારે ચરમપંથી જૂથ ઇસ્લામિક સ્ટેટે ઇરાક તથા સીરિયામાં ખિલાફત સ્થાપવા માટે મોટા વિસ્તારમાં જીત મેળવી હતી ત્યારે અબુ બકરે આધિકારિક રૂપે ટેકો આપવાની જાહેરાત કરી હતી.

આપને આ પણ વાંચવું ગમશે

કહેવામાં આવે છે કે તેમણે પસિર પુતિહ જેલમાં તેમણે ઇબાદતગાહમાં 23 અન્ય કેદીઓ સાથે આ ટેકો જાહેર કર્યો હતો.

અબુ બકર બાસયિર જેલમાં તેમના ફતવાઓથી ચર્ચાનો વિષય રહ્યા છે.

તેમને જેલમાંથી મુક્ત કરવાના રાષ્ટ્રપતિ વિડોડોના નિર્ણયથી ઇન્ડોનેશિયામાં ભ્રમ અને આશ્ચર્યની સ્થિતિ પેદા થઈ છે. ઘણાં લોકો તેમના નિર્ણયની નિંદા પણ કરી રહ્યા છે.

'સરકાર નથી પારદર્શી'

જકાર્તા પોસ્ટમાં પ્રકાશિત એક સંપાદકીયમાં લખેલું કે વિડોડો પ્રશાસન હજુ બાસયિરને જેલમાંથી મુક્ત કરવાના નિર્ણય પાછળના કાયદાકીય આધાર વિશે બિલકુલ પારદર્શી નથી રહી.

ઇન્ડોનેશિયાના કાયદા મુજબ બાસયિરને ડિસેમ્બર મહિનામાં પેરોલ મળી શકી હોત જો તેમણે ધર્મનિરપેક્ષ પ્રશાસનને ટેકો આપ્યો હોત, પરંતુ તેમણે કહ્યું 'માત્ર ઇશ્વરનો હુકમ માનો'.

પરંતુ બાસયિરને વિના શર્તે જેલમાંથી મુક્ત કરવા બદલ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પર રાજકીય ફાયદો લેવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.

આલોચકો કહે છે કે તે એપ્રિલમાં થનાર ચૂંટણીમાં ફાયદો લેવા માંગે છે.

તેમનો મુકાબલો ઇસ્લામિક મતદારોમાં લોકપ્રિય પ્રાબોવો સુબિઆન્તો સાથે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જકાર્તા પોસ્ટમાં લખ્યું છે કે રાજકીય પૃષ્ઠભૂમિને જોઇએ તો સહેલાઈથી માની શકાય કે આ રાષ્ટ્રપતિ જોકો વિડોડોનું મુસ્લિમ વોટ મેળવવા માટેનો પ્રયાસ છે.

બાસયિરના વકીલોએ આ દાવાઓને ફગાવી દીધા છે કે આ રાષ્ટ્રપતિ વિડોડો માટે એક ગિફ્ટ છે.

તેઓ કહે છે કે બાસયિરની જેલમાંથી મુક્તિ પાછળ કોઈ રાજકીય હિતો નથી.

જોકે, ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન સ્કૉટ મોરિસનના હસ્તક્ષેપ બાદ ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે અબુ બકર બાસયિરને મુક્ત કરવાના બધા પાસાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો