60 વર્ષથી વધુની ઉંમર તો પણ આ મહિલાઓ એશિયન ગેમ્સમાં લેશે ભાગ

    • લેેખક, વંદના
    • પદ, બીબીસી ટીવી એડિટર

67 વર્ષનાં હેમા દેઓરા, 67 વર્ષનાં કિરણ નાદર, 79 વર્ષનાં રીતા ચોક્સી આ નામ મહિલા ખેલાડીઓનાં છે, જે એશિયન ગેમ્સમાં ભારત માટે રમશે.

તમે વિચારી રહ્યા હશો કે રિટાયરમૅન્ટની ઉંમર પાર કરનારાં આ મહિલાઓ એશિયન ગેમ્સમાં કેવી રીતે પહોંચી ગયાં ?

આ તમામ મહિલા ખેલાડીઓ બ્રિજ એટલે કે ગંજીફાની રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

60 વર્ષ વટાવી ચુકેલી આ મહિલાઓ વિશે જાણવાની જીજ્ઞાસા મને ખેલાડી હેમાં દેવરા સુધી લઈ ગઈ.

બ્રિજ સમય પસાર કરવાનું માધ્યમ હતું

આશરે 50 વર્ષની ઉમર સુધી મુંબઈમાં હેમાં દેવરા બાળકો સાથે સમય વિતાવતાં અથવા તો પતિ અને રાજનેતા મુરલી દેવરાના પ્રવાસોમાં સાથે જતાં હતાં. મુરલી દેવરા પૂર્વ પેટ્રોલિયમ મંત્રી હતા.

હેમા દેવરાને ત્યારે બ્રિજનો કક્કો પણ આવડતો ન હતો.

બીબીસી સાથે પોતાના સંસ્મરણો વાગોળતાં હેમાએ જણાવ્યુ હતું કે મોટાભાગે દર શનિવારે પતિ મુરલી દેવરાના મિત્રો ઘરે આવતા અને કલાકો સુધી બ્રિજ રમતા હતા.

હેમા કહે છે કે તેઓ રમતમાં એટલા મગ્ન થઈ જતા હતા કે તેમને કંઈ જ ભાન રહેતું ન હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

તેઓ કાયમ એવું વિચારતા કે એવો તે શું નશો છે કે લોકો કલાકો સુધી તલ્લીન થઈને આ રમતને રમ્યા કરે છે.

પત્તાની રમતને હેમા દેવરાના માતા પિતા સારી ટેવ માનતા ન હતા.

હેમાનાં બાળકો મોટા થઈ ગયાં અને મુરલી દેવરા રાજકારણના કારણે વ્યસ્ત રહેવા લાગ્યા હતા.

એ સમયે તેમણે વર્ષ 1998ની આસપાસ એક નવા શિખાઉ ખેલાડી તરીકે બ્રિજ રમવાની શરૂઆત કરી હતી.

તેમણે એક પાર્ટનર પસંદ કર્યા અને ધીમે ધીમે ટૂર્નામેન્ટ જીતવા લાગ્યાં અને દેશ-વિદેશમાં પણ રમવા માટે જતાં હતાં.

બિલ ગેટ્સ સાથે બ્રિજ રમ્યા

એકવાર હેમા દિલ્હીમાં એક ટૂર્નામેન્ટમાં રમી રહ્યાં હતાં ત્યારે મુરલી દેવરા મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા.

આ ટૂર્નામેન્ટમાં હેમા વિજેતા થયાં હતાં ત્યારે તેમને મુરલી દેવરાના હાથે ટ્રોફી મળી હતી. હેમા આ મેચને યાદગાર ક્ષણ માને છે.

વ્યવસાયે આર્કિટેક્ટ હેમાં બિલ ગેટ્સ અને વોરન બફેટ સાથે પણ બ્રિજ રમી ચુકયાં છે.

હેમાના મતે બ્રિજ મગજની રમત છે. જો તમારી યાદશક્તિ મજબૂત છે અને તમે અનુભવી છો તો આ રમતને ઉંમર સાથે કંઈ લેવા દેવા નથી.

બ્રિજ રમતાંરમતાં મળ્યા જીવનસાથી

79 વર્ષનાં રીતા ચોક્સીની વાત પણ ખૂબ જ રસપ્રદ છે. તેઓ અંદાજે ભારતના સૌથી વધુ ઉંમરના ખેલાડીમાંનાં એક છે.

70ના દાયકાથી જ રીતા બ્રિજ રમી રહ્યાં છે અને અનેક ખિતાબો જીત્યાં છે.

જોકે, તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ એશિયન ગેમ્સમાં ભાગ લેશે.

બ્રિજની રમતના કારણે જ તેમની મુલાકાત બીજા પતિ ડૉક્ટર ચોક્સી સાથે થઈ હતી.

આ સમય દરમિયાન જ તેમના પહેલા પતિનું મૃત્યુ થયું હતું. એક ટેબલ પર સાથે બ્રિજ રમનારા ડૉક્ટર ચોક્સી અને રિતા જીવનસાથી બની ગયાં.

જોકે, તેમનો આ સાથ પણ લાંબો ટક્યો નહીં. વર્ષ 1990માં તેમના બીજા પતિનું મૃત્યુ થયું બન્ને દીકરા એક એક કરીને લંડનમાં અભ્યાસ માટે ગયા અને ત્યાં જ વસી ગયા.

રીતા એકલાં થઈ ગયાં અને પત્તા જ તેમના સાથી બની ગયાં.

રીતા તેમના પત્તા ઊતરતાં રહ્યાં અને આજે એશિયન ગેમ્સમાં પહોંચી ગયાં.

એશિયન ગેમ્સમાં ખેલાડીઓના દરેક પ્રકારના મેડિકલ ટેસ્ટ અને ડોપ ટેસ્ટ થાય છે.

તમારી ઉંમર 60 અને 70 વર્ષને પાર થાય ત્યારે સ્વાભાવિક છે દવાઓ ખાવાની જરૂર જણાય.

એવામાં આ ખેલાડીઓ અને બ્રિજ ઍસોસિયેશને અગાઉથી જ નેશનલ ડોપિંગ એજન્સીનો સંપર્ક કર્યો છે જેથી કોઈ સમસ્યા સર્જાય નહીં.

હેમા દેવરાની જેમ રિતા ચોક્સી પણ માને છે કે બ્રિજ માઇન્ડ ગેમ છે.

દિમાગને તંદુરસ્ત રાખવા માટે તેઓ ઑનલાઇન ગેમ પણ રમે છે.

શિવ નાદરનાં પત્ની પણ બ્રિજ રમે છે

67 વર્ષનાં બ્રિજ ખેલાડી કિરણ નાદરની ટીમે આ વર્ષે જ કૉમનવેલ્થ ગેમ્સમાં 'નેશન્સ બ્રિજ ચેમ્પિયનશીપ' જીતી હતી.

કિરણ નાદર ઘરમાં માતાપિતા સાથે બ્રિજ રમતા હતા અને પતિ સાથે રમતા-રમતા માહેર થઈ ગયાં.

તેમના પતિ શિવ નાદર આઇટી કંપની એચસીએલના સંસ્થાપક છે. કિરણને કલામાં પણ વિશેષ રસ છે.

તેઓ કિરણ નાદર મ્યૂઝિયમ ઓફ આર્ટના ચૅરપર્સન પણ છે પરંતુ સાથેસાથે તેઓ બ્રિજ ચેમ્પિયન પણ છે.

દિલ્હી બ્રિજ ઍસોસિયેશનના અધ્યક્ષ આનંદ સામંતના જણાવ્યા મુજબ વિશ્વના અનેક દેશોમાં સ્કૂલ અને કૉલેજોમાં બ્રિજ રમત તરીકે શીખવાડવામાં આવે છે.

જ્યારે ભારતમાં પત્તાની રમત આજે પણ સારી નજરે જોવામાં આવતી નથી. બ્રિજની રમતને સ્પોન્સરશીપ પણ મળતી નથી.

તમામ બ્રિજ ખેલાડીઓનો એક મત હતો કે આ રમત માટે ઉંમરની બાધા નથી.

ફોન પરની વાતચીતમાં હેમા દેવરાએ કહ્યું કે “બ્રિજ જેવી પૅશન ઢળતી ઉંમરે ઉત્તમ રોકાણથી ઓછી નથી.”

“તમારા જીવનનો મોટો ભાગ બાળકોની સંભાળ અને પરિવારમાં વિતી જાય છે”

“જ્યારે ઢળતી ઉંમરે આમાંથી કંઈ પણ સાથે ન હોય તો બ્રિજની રમત તમને એકલાં પડવા દેતી નથી અને દિમાગને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ”