INDvsNZ: એ ચાર ટર્નિંગ પૉઇન્ટ જેના કારણે ભારત સામે હાર્યું ન્યૂ ઝિલૅન્ડ

નેપિયર વન ડેમાં ભારત અને મેજબાન ન્યૂ ઝિલૅન્ડને 8 વિકેટેથી હરાવીને પાંચ મૅચની સિરીઝમાં 1-0થી બઢત મેળવી લીધી છે.

બુધવારે મૈક્લીન પાર્ક મેદાનમાં રમાયેલા વન ડે મૅચમાં ટૉસ જીતીને પ્રથમ બૅટિંગમાં ઊતરેલી ન્યૂ ઝિલૅન્ડે કપ્તાન કેન વિલિયમસનના 64 રનની મદદથી ભારતને 158 રનનું લક્ષ્યાંક આપ્યું હતું.

ભારતના કુલદીપ યાદવ અને મોહમ્મદ શમીએ ત્રણ વિકેટો લીધી હતી.

ચહલને બે વિકેટ મળી હતી, જ્યારે કેદાર જાધવને એક વિકેટ મળી હતી.

વચ્ચે મૅચને રોકવાની ફરજ પડતાં ભારતને 49 ઑવરોમાં 156 રન બનાવવાનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું.

જેમાં શિખર ધવને નોટ આઉટ 75 રનની મદદથી બે વિકેટના ભોગે આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ પણ 45 રનનું યોગદાન આપ્યું હતું.

શમીનો એ ડબલ ધમાકો

ટૉસ જીતીને બૅટિંગ લેવી ન્યૂ ઝિલૅન્ડને મોંઘી પડી.

ભારતીય બૉલર મોહમ્મદ શમીએ પહેલી જ ઑવરમાં ન્યૂ ઝિલૅન્ડની ટીમને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું.

તેમણે મૅચની પહેલી અને બીજી ઑવરમાં જ માર્ટિન ગુપ્તિલની વિકેટ લઈ લીધી હતી.

પહેલી વિકેટ 5 રને ગુમાવ્યા બાદ ન્યૂ ઝિલૅન્ડે હજી 13 રન બનાવ્યા હતા ત્યાં શમીએ પોતાની બીજી ઑવરમાં કોલિન મુનરોને 8 રન પર આઉટ કરી દીધા.

બંને ઑપનર બૅટ્સમેનને આઉટ કરીને શમીએ ન્યૂ ઝિલૅન્ડને બેકફૂટ પર લાવી દીધું.

ચહલે મધ્યક્રમને તોડ્યા

હવે પિચ પર કપ્તાન કેન વિલિયમસનની સાથે રૉસ ટ્રેલર હતા.

શમીના શરૂઆતી ઝટકા બાદ ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડીને બૉલિંગની જિમ્મેદારી આપી દીધી.

બંને પોતાના જાણીતા અંદાજમાં જાણે ન્યૂ ઝિલૅન્ડની ટીમ પર તૂટી પડ્યા અને સાબિત કરી આપ્યું કે આ બંનેની જોડી કેવી ઘાતક બની શકે છે.

પહેલા ચહલે બેવડો પ્રહાર કર્યો. ન્યૂ ઝિલૅન્ડની પારીને સંભાળી રહેલા રૉસ ટ્રેલરને 15મી ઑવરમાં 24 રન પર આઉટ કરી દીધા.

બાદમાં વિકેટકીપર ટૉમ લેથમને પણ 11 રન પર 19મી ઑવર પર આઉટ કરી દીધા હતા.

તેમણે બંને બૅટ્સમેનને એક જ અંદાજમાં (કૉટ એન્ડ બૉલ્ડ)માં આઉટ કર્યા.

કુલદીપની ગુગલી

એક તરફ ચહલ પોતાની ફિરકી પર કિવિઓને નચાવી રહ્યા હતા ત્યારે પિચ પર કેન વિલિયમસન જામેલા હતા.

ન્યૂ ઝિલૅન્ડે 33 ઑવર્સમાં 6 વિકેટ પર 146 રન બનાવી લીધા હતા.

એક સમયે 3.30 સુધી રન રેટ પડી ગઈ હતી જે હવે 4.42 સુધી પહોંચી ગઈ.

એવામાં કુલદીપ યાદવે પોતાની ગુગલીનો કમાલ બતાવ્યો.

મૅચની 34મી ઑવરમાં કુલદીપ યાદવે કપ્તાન વિલિયમસનને 64 રન પર આઉટ કરીને ન્યૂ ઝિલૅન્ડની રહી સહી આશા પર પાણી ફેરવી દીધું.

આજ ઑવરમાં કુલદીપ યાદવે બ્રેસવેલને પોતાની ગુગલીથી બૉલ્ડ કરી દીધા.

36મી ઑવરમાં ફર્ગુસનને ધોનીએ કુલદીપની ઑવરમાં સ્ટમ્પ આઉટ કરી દીધા.

38માં ઑવરમાં ટ્રેન્ટ બૉલ્ટની વિકેટ પડતાની સાથે જ 157 રન પર ન્યૂ ઝિલૅન્ડ ઑલ આઉટ થઈ ગયું.

કુલદીપ યાદવે 10 ઑવરમાં 39 રન આપીને સૌથી વધારે ચાર વિકેટો લીધી હતી.

જ્યારે ચહલે 10 ઑવર્સમાં 43 રન આપીને 2 વિકેટો લીધી હતી.

આ બંનેની જોડીએ 2018માં આફ્રિકાના પ્રવાસ દરમિયાન 6 મૅચમાં 33 વિકેટો લીધી હતી.

કેમ રોકવામાં આવ્યો હતો મૅચ?

જ્યારે ભારતીય ટીમ આસાન લક્ષ્ય પાર કરવા માટે ઊતરી તો 10 ઑવર સુધી ભારતે કોઈ પણ નુકસાન વિના 41 રન બનાવી લીધા હતા.

જોકે, અહીં રોહિત શર્મા 41 રન બનાવીને આઉટ થઈ ગયા.

રોહિતના આઉટ થયા બાદ લંચ બ્રેક બાદ જ્યારે ભારતીય ટીમ ફરી બૅટિંગ માટે ઊતરી તો સૂરજની રોશની સીધી જ બૅટ્સમેન શિખર ધવનની આંખો પર આવવા લાગી.

સૂરજનાં આ સીધાં કિરણોને કારણે વચ્ચે મૅચ રોકવો પડ્યો હતો.

મૈક્લીન પાર્ક મેદાનમાં પિચ પૂર્વ-પશ્ચિમ તરફ છે. જ્યારે ફરી મૅચ શરૂ થયો તો ભારતીય ટીમને 49 ઑવરોમાં 156 રનોનું લક્ષ્ય આપવામાં આવ્યું.

છેલ્લી વન ડે પારીઓમાં 20ની સરેરાશથી રમી રહેલા શિખર ધવને સુંદર બૅટિંગ કરતા 75 રનની ઇનિંગ્સ રમી હતી.

કોહલીએ લારાને પાછળ છોડ્યા

કૅપ્ટન વિરાટ કોહલીએ પણ 45 રનોની ઇનિંગ્સ રમી હતી અને આ દરમિયાન વન ડે ક્રિકેટમાં રન બનાવવાના મામલે ટૉપ-10 બૅટ્સમેનોમાં કોહલી સામેલ થઈ ગયા.

કોહલીએ બ્રાયન લારાના 10,405 રનોને પાછળ છોડતાં 220 વન ડેમાં 59.60ની સરેરાશથી 10430 રન બનાવી લીધા હતા.

10 હજારથી વધારે વન ડે રન બનાવનારા બૅટ્સમેનોમાં કોહલી એકમાત્ર એવા ક્રિકેટર છે જેમની સરેરાશ 45થી વધારે છે.

શમીની સૌથી ઝડપી 100 વિકેટ

શમીને આ મૅચમાં સૌથી સારી બૉલિંગ માટે મૅન ઑફ ધી મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન મોહમ્મદ શમી વન ડે ક્રિકેટમાં ભારત તરફથી સૌથી ઝડપથી 100 વિકેટ લેનારા બૉલર બની ગયા છે.

તેમણે ગુજરાતના ક્રિકેટર ઇરફાન પઠાણને પાછળ છોડ્યા હતા.

ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચે પાંચ મૅચની સિરીઝમાં આગળનો મુકાબલો 26 જાન્યુઆરીના રોજ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો