અમેરિકાએ ગેરકાયદે પ્રવાસી માતાપિતાથી અલગ કરી બાળકોને પાંજરામાં પૂર્યાં

અમેરિકાના ટેક્સાસ સ્થિત ડિટેન્શન સેન્ટર(અટકાયત કરેલા લોકોને રાખવામાં આવતું કેન્દ્ર)માં બાળકોને તેમના માતાપિતાથી અલગ કરી પાંજરામાં રાખવામાં આવ્યા છે.

અટકાયત કેન્દ્રમાં 1100થી વધુ અમેરીકામાં ગેરકાયદે ઘૂસતા પ્રવાસીઓ છે જેઓને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે.

એકમાં માત્ર બાળકો, બીજામાં વયસ્કો અને ત્રીજામાં બાળકો સાથે તેમના માતાપિતાને રાખવામાં આવ્યાં છે.

એસોસિયેટેડ પ્રેસના રિપોર્ટ મુજબ એક પાંજરામાં 20 બાળકોને રાખવામાં આવ્યાં હતાં.

પાંજરાની અંદર તેમને પાણીની બૉટલો, ચીપ્સનાં પૅકેટ્સ અને લાંબી ફૉઇલ સીટ આપવામાં આવી છે.

ડેમોક્રેટિક સેનેટ જેફ મર્ક્લેએ કેમ્પની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે અંદર લગભગ 1500 બાળકો છે.

શા માટે બાળકોને કરાયાં અલગ?

બ્રાઉન્સવીલે શહેરથી લગભગ 60 માઇલ દૂર એક ગોડાઉન છે જેમાં 10થી 17 વર્ષના યુવાનોને રાખવામાં આવ્યા છે.

ગેરકાયદે મેક્સિકોથી અમેરીકામાં ઘૂસતી વખતે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

ટ્રમ્પ સરકારે ગેરકાયદે પ્રવાસીઓને લઈને 'ઝીરો ટોલરન્સ પૉલિસી' અપનાવી છે. જેમાં ઝડપાયેલા લોકોને તેમનાં બાળકોથી અલગ કરી દેવામાં આવે છે.

અમેરિકામાં જ આ નીતિનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. એટલું જ નહીં ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પે પણ શરણાર્થીઓને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

તેમના પ્રવક્તાએ કહ્યું, "બાળકોને તેમના માતાપિતાથી અલગ કરવાં ખૂબ જ ખરાબ પગલું છે."

ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી લોરા બુશે નીતિનો વિરોધ કરતાં કહ્યું કે આ કૅમ્પ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકન અને જાપાનીઝને રાખવામાં આવતા કૅમ્પ જેવો છે.

વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલા અહેવાલમાં તેમણે લખ્યું છે કે બાળકોને તેમના માતાપિતાથી દૂર કરવાની નીતિ ક્રૂર, અપ્રામાણિક અને દિલ દુભાવતી છે.

અટકાયત કેન્દ્રની અંદરનાં દ્રશ્યો

યુએસ અધિકારીઓ અને બૉર્ડર પ્રૉટેક્શન વિભાગે આ કેન્દ્રની અંદરની તસવીરો જાહેર કર્યા બાદ આ સમાચાર ચર્ચામાં છે.

ડેમોક્રેટીક સેનેટર જેફ મર્ક્લે નીતિ ઘડનારા નેતાઓ સાથે રવિવારના રોજ મેકએલન સ્થિત આ કેન્દ્રની મુલાકાત લીધી હતી.

મુલાકાત બાદ સીએનએન સાથે વાત કરતાં તેમણે કહ્યું, "30X30ના પાંજરામાં યુવાનોને રાખવામાં આવ્યા છે."

બીબીસી સાથે વાત કરતાં મર્ક્લે કહ્યું, "તેઓ આ નીતિને ઝીરો ટોલરન્સ કહે છે, પરંતુ સાચા અર્થમાં આ નીતિ ઝીરો-માનવતા સમાન છે."

મેક્સિકોમાંથી ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરતા લોકોને અહીં રાખવામાં આવ્યા છે.

યુએસ બૉર્ડર અધિકારીઓના જણાવ્યા અનુસાર 'ઝીરો ટોલરન્સ' નીતિ અંતર્ગત પહેલાં બે અઠવાડિયામાં 658 સગીરો (જેમાં નાનાં બાળકોનો પણ સમાવેશ થાય છે)ને તેમના માતાપિતાથી અલગ કરી દેવામાં આવ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો