You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇમરાન ખાન પર પાકિસ્તાનના આર્થિક ઉદ્ઘારનો ભાર
ક્રિકેટરથી પાકિસ્તાનના વડા પ્રધાન બનેલા ઇમરાન ખાનને વારસામાં મળેલા દેશનો તેઓ કેટલો ઉદ્ઘાર કરી શકશે? તેમના મનમાં પણ સતત આ સવાલ થઈ રહ્યો હશે કારણ કે તેમને ખબર છે કે પાકિસ્તાનની સરકારી તિજોરીના તળિયાઝાટક થઈ ગયા છે અને દેશની અર્થવ્યવસ્થા અનેક પ્રકારની મુસીબતોમાં અટવાયેલી છે.
પાકિસ્તાનની દેવાદાર બનવાની સમસ્યા અટકવાનું નામ નથી લેતી. સાઉદી સમર્થિત ઇસ્લામિક ડેવલપમૅન્ટ બૅન્ક પાસેથી પાકિસ્તાન ચાર અબજ ડૉલરનું દેવું લેવાનું વિચારી રહ્યું છે.
વિદેશી ભંડોળની અછતના પગલે પાકિસ્તાન આ પગલું ભરી રહ્યું છે.
જેદા સ્થિત અધિકારીઓએ ફાઇનાન્સિયલ ટાઇમ્સને કહ્યું કે ઇમરાન ખાનની નવી સરકારને ઋણ આપવા માટે બૅન્ક પ્રાથમિક રીતે તૈયાર થઈ ગઈ છે.
ઇસ્લામાબાદ સ્થિત અધિકારીએ ફાઇનાન્સિયલ ટાઇમ્સને કહ્યું કે ઔપચારિકતા પૂર્ણ થઈ ગઈ છે અને ઇસ્લામિક ડેવલપમેન્ટ બૅન્ક ઇમરાન ખાનની શપથ સમારોહની રાહ જોઈ રહી છે.
અધિકારીઓએ એવું પણ કહ્યું છે કે આ દેવાથી પાકિસ્તાનનું સંકટ સમાપ્ત નહીં થાય.
તમે આ વાંચ્યું કે નહીં?
કારણ કે આ નાણાકીય વર્ષમાં પાકિસ્તાને 25 અબજ ડૉલરની જરૂર છે. જોકે તેમણે કહ્યું કે ચાર અબજ ડૉલર આ મોટી રકમનો મહત્ત્વનો ભાગ છે.
ઇમરાન ખાન સામે સત્તા સંભાળવાની સાથે જ દેશનાં દેવાં ચૂકવવાનો પડકાર હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનમાં આયાત ખૂબ જ વધી રહી છે અને નિકાસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
જેના લીધે દેશના વેપારની ખોટની ખાઈ સતત ઊંડી થતી જઈ રહી છે અને વિદેશની મુદ્રાનો ભંડાર ખાલી થવાના આરે છે.
કરજની તાત્કાલિક જરૂરિયાત
આ અઠવાડિયામાં શપથ લેનારી નવી સરકારમાં નાણાં મંત્રી તરીકેની જવાબદારી અસદ ઉમરને સોંપવામાં આવે તેવી શક્યતા છે.
તેમણે કહ્યું, "પાકિસ્તાનની કેન્દ્રીય બૅન્ક પાસે 10 અબજ ડૉલર છે. અમને ટૂંકા ગાળાની 8થી 10 અબજ ડૉલરની લોન ગમે ત્યાંથી મળી જશે. ત્યાર બાદ પણ અમારી જરૂરિયાત પૂરી થશે નહીં."
પાકિસ્તાનના અધિકારીઓની યોજના આંતરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) પાસેથી લોન લેવાની છે.
પાકિસ્તાન તેમની પાસેથી 12 અબજ ડૉલરની મદદ લેવાનું વિચારી રહ્યું છે.
પરંતુ ત્યાંથી લોન મેળવી પણ સરળ નથી. કારણ કે આઈએમએફ પાકિસ્તાન પાસેથી ખાંડના કરજની વિગતો માંગી શકે છે જે હજુ સુધી ગોપનીય છે.
ચીન નથી ઇચ્છતું કે પાકિસ્તાન ચાઇના-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરીડૉર અંતર્ગત આપવામાં આવેલા કરજને સાર્વજનિક કરે.
વધુમાં અમેરીકાએ આઈએમએફને ચેતવણી આપી છે કે તે પાકિસ્તાનને અમેરીકન ડૉલર ન આપે.
પાકિસ્તાન પાસે વધુ વિકલ્પો નથી. પાકિસ્તાનના અધિકારીઓનું કહેવું છે કે આ રકમ મોટાભાગે ખનીજ તેલની આયાત માટે ચૂકવાઈ જશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજ તેલની વધતી જતી કિંમતોના લીધે પાકિસ્તાનની સમસ્યામાં વધારો થયો છે.
જોકે તાજેતરમાં પાકિસ્તાન અને સાઉદી અરબની વચ્ચે નિકટતા વધી છે અને તેના પગલે ઇસ્લામિક ડેવલપમૅન્ટ બૅન્ક પાકિસ્તાનને ચાર અબજ ડૉલરનું કરજ આપવા તૈયાર થઈ ગઈ છે.
પાકિસ્તાન સાઉદીમાં અઘોષિત સંખ્યામાં પોતાના સૈનિકો મોકલવા રાજી થઈ ગયું છે.
પાકિસ્તાની સૈનિકો સાઉદી સૈનિકોને તાલીમ આપશે. પાકિસ્તાને કહ્યું છે કે તેમના સૈનિકો યમનમાં સાઉદી માટે નહીં લડે. આના પહેલાં સાઉદી અરબે આ માંગ કરી હતી.
કથળતો જતો પાકિસ્તાની રૂપિયો
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ચોમેરથી સંકટમાં ઘેરાયેલી છે. પાકિસ્તાની મુદ્રા રૂપિયાની કિંમત અમેરીકાના ડૉલરની સરખામણીએ છેલ્લા સાત મહિનામાં 20 ટકા ઘટી છે.
ચૂંટણી પહેલાં પાકિસ્તાનમાં એક ડૉલરની કિંમત 130 રૂપિયાએ પહોંચી ગઈ હતી.
આ મહિને જ જ્યારે પાકિસ્તાનને ચીન બે અબજ ડૉલરનું કરજ આપવા રાજી થયું ત્યારે રૂપિયાની સ્થિતિમાં સુધારો નોંધાયો.
હાલમાં એક ડૉલરની કિંમત 122 રૂપિયા છે. પાકિસ્તાનનું શેર બજાર દુનિયાના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા બજારોની યાદીમાં તળિયે પહોંચી ગયું છે.
પાછલા નાણાકીય વર્ષના અંત સુધી પાકિસ્તાનના ચાલુ ખાતાની ખોટ વધીને 18 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ હતી જે દેશની જીડીપીના 5.7 ટકા છે.
પાકિસ્તાનના બજેટની ખાધ બે અબજ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
આવી સ્થિતિમાં પાકિસ્તાનને આઈએમએફનો રસ્તો દેખાય છે. પાકિસ્તાન 1980થી અત્યાર સુધી 12 વખત આઈએમએફ સુધી પહોચ્યુ છે.
અસદ ઉમર પાકિસ્તાનના આગામી નાણા મંત્રી બનશે તેવું કહેવાઈ રહ્યું છે.
તેઓ સતત કહી રહ્યાં છે કે નવી સરકારનું ગઠન થયાના 6 મહિનામાં જ ઓછામાં ઓછુ 12 અબજ ડૉલર કરજ કોઈ પણ સ્રોતમાંથી લેવું પડશે.
અનેક વિશ્લેષકોનું કહેવું છે કે પાકિસ્તાને ચીન, સાઉદી અરબ, એશિયન ડેવલપમૅન્ટ બૅન્ક, અને ઇસ્લામિક ડેવલપમૅન્ટ બૅન્ક પાસેથી વધુ અપેક્ષા રાખવી જોઈએ નહીં.
ફક્ત આઈએમએફ જ પાકિસ્તાનને રાહત આપી શકે છે.
ચીનથી જ મુશ્કેલી?
પાકિસ્તાનના કાર્યવાહક નાણા મંત્રી સલમાન શાહે "ધ ડિપ્લોમેટ" મૅગેઝિનને કહ્યું કે "ફક્ત આઈએમએફની મદદથી કામ નહીં ચાલે.”
“ આ સ્થિતિ ત્યારે જ સુધરશે જ્યારે પાકિસ્તાન કાયદાઓ અને નીતિઓથી સમસ્યા પર ધ્યાન આપશે. પાકિસ્તાનમાં અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી સંસ્થાઓને સુધારવાની જરૂર છે."
પાકિસ્તાનના પૂર્વ નાણા મંત્રી અફઝલ ખાનએ કહ્યું છે કે "જ્યારે નવાઝ શરીફને પ્રધાનમંત્રી પદથી હટાવવામાં આવ્યા ત્યારે દેશની આર્થિક હાલતમાં ઝડપી ઘટાડો નોંધાયો હતો. ”
તેમનું કહેવું છે કે નવાઝના હટતાજ વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનો નિર્ધાર બદલાઈ ગયો હતો.
વિદેશી કંપનીઓને લાગ્યું કે પાકિસ્તાન ફરી એકવાર રાજકીય સંકટ તરફ વધી રહ્યું છે.
ખાનનું કહેવું છે કે કોઈ પણ મુદ્રાની મજબૂતી માર્કેટના સૅન્ટિમૅન્ટ પર આધારિત હોય છે.
માર્કેટનું સૅન્ટિમૅન્ટ રાજકીય સૅન્ટિમૅન્ટ દ્વારા સંચાલિત હોય છે.
પાકિસ્તાનનું દેવું અસંતુલિત વ્યાપારિક ખોટના કારણે અટકવાનું નામ નથી લેતું.
કારણ કે પાકિસ્તાનની આયાત સતત વધી રહી છે ગત નાણાકીય વર્ષના અંત સુધી દેશની આયાત 60.898 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ હતી.
પાકિસ્તાનના અર્થશાસ્ત્રી સલમાન શાહે "ધી ડિપ્લોમેટ"ને કહ્યું છે કે પાકિસ્તાનની ખોટમાં ચીનની ભૂમિકા મોટી છે.
પાકિસ્તાન ચીન પાસેથી આયાતની સામે નહિવત્ નિકાસ કરી રહ્યું છે. એવામાં પાકિસ્તાન ચીન સાથે ફ્રી ટ્રૅડની સમજૂતી પર ફેરવિચાર કરી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો