વ્યભિચારના કાયદામાં ફેરફારથી લગ્નસંસ્થા પર જોખમ સર્જાશે?

    • લેેખક, ટીમ બીબીસી
    • પદ, નવી દિલ્હી

અડલ્ટરી એટલે કે વ્યભિચાર, આ શબ્દ ફરી ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એક અરજીમાં પોતાનો મત રજૂ કરતાં સરકારે જણાવ્યું છે કે વ્યભિચાર સંબંધી કાયદાને હળવો બનાવવાથી કે તેમાં ફેરફાર કરવાથી દેશમાં લગ્ન જેવી સંસ્થાઓ પર જોખમ સર્જાઈ શકે છે.

ઇટાલીમાં રહેતા બિન-નિવાસી ભારતીય જોસેફ શાઈને આ સંબંધે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે.

તેમણે અપીલ કરી છે કે ભારતીય દંડ સંહિતા(આઈપીસી)ની કલમ ક્રમાંક 497 હેઠળ જે વ્યભિચાર વિશેનો કાયદો છે તેમાં પુરુષ તથા મહિલા બન્નેને સમાન સજા થવી જોઈએ.

એ અરજીના જવાબમાં સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે આ કાયદામાં ફેરફાર કરીને પુરુષ તથા મહિલા બન્નેને સમાન સજાની જોગવાઈ કરવામાં આવશે તો વ્યભિચાર કાયદો હળવો થઈ જશે અને સમાજ પર તેની માઠી અસર થશે.

શું છે અડલ્ટરી કાયદો?

સૌથી પહેલાં અડલ્ટરી કાયદાને તથા તેનો કાયદાકીય પરિભાષામાં તેનો અર્થ શું છે એ સમજીએ.

આ કાયદાની રચના 1860માં કરવામાં આવી હતી અને 150થી વધુ વર્ષ જૂના આ કાયદાને આઈપીસીની કલમક્રમાંક 497 હેઠળ પરિભાષિત કરવામાં આવ્યો છે.

કોઈ પુરુષ પરણેલી સ્ત્રી સાથે તેની સહમતિથી શારીરિક સંબંધ બાંધે તો સ્ત્રીના પતિની ફરિયાદને આધારે તે પુરુષને વ્યભિચાર વિશેના કાયદા હેઠળ ગુનેગાર માનવામાં આવે છે.

આવા કિસ્સામાં પુરુષને પાંચ વર્ષના કારાવાસ અથવા દંડ અથવા બન્ને સજા કરવાની જોગવાઈ છે.

જોકે, આ કાયદામાં એક ગૂંચ એવી છે કે પરણેલો પુરુષ કોઈ કુંવારી સ્ત્રી કે વિધવા સાથે શારીરિક સંબંધ બાંધે તો તેને અડલ્ટરી કાયદા હેઠળ દોષી માનવામાં આવશે નહીં.

કાયદા બાબતે મતભેદ

જોકે, બે વયસ્ક વ્યક્તિઓ તેમની મરજીથી લગ્નેતર સંબંધ બાંધે તેના પરિણામ સ્વરૂપે માત્ર એક પક્ષને જ સજા શા માટે કરવી જોઈએ, આ બાબત વિવાદનો વિષય છે.

ખાસ કરીને પુરુષો આ કાયદા સામે વાંધો લેતા હોય છે.

ચંડીગઢની પીટીઆઈ હોસ્પિટલમાં કાર્યરત નવીન કુમારનાં લગ્ન બે વર્ષ પહેલાં થયાં હતાં. તેમનાં પત્ની બિહારમાં રહે છે. નવીન માને છે કે આ કાયદો સંપૂર્ણપણે અયોગ્ય છે.

પરણેલો પુરુષ અને પરણેલી સ્ત્રી એકમેકની સહમતિથી એકમેકની સાથે લગ્નેતર સંબંધ બાંધે તો એ કાયદાકીય રીતે ખોટું હોય તો તેની સજા બન્નેને થવી જોઈએ.

નવીન કુમારે કહ્યું હતું, "કોઈને માત્ર મહિલા હોવાને કારણે છોડી મૂકવામાં આવે તો એ તદ્દન ખોટું છે.”

"તેનું કારણ એ છે કે જે મહિલા લગ્નેતર સંબંધ બાંધતી હશે એ પોતાના માટે શું સારું છે અને શું ખરાબ છે એટલું તો સમજતી જ હશે.”

"તેથી કંઈ ગેરકાયદે હોય તો તેની સજા પણ બન્નેને થવી જોઈએ."

બીજી તરફ મહિલાઓ પાસે પણ પોતાના તર્ક છે. બીબીસી, હિન્દીના મહિલાઓ સાથે જોડાયેલા એક ગ્રૂપમાં તોશી શંકરે આ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

તોશી શંકરે લખ્યું, "ન્યાયિક પ્રક્રિયા સમાનતાની વાત કરે છે એ મને બહુ દિલચસ્પ લાગે છે, પણ કેટલી વિસંગતિઓ છે તેની વાત નથી કરતી.”

"અડલ્ટરી કાયદામાં પુરુષ તથા મહિલા બન્નેને સજા કરવાથી, ખરાબ લગ્નજીવનને લીધે બહાર પ્રેમ શોધતી મહિલાઓને કાયદાની ચૂંગાલમાં ફસાવવાનું આસાન બની જશે."

અલબત, તોશી શંકર માને છે કે ખરાબ લગ્નજીવનમાં ફસાવાની અને બહાર પ્રેમ શોધવાની સમસ્યા પુરુષોના જીવનમાં પણ સર્જાઈ શકે છે, પરંતુ વર્તમાન સમયમાં મહિલાઓ સાથે આવું વધું થાય છે.

અગાઉ શું થયું હતું?

જોસેફ શાઈનની અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ સમક્ષ હાલ ચાલી રહી છે.

આ વર્ષની પાંચમી જાન્યુઆરીએ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને વડા ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણ હેઠળની ખંડપીઠે જાહેર હિતની આ અરજીને બંધારણીય ખંડપીઠ પાસે મોકલી હતી.

સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે આ અરજી બાબતે ફેંસલો કર્યો નથી.

અડલ્ટરી કાયદા બાબતે સવાલ ઉઠાવવામાં આવ્યો હોય તેવો આ પહેલો કિસ્સો નથી. 1954, 1985 અને 1988માં પણ આ કાયદા બાબતે સવાલ કરવામાં આવ્યા હતા.

ગયા વર્ષે એક અરજીની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે માત્ર પુરુષને જ ગુનેગાર માનતો અડલ્ટરી કાયદો જૂનવાણી તો નથીને?

1954 અને 2011માં આ મામલે બે વખત ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં આ કાયદાને સમાનતાનું ઉલ્લંઘન કરતો ગણવામાં આવ્યો ન હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો