You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'આપબળે અબજોપતિ બની ગયેલી' આ અમેરિકન યુવતી છે કોણ?
'કીપિંગ અપ વિથ ધ કાર્ડેશિયન્શ'ની સ્ટાર કાયલી જેનર માત્ર 20 વર્ષની વયે 900 મિલિયન ડૉલર (આશરે 61.48 અબજ રૂપિયા)ની સંપતિ ધરાવતી હોવાનું વિખ્યાત બિઝનેસ સામયિક 'ફોર્બ્સ'એ જણાવ્યું છે.
મૅગેઝિનના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા સ્ટાર કાયલી જેનર 'ઘણી નાની વયે આપબળે અબજોપતિ' બનવાની તૈયારીમાં છે.
કાર્ડેશિયન પરિવારની સૌથી નાની દીકરી કાયલી જેનર ફેશન ગુરુ છે અને તેમણે તેમની પોતાની બ્રાન્ડનાં સૌંદર્યવર્ધક પ્રસાધનોનો બિઝનેસ ત્રણ વર્ષ પહેલાં શરૂ કર્યો હતો.
કાયલી જેનરની મોટી બહેન 37 વર્ષીય કિમ કાર્ડેશિયન વધુ વિખ્યાત છે, પણ તેમની નેટવર્થ 350 મિલિયન ડૉલર (લગભગ 23.92 અબજ રૂપિયા) કરતાં ઓછી છે.
કાયલી જેનરની ઉંમર તે અમેરિકામાં જાહેરમાં દારૂ પી શકે એટલી પણ નથી. એ આ વર્ષે ઓગસ્ટમાં 21 વર્ષનાં થશે.
કાયલી જેનરના સુંદર હોઠનું વર્ણન કરતાં ફોર્બ્સે લખ્યું છે, "કાયલીની સાવકી બહેન કિમ કાર્ડેશિયન વેસ્ટે પોતાના શારીરિક સૌંદર્ય વડે જે હાંસલ કર્યું હતું, એ કાયલીએ તેના હોઠ દ્વારા હાંસલ કર્યું છે."
સ્ટોર્મી નામની એક દીકરીની માતા બની ચૂકેલાં કાયલી જેનરે આ સપ્તાહની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તેઓ ડર્મલ ફિલર્સ તરીકે ઓળખાતાં લિપ ઇન્જેક્ષન્શ લેવાનું બંધ કરશે.
લિપ ફિલર્સના ઉપયોગની કબૂલાત
2015માં 'કીપિંગ અપ વિથ ધ કાર્ડેશિયન્શ'ના એક એપિસોડમાં કાયલીએ કબૂલ કર્યું હતું કે તેમના કુદરતી હોઠ એક પ્રકારની અસલામતીનું કારણ બન્યા હોવાથી તેઓ ટેમ્પરરી લિપ ફિલર્સનો ઉપયોગ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી તેમણે કાયલી કૉસ્મેટિક્સ નામની બ્રાન્ડ લોન્ચ કરી હતી.
શું તમે આ વાંચ્યું?
ઓવર-લાઇનિંગ તથા ફિલિંગ વડે પોતાના હોઠ મોટા દેખાડવા ઇચ્છતા ગ્રાહકોને મદદરૂપ થવાના હેતુસર કાયલી કૉસ્મેટિક્સની લિપ પ્રોડક્ટ્સ લૉન્ચ કરવામાં આવી હતી.
પરંપરાગત સૌંદર્યવર્ધક પ્રસાધનોથી વિપરીત રીતે કાયલી કૉસ્મેટિક્સની તમામ પ્રોડક્ટ્સનું વેચાણ માત્ર ઑન લાઇન કરવામાં આવે છે.
કાયલીના કૉસ્મેટિક્સ તેમના ચાહકોમાં અત્યંત લોકપ્રિય બન્યાં છે. એ પ્રોડક્ટ્સ ઑન લાઇન મૂકાતાંની સાથે જ ચપોચપ વેચાઈ જાય છે અને ધસારો એટલો હોય છે કે વેબસાઇટ્સનાં સર્વર ક્રૅશ થઈ જાય છે.
800 મિલિયન ડૉલરની કંપની
ફોર્બ્સના જણાવ્યા મુજબ, કાયલી જેનર તેમની કંપનીની સંપૂર્ણ માલિકી ધરાવે છે અને એ કંપનીનું મૂલ્ય 800 મિલિયન ડૉલર (લગભગ 54.6 અબજ રૂપિયા)નું છે.
ફોર્બ્સે તૈયાર કરેલી આપબળે સમૃદ્ધ થયેલી અમેરિકન સ્ત્રીઓની યાદીમાં કાયલી જેનર 27મા સ્થાને છે.
કાયલી જેનરે 400 મિલિયન ડૉલર (27.3 અબજ રૂપિયા)ની સંપતિ ધરાવતાં બાર્બરા સ્ટ્રેઈસેન્ડ, 335 મિલિયન ડૉલર (22.8 અબજ રૂપિયા)ની સંપતિ ધરાવતાં બિયોન્સ નોવેલ્સ અને 320 મિલિયન ડૉલર (21.8 અબજ રૂપિયા)ની સંપતિ ધરાવતાં ટેલર સ્વિફ્ટને પાછળ છોડ્યાં છે.
ફેસબૂકના સ્થાપક માર્ક ઝકરબર્ગ 23 વર્ષની વયે અબજોપતિ બન્યા હતા અને કાયલી જેનર તેમના કરતાં નાની વયે અબજોપતિ બનવાની તૈયારીમાં છે.
સ્નેપચેટના માલિક ઈવાન સ્પિગલ તેમના આયુષ્યના ત્રીજા દાયકામાં જ અબજોપતિ બન્યા હતા. જોકે, તેઓ ચોક્કસ કઈ વયે અબજોપતિ બન્યા એ સ્પષ્ટ થયું નથી.
કાયલી જેનરના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના 1.10 કરોડ ફૉલોઅર્સ છે.
એ અકાઉન્ટ પર બુધવારે કાયલીએ લખ્યું હતું, "વાહ રે વાહ, મારા પોતાના ફોટોગ્રાફવાળું ફોર્બ્સનું મુખપૃષ્ઠ હું પોસ્ટ કરી રહી છું એ વાત માન્યામાં નથી આવતી.”
"આ લેખ અને મારી કદર કરવા બદલ આભાર. હું ખુશનસીબ છું કે મનગમતું કામ રોજ કરી શકું છું. આટલું ભવ્ય સપનું મેં જોયું નહોતું."
ફૉર્બ્સ સામયિકના લેખના સંદર્ભમાં ડિક્શનરી ડોટ કોમ વેબસાઈટે 'સેલ્ફ-મેઇડ' શબ્દની વ્યાખ્યા જણાવતી ટ્વીટ કરી હતી.
ડિક્શનરી ડોટ કોમે જણાવ્યું હતું, 'કોઈની મદદ વિના જીવનમાં સફળતા મેળવે તેને સેલ્ફ-મેઇડ કહેવાય.'
શું કહે છે સોશિયલ મીડિયા યૂઝર્સ?
સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સે 'સેલ્ફ-મેઈડ' શબ્દ વાપરવા બદલ ફોર્બ્સની મશ્કરી કરી હતી અને જણાવ્યું હતું કે કાયલી જેનરનાં માતા-પિતા તો પહેલેથી જ સમૃદ્ધ અને વિખ્યાત છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો