ઇમરાન ખાનની શપથવિધિમાં મોદીને આમંત્રણ કેમ નહીં?

    • લેેખક, વુસઅતુલ્લાહ ખાન
    • પદ, સિનિયર પત્રકાર, પાકિસ્તાનથી બીબીસી ગુજરાતી માટે

તમારે અરવિંદ કેજરીવાલ, લાલૂ જી, મોદી અને રાહુલને અલગ-અલગ જોવા પડે છે પણ અમે નસીબદાર છીએ કારણ કે અમને આ બધા એક જ માણસમાં મળી ગયા છે.

આ માણસનું નામ જો લઈ લઉં તો સોશિયલ મીડિયા પર મારે ગાળો ખાવાનો વખત આવે અને હવે ઘડપણમાં મારામાં એટલી હિંમત નથી રહી.

જ્યારે એક અઠવાડિયા પહેલાં ઇમરાન ખાનનાં પ્રવક્તા ફવ્વાદ ચૌધરીએ એ સૂચના વહેતી મૂકી કે નવા વડા પ્રધાન ખલ્લાં મેદાનમાં શપથ લેશે.

એમાં સાર્ક દેશોનાં નેતા અને ક્રિકેટ અને ફિલ્મી જગતના ઇમરાન ખાનના મિત્રોને આમંત્રણ આપવામાં આવશે ત્યારે લાખો લોકોની જેમ મારા હરખનો પણ પાર નહોતો રહ્યો.

હું વિચારવા માંડ્યો કે કેવું અદ્ભુત દૃશ્ય હશે જ્યારે પહેલી હરોળની ખુરશીઓમાં ચીફ જસ્ટિસ ઑફ પાકિસ્તાન સાકિબ નિસાર, નરેન્દ્ર મોદી, સુનિલ ગાવસ્કર, જનરલ બાજવા, આમિર ખાન, હસીના વાજિદ, નવજોત સિદ્ધુ, અશરફ ગની, કપિલ દેવ અને કપિલ શર્મા બેઠાં હશે.

શું તમે આ વાંચ્યું?

પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફનાં એક અન્ય નેતાએ તો એ પણ આશા જગાવી દીધી કે સલમાન ખાન, શાહરુખ ખાન અને ઝીનત અમાન પણ આ સમારંભમાં હાજર રહેવા માટે આતુર છે.

પણ બીજા જ દિવસે ઇમરાન ખાને એમ કહીને અમારી આશાઓ પર પાણી ફેરવી નાખ્યું કે કોઈ આવવાનું નથી.

એટલે શપથ ખૂબ જ સાદી રીતે આયોજીત કરવામાં આવશે અને બાદમાં ખારેક અને પતાસાં વહેંચી દેવામાં આવશે.

મોદીના નામે બાજી બગડી ગઈ

મને લાગે છે કે મહેમાનોને બોલાવવાની આખી બાજી મોદીનાં નામે બગડી ગઈ છે. જો મોદીને નોતરું આપવામાં આવ્યું અને એમણે આવવાની ના પાડી દીધી તો શું થશે.

અને જો તે ખરેખર આવી ગયા અને પછી કોઈ અવળચંડી ચેનલે ઇમરાન ખાનની કોઈ જૂની વીડિયો ક્લિપ દેખાડી દીધી કે જેમાં તેમણે કહ્યું હતું કે ‘નવાઝ શરીફ મોદી કા યાર હૈ, મોદી કે યારો કો એક ધક્કા ઓર દો’ તો શું થશે?

પાકિસ્તાને મારા મતે એક માસ્ટર સ્ટ્રોક ગુમાવી દીધો છે. માની લો કે મોદીએ ના આવવા માટે બહાનું બનાવ્યું તો મોટું મન રાખવા બદલ પાકિસ્તાનની દુનિયામાં વાહ-વાહ થતી અને મોદી માટે એમ કહેવાતું કે તેમની છાતી ભલે છપ્પનની હોય પણ દિલથી તો તે હજી નાના બાળક જેવા જ છે.

અને જો મોદી આવતા તો અઢી વર્ષોથી બન્ને દેશોનાં સંબંધો પર જે બરફ જામી ગયો છે તે કેટલાક અંશે ચોક્કસ પીગળતો અને બન્ને નેતાઓ જે અગાઉ પણ એકબીજાને મળી ચૂક્યા છે તે એકબીજાની મનસા સમજી શકતા.

બન્ને બાજુએ જોતા પાકિસ્તાનનું કોઈ નુકસાન તો હતું જ નહીં, પણ છબી સારી બનાવવાની આ એમના માટે એક તક હતી.

આ બહાને ઇમરાનનાં જૂના ક્રિકેટર મિત્રો અને બોલીવૂડના સુપર સ્ટાર પણ આવતા તો પાકિસ્તાનની છબી સુધરતી કે ભારતે જેવો ચિતર્યો છે પાકિસ્તાન તેવો દેશ નથી.

એ સમયે ભારત પણ પોતાની આબરૂ બચાવવાનો પ્રયાસ કરત. આ તક તો હાથમાંથી સરી ગઈ છે. હવે તો જે થશે આવતાં વર્ષે ભારતની સામાન્ય ચૂંટણીઓ બાદ જ થશે.

આશા રાખીએ કે ત્યારે ઇમરાન સરકાર પોતાનાં પગભર હોય અને એ શીખી પણ ચૂકી હોય કે પહેલા વિચારો પછી બોલો. એવું ના કરો કે થૂંક્યા બાદ એને ચાટવું પડે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો