'શું એ લોકો વાજપેયીને પણ પાકિસ્તાન મોકલી દેશે?'

    • લેેખક, વુસઅતુલ્લાહ ખાન
    • પદ, વરિષ્ઠ પત્રકાર, પાકિસ્તાનથી બીબીસી ગુજરાતી માટે

એક સમય હતો જ્યારે બ્રિટિશ ઇન્ડિયાના ગદ્દારો પણ દેશભક્તોની નજરમાં હીરો રહ્યા હોય એવા હિન્દુસ્તાનીઓને 'કાળા પાણી'ની સજા થતી હતી. પછી ભારતમાં ન રહ્યા અંગ્રેજો કે ન રહી અંદમાનની 'કાળા પાણી'ની જેલ.

હવે ખતરનાક કેદીઓને નાગપુર અથવા તો દિલ્હીની તિહાડ જેલમાં કેદ કરાય છે, પણ જ્યારથી મોદી સત્તામાં આવ્યા છે, ત્યારથી 'કાળા પાણી'ની અન્ય એક સજા હોય તેમ જણાય છે અને એ જગ્યા છે પાકિસ્તાન.

શાહરુખ ખાનની આવું બોલવાની હિંમત કેવી રીતે થઈ? તેને પાકિસ્તાન મોકલી દો. આમિર ખાનની પત્ની કિરણ રાવને આજના ભારતમાં રહેવાનો ડર લાગે છે, તો પાકિસ્તાન મોકલી દો.

સંજય લીલા ભણસાલીને જો ખિલજી પર ફિલ્મ બનાવવાનો શોખ હોય તો પાકિસ્તાન જઈને ફિલ્મ બનાવે અને જો આ જેએનયુના છોકરાઓ અફઝલ ગુરુની તરફેણમાં નારેબાજી કરતા હોય તો તેમને પણ પાકિસ્તાન રવાના કરી દેવા જોઈએ.

'વન્દે માતરમ્' ન ગાઈ એ તમામ દેશદ્રોહીઓ પાકિસ્તાન જતા રહે, આ પાકિસ્તાન નથી ભારત છે. અહીંયા જેહાદ નહીં ચાલે. યુપીની શાળાઓમાં ભણતાં મુસલમાન બાળકોને અન્ય છોકરાઓ કહે છે - "અરે ઓ પાકિસ્તાની, તું શું કરે છે."

જેને હિન્દુત્વ પસંદ નથી કે જેને મોદી પસંદ નથી, એ બધા પાકિસ્તાન જતા રહો.

અચ્છા તો તું દેશી ગર્લ થઈને અમેરિકન ટીવીમાં થોડાં ડૉલર માટે કોઈ હિન્દુને આતંકવાદી કહીને દેશ માટે ગદ્દારી કરીશ... અરે ઓ પ્રિયંકા, પાકિસ્તાનમાં જઈને રહેજે પછી જે મરજી હોય એ કરજે. મુંબઈમાં પરત આવવાની હિંમત પણ ના કરીશ, સાંભળે છે ને તું.

મારા મિત્ર અબ્દુલ્લા પનવાડીને 24 કલાક ટીવી જોવાની બીમારી છે, તેઓ આવા સમચાર સાંભળીને મારું મગજ ખાતા હોય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કાલે અબ્દુલ્લાએ ફરી મને રોક્યો..."ભાઈ, જરાક સમજાવો કે ભારતમાં લોકો કયા પ્રકારની વાતો કરી રહ્યા છે, આ લોકો બધાને પાકિસ્તાન મોકલવા માગે છે.

"પ્રિયંકા, શાહરુખ અને આમિર તો ઠીક છે પણ આ લોકો અડવાણીજીને તો પાકિસ્તાન નહીં મોકલે ને, કેમ કે અડવાણીજી કરાંચીમાં ઝીણાની મઝાર પર ગયા હતા.

"વાજપેયીજીને એ બસમાં બેસાડીને તો અહીં મોકલી નહીં દે ને કે જેઓ આવીને સીધા 'મિનાર-એ-પાકિસ્તાન' ગયા હતા, ત્યાં 1940માં મુસ્લિમ લીગે ભારતના વિભાજનની માગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

"નહેરુજીના અસ્થિ તો પાકિસ્તાન નહીં મોકલી દે ને જેમણે છમાંથી ત્રણ નદીઓ પર પાકિસ્તાનનો હક સ્વીકાર્યો હતો."

મેં અબ્દુલ્લાને આશ્વાસન આપ્યું કે એવું કંઈ થવાનું નથી તું ચિંતા ન કરીશ, આ બધું જ સત્તાને ચમકાવવાનું ચક્કર છે. પ્રેમને કોઈ વિઝા આપતું નથી અને ધૃણાને વિઝાને જરૂર નથી.

આ અંગે અબ્દુલ્લાએ માથું હલાવતા કહ્યુ કે, તમારી વાતમાં મને ખબર કંઈ નથી પડી ભાઈ, પણ તમે વાત બહુ સારી કીધી છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો