You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગામડાં કે નાનાં શહેરો જ નહીં પરંતુ દિલ્હી જેવા મેટ્રો સિટીમાં પણ સરખી સ્થિતિ
પ્રશ્નો-ભરેલી આંખોથી છોકરી પોતાની માતા તરફ જોઈ પૂછ્યું, " નાદુરસ્ત તબિયતને લગ્ન સાથે શું સંબંધ છે?" માતા માથું હલાવીને "ના"માં જવાબ આપે છે.
છોકરીને બહાર મોકલીને ડૉક્ટર એની માતા જોડે બેસી ધીમા અવાજે એવા પ્રશ્નો પૂછે છે કે આસપાસ બેસેલાં લોકો તથા અન્ય દર્દીઓ વચ્ચે ગુસપુસ શરૂ થઈ જાય છે.
હકીકતમાં, છેલ્લા 2 મહિનાથી છોકરીનાં પીરિયડ્સ મિસ થયા છે. તેણીએ આ વાત તેની માતાને કહી. માતા તેને ડૉક્ટર પાસે લઇ આવી.
પરંતુ હાજર લોકો તેને શંકાની દૃષ્ટિએ જુએ છે. નાના નગરના રહેવાસી આ વાતથી અજાણ છે. તે વારંવાર માતાને પૂછે છે, "ડૉક્ટરે શા માટે મારા લગ્ન વિશે પૂછ્યું?"
આ પ્રકારના પ્રશ્નો ફક્ત ગામડાં અથવા નાનાં નગરોમાં જ પૂછવામાં આવતા નથી, દિલ્હી જેવા મોટા શહેરોની પણ આ જ સ્થિતિ છે.
હાલમાં, વિવિધ મુદ્દાઓ પર જાગૃતિ અને પરિવર્તન લાવનારી વેબસાઈટ Change.org પર વાંચ્યું,
"હું એક સિંગલ છોકરી છું. તાજેતરમાં પીરિયડ્સ મિસ થવાથી હું એક ડૉક્ટરની પાસે ગઈ. હું એવી આશા સાથે ગઈ હતી કે ડૉક્ટર મારી બીમારીનું નિદાન કરશે. મને દવાઓ આપશે, મારી મદદ કરશે પણ આનાથી વિપરીત થયું."
"તેમણે મને વિચિત્ર પ્રશ્નો પૂછ્યા. દાખલા તરીકે, 'શું મારા લગ્ન થયાં છે?', 'મારો બોયફ્રેન્ડ છે?', 'શું હું સેક્સ કરું છું?' ડૉક્ટરના આ વ્યવહારથી હું આશ્ચર્યમાં મુકાઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટના પૂજા (નામ બદલ્યું છે.) સાથે ઘટી હતી. પૂજા આ પ્રકારના વ્યવહારથી ખૂબ નારાજ છે. એમનું માનવું છે કે ડૉક્ટરે અપરિણિત અથવા સિંગલ મહિલાઓને આ પ્રકારના પ્રશ્નો ન પૂછવા જોઈએ અને 'નૈતિકતા'ના પાઠ ના ભણાવવા જોઈએ.
સેક્સ્યૂઅલ સ્વાસ્થ્યથી જોડાયેલા મુદ્દા પર ડૉક્ટર ઘણી વખત વૈવાહિક સ્થિતિ સાથે જોડાયેલ પ્રશ્નો પૂછે છે. ગાઇડલાઇન્સ મુજબ, "શું તમે સેક્સ્યૂઅલી એક્ટિવ છો?" જેવો પ્રશ્ન પૂછવો જોઈએ.
ડૉક્ટર તૃપ્તિ એક ગાયનેકૉલૉજિસ્ટ છે. તે દિલ્લીની વિદ્યાસાગર હેલ્થ સેન્ટરમાં કામ કરે છે. તેમની પાસે શહેરી અને દિલ્હીના ગ્રામીણ વિસ્તારોથી પણ દર્દીઓ આવે છે. તેમના મતે, એક દર્દીના સેક્સ જીવન અને સેક્સુઅલ પ્રવૃત્તિ વિશે ડૉક્ટરે જાણવું જરૂરી છે.
વધુમાં, તે આ પણ માને છે કે દર્દી વિવાહિત/અવિવાહિત છે, તે કેટલી સેક્સ્યુઅલી એક્ટિવ છે, વગેરે જેવી વાતો સાથે ડૉક્ટરને ખાસ મતલબ ન હોવો જોઈએ.
બીબીસી સાથે વાતચીતમાં તેમણે કહ્યું, "હું છોકરીઓને સેફ સેક્સની સલાહ આપું છું. છોકરીઓ પીરિયડ મિસ કરે તે જાતીય સ્વાસ્થ્ય સંબંધિત નથી. આ ઉપરાંત, ઘણી સમસ્યા હોઈ શકે છે, જેમ કે સંક્રમણ અથવા યૌન સંક્રમણથી ફેલાતા રોગો."
દિલ્હીની 25 વર્ષીય રહેવાસી અર્શિયા પ્રમાણે, "યોનિમાર્ગ રોગસંક્રમણ હોવાથી હું એક ગાયનેકૉલૉજિસ્ટ પાસે ગઈ હતી. મેં તેમને પૂછ્યું, "શું આનું કારણ એસિડિટી તો નથી?"
ડૉક્ટરે કહ્યું, "જો તમે અવિવાહિત છો તો એસિડિટીની સમસ્યા નથી."
ડૉક્ટર્સ એવું માને છે કે જો તમે વિવાહિત હો તો જ તમે સેક્સ કરી શકો છો, તેની સામે અર્શિયાને વાંધો છે.
ડૉક્ટર પ્રવીણ ઝા, જે આ ક્ષણે નોર્વેમાં પ્રેક્ટિસ કરે છે. તેઓ કહે છે, "ગાઇડલાઇન્સ મુજબ નાની સમસ્યાઓ માટે દર્દી સિવાય અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત કરવી જરૂરી નથી. પણ પ્રેગનન્સી જેવો ગંભીર મુદ્દો હોય તો છોકરીના પાર્ટનર અથવા કોઈ નજીકની વ્યક્તિને જાણ કરવી અનિવાર્ય થઈ જાય છે."
તે કહે છે, "ઘણી વખત ગામડાંઓમાંથી છોકરીઓ આવે છે. જેમને ગર્ભવતી હોવાની પણ ખબર નથી હોતી. તેમને માત્ર એટલી ખબર હોય છે કે તેમને પેટમાં દુઃખે છે. આ સ્થિતિમાં એમનાં માતા-પિતાને બોલાવા પડે છે."
જ્યાં મહિલા સ્વાસ્થ્યની વાત આવે છે, ત્યારે બધા ચૂપ થઇ જાય છે અથવા આડકતરી રીતે વાતો કરે છે. આપણા ડૉક્ટર્સ પણ આ સમાજનો જ એક ભાગ છે.
મેડિકલ સાયન્સ એમના રોગનું નિદાન કરવા તથા તેનો ઉપચાર કરતા શીખવે છે. પણ તેઓ સમજી શકતા નથી કે તેમનું કાર્ય ચુકાદો આપવાનું કે મોરલ સાયન્સનાં લૅક્ચર આપવાનું નથી.
શું આપણે એવાં ભવિષ્યની કલ્પના કરી શકીએ જ્યાં છોકરીઓ સેક્સથી જોડાયેલી સમસ્યાઓ વિશે મુક્ત રીતે બોલી શકે? કમસેકમ ડૉક્ટર્સને તો કહી શકે.