વિશ્લેષણ : કેરીની પેટીમાં થયેલા વિસ્ફોટને કારણે થયું હતું ઝિયા ઉલ હકનું મોત?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

17 ઑગસ્ટ, 1988. પાકિસ્તાનનું બહાવલપુર એરબેઝ. સમય બપોરના ત્રણ વાગીને 46 મિનિટ. અમેરિકન બનાવટનું હરક્યુલિસ સી-130 વિમાન ટેક ઑફ માટે રનવે પર દોડવા લાગ્યું.

વિમાનમાં જનરલ ઝિયા ઉલ હક સાથે પાકિસ્તાનના જૉઇન્ટ ચીફ ઑફ સ્ટાફ જનરલ અખ્તર અબ્દુલ રહેમાન, પાકિસ્તાન ખાતેના અમેરિકન રાજદૂત આર્નોલ્ડ રફેલ, અમેરિકન એઇડ મિશનના પાકિસ્તાન ખાતેના પ્રમુખ જનરલ હર્બર્ટ વાસમ અને પાકિસ્તાની સેનાના બીજા સિનિયર અફસરો પણ હતા.

બહાવલપુરમાં અમેરિકાની નવી ટેન્ક 'એમ આઇ અબ્રામ્સ'નું પરીક્ષણ યોજાયું હતું, તે જોવા માટે જનરલ ઝિયા આવ્યા હતા.

તેમની ઇચ્છા ત્યાં જવાની નહોતી, પરંતુ સેનાના તેમના કેટલાક સાથીઓના વારંવારના આગ્રહને કારણે તેઓ જવા માટે તૈયાર થયા હતા.

જનરલ ઝિયાના પુત્ર એજાઝુલ હકે બીબીસીને કહ્યું હતું કે, "તે વખતે તેમને હવાઈ પ્રવાસ કરવાની એક રીતે મનાઈ કરવામાં આવેલી હતી.

"ગૃહપ્રધાને તેમને ચેતવણી આપેલી હતી. તેમની ઇચ્છા નહોતી છતાં તેઓ તે પ્રવાસે ગયા હતા.

"પાછળથી મને ખબર પડી હતી કે તેમના કેટલાક સાથીઓએ તેમને ત્યાં જવા માટે મજબૂર કર્યા હતા, કેમ કે ભાંગફોડ કરવાનું મોટું કાવતરું ઘડાયું હતું.

"તેમણે પોતાના નિકટના લોકોને કહ્યું પણ હતું કે કેમ આ લોકો મને વારંવાર પરીક્ષણમાં તમારે આવવું જરૂરી છે એમ કહી રહ્યા છે તે સમજાતું નથી.

"મિલિટરી ઑપરેશનના ડીજી અથવા ટેક્નિકલ ટ્રેનિંગના ડીજી કે પછી વાઇસ ચીફ ઑફ આર્મી પણ ત્યાં જઈ શક્યા હોત."

તમે આ વાંચ્યું કે નહીં?

પાકિસ્તાનનું સૌથી મહત્ત્વનું વિમાન થયું લાપતા

પાક-1 વિમાનના કૉકપીટમાં હતા વિંગ કમાન્ડર માશૂદ હસન. તેમને જનરલ ઝિયા ઉલ હકે ખાસ આ વિમાનના કમાન્ડર તરીકે પસંદ કર્યા હતા.

વિમાન હવામાં ઊડવા લાગ્યું તે સાથે જ બહાવલપુરના કન્ટ્રોલ ટાવર પરથી માશૂદ હસનને રુટિન પ્રમાણે પૂછવામાં આવ્યું હતું, 'તમારી પોઝિશન જણાવશો.'

માશૂદે જવાબ આપ્યો, 'પાક-1 સ્ટેન્ડ બાય.' આ પછી તેઓ ચૂપ થઈ ગયા. કન્ટ્રોલ ટાવરમાંથી તેમની સાથે સંપર્ક કરવાની કોશિશ થતી રહી... પણ સંપર્ક થઈ શક્યો નહીં.

ટેક ઑફ કર્યાની થોડી જ મિનિટોમાં પાકિસ્તાનનું સૌથી મહત્ત્વનું વિમાન પાક-1 લાપતા થઈ ગયું હતું.

જનરલ બેગે ઉપરથી કરી નજર

તે જ વખતે એરબેઝથી 18 કિમી દૂર કેટલાક ગામજનોએ આકાશમાં જોયું તો પાક-1 વિમાન હવામાં ગડથોલિયા ખાઈ રહ્યું હતું.

ત્રણેક વાર ગોળ ગોળ ઘૂમ્યા પછી તે સીધું જ નીચે જઈને પડ્યું અને આગનો મોટો ગોળો ત્યાં ઊઠ્યો.

સમય હતો ત્રણ વાગીને 51 મિનિટ. તે જ વખતે પાકિસ્તાની સેનાના ઉપપ્રમુખ લેફ્ટનન્ટ જનરલ મિર્ઝા અસલમ બેગે બહાવલપુરના એરબેઝ પરથી પોતાના નાના ટર્બો જેટ વિમાનને હવામાં તરતું કર્યું.

થોડી જ મિનિટો પછી તેઓ એ જગ્યાની ઉપર પહોંચી ગયા હતા, જ્યાં નીચે જનરલ ઝિયાનું વિમાન સળગી રહ્યું હતું.

ઘટનાસ્થળની આસપાસ ચક્કર લગાવ્યા બાદ તેમણે પાઇલટને વિમાન સીધું ઇસ્લામાબાદ લઈ લેવા કહ્યું.

જનરલ અસલમ બેગ યાદ કરતા કહે છે, "જનરલ ઝિયાએ ટેક ઑફ કર્યું તેની ચાર કે પાંચ મિનિટ બાદ જ મારું વિમાન ઉપડ્યું હતું. થોડી જ મિનિટોમાં મને ખબર મળ્યા કે જનરલ ઝિયાનું વિમાન ક્રેશ થઈ ગયું છે.

"હું ત્યાંથી ઉપરથી પસાર થયો તો જોયું કે નદી કિનારે વિમાન તૂટેલું પડ્યું હતું. અમારા કેટલાક લોકો ત્યાં દોડી ગયા હતા.

"મેં વિગતો જાણવા માટે તેમનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે બધું જ ખતમ થઈ ગયું છે."

"કોઈ પણ વ્યક્તિ જીવિત બચી નહોતી. તે પછી મેં વિચાર કર્યો કે ફરી બહાવલપુર જાવ... પછી ત્યાંથી હેલિકૉપ્ટર બોલાવીને જઈશું... એવું વિચારતો હતો, પણ ખ્યાલ આવ્યો કે સાંજે ત્યાંથી ઉડ્ડયન કરવું શક્ય નહોતું. તેથી મેં સીધા ઇસ્લામાબાદ જવાનું નક્કી કર્યું હતું.

તે વખતે મારી સાથે વિમાનમાં બ્રિગેડિયર જહાંગીર કરામત પણ હતા. મેં તેમને પણ પૂછ્યું હતું કે શું કરીશું? તેમણે પણ કહ્યું કે સીધા પિંડી જ પાછા જઈએ, કેમ કે હવે શું થશે તેની અમને કશી ખબર નહોતી."

મહત્ત્વની વ્યક્તિનું મોત

આ તરફ ઇસ્લામાબાદમાં અફવા ફેલાવા લાગી કે કોઈ મહત્ત્વની વ્યક્તિનું મોત થઈ ગયું છે. તે વખતે ઇસ્લામાબાદમાં ભારતના ડેપ્યુટી હાઇ-કમિશનર હતા ટી. સી. એ. રંગાચારી.

બીસીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "બપોરે વિમાન ક્રેશ થયું હતું. તે પછી તરત મને ખબર મળી હતી કે શું થયું છે. તે દિવસે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રીય દિવસનું રિસેપ્શન હતું.

"ઇન્ડોનેશિયાની ઍમ્બેસીમાં અમે ભેગા થયા હતા, ત્યારે જોયું કે અમેરિકન ઍમ્બેસીમાંથી કોઈ આવ્યું નહોતું. પાકિસ્તાનમાંથી પણ નીચલા દરજ્જાના અમલદારો જ આવ્યા હતા.

"સત્તાવાર રીતે છેક રાત્રે નવ વાગ્યે પાકિસ્તાન ટીવી પર આ વાતની જાહેરાત કરવામાં આવી હતી."

સીઆએ પર શંકા

ઝિયાના મોત પછી પાકિસ્તાનમાં ચૂંટણી થઈ અને બેનઝીર ભુટ્ટો સત્તા પર આવ્યાં. જોકે હજી સુધી એ સવાલોના કોઈ જવાબ નહોતા મળી રહ્યા કે પાક-1 વિમાન તૂટી કેમ પડ્યું હતું?

બેનઝીર ભુટ્ટોએ પોતાની આત્મકથા 'ધ ડૉટર ઑફ ધ ઇસ્ટ'માં લખ્યું હતું કે અલ્લાની મરજીથી ઝિયાનું મોત થયું હતું.

અમેરિકાએ દુર્ઘટનાની તપાસ કરવા માટે અમેરિકન એરફોર્સની ટીમને પાકિસ્તાન મોકલી હતી.

તપાસ ટીમે રફેલનાં પત્ની એલી રફેલ અને બ્રિગેડિયર જનરલ વાસમનાં પત્ની જૂડીને જણાવ્યું હતું કે દુર્ઘટના ટેક્નિકલ કારણોસર થઈ હતી.

બીજી બાજુ, પાકિસ્તાને કરેલી તપાસમાં ખ્યાલ આવ્યો હતો કે ષડયંત્રને કારણે દુર્ઘટના થઈ હતી.

વિમાનના 'એલિવેટર બૂસ્ટર પેકેજ'માં ગરબડ કરવામાં આવી હોવાના પુરાવા મળ્યા હતા.

મેં તે વખતના આઈએસઆઈના વડા હામિદ ગુલને પણ પૂછ્યું હતું કે, તમારી દૃષ્ટિએ આ કાવતરા પાછળનો કોનો હાથ હોઈ શકે છે.

ગુલે મને જવાબમાં કહ્યું હતું કે, "તેમની હત્યા કરવામાં આવી હતી તેમાં કોઈ શંકા નથી. તે કોઈ અકસ્માત નહોતો. તપાસ કરવામાં આવી તેમાં પણ એવો જ ખ્યાલ આવ્યો હતો.

"મેં મારા બધા જ વિશ્લેષણોમાં કહ્યું છે કે શંકા અમેરિકા પર જાય છે, કેમ કે તેમને જ ફાયદો થયો હતો.

"પાકિસ્તાનને તે લોકોએ અસ્થિર કરી દીધું અને આજ સુધી અમે તે સ્થિતિમાંથી બહાર આવી શક્યા નથી.

"એ વાતમાં પણ કોઈ શંકા નથી કે આઈએસઆઈ કાવતરાને અટકાવવામાં નિષ્ફળ રહી હતી."

"જોકે આઈએસઆઈએ તેમના અહેવાલોમાં વારંવાર પ્રમુખના કાર્યાલયને ચેતવણી આપી હતી કે તેમની 'મૂવમૅન્ટ' થવી જોઈએ નહીં અને તેમની જિંદગી પર ખતરો છે.

"અમને એવા અણસાર મળી રહ્યા હતા કે કેટલાક શક્તિશાળી જૂથો તેમનાથી નારાજ છે.

"તેમણે જૂનેજોની સરકારને હટાવી અને તે પછી શરિયત કાનૂન લાગુ કરવાની વાતો કરવા લાગ્યા હતા. તેના કારણે પશ્ચિમના દેશો ચોંકી ગયા હતા.

"તેના કારણે લાગતું હતું કે તેમના તરફથી કોઈ મોટો ફટકો જરૂર મારવામાં આવશે કે પછી આવું કશુંક કરવાની કોશિશ થશે."

અમેરિકાના રાજદૂત પણ હતા વિમાનમાં

જોકે ભારતની ગુપ્તચર સંસ્થા રૉના તે વખતના વડા આનંદ કુમાર વર્માનું માનવું છે કે અમેરિકાની સીઆઈ (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી)એ પાસે ઝિયાની હત્યા કરવાનું કોઈ કારણ નહોતું.

એ પણ ના ભૂલવું જોઈએ કે વિમાનમાં અમેરિકાના રાજદૂત પણ સવાર હતા.

વર્માએ બીબીસીને જણાવ્યું, "સીઆઈએને ઝિયાને હટાવવામાં કોઈ રસ નહોતો. હકીકતમાં અફઘાનિસ્તાનમાં તેઓ સીઆઈએને મદદ કરી રહ્યા હતા. આવું કોઈ પગલું લેવાની તેને જરૂર નહોતી.

બીજું, સીઆઈએ હવે આ પ્રકારની ભાંગફોડ નથી કરતું, કેમ કે તેને હવે અમેરિકાના પ્રમુખ પાસેથી આના માટે મંજૂરી લેવી પડતી હોય છે."

ઝિયાના સાથી જનરલો પર શંકા

કેટલાક લોકોનું માનવું છે કે જનરલ ઝિયાથી નારાજ સાથી અફસરોએ પણ હત્યા કરાવી હોઈ શકે છે.

જનરલ મિર્ઝા અસલમ બેગ અલગ વિમાનમાં બહાવલપુરથી ઉડ્યા અને દુર્ઘટનાની જાણ થતા જ બહાવલપુર પરત જવાના બદલે ઇસ્લામાબાદ જતા રહ્યા તેની સામે પણ આંગળી ચિંધાઈ હતી.

જનરલ ઝિયાના પુત્ર એજાજ ઉલ હકે બીબીસીને કહ્યું હતું કે, "આટલી મોટી દુર્ઘટના પછીય તમે ટેક ઓફ કર્યું અને ત્યાંથી જતા રહ્યા.

"બીજાને તપાસ કરવાનું કહ્યું. તમારા પાકિસ્તાનના પ્રમુખ, ચીફ ઑફ સ્ટાફ અને તમારા 29 સાથી સાથે આવડી મોટી દુર્ઘટના થઈ ત્યારે નોર્મ્સ પણ એવું કહે છે તમે ત્યાં જઈને તપાસ કરો.

"તમે એટલી પણ પરવા ના કરી કે ત્યાં ઉતરાણ કરીને જાતે તપાસ માટે પહોંચો.

"તમે તરત જ ઇસ્લામાબાદ પહોંચી જવાની કોશિશ કરી કે જેથી સત્તા ટેક ઓવર કરી શકાય. જોકે તે વખતે ગુલામ ઇસાક ખાં અને સાથેસાથે એર ચીફે પણ કહ્યું કે હવે લોકતાંત્રિક રીતે જ સત્તા પરિવર્તન થશે."

ઝિયાએ કર્યું નિયમોનું ઉલ્લંઘન

મેં આ વાત જનરલ અસલમ બેગને પૂછી ત્યારે તેમણે તદ્દન નકારી કાઢી હતી. તેમનું કહેવું હતું કે જનરલ ઝિયાએ જ કહ્યું હતું કે તમે તમારું વિમાન લઈને આવ્યા છો તો પછી તેમાં જ આવો.

જનરલ બેગ કહે છે, "રીત એવી હોય છે કે 'ચીફ' આવી રહ્યા હોય, ત્યારે મારે તેમનું સ્વાગત કરવાનું હોય છે. હું પોતે પણ એ જ વિમાનમાં જાઉં તો તેમનું સ્વાગત કેવી રીતે કરું?

"તેથી હું પહેલાં પહોંચ્યો હતો, તે પછી તેમનું સ્વાગત કર્યું અને ટેન્કોનું નિરીક્ષણ કરાયું, ત્યારે તેમની સાથે રહ્યો.

"અમારો બીજો પણ એક નિયમ હોય છે કે બધા જ અફસરો એક સાથે એક જ વિમાનમાં કે એક જ હેલિકૉપ્ટરમાં પ્રવાસ ના કરે. જોકે, જનરલ ઝિયા પોતે જ તે નિયમનું ઉલ્લંઘન કરતા હતા.

"તેમને જે ગમતા હોય તેમને કહે કે 'આવો, મારી સાથે જ બેસી જાવ.' તેમણે છ કે સાત લોકોને આ રીતે પોતાની સાથે બેસાડી દીધા હતા. તે લોકોના નામ પણ યાદીમાં નહોતા."

સિયાચિન વિશે ભારત અને પાકિસ્તાનની ખાનગી વાતચીત

બીજી બાજુ, 1988માં ભારતની ગુપ્તચર સંસ્થા રૉના વડા આનંદ કુમાર વર્માએ બીબીસીની સામે રહસ્ય ખોલતા કહ્યું હતું કે બહુ ઓછા લોકોને જાણકારી હતી કે ઝિયાનું મોત થયું, ત્યારે ભારત અને પાકિસ્તાન સિયાચિનના મુદ્દે સમાધાન કરી લેવાની બહુ નજીક પહોંચી ગયા હતા.

કેટલાક લોકો ઇચ્છતા નહોતા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમાધાન થાય એટલે પણ ઝિયાને હટાવી હટાવી દેવાયા હતા.

વર્મા કહે કહે છે, "ભારત અને પાકિસ્તાન વચ્ચે બહુ અગત્યની વાતચીત ચાલી રહી હતી, ત્યારે જ ઝિયાનું મોત થયું.

પાકિસ્તાનની પહેલને કારણે સિયાચિન પર સમાધાન માટે વાતચીત અગત્યના તબક્કે પહોંચી ગઈ હતી. આ વિશે ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી અને તેમના બે સલાહકારોને પણ ખબર હતી.

વાતચીત અંતિમ તબક્કામાં હતી અને જનરલ ઝિયાએ પોતાની રીતે મંજૂરી પણ આપી દીધી હતી. જોકે તેમણે પોતાના કૉર કમાન્ડર્સની સહમતી લેવાની હતી.

મને લાગે છે કે જે લોકોએ તે વખતે સહમતી આપી હશે, પણ પાછળથી લાગ્યું હશે ખોટું થઈ રહ્યું છે. તેથી કોઈ પણ રીતે તેને રોકવાની યોજના ઘડાઈ હશે અને તે યોજના સફળ પણ રહી.

કેટલાક લોકો એવું પણ માને છે કે આ સમાધાન થઈ શક્યું હોત તો ઝિયા ઉલ હક અને રાજીવ ગાંધી બંનેને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હોત.

કેજીબી અને રૉ પર પણ શંકા

કેટલાક વર્તુળોમાં રશિયાની જાસૂસી સંસ્થા કેજીબી અને ભારતીય સંસ્થા રૉનો હાથ હોવાની પણ ચર્ચા થઈ હતી.

મેં આ વિશે આઈએસઆઈના તે વખતના વડા હમીદ ગુલને આ વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે કહેલું કે 'રૉ આમ પણ બહુ રૉ (એટલે કે કાચી) સંસ્થા ત્યારે હતી.

આવું કાવતરું પાર પાડવાની ક્ષમતા તેની નહોતી. હા, કેજીબી પર શંકા જાય ખરી, પણ તેણે આવું કરવું જ હોત, ત્યારે શા માટે કર્યું?

કેજીબી જ્યારે ફસાયેલી હતી, જ્યારે રશિયાએ અફઘાનિસ્તાનમાં રહેવું કે ના રહેવું તે નક્કી કરવાનું હતું, ત્યારે તેની પહેલાં આવું પગલું કદાચ લીધું હોત.'

તપાસમાં પણ ગરબડ

જનરલ ઝિયાના પુત્ર એજાઝ ઉલ હકને દુર્ઘટનાની જે રીતે તપાસ થઈ તેનાથી જરાય સંતોષ નહોતો. તપાસ કરવાને બદલે સમગ્ર મામલે ઢાંકપીછોડો કરવાની કોશિશ થઈ હતી એમ તેમનું કહેવું છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું, "આ અકસ્માતની જ્યુડિશિયલ તપાસ જસ્ટિસ શફિઉર રહેમાનને સોંપવામાં આવી હતી. તેમણે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે આ એક સેબોટેજ હતું, ભાંગફોડ થઈ હતી.

પરંતુ આ મામલાની તપાસ ફોજદારી રાહે નહીં થાય ત્યાં સુધી સાચી વાત બહાર નહીં આવે. તેમણે જણાવ્યું હતું કે વિમાનનો કાટમાળ એરફોર્સના હેંગરમાં રાખવામાં આવ્યો હતો.

મુલ્તાનના કોઈ અફસરે ન્યાયાધીશને જણાવ્યું હતું કે કદાચ વિમાનને મિસાઇલથી ઊડાવી દેવાયું હતું.

વિમાનના નીચેના ભાગમાં અંદરની તરફ મોટું ગાબડું પડ્યું હતું. બહારથી ધક્કો લાગે અને અંદરની તરફ ગાબડું પડે તે રીતે.

આ બાબતની ખરાઈ કરવા માટે તેમણે એરફોર્સને જણાવ્યું, ત્યારે તેને જવાબ મળ્યો કે હેંગરમાં માત્ર વિમાનની પૂંછડી, પાછળનો હિસ્સો જ પડેલો છે.

40 કલાક પછી તેઓ ત્યાં જાતતપાસ માટે પહોંચ્યા, ત્યારે કાટમાળ ત્યાંથી હટાવી લેવાયો હતો. બાદમાં સત્તાવાર રીતે સમગ્ર વિમાનનો કાટમાળ ભંગારમાં આપી દેવાયો હતો."

કેરીની પેટીમાં નર્વ ગેસ

એક એવી પણ થિયરી છે કે ઝિયાના વિમાનમાં કેરીની પેટી સાથે નર્વ ગેસ રાખી દેવામાં આવ્યો હતો. તેના કારણે પાઇલટ બેભાન થઈ ગયો અને વિમાન તૂટી પડ્યું.

જનરલ અસલમ બેગ કહે છે, "વિસ્ફોટક કેરીની જે વાત કરવામાં આવી રહી છે, તે હકીકતમાં તેમના જ પર્સનલ સેક્રેટરી જનરલ મહમૂદ દુર્રાનીએ મૂકાવી હતી.

તમને નવાઈ લાવશે કે હું ઇસ્લામાબાદ પહોંચ્યો તે સાથે જ મારા કાને એવી વાતો પડવા લાગી હતી કે આના માટે પણ જનરલ અસલગ બેગ જ જવાબદાર છે.

આવી અફવાઓ ત્યારે જ ફેલાવી શકાય જ્યારે પહેલેથી નક્કી કરી લેવાયું હોય કે આવી અફવા ફેલાવાની છે.

તમને ખ્યાલ જ હશે કે તે વખતે સીઆઇએનું સૌથી મોટું નેટવર્ક પાકિસ્તાનમાં હતું. આવી અફવા ફેલાવાનું કામ તેમનું જ હતું.

બીજા કોઈ આવી અફવા ના ફેલાવી શકે. તેમની પોતાની પર શંકા ના થાય એટલા માટે બીજા કોઈના માથે દોષનો ટોપલો નાખી દેવાનો હતો."

આજ સુધીમાં કોઈ તપાસકર્તાએ આ બધી જ શંકાસ્પદ બાબતોને એક સાથે રાખીને રહસ્ય પરનો પડદો હટાવવાની કોશિશ નથી કરી.

કદાચ એટલા માટે કે સત્ય કેટલાક લોકો માટે બહુ કડવું સાબિત થઈ શકે તેમ હતું.

આવું રહસ્ય બહાર આવે તો આમ પણ મુશ્કેલીમાં ફસાયેલા પાકિસ્તાન માટે નવી મુસિબત ઊભી થાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો