સોશિયલ મીડિયા પર ચર્ચિત બનેલાં દાદી-પૌત્રીએ શું કહ્યું?

BBC ગુજરાતીએ 19મી ઑગસ્ટે 'વર્લ્ડ ફોટોગ્રાફી ડે'ની ઊજવણીના ભાગરૂપે ગુજરાતના વિવિધ અખબારોમાં કામ કરતા ફોટો જર્નાલિસ્ટ્સને તેમની યાદગાર તસવીર શેર કરવા જણાવ્યું હતું.

આ તસવીર અમદાવાદના સિનિયર ફોટો જર્નાલિસ્ટ કલ્પિત ભચેચે વર્ષ 2007માં ખેંચી હતી.

આ તસવીરમાં નવમાં ધોરણમાં ભણતાં વિદ્યાર્થિની વૃદ્ધાશ્રમમાં તેમનાં દાદીને જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં હતાં.

આ તસવીર 19મી ઑગસ્ટે બીબીસીએ પ્રકાશિત કરી, ત્યારબાદ ઇન્ટરનેટ પર ખૂબ જ શેર થઈ હતી અને લોકો તેના વિશે ચર્ચા કરી રહ્યાં હતાં.

સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલી આ તસવીરમાં જે દાદી જોવા મળી રહ્યાં છે, તે દમયંતી પંચાલ છે અને પૌત્રી ભક્તિ પંચાલ છે.

આ સમગ્ર ઘટના રાષ્ટ્રીય સ્તર પર ઇન્ટરનેટના માધ્યમથી ચર્ચાનો વિષય બની, ત્યાર બાદ પહેલી વાર દમયંતી પંચાલ અને ભક્તિ પંચાલે બીબીસી ગુજરાતી સાથે ખાસ ફેસબુક લાઇવમાં વાતચીત કરી હતી અને પોતાની લાગણી વ્યક્તિ કરી હતી.

'જાણો પછી ટિપ્પણી કરો'

આ તસવીર વિશે ભક્તિ પંચાલે (લગ્ન બાદ ત્રિવેદી) કહ્યું, "મને ખબર હતી કે એ કાર્યક્રમમાં મારા દાદી આવશે પરંતુ તેમને અચાનક જોઈને મારાથી રડી જવાયું હતું."

"આજે પણ મારા બા જોડે એવા જ સંબંધ છે, જેવા પહેલાં હતાં."

"આજે પણ બા ઘરે આવે છે અને આજે પણ બા જ્યારે મારા ઘરેથી જાય, ત્યારે મને રડવું આવે છે."

"મારાં ઘરે હું મારા પતિ અને દીકરી સાથે રહીએ છીએ."

"સ્વાભાવિક છે કે ઘરે કોઈ સ્વજન રોકાઈને જાય તો પણ રડવું આવે, ત્યારે આ તો મારા દાદી છે, એટલે એમને જોઈને રડવું તો આવે જ."

ભક્તિ ઉમેરે છે, "ઘરથી અલગ રહેવાનો નિર્ણય દાદીએ જ કર્યો હતો."

"દાદી અહીંયા અગિયાર વર્ષથી રહે છે. તેમને આ પરિવાર ખૂબજ ગમે છે."

"સોશિયલ મીડિયામાં મારાં માતા-પિતા વિશે જે કંઈ પણ લખાયું છે હું તેનાથી નારાજ છું."

"લોકોએ એ બાબતને જાણવાની જરૂર હતી કે આ સમગ્ર પ્રસંગ શું હતો."

"લોકો મારા માટે દયા બતાવે છે તે સારી વાત છે, પરંતુ લોકોએ જાણ્યું નહીં કે હકીકત શું છે. મારે એટલું જ કહેવું છે કે તમે વિગત જાણો અને બાદમાં જ ટ્વીટ કરો."

તમે આ વાંચ્યું કે નહીં?

આ સમગ્ર ઘટના અને તસવીર વિશે દમયંતીબહેન પંચાલે કહ્યું, "મારા દીકરા માટે કે મારી પૌત્રી માટે લોકો જે કંઈ પણ બોલ્યા તેનાથી મને ખોટું લાગ્યું છે."

"હું અનિચ્છાએ અહીંયા આવી ન હતી."

"મેં ત્યારે પણ કહ્યું હતું કે હું મારી મરજીથી જ અહીંયા રહું છું."

આ તસવીર લેનાર ફોટોજર્નાલિસ્ટ કલ્પિત ભચેચે જણાવ્યું હતું "વર્ષ 2007માં હું કાર્યક્રમ કવર કરવા આવ્યો હતો."

"શાળાના વિદ્યાર્થીઓની વૃદ્ધાશ્રમની મુલાકાત હતી અને મને શાળામાંથી આ કાર્યક્રમ કવર કરવા માટે આમંત્રણ મળ્યું હતું."

"હું સ્થળ પર ગયો બાદમાં મેં ત્યાં રજૂઆત કરી હતી કે બાળકોને વૃદ્ધોની વચ્ચે બેસવા દો એ સમયે ભક્તિ તેમનાં બાને જોઈને રડી પડ્યાં હતાં."

"મેં પૂછ્યું કે તમે કેમ રડો છો ? ત્યારે દમયંતીબહેને કહ્યું હતું કે 'આ મારી પૌત્રી છે.' એ સમયે તમામ લોકો લાગણીશીલ થઈ ગયાં હતાં."

"આ તસવીર વર્ષ 2007માં નવેમ્બર મહિનાની 13મી તારીખે 'દિવ્ય ભાસ્કર' અખબારમાં છપાઈ હતી."

"ત્યાર બાદ બીજા દિવસે ફરીથી અમે દમયંતીબહેનનો સંપર્ક કર્યો હતો."

"તે સમયે દમયંતીબહેને કહ્યું હતું કે હું આ સ્થળે મારી મરજીથી જ રહું છુ."

બીજા દિવસે અખબારમાં દમયંતીબહેનની એ જ વાત છપાઈ હતી, જેમાં તેમણે કહ્યું હતું કે હું મારા દીકરાનું સરનામું નહીં આપું, જેથી કરીને તે બદનામ ન થાય.

સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાઓ થઈ

આ તસ્વીર ટ્વીટર પર ફેસબુક પર અને અન્ય માધ્યમોમાં ખૂબજ શેર થઈ હતી.

ત્યાર બાદ ક્રિકેટર હરભજન સિંઘે તસવીરને શેર કરીને લખ્યું, 'શેમ ઓન સચ પીપલ.'

અંબાલિકા કૃષ્ણાપ્રિયા નામના ટ્વીટર હૅન્ડલ પરથી આ તસવીર સાથે પોસ્ટ કરીને લખવામાં આવ્યું હતું કે આપણે ક્યા પ્રકારનો સમાજ બનાવી રહ્યાં છીએ?

ત્યાર બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા આજ તસવીર ફરીથી ટ્વીટ કરવામાં આવી હતી.

જ્યારે અમદાવાદના અખીલેશ મિશ્રાએ આજ તસવીરને શેર કરી હતી, ત્યારે તેમની ફેસબુક પોસ્ટને 67000 લોકોએ આ તસવીર સાથે શેર કરી હતી.

ટ્વિટર પર અનિતા ચૌહાણએ પોતાની પ્રોફાઇલ પર મુખ્ય ટ્વીટ તરીકે જ આ તસવીરને પોસ્ટ કરી હતી, જેના પરથી જ ક્રિકેટર હરભજનસિંઘે આ તસવીર શેર કરી હતી.

ઘટના શું હતી?

આ સમગ્ર ઘટના વર્ષ 2007ની છે અને તસવીર પણ 2007ની છે.

એ સમયે ફોટોજર્નાલિસ્ટ કલ્પિત ભચેચને મણિનગરની જીએનસી સ્કૂલનાં પ્રિન્સિપાલ રીટાબહેન પંડ્યાનો ફોન આવ્યો હતો.

તેમણે ફોટોગ્રાફરને શાળાના બાળકોની વૃદ્ધાશ્રમની મુલાકાતનું કવરેજ કરવા માટે વિનંતી કરી હતી.

આ કાર્યક્રમ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલા મણિલાલ ગાંધી વૃદ્ધાશ્રમમાં યોજાયો હતો.

એ સમયે એક વૃદ્ધા પણ રડી રહ્યાં હતાં, જ્યારે ફોટોજર્નાલિસ્ટે તપાસ કરી ત્યારે જાણવા મળ્યુ હતું કે એ બાળકી જે વૃદ્ધાને જોઈને રડી રહ્યાં છે તે બન્ને દાદી પૌત્રી છે.

એ સમયે બાળકીએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે બા વિશે પૂછતાં ત્યારે તેમનાં પિતા કહેતા હતા કે બા બહારગામ છે, પરંતુ વાસ્તવિકતા એ હતી કે તેઓ વુદ્ધાશ્રમમાં પહોંચી ગયાં હતાં.

એ જ દાદી દીકરીએ બીબીસી સાથેની વાતચીતમાં સમગ્ર ઘટનાક્રમ અને એ દિવસને યાદ કરીને પોતાની ભાવના વ્યક્ત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો