આ શાર્પ શૂટરની લવ સ્ટોરીમાં રહેલો છે ફિલ્મી મસાલો

    • લેેખક, સૂર્યાંશી પાંડે
    • પદ, બીબીસી સંવાદદાતા

ઑસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટમાં હિના સિધ્ધુએ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

25 મી. એયર પિસ્તોલમાં હિનાએ જેવો મેડલ પોતાના નામે કર્યો, એમણે પાછળની તરફ જોયું અને તેમના કોચ અને પતિ રૌનક પંડિતને ભેટી પડ્યાં.

તેમના પતિ રૌનક પંડિતે પણ ખુશીમાં તેમને ઉપાડી લીધાં.

આ પળને ત્યાં ઉભેલા ફોટોગ્રાફર્સે સુંદર રીતે કેદ કરી લીધી. એકમેકની આંખોમાં આંખ પરોવી રહેલી આ જોડીને જોઈને બધાના મનમાં સવાલ ઉઠ્યો કે આ જોડીની સ્ટોરી શું હશે?

તો એ સ્ટોરી જાણવા અમે, રૌનક પંડિતને ફોન કર્યો અને તેમણે કહ્યું, - 'હાહાહા.... અમારી સ્ટોરી બોલીવૂડની મસાલા ફિલ્મથી જરા પણ ઓછી નથી.'

એક બીજાથી કરતા હતા નફરત

2006માં રૌનક પંડિત તેમના શૂટિંગની કારકિર્દીની શિખર પર હતા.

2006ના કૉમનવેલ્થ ગેમ્સમાં તેમણે સમરેશ જંગ સાથે 25મી. સ્ટેન્ડર્ડ પિસ્તોલની ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પછી એ જ વર્ષે એશિયન ગેમ્સમાં 25મી. સ્ટાન્ડર્ડ પિસ્તોલ ઇવેંટમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.

મહારાષ્ટ્રના રૌનક પંડિત પુણેના બાલેવાડી શૂટિંગ રેંજમાં ટ્રેનિંગ કરતાં હતા. શૂટિંગમાં પદક જીતનારા 21 વર્ષના રૌનક પંડિત એ વખતે પોતાની જ ધૂનમાં હતા.

એ જ વખતે પુણેની બાલેવાડી શૂટિંગ રેંજમાં 17 વર્ષની હિના સિધ્ધુ પોતાનાં સપનાંની દુનિયા લઇને ત્યાં પહોંચે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

હિનાનું શૂટિંગમાં નિશાન પાકું હતું, સ્વાભાવનાં તીખાં અને સપનાંને પૂરા કરવાની જીદ તેમનામાં દેખાતી હતી.

રૌનક પંડિતે પહેલી નજરમાં જ હિના વિશે આટલું તો સમજી જ લીધું હતું. એક મેડલ વિનર અને બીજી જૂનિયર ખેલાડી તો પહેલી નજરનો પ્રેમ તો શક્ય જ નહતો.

બન્ને જીદ્દી અને નખરાળા હતાં એટલે એકબીજા સાથે વાત કરવાનું ટાળતા હતાં. રૌનક પંડિત કહે છે કે એક સમય એવો આવ્યો કે અમે બન્ને એકબીજાથી નફરત કરવા લાગ્યા હતા.

બન્ને એક બીજાને મળવાનું તો છોડો જોવાનું પણ પસંદ નહોતા કરતાં. રૌનક કહે છે, 'લગભલ દોઢ વર્ષ સુધી અમે એકબીજા સાથે વાત ન કરી.’

વિદેશી કોચની ફીસના કારણે થઈ દોસ્તી

રૌનક પંડિત કહે છે તેમને યુક્રેનિયન કોચ, અન્નાટોલી પાસેથી તાલીમ લેવી હતી.

પણ તેમની કિંમત ખૂબ વધારે હતી. એ ફીસ એકલા હાથે ભરવી સરળ નહોતી. એમણે વિચાર્યું કે હિના સાથે દોસ્તી કરી લઇશ તો ફીસ બન્ને મળીને ભરી દઇશું.

રૌનક પંડિતે કહ્યું એ પછી તેમણે હિના સાથે સામે ચાલીને દોસ્તી કરી.

2009-10માં બન્ને દોસ્ત બની ગયા. જેનો શ્રેય તેઓ આજે પણ યુક્રેનિયન કોચની ફીસને આપે છે.

ફિલ્મી સ્ટાઇલમાં પ્રપોઝ કર્યું

બન્ને એક જ કોચ પાસેથી તાલિમ લેવા લાગ્યા તો એકબીજાને ઓળખવા પણ લાગ્યા.

હિના સિધ્ધુ અને રૌનક પંડિતને એકબીજામાં પોતાની જ છબી દેખાવા લાગી. તાલીમ પછી પણ બન્ને એકબીજાને સમય આપવા લાગ્યા.

રૌનક પંડિત કહે છે કે બન્નેએ ક્યારેય એકબીજાને મનની વાત નહોતી કરી પણ એ લાગણી બન્ને અનુભવી રહ્યાં હતાં.

પછી એક સાંજે બન્ને દિલ્હીના એક મૉલમાં ફિલ્મ જોવાં ગયાં. ફિલ્મ જોયા પછી બન્ને એક રેસ્ટોરાંમાં જમવા માટે ગયા.

રૌનક પંડિત કહે છે, 'વધારે વિચાર્યા વિના હું મારા ઘૂંટણ પર બેસી ગયો અને મારી પાસે વીંટી ન હોવા છતાં મેં હિનાને પ્રપોઝ કર્યું.'

હિના સિધ્ધુ હસવા લાગી અને તેમણે રૌનક પંડિતને હા કહી દીધી.

બ્રેકઅપ થઈ ગયું હોત પણ...

2010માં કૉમનવેલ્થમાં હિના સિધ્ધુએ 10મી. એયર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો.

2011માં બધાં જ શૂટર્સ 2012 લંડન ઑલિમ્પિકની તૈયારી કરી રહ્યાં હતા. હિના સિધ્ધુને લાગ્યું કે તેઓ રૌનક પંડિત પાસેથી કોચિંગ લેશે.

એ સમયે રૌનક પંડિત પણ તેમના કરીઅરથી અસંતુષ્ઠ હતા. એમણે પણ હિના સિધ્ધુને મદદ કરવાનો જ નિર્ણય કર્યો.

એટલે રૌનક 2011થી હિના સિધ્ધુનાં કોચ બની ગયા. એ સમયે બન્નેનો પ્રેમ નવો નવો હતો અને હવે તેઓ કોચ અને સ્ટુડન્ટની ભૂમિકામાં પણ આવી ગયા.

તાલીમના સમયે બન્ને વચ્ચે ખૂબ ઝઘડા થવા લાગ્યા. તેમણે એક મનોચિકિત્સકને તેમની ટીમમાં સામેલ કર્યા. જે રમત દરમિયાન માનસિક પરિસ્થિતિને સમજાવી શકે.

પછી આવી 2012 ઑલિમ્પિક ગેમ્સ. હિના સિધ્ધુની મહેનત અને તાલીમ ફળ આપી રહી હતી.

હિના ફાઇનલમાં ક્વૉલિફાઇ કરી લેતાં પણ સામેની ખેલાડીના સમર્થકોની ભીડના અવાજના કારણે તેમનું ધ્યાન ભંગ થઈ ગયું અને તે ફાઇનલ સુધી ન પહોંચી શક્યાં.

આ ઘટનાથી હિના સિધ્ધુ અંદરથી હલી ગયા, લગભગ બે મહિના સુધી તેમને આ વાતનો અફસોસ રહ્યો.

ત્યારે લાગ્યું કે બન્ને વચ્ચે બ્રેકઅપ ના થઈ જાય. રૌનક કહે છે કે હિના સિધ્ધુને લાગવા લાગ્યું કે આપણે બન્ને બહુ લડીએ છીએ, આ સંબંધ આગળ નહીં વધી શકે.

પરંતુ રૌનક પંડિતને ભરોસો હતો તેમણે હિનાને સમય આપવાનું કહ્યું. એ સમય દરમિયાન કેનેડાના મનોવૈજ્ઞાનિકે બન્નેને ખૂબ મદદ કરી અને સમય સાથે સ્થિતિ સુધરવા લાગી.

2013માં લગ્ન

બન્ને એ 2013માં લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

હિના સિધ્ધુ કહે છે લગ્ન પછી 2014નું વર્ષ તેમના માટે ખૂબ જ સારું રહ્યું. એ વર્ષે તેઓ શૂટિંગમાં નંબર એકની પોઝિશન પર પહોંચી ગયા હતા. આવી સિદ્ધિ મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા પણ બન્યાં.

આ વર્ષના કૉમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતવાનો શ્રેય તેમણે રૌનક પંડિતને આપ્યો.

પરંતુ આ જીતનો અસલી હિરો તો વિશ્વાસ છે. જે હિના સિધ્ધુ અને રૌનક પંડિતને ક્યારેક કોચ-સ્ટુડન્ટ તો ક્યારેક પતિ-પત્ની બનીને સતત બાંધી રાખે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો