You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર કોરિયાની અણુ પરીક્ષણ અટકાવવાની જાહેરાત આંતરરાષ્ટ્રીય સમુદાય માટે કેટલી મહત્ત્વપૂર્ણ?
ઉત્તર કોરિયાના નેતા કિમ જૉંગ-ઉને જાહેરાત કરી છે કે તેમનો દેશ હવે પછી પરમાણુ મિસાઇલ પરીક્ષણ નહીં કરે તથા તેની પરમાણુ પરીક્ષણની સાઇટને પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેશે.
ઉત્તર કોરિયાની સરકારી સમાચાર સંસ્થા કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે, 'કોરિયન મહાદ્વીપ'માં શાંતિ સ્થપાય અને આર્થિક વિકાસ થાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે આ જાહેરાતને આવકારી છે.
આવતા અઠવાડિયે જૉંગ-ઉન તથા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન વચ્ચે મુલાકાત થવાની છે.
આ જાહેરાતને આવકારતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર લખ્યું, "ઉત્તર કોરિયા તમામ પરમાણુ પરીક્ષણો તથા મુખ્ય સાઇટને બંધ કરવા તૈયાર થઈ ગયું છે. જે ઉત્તર કોરિયા અને સમગ્ર વિશ્વ માટે સારા સમાચાર છે."
જુલાઈ મહિના પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ તથા કિમ જૉંગ-ઉન વચ્ચે શિખર મંત્રણા યોજાય તેવી શક્યતા છે.
જો આ બેઠક મળશે તો અમેરિકાના રાષ્ટ્રપતિએ કાર્યકાળ દરમિયાન જ ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા સાથે મુલાકાત કરી હોય તેવી આ પ્રથમ ઘટના હશે.
'પાડોશીઓ જેવી વાતચીત'
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂનના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, "ઉત્તર તથા દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા તથા અમેરિકાની મંત્રણા પહેલા આ જાહેરાતથી સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની પ્યૉંગયાંગની મુલાકાત બાદ બંને દેશોના સર્વોચ્ચ નેતાઓ વચ્ચે હોટલાઈન શરૂ કરવામાં આવી છે.
જૉગ-ઉન તથા મૂન વચ્ચે ટેલિફોનિક હોટલાઇન શરૂ કરવામાં આવી છે. એક દાયકામાં બંને રાષ્ટ્રોના સર્વોચ્ચ નેતાઓ વચ્ચે પહેલી વખત વાતચીત થઈ હતી.
દક્ષિણ કોરિયાના અધિકારીએ સ્થાનિક મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે આ વાતચીત ચાર મિનિટ 17 સેકન્ડ સુધી ચાલી હતી. બે પાડોશી મિત્રો વાતચીત કરતા હોય તેવી રીતે આ વાતચીત થઈ હતી.
1950-53 દરમિયાન કોરિયા યુદ્ધ ચાલ્યું હતું. જેમાં બંનેમાંથી કોઈ દેશનો વિજય થયો ન હતો.
મહત્ત્વપૂર્ણ પગલું ?
સિઓલ ખાતે બીબીસી ન્યૂઝના પત્રકાર લૌરા બિકર ઉત્તર કોરિયાની જાહેરાતને મહત્ત્તવપૂર્ણ જણાવે છે.
તેમના કહેવા પ્રમાણે, "ટેકનોલોજિમાં મહારત મળી ગઈ હોવાથી કિમે વધુ મિસાઇલ પરીક્ષણ નહીં કરવાની જાહેરાત કરી છે. કારણ કે, અણુ હથિયારોની ટેકનોલોજિમાં ઉત્તર કોરિયાએ સજ્જતા મેળવી લીધી છે.
"અગાઉ નવવર્ષના સંબોધન સમયે પણ કિમ જૉંગ-ઉને અણુ હથિયારોમાં સજ્જતા પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.
"છ અણુ પરીક્ષણો બાદ ઉત્તર કોરિયાને તેની ડિઝાઇન્સમાં ફેરફાર કરવાની જરૂર નહીં જણાઈ હોય.
"ઉત્તર કોરિયાએ તેની પરમાણુ પરીક્ષણ સાઇટને બંધ કરી દેવાની જાહેરાત કરી છે.
"પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાય ઇચ્છે છે કે ઉત્તર કોરિયા અણુ હથિયારો ત્યજી દે. પરંતુ ઉત્તર કોરિયાએ એ દિશામાં કોઈ જાહેરાત નથી કરી."
ઉત્તર કોરિયાએ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની અવગણના કરીને અણુ તથા ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ પરીક્ષણો કર્યાં હતા.
ગત વર્ષે નવેમ્બર મહિનામાં ઉત્તર કોરિયાએ મિસાઇલ પરીક્ષણ કર્યા હતા. જે અમેરિકાના કોઈપણ ખૂણાને ટાર્ગેટ કરી શકવા માટે સક્ષમ હતી. જેની આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી હતી.
અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા સહિત આંતરરાષ્ટ્રીય સમુદાય તથા સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ પરીક્ષણોની ટીકા કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો