You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનની ચૂંટણીમાં વિજેતા બનેલી મહિલા નેતાઓ
પાકિસ્તાનની સંસદમાં નવા ચહેરા સામેલ થવા તૈયાર છે. બુધવારે થયેલી ચૂંટણીઓ બાદ પરિણામ આવી ગયું છે. આ પરિણામ બાદ ઇમરાન ખાનના નેતૃત્વ વાળી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સૌથી વધુ બેઠકો પર વિજય મેળવીને સત્તા માટે દાવેદારી નોંધાવી રહ્યો છે.
ક્રિકેટરથી રાજનેતા બનેલા ઇમરાન ખાન પાકિસ્તાનના નવા વડા પ્રધાન બનવાની તૈયારીમાં છે.
રાજનૈતિક ગલીઓમાં થઈ રહેલી આ અદલા-બદલી વચ્ચે પાકિસ્તાનની ચૂંટણીમાં અન્ય એક કારણ પણ ચર્ચામાં રહ્યું હતું .
આ કારણ છે પાકિસ્તાની ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી.
આ ચૂંટણીમાં પાકિસ્તાનના ચૂંટણી અધિનિયમ 2017ની કલમ 206 મુજબ દરેક પક્ષે મહિલાઓને 5 ટકા ટિકિટ આપવી ફરજિયાત હતી.
આ જ કારણ છે કે નેશનલ ઍસેમ્બ્લીની કુલ 272 સીટો પર અલગ અલગ દળોએ 171 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી.
આ ચૂંટણીમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)એ સૌથી વધુ 19 મહિલાઓને ટિકિટ આપી હતી.
ત્યાર બાદ દક્ષિણપંથી દળ મુત્તાહિદા મજલિસ-એ-અમલ (એમએમએ)એ 14 મહિલાઓને ટિકિટ આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે પાકિસ્તાનની સત્તા નજીક પહોચેલી પીટીઆઇએ 11 મહિલાઓને ટિકિટ આપી હતી.
આ સાથે જમાત-ઉદ-દાવાની અલ્લાહ-ઓ-અકબર પાર્ટીએ પણ ત્રણ મહિલાઓને ટિકિટ આપી હતી
પાકિસ્તાનમાં પહેલી વાર 171 મહિલા ઉમેદવારો
પાકિસ્તાનની રાજનીતિના ઇતિહાસમાં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં મહિલાઓ ચૂંટણીના મેદાનમાં હતી.
વર્ષ 2013ની ચૂંટણીમાં 135 મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જ્યારે આ ચૂંટણીમાં તમામ દળોમાંથી કુલ 171 મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી.
આ મહિલા ઉમેદવારોમાં એક નામ અલી બેગમનું પણ છે. જે પુરુષ પ્રધાન કબાયલી વિસ્તારમાંથી ચૂંટણી લડનારાં પ્રથમ મહિલા ઉમેદવાર છે.
તમે આ વાંચ્યું કે નહીં?
જોકે, પાકિસ્તાન ચૂંટણીપંચનો એક નિયમ એવો પણ છે કે જો કોઈ પણ ચૂંટણી ક્ષેત્રમાં 10 ટકાથી ઓછી મહિલાઓની ભાગીદારી હોય તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા રદ થઈ જશે.
ચૂંટણીપંચની આ શરતો હોવા છતાં તમામ પાર્ટીઓએ મહિલાઓને ટિકિટ તો આપી પરંતુ મહિલા સંગઠનો દ્વ્રારા એવો આક્ષેપ કરવામાં આવ્યો કે મહિલાઓને નબળી બેઠકો પરથી ચૂંટણી લડાવવામાં આવી હતી.
આવી પરિસ્થિતિ હોવા છતાં પણ એવા કેટલાક મહિલા ચહેરાઓ છે જેમણે પાકિસ્તાનની ચૂંટણીમાં જીત મેળવી.
જુગનૂ મોહસિન
જુગનૂ મોહસિનએ પંજાબ પ્રાંતથી વિજય મેળવ્યો છે. તે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં હતાં.
જુગનૂ મોહસિન નઝમ સેઠીના પત્ની છે. તેઓ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી હતા. વર્તમાન સમયમાં નઝમ સેઠી પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડના ચેરમેન છે.
રાજનીતિ સિવાય જુગનૂ પત્રકારત્વમાં પણ સક્રિય રહ્યાં છે. તેઓ 'ધી ફ્રાઇડે ટાઇમ્સ'ના સહ સંસ્થાપક છે.
વર્ષ 1999માં તેમના પતિ નઝમ સેઠીની નવાઝ શરીફ સરકારે પત્રકારત્વથી સંબંધિત કામના કારણે ધરપકડ કરી હતી.
એ સમયે જુગનૂએ પોતાના પતિને છોડાવવા આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું હતું અને તેઓ ચર્ચામાં આવ્યાં હતાં.
ઝરતાજ ગુલ
ઝરતાજ ગુલ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીનાં ઉમેદવાર હતાં. તેમણે દક્ષિણ પંજાબની નેશનલ ઍસેમ્બ્લીની ડેરા ગાઝી ખાન-ત્રણ બેઠક પરથી જીત મેળવી છે.
ઝરતાજ ગુલએ પાકિસ્તાન મુસ્લિમ લીગના સરદાર ઓવૈસ લેઘરીને હરાવ્યા છે.
ઝરતાજ ગુલએ 79 હજાર 817 મત મેળવ્યા છે. જ્યારે સરદાર ઓવૈસને 54 હજાર 548 મત મળ્યા છે.
જીત બાદ ઝરતાજ ગુલે ટ્વીટ કરી અલ્લાહનો આભાર વ્યક્ત કર્યો. સાથે જ તેમણે પીટીઆઈના ચેરમેન ઇમરાન ખાનનો પણ આભાર વ્યક્ત કર્યો.
ઝરતાજ ગુલનો જન્મ નવેમ્બર 1994માં ફાટા પ્રાંતમાં થયો હતો. તેમના પિતા વજીર અહમદ સરકારી અધિકારી હતા.
શમ્સ ઉન નિસા
શમ્સ ઉન નિસા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સક્રિય સદસ્ય છે. તેમણે થાટા વિસ્તારમાં જીત મેળવી છે.
તેમની જીતનો અંદાજ તેમને મળેલા મત પરથી મેળવી શકાય છે. તેમને મળેલા 1 લાખ 52 હજાર 691 મતની સામે તેમના પ્રતિસ્પર્ધી પીટીઆઈના ઉમેદવાર અર્સલન બખ્શ બ્રોહીને માત્ર 18 હજાર 900 મત મળ્યા.
શમ્સ ઉન નિસા આ સીટ પર વર્ષ 2013માં ચૂંટણી જીત્યાં હતાં. વર્ષ 2013માં સાદીક અલી મેમણને બેવડી નાગરિકતાના કારણે પોતાની બેઠક ગુમાવવી પડી હતી ત્યારે શમ્સ ઉન નિસાને તક મળી હતી.
ડૉક્ટર ફહમીજા મિર્ઝા
નેશનલ એસૅમ્બલીના પૂર્વ સ્પીકર ડૉક્ટર ફહમીદા મિર્ઝાએ વિજય મેળવ્યો છે. તેઓ ગ્રાન્ડ ડેમૉક્રૅટિક અલાયન્સ (જીડીએ)ની ટિકિટ પરથી સિંઘ પ્રાંતના બાદિન વિસ્તારથી ચૂંટણી મેદાનમાં ઉતર્યાં હતાં.
ફહમીદા પાંચમી વાર પાકિસ્તાની સંસદનો હિસ્સો બનશે. એક સાથે પાંચ વાર જીતનારાં ફહમીદા પ્રથમ મહિલા ઉમેદવાર બન્યાં છે.
ડૉક્ટર ફહમીદાએ પહેલી વાર વર્ષ 1997માં પીપીપીની ટિકિટ પર નેશનલ એસૅમ્બલીની ચૂંટણી જીતી હતી. ત્યાર બાદ તેઓ વર્ષ 2002, 2008, અને 2013માં પીપીપીનાં ઉમેદવાર તરીકે જીતતાં રહ્યાં હતાં.
આ વર્ષે જૂનમાં તેમણે પીપીપીનો સાથ છોડીને જીડીએ સાથે જવાનો નિર્ણય કર્યો હતો.
પાકિસ્તાનમાં મહિલા ઉમેદાવારોની જીતથી સ્પષ્ટ થાય છે કે ધીરે-ધીરે ત્યાંની રાજનીતિમાં પણ મહિલાઓ તેમની પકડ મજબૂત બનાવી રહ્યાં છે.
જોકે પાકિસ્તાનની રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી લાંબા સમયથી રહી છે. બેનઝીર ભુટ્ટો પ્રધાનમંત્રી પદ સુધી પહોચ્યાં હતાં.
તેમના સિવાય નવાઝ શરીફના દીકરી મરિયમ શરીફથી લઈને પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર સુધી પાકિસ્તાનની સત્તાની ગલીઓમાં પોતાની જગ્યા બનાવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો