અમદાવાદના ફેરિયાઓ માટે જગ્યાની વ્યવસ્થા કોણ કરશે?

    • લેેખક, દર્શિની મહાદેવિયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

નગર નિયોજન, તેના વિચાર અને અમલમાં, ભારતીય શહેરોમાં બનતી અવિધિસરની ઘટનાઓની વાસ્તવિકતાનું નિરાકરણ કરી શક્યું નથી.

નગર નિયોજનનું કામકાજ કાયદેસરની બાબતો માટે થતું હોય છે. તેનો અર્થ એવી પ્રવૃત્તિઓ કે જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કે અર્બન ડેવલપમૅન્ટ ઑથૉરિટી જેવા આયોજન સત્તાધીશો પાસેથી એક કે બીજી પરવાનગી લેવી પડે.

શેરીઓમાં ફરીને માલસામાન વેચતા ફેરિયાઓ માટે કાયદાકીય રીતે નિર્ધારિત કોઈ માર્કેટ ન હોવાથી તેમને શહેરની વિકાસ યોજનામાં ગેરકાયદે ગણવામાં આવે છે અને તેથી તેમને વારંવાર હાંકી કાઢવામાં આવતા હોય છે.

આવા ફેરિયાઓને મોટર વિહિકલ્સ એક્ટ 'ઉપદ્રવી' ગણે છે, કારણ કે તેઓ વાહનો માટેના માર્ગ પર અતિક્રમણ કરે છે.

ફેરિયાઓ ફૂટપાથ પર ધંધો કરતા હોવાથી રાહદારીઓને મુશ્કેલી થાય છે એ વાત સાચી છે, પણ શહેરમાંના તમામ ફૂટપાથો પર ફેરિયાઓ ધંધો કરતા નથી.

આમ પણ અમદાવાદમાં ફૂટપાથો જૂજ છે. એ બહુ સાંકડા છે અને કેટલાક ઠેકાણે તો માત્ર 50 સેન્ટિમીટર જ પહોળા છે, જેનાં પર બે સામાન્ય માણસો સાથે ચાલી પણ ન શકે. ઘણાં ફૂટપાથો વચ્ચે વચ્ચે તૂટેલા છે.

તેના પર સ્ટ્રીટ લેમ્પ્સ તથા જાહેરાતોનાં પાટિયાં જેવી અડચણો ઉપરાંત ટુ-વ્હિલર્સના પાર્કિંગ બની ગયાં છે. પહોળાં ફૂટપાથો પર તો ફોર વ્હીલર્સ પાર્ક કરવામાં આવે છે.

રસ્તો ઓળંગવો હોય ત્યારે કે વચ્ચેના કોઈ મકાન માટેના રસ્તાનો કટ હોય ત્યારે ફૂટપાથ પર રીતસરનો કૂદકો મારવો પડે છે. ઢાંકણીની તકલીફથી પીડાતા લોકો માટે આ ફૂટપાથો પર ચડવું અને તેના પરથી ઊતરવું મુશ્કેલ બની રહેતું હોય છે.

ફૂટપાથ પર ચાલવામાં નડતી આ મુશ્કેલીઓને કારણે લોકોએ રસ્તા પર ચાલવું પડે છે. તેથી રાહદારીઓના માર્ગમાં માત્ર ફેરિયાઓ જ નથી આવતા. હકીકતમાં અમદાવાદમાં ચાલી શકાય તેવા, યોગ્ય ફૂટપાથ જ નથી.

ફેરિયાઓને કારણે ટ્રાફિકમાં અવરોધ સર્જાતો હોય છે. તેનું કારણ રસ્તાઓ-ફૂટપાથો પર ફેરિયાઓ જ નથી, પરંતુ તેમના ગ્રાહકોએ બેદરકારીપૂર્વક પાર્ક કરેલાં વાહનો પણ હોય છે.

ખરી સમસ્યા શહેરમાં પાર્કિંગની જગ્યાના કે એ માટેની કોઈ વ્યવસ્થાના અભાવની છે. માત્ર ફેરિયાઓ નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારતીય શહેરોમાં ફેરિયાઓ જીવનનો એક ભાગ છે. શહેરની કુલ વસતીના આશરે બે ટકા લોકો શેરીઓમાં હરતાફરતા માલસામાનનું વેચાણ કરીને આજીવિકા રળતા હોય છે.

ફેરિયાઓ બે પ્રકારના હોય છે. પરંપરાગત ફેરિયાઓ અને કામચલાઉ ફેરિયાઓ.

પરંપરાગત ફેરિયાઓના પરિવારના ભરણપોષણનો આધાર તેમને માલસામાનના વેચાણમાંથી થતી આવક પર જ હોય છે, જ્યારે કામચલાઉ ફેરિયાઓ તેમને બીજો રોજગાર ન મળે ત્યાં સુધી ફેરિયા તરીકે કામ કરતા હોય છે.

આ ફેરિયાઓ શહેરના સૌથી ગરીબ વર્ગના લોકો હોય છે. આ ફેરિયાઓ અમદાવાદની સંસ્કૃતિનો એક હિસ્સો છે.

અમદાવાદના લોકો તથા અમદાવાદની મુલાકાતે આવતા લોકો લૉ ગાર્ડન જતા હોય છે અને ભાવતાલ કરીને ત્યાંથી ગુજરાતની હસ્તકલાની ચીજો, ભરતકામવાળા ડ્રેસીસ અને હવે નવરાત્રી નજીક આવી છે ત્યારે ચણિયા-ચોલી ખરીદતા હોય છે.

લૉ ગાર્ડન વિસ્તાર અડધી સદી કરતાં વધુ સમયથી સ્ટ્રીટ ફૂડનું લોકપ્રિય માર્કેટ પણ બની રહ્યો છે.

એ દૃષ્ટિએ લૉ ગાર્ડન વિસ્તાર અમદાવાદની હેરિટેજ બની ગયો છે. આપણે બૅંગકૉક, બેઇજિંગ અને પેરિસનાં સ્ટ્રીટ ફૂડ માર્કેટ્સની મુલાકાત હોંશેહોંશે લઈએ છીએ, પણ લૉ ગાર્ડનમાંના આપણા પોતાના સ્ટ્રીટ ફૂડ માર્કેટને તુચ્છ ગણીએ છીએ.

વધારે ખરાબ વાત તો એ છે કે તે વિસ્તારને હવે પાર્કિંગ લોટમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યો છે. ધાતુનાં પશુઓ એટલે કે વાહનોના પાર્કિંગ લોટ્સ જેવાં આધુનિક સમયનાં દુઃસ્વપ્ન માટે જગ્યા કરવા આપણે શહેરની સંસ્કૃતિનો સોથ વાળી રહ્યા છીએ એ કેટલું શરમજનક છે!

ભૂંડા વાહનોના પાર્કિંગની જગ્યા કરવા આપણે આજીવિકાનું નિકંદન કાઢી રહ્યા છીએ એ પણ કેટલું શરમજનક છે!

અમદાવાદનું બીજું હેરિટેજ માર્કેટ છે ગુજરી બજાર. તેનું અસ્તિત્વ છેક પંદરમી સદીથી હોવાનું કહેવાય છે. એ શહેર જેટલું જ જૂનું છે.

ગુજરી બજારને કારણે તેની આજુબાજુના રસ્તાઓ પર રવિવારે ફેરિયાઓનો જમાવડો થાય છે.

એ પરિસ્થિતિમાં ફેરિયાઓને ત્યાંથી ભગાડવાને બદલે એ વિસ્તારમાં ખાનગી વાહનોની અવરજવર અટકાવવાનું પગલું વધારે બુદ્ધિગમ્ય ગણાય.

નગર નિયોજનમાં આ ફેરિયાઓને જગ્યા ફાળવવાની કોઈ વ્યવસ્થા થઈ શકે? મન હોય તો માળવે જવાય. ધ સ્ટ્રીટ વેન્ડર્સ (પ્રોટેક્શન ઓફ લાઇવ્લિહૂડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ) એક્ટ-2014 નામનો એક કાયદો છે.

સમગ્ર ભારત માટેના આ કાયદામાં નીચે મુજબ જણાવવામાં આવ્યું છે.

  • દરેક શહેરમાં ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવી પડશે. ફેરિયાઓના સંગઠનોના પ્રતિનિધિઓને પણ તેના સભ્યો બનાવવાના રહેશે.
  • સ્થાનિક નગરપાલિકાએ દરેક ફેરિયાને વેન્ડિંગ સર્ટિફિકેટ આપવાનું રહેશે.
  • વેન્ડિંગ સર્ટિફિકેટમાંની શરતો તથા નિયમોને આધિન રહીને દરેક ફેરિયાને માલસામાન વેચવાનો અધિકાર રહેશે.
  • તમામ સ્થાનિક સત્તાવાળાઓએ દર પાંચ વર્ષે એકવાર નિયોજન સત્તામંડળ સાથે ચર્ચા કરીને તથા ટાઉન વેન્ડિંગ કમિટીની ભલામણ અનુસાર ફેરિયાઓના વ્યવસાયને વેગ આપવાની યોજના તૈયાર કરવાની રહેશે.

ટાઉન વેન્ડિંગ કમિટી રચવાની અને શહેરમાં ફેરિયાઓ માટે જગ્યા ફાળવવાની જવાબદારી નગરપાલિકાના સત્તાવાળાઓની છે. એ કામ ફેરિયાઓની પરંપરાગત માર્કેટ્સમાં વ્યવધાન ન સર્જાય તે રીતે કરવાનું છે.

અનેક લોકો આવતા હોય એવી જગ્યાઓ પર જ ફેરિયાઓની માર્કેટ વિકસતી હોય છે. પરિવહન કેન્દ્રો, બગીચાઓ અને શોપિંગ માર્કેટ્સની આસપાસ ફેરિયાઓની માર્કેટ્સ વિકસવાનું કારણ આ છે.

ફેરિયાઓ ગામ-શહેરના લોકોને સંખ્યાબંધ સેવા આપતા હોય છે. લોકો તેમની દૈનિક જરૂરિયાતની સામગ્રી ઘરે પાછા ફરતી વખતે ફેરિયાઓ પાસેથી ખરીદતા હોય છે.

આ ફેરિયાઓ એક અર્થમાં શેરીઓના પહેરેદાર પણ હોય છે. શેરીઓમાં સલામતીની ભાવના સર્જવામાં આ ફેરિયાઓ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોવાનું મહિલાઓની સલામતી વિશેના સંખ્યાબંધ અભ્યાસોમાં જણાવવામાં આવ્યું છે.

હા, અમિતાભ બચ્ચનની ફિલ્મોને યાદ કરીએ તો તેમાં મહત્ત્વનો બાતમીદાર ફૂટપાથ પર બેસતો બૂટપોલીશવાળો જ હોય છે. હકીકતમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ હોય તેવા સમયગાળામાં શેરીઓમાંના આવા લોકો તમામ પ્રકારના ગુનાઓ વિશે મૂલ્યવાન માહિતી પૂરી પાડી શકે છે.

શહેરના લોકો અને ફેરિયાઓ બન્નેને લાભકારક પરિસ્થિતિના નિર્માણ માટે શેરીઓમાં સમાન પ્રમાણમાં જગ્યાની ફાળવણી થવી જોઈએ.

શેરીઓમાં કે શેરીની આજુબાજુમાં આવેલા પ્લોટ્સમાં જગ્યા શોધીને તે ફેરિયાઓને ફાળવવા માટે ખાસ પ્રયાસ કરવા જોઈએ. ફેરિયાઓનું નિયમન થવું જોઈએ અને તેમની પાસેથી ફી પણ જરૂર લેવી જોઈએ.

આમ પણ ફેરિયાઓ 'આગેવાન' તરીકે ઓળખાતા લોકોને તોતિંગ લાંચ ચૂકવતા જ હોવાનું સાંભળવા મળે છે. એ નાણાં કોઈ વ્યક્તિના ખિસ્સામાં જાય તેને બદલે નગરપાલિકાની તિજોરીમાં જવાં જોઈએ.

અમદાવાદમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ મારફત મ્યુનિસિપલ કૉર્પોરેશન કે અર્બન ડેવલપમૅન્ટ ઑથૉરિટીને સ્થાનિક માર્કેટ્સ માટે જમીન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ ઉપલબ્ધ જમીનનો એક હિસ્સો ફેરિયાઓ માટે ફાળવી શકાય. એ ઉપરાંત શહેરના પ્લાનિંગ તથા ડિઝાઇનિંગમાં ફેરિયાઓને સમાવવા માટે બીજા વિકલ્પો પણ છે.

ઇન્ફોર્મલ એટલે કે અવિધિસરના આ ક્ષેત્રને આયોજન તથા ડિઝાઇનના આપણા પ્રયાસમાં સ્થાન આપવાનો સમય આવી પહોંચ્યો છે.

(લેખિકા અમદાવાદસ્થિત સેપ્ટ યુનિવર્સિટીની પ્લાનિંગ ફેકલ્ટીમાં પ્રોફેસર અને સેન્ટર ફોર અર્બન ઈક્વિટીનાં ડિરેક્ટર છે. લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખિકાના અંગત વિચાર છે, બીબીસીના નહીં.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો