નવાઝ શરીફ : પરમાણુ પરીક્ષણથી લઈને જેલ સુધીની સફર

    • લેેખક, આબિદ હુસેન
    • પદ, બીબીસી ઉર્દૂ

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન મોહમ્મદ નવાઝ શરીફનો જન્મ એક સમૃદ્ધ પરિવામાં થયો હતો.

70ના દાયકામાં નવાઝ શરીફ રાજકારણના મેદાનમાં ઊતર્યા હતા અને જનરલ ઝિયાના સમયમાં તેમને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા.

વર્ષ 1985માં તેઓ પંજાબના મુખ્ય મંત્રી બન્યા અને 1988ની ચૂટંણીમાં ઇસ્લામી જમ્હૂરી ઇત્તેહાદ (આઈજેઆઈ) નામની પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા.

પરિણામ સ્વરૂપે તેઓ ઇસ્લામાબાદમાં કોઈ પ્રભાવ ન પાડી શક્યા, પરંતુ પંજાબનો કિલ્લો સાચવી રાખતા બીજી વખત મુંખ્યમંત્રી બની ગયા.

થોડા સમય બાદ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકાર ગઈ અને વર્ષ 1990ની ચૂંટણીમાં આઈજેઆઈની કમાન તેમના હાથમાં આવી ગઈ. ચૂંટણીમાં તેમની પાર્ટી જીતી અને તેઓ પહેલી વખત દેશના વડા પ્રધાન બન્યા.

માત્ર ત્રણ વર્ષમાં તત્કાલિન રાષ્ટપતિ ગુલામ ઇસ્હાક ખાન સાથે મન દુ:ખ થતા તેમની સરકારને બરતરફ કરી દેવામાં આવી, પરંતુ નવાઝ શરીફ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા અને તેમની સરકારને બચાવી લીધી.

જોકે, આ ખુશી વધુ સમય ટકી નહીં. રાષ્ટ્રપતિ સાથે તેમના મતભેદ ચાલુ રહ્યા અને આખરે તેમણે સત્તા છોડવી પડી.

સત્તા પલટો

વર્ષ 1993ની ચૂંટણીમાં પીપીપીના ઉમેદવાર બેનઝીર ભુટ્ટો વડાં પ્રધાન બન્યા પરંતુ ભ્રષ્ટાચારના આરોપમાં તત્કાલીન રાષ્ટ્રપતિ ફારુખ લેગારીએ બેનઝીરની સરકારને બરતરફ કરી દીધી.

આ વાતનો ફાયદ નવાઝ શરીફને મળ્યો અને વર્ષ 1997માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેઓ ભારે બહુમતીથી જીત્યા અને બીજી વખત દેશના વડા પ્રધાન બની ગયા.

વર્ષ 1998માં ભારતે પરમાણુ પરીક્ષણ કર્યુ જેના જવાબમાં નવાઝ શરીફની સરકારે બલુચિસ્તાનમાં પાંચ બૉમ્બ બ્લાસ્ટ કર્યા.

ત્યારબાદ તેમણે 1999માં ભારતના તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે લાહોરમાં મુલાકાત કરી અને બન્ને દેશોએ સંબંધ સુધારવાના પ્રયાસો કર્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

પરંતુ આ વખતે નવાઝ શરીફ પોતાનો કાર્યકાળ પૂરો ના કરી શક્યા અને પાકિસ્તાનના તત્કાલીન સેના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફે સત્તા પલટો કરી પોતે પાકિસ્તાનની ગાદી પર બેસી ગયા.

મુશર્રફે સરકાર સંભાળ્યા બાદ નવાઝ શરીફ પર ઘણા કાયદાકીય પગલાઓ લીધા અને તેમને જેલ મોકલી દીધા.

આ દરમિયાન તેમની પત્ની કુલસુમ નવાઝ અને દીકરી મરિયમ નવાઝે સૈન્ય શાસન વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું.

થોડા સમય બાદ પરવેઝ મુશર્રફ સાથે નવાઝ શરીફની ડીલ થયા બાદ તેમની સજા માફ કરી દેવામાં આવી, પરંતુ તેમને પાકિસ્તાન છોડીને સાઉદી અરબમાં આશરો લેવો પડ્યો.

નવાઝ શરીફની ગેરહાજરીમાં વર્ષ 2002માં થયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી સારું પ્રદર્શન કરી શકી નહીં.

પાકિસ્તાન પરત ફર્યા

વર્ષ 2006માં નવાઝ શરીફની મુલાકાત તેમના રાજકીય વિરોધી બેનઝીર ભુટ્ટો સાથે લંડનમાં થઈ અને બન્નેએ પરવેઝ મુશર્રફ વિરુદ્ધ આંદોલન કરવું અને પાકિસ્તાનમાં લોકતંકત્રના ઉદય માટે સાથે મળીને લડવાનો નિર્ણય કર્યો.

સુપ્રીમ કોર્ટની પરવાનગી બાદ નવાઝ શરીફે વર્ષ 2007માં પાકિસ્તાન પરત ફરવાનો નિર્ણય કર્યો, પરંતુ પરવેઝ મુશર્રફની સરકારે તેમને એરપોર્ટ પરથી જ સાઉદી અરબ મોકલી દીધા.

બે મહિના બાદ તેઓ પાકિસ્તાન પરત ફર્યા અને લાહોર એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

ત્રણ વખત સત્તામાં આવ્યા

ફેબ્રુઆરી 2008ની ચૂંટણીમાં નવાઝ શરીફની પાર્ટી મુસ્લિમ લીગ બીજા નંબરે રહી અને પીપીપી (પાકિસ્તાન પીપલ્સ પાર્ટી) સાથે મળીને તેમણે ગઠબંધન સરકાર બનાવવાનો નિર્ણય કર્યો. પરંતુ આ ગઠબંધન વધુ સમય ટક્યું નહીં અને નવાઝ શરીફની પાર્ટી સરકારથી અલગ થઈ ગઈ.

બે વર્ષ બાદ મતલબ કે મે 2013માં એક વખત સામાન્ય ચૂંટણી થઈ. આ સમયે તેમની પાર્ટી ચૂંટણી જીતી અને નવાઝ શરીફ ત્રીજી વખત વડા પ્રધાન બન્યા. હાલમાં તેમનો મુકાબલો ક્રિકેટરથી રાજનેતા બનેલા ઇમરાન ખાન સાથે છે.

ઇમરાન ખાને, નવાઝ શરીફ પર ચૂંટણી દરમિયાન છેતરપિંડીના આરોપ લગાવ્યા. વર્ષ 2014માં ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં મહિનાઓ સુધી ધરણા પ્રદર્શન કર્યા હતા.

આ બધાની વચ્ચે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં નવાઝ શરીફે ભાગ લીધો હતો. એટલું જ નહીં વર્ષ 2015માં તેમણે લાહોરમાં નરેન્દ્ર મોદીનું સ્વાગત પણ કર્યું હતું.

આ સિવાય તેમણે ચીન સાથે મળીને ચીન-પાકિસ્તાન આર્થિક કૉરિડૉરની શરૂઆત પણ કરી હતી.

પતનની શરૂઆત

વર્ષ 2016માં જ્યારે પનામા પેપર્સમાં તેમનું અને તેમના પરિવારના લોકોનું નામ બહાર આવ્યું, ત્યારે તેમનું રાજનૈતિક પતન થવાનું શરૂ થયું .

આ તકનો ફાયદો ઉઠાવીને ઇમરાન ખાને ફરીથી તેમની વિરુદ્ધ પ્રદર્શનો શરૂ કર્યા અને તેમના રાજીનામાંની માગણી કરી. આખરે સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2016માં નવાઝ શરીફ પર લાગેલા આરોપોની તપાસના આદેશ આપ્યા.

આ દરમિયાન સેના સાથે પણ તેમના મતભેદ બહાર આવ્યા. એપ્રિલ 2017માં તેમને ગુનેગાર ઠેરવવામાં આવ્યા. તેમની પર આરોપ હતો કે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમણે યુનાઇટેડ આરબ અમિરાતમાં નોકરી કરવાની વાતનો ઉલ્લેખ નહોતો કર્યો.

તેમને આ મુદ્દે દોષી ઠેરવવામાં આવ્યા અને વડા પ્રધાન પદથી હટાવવામાં આવ્યા. આ અંગે નિર્ણય કરતી વખતે એવું કહેવામાં આવ્યું હતું કે તેમની પર ભષ્ટ્રાચારના ત્રણ આરોપોની પણ તપાસ થશે.

સપ્ટેમ્બર 2017માં પાકિસ્તાનની વિશેષ ભ્રષ્ટાચાર નિરોધક અદાલતે કાર્યવાહી શરૂ કરી. આ કેસની કાર્યવાહી દસ મહિના સુધી ચાલતી રહી અને આ દરમિયાન તેમની પત્ની કુલસુમ નવાઝને કૅન્સરે કારણે લંડન લઈ જવા પડ્યા.

પોતાની છબી સુધારવા માટે નવાઝ શરીફે દેશભરમાં રેલીઓ કરીને સમર્થન મેળવવાના પ્રયાસો કર્યા અને કોર્ટની કાર્યવાહીને ષડયંત્ર ગણાવ્યું. પરંતુ આખરે જુલાઈમાં કોર્ટે તેમને દોષી ઠેરવ્યા.

તેમને દસ વર્ષની સજા અને 80 લાખ પાઉન્ડ(લગભગ 72 કરોડ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો. કોર્ટની કાર્યવાહી સમયે નવાઝ શરીફ લંડન સ્થિત તેમના અપાર્ટમેન્ટમાં હતા. આ એ જ મિલકત હતી જેમને લઈને તેમના પર આવકથી વધારે મિલકત રાખવાનો પણ આરોપ લાગ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો